રાજસ્થાન

ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. તે આશરે 23° 04´ ઉ. અ.થી 30° 10´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 69° 27´ પૂ. રે.થી 78° 16´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલું છે. તેના છેક દક્ષિણ ભાગમાં આવેલા વાંસવાડા જિલ્લામાં થઈને કર્કવૃત્ત (23 1/2° ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. રાજસ્થાનના પશ્ચિમ તથા વાયવ્ય ભાગમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા વિસ્તરેલી છે. વળી તેની ઉત્તરમાં, ઈશાનમાં અને પૂર્વમાં પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ; પૂર્વ તથા અગ્નિ દિશામાં ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ તેમજ નૈર્ઋત્ય ભાગમાં ગુજરાત રાજ્ય આવેલું છે. બત્રીસ જિલ્લાઓમાં વિભાજિત રાજસ્થાન રાજ્યનું કુલ ક્ષેત્રફળ 3,42,329 ચોકિમી. જેટલું છે. આમ ભારતીય રાજ્યોના સંઘમાં કદની દૃષ્ટિએ જોતાં (મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્ય અલગ થયા પછી) આ રાજ્ય પ્રથમ ક્રમે આવે છે. આ રાજ્યનું પાટનગર જયપુર છે. રાજપૂતોએ સદીઓ સુધી આ પ્રદેશ પર શાસન કર્યું હતું, તેથી સ્વાતંત્ર્ય પૂર્વે આ પ્રદેશ ‘રાજપૂતાના’ તરીકે ઓળખાતો હતો. રાજસ્થાનનો અર્થ ‘રાજાઓનું કે રાજપૂતોનું માદરે વતન’ એવો કરી શકાય. આ પ્રદેશનો ઇતિહાસ શૌર્ય, શીલ, ક્ષમા, સ્વાર્પણ, ઉદારતા વગેરે સદગુણો ધરાવતાં વીરો અને વીરાંગનાઓથી ઉજ્જ્વળ બનેલો છે. આમ તેની આગવી સાંસ્કૃતિક પરંપરાઓથી આ રાજ્યની ઓળખ તદ્દન નિરાળી છે અને આજે પણ અહીંના લોકજીવન પર તેની સ્પષ્ટ અસરો વરતાઈ આવે છે.

પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : આ રાજ્યની ભૂસપાટી પર પર્વતો-ડુંગરો કે ટેકરીઓ, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણપ્રદેશો જેવાં અનેકવિધ ભૂમિસ્વરૂપો જોવા મળે છે. આ રાજ્યની અરવલ્લી ગિરિમાળા ગ્રૅનાઇટ, નાઇસ, શિસ્ટ, આરસ વગેરે અતિપ્રાચીન (પ્રી-કૅમ્બ્રિયન) ખડકોથી રચાયેલી છે. કરોડો વર્ષોથી નિરંતર ચાલી આવતી ઘસારા-ખવાણ-ધોવાણની ક્રિયાઓથી તેની ભૂરૂપરચનામાં ઘણા

રાજસ્થાન રાજ્ય

ફેરફારો ઉદભવેલા છે. ખાસ કરીને તેની ઊંચાઈમાં ઘણો ઘટાડો થયો હોવાનું ભૂવૈજ્ઞાનિકો માને છે, જેથી અરવલ્લીના પહાડો ‘અવશિષ્ટ પર્વતો’ તરીકે જાણીતા છે. રાજ્યની નૈર્ઋત્યેથી શરૂ થતી આ ગિરિમાળા ઈશાનમાં ખેતરી સુધી લંબાયેલી છે, જેને આપણે એક સંદર્ભરેખા તરીકે લઈએ તો એમ કહી શકાય કે રાજ્યનો આશરે 3/5  ભાગ આ સંદર્ભરેખાથી પશ્ચિમમાં અને બાકીનો 2/5 ભાગ પૂર્વમાં આવેલો છે. આ સંદર્ભરેખાથી પશ્ચિમમાં આવેલા ઘણાખરા ભાગો રેતાળ, સૂકાભઠ્ઠ અને ઓછા ઉપજાઉ છે, જ્યારે તેની તુલનામાં પૂર્વમાં આવેલા પ્રદેશો વધુ વરસાદવાળા, આર્થિક રીતે વિકસિત અને વિશેષ ઉપજાઉ છે. દક્ષિણ અરવલ્લીમાં આબુ પર્વતનું સર્વોચ્ચ સ્થળ ગુરુશિખર, 1,722 મી.ની ઊંચાઈ ધરાવે છે. સામાન્ય રીતે જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ તેમ અરવલ્લીની ઊંચાઈમાં ઘટાડો થતો જાય છે અને કેટલેક સ્થળે તે તૂટક તૂટક સ્વરૂપમાં પણ જોવા મળે છે.

અરવલ્લીથી પશ્ચિમમાં છૂટીછવાઈ ટેકરીઓ સહિત લૂણી તથા  સુક્રી નદીઓનાં મેદાનો તેમજ દૂર પશ્ચિમમાં અફાટ ‘ભારતીય થરનું રણ’ છવાયેલું છે, જે વેરાન પડતરભૂમિરૂપ છે. તેના કેટલાક ભાગોમાં રેતીના ઢૂવા પણ જોવા મળે છે. બીજી બાજુએ અરવલ્લીથી પૂર્વમાં શ્રેણીબદ્ધ પહાડો અને ઉચ્ચપ્રદેશો વિસ્તરેલા છે. આ પૈકી મેવાડ, ચિતોડ અને બુંદીના પહાડો તથા મુકંદવાસના અને અલ્વરના ડુંગરો નોંધપાત્ર છે. વળી ભોરટ (Bhorat), કોટા, સિંગોલી, ઝાલાવાડ, રણથંભોર વગેરે ઉચ્ચપ્રદેશો તેમજ ઉત્તર જયપુર, દક્ષિણ જયપુર, દક્ષિણ મેવાડ, ટોન્ક, ભરતપુર, ગંગાપુરના ઉચ્ચભૂમિના વિસ્તારો (450થી 600 મી.) સૌનું ધ્યાન ખેંચે છે. અહીં આશરે 300થી 400 મી.ની ઊંચાઈએ આવેલાં મેદાનો સામાન્ય રીતે ઉત્તર-પૂર્વનો ઢોળાવ ધરાવે છે. તેમાં મધ્યપ્રદેશની સીમા પાસે ચંબલ તથા તેની ઉપનદીઓ નિર્મિત મેદાનો ‘હરાવતીનાં મેદાનો’ તરીકે તથા ભરતપુરથી ઉત્તરનાં મેદાનો ‘મેવાતનાં મેદાનો’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ઉત્તર મેવાડનું મેદાન તથા સાંભર સરોવરની આસપાસનાં મેદાનો પણ નોંધપાત્ર છે. આ રાજ્યના ઈશાન ખૂણા પર મધ્યપ્રદેશ સાથેના સીમા-વિસ્તારોમાં ચંબલ નદીએ ઊંડાં કોતરોની રચના કરી છે.

રાજ્યનાં પહાડી ક્ષેત્રોનાં ભૂપૃષ્ઠ તથા ઢોળાવો અનુસાર અહીંના જળપરિવાહનો વિકાસ થયેલો છે. અરવલ્લી ગિરિમાળા એક અગત્યનો જળવિભાજક પ્રદેશ (watershed) બનાવે છે. અહીંથી નદીઓનાં વહેણ જુદી જુદી દિશાઓમાં વહેતાં જોઈ શકાય છે. અરવલ્લીના દક્ષિણ ભાગમાંથી ઉદભવતાં નદીનાળાં દક્ષિણ તરફ વહે છે. તેમાં મુખ્યત્વે મહી, બનાસ, સીપુ, સાબરમતી, સોમ, વાકલ, સેઈ, અનાસ વગેરે નદીઓનો સમાવેશ કરી શકાય. આ પૈકીની સોમ અને અનાસ – એ મહી નદીની, જ્યારે વાકલ અને સેઈ – એ સાબરમતીની ઉપનદીઓ છે. જોકે મહી નદીનું મૂળ મધ્યપ્રદેશના ડુંગરાળ ભાગોમાં આવેલું છે. ત્યાંથી તે ઉત્તર તરફ વહીને રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં આવે છે. અહીંથી  તેનું વહેણ વળાંક લઈને દક્ષિણમાં ગુજરાત તરફ જાય છે. મધ્યસ્થ અરવલ્લીના નાગ ડુંગરો પાસેથી લૂણી નદી ઉદભવે છે. તે રાજ્યના નૈર્ઋત્યના રેતાળ પ્રદેશોમાં લગભગ 320 કિમી.ની લંબાઈમાં વહીને ગુજરાતના કચ્છના રણને મળે છે. આ નદી મુદતી છે. આ ઉપરાંત દક્ષિણ અરવલ્લીના પિંડવારા (1,095 મી.) તથા તાલીંદ (1,099 મી.) પાસેથી જવાઈ નદી ઉદભવીને પશ્ચિમ તરફ વહે છે. તેને ખારી નદી મળે છે. તે પછી આ પ્રવાહ ‘સુક્રી’ તરીકે ઓળખાય છે. જવાઈ નદી પર બંધ બાંધવામાં આવેલો છે.

અરવલ્લીથી પૂર્વમાં આવેલાં ડુંગરાળ ક્ષેત્રોનો ઢોળાવ ઉત્તર તથા ઈશાન બાજુનો છે. બનાસ નદી (ગુજરાતની નહિ) દક્ષિણ અરવલ્લીના પહાડોમાંથી કુંભલગઢ પાસેથી ઉદભવે છે અને ત્યાંથી તે ઉત્તર તરફ મેવાડનાં મેદાનોમાં વહીને ચંબલ નદી સાથે સંગમ પામે છે. ચંદ્રભાગા અને બૈરાક, તેની મુખ્ય ઉપનદીઓ છે. રાજ્યની સૌથી મોટી ગણાતી, બારેમાસ ભરપૂર પાણી ધરાવતી ચંબલ નદીનું મૂળ મધ્યપ્રદેશમાં છે. આ નદી પર બંને રાજ્યોની સીમા પર બંધ બાંધવામાં આવતાં મધ્યપ્રદેશમાં ગાંધીસાગર તથા રાજસ્થાનમાં રાણા પ્રતાપસાગર નામનાં બે વિશાળ જળાશયોનું નિર્માણ થયું છે. આ ચંબલ યોજના બંને રાજ્યોની સહિયારી છે, જેનાથી બંને રાજ્યોને સિંચાઈ તથા જળવિદ્યુતના લાભો મળે છે.

આ રાજ્યમાં લૂણી થાળા સહિતનો શેખાવતી વિસ્તાર અંતરિયાળ જળપરિવાહનું દૃષ્ટાન્ત પૂરું પાડે છે. આ ઉપરાંત આ રાજ્યમાં સૌંદર્યના પ્રતીક સમાં અનેક કુદરતી તથા માનવસર્જિત સરોવરો આવેલાં છે. જોકે થરના રણપ્રદેશમાં આવેલાં તેમજ સાંભર અને બીજાં કેટલાંક સરોવરો અર્ધશુષ્ક છે અને ક્ષારમય જળ ધરાવે છે. આ સિવાય બાવસમંદ તથા સરદારસમંદ (જોધપુર પાસે); ઉદયસાગર (ઉદેપુર પાસે); રાજસમંદ (કાંકરોલી પાસે); કનકસાગર (બુંદીથી ઉત્તરમાં); રામસાગર (ધોલપુર પાસે); ઉદય કલાન તથા મોરાનસાગર (ગંગાપુર રેલમથકથી ઉત્તરમાં); જામવા રામગઢ અને અરવારી તળાવો (બાંદીકૂઈથી પશ્ચિમમાં); બર્ધાકા તળાવ (કોટા પાસે); નાહરસાગર તથા ઉમેદસાગર (ભીલવાડાથી ઈશાન ખૂણે); તેમજ અલ્વરની દક્ષિણમાં બે; ભરતપુર પાસે એક તથા નાથદ્વારાથી પૂર્વમાં તથા જયપુરની આસપાસ પણ ઘણાં સરોવરો આવેલાં છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : રાજસ્થાનમાં મોસમી પ્રકારની આબોહવા પ્રવર્તે છે, તેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું  એમ મુખ્ય ત્રણ ઋતુઓનું ચક્ર જોઈ શકાય છે. આ રાજ્યનું સ્થાન દેશના છેક પશ્ચિમ ભાગમાં સમુદ્રથી દૂર આવેલું હોવાથી અહીં ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહે છે, જ્યારે ચોમાસામાં તે મોસમી પવનો દ્વારા અલ્પ પ્રમાણમાં વરસાદ મેળવે છે. આમ એકંદરે આ રાજ્યની આબોહવા ગરમ અને શુષ્ક છે.

હવામહેલ, જયપુર

વનરાજિ ધરાવતાં પહાડી ક્ષેત્રોને બાદ કરતાં બાકી બધે જ ઉનાળામાં ગરમીનું પ્રમાણ વિશેષ રહે છે. અહીંનું સરેરાશ મહત્તમ તાપમાન 42° સે. હોય છે. ખાસ કરીને પશ્ચિમના રણવિસ્તારોમાં ગરમ પવનો (લૂ) વાય છે અને ધૂળનાં તોફાનો ઉદભવે છે. શિયાળામાં અહીંનું સરેરાશ તાપમાન 20° સે.થી 24.5° સે. જેટલું રહે છે. ક્વચિત્ રાત્રિનું લઘુતમ તાપમાન 0° સે.ની લગોલગ પહોંચી જાય છે કે 0° સે.થી નીચે પણ ઊતરી જાય છે. સમુદ્રસપાટીથી 390 મી.ની ઊંચાઈએ આવેલા જયપુરનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 15.1° સે. તથા 33.3° સે. જેટલાં રહે છે. ચોમાસાની ઋતુમાં રાજસ્થાનના પૂર્વ ભાગો તેના પશ્ચિમ ભાગો કરતાં વધુ વરસાદ મેળવે છે. પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ નહિવત્ થઈ જાય છે (વાર્ષિક સરેરાશ 100 મિમી.). જોકે કોઈક વાર અહીં અલ્પ સમયમાં ધોધમાર વરસાદ પણ પડી જતો હોય છે. જયપુરના વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 648 મિમી. જેટલું છે. વળી શિયાળામાં ક્યારેક ભૂમધ્ય સમુદ્ર તરફથી ચડી આવતાં ચક્રવાતીય તોફાનોને લીધે થોડોક કમોસમી વરસાદ પણ પડી જતો હોય છે.

રાજ્યનું વનસ્પતિજીવન તેની આબોહવા પર અવલંબિત છે. વરસાદ પડવાની માત્રા મુજબ તેના પૂર્વ ભાગમાં લીલોતરીનું પ્રમાણ વિશેષ છે, પણ પશ્ચિમ તરફ જતાં તેનું પ્રમાણ તદ્દન ઘટી જાય છે. જોકે અરવલ્લી અને અન્ય ડુંગરાળ ભાગોમાં ઝાંખરાળાં જંગલો છવાયેલાં જોવા મળે છે. પશ્ચિમ રાજસ્થાનની શુષ્ક આબોહવા આછાં વૃક્ષો, ઝાડીઝાંખરાં, વેલા, ઘાસ વગેરે જેવી કંટકયુક્ત, મરૂદભિ વનસ્પતિ(xerophytes)ને વધુ માફક આવે છે. અહીંની વનસ્પતિનાં અંગોમાં રહેલું ચીકણું પ્રવાહી કે દૂધ વાતાવરણની શુષ્કતા સામે તેને રક્ષણ આપે છે. રાજ્યમાં બાવળ, બોરડી, ખીજડો, કંકેડો, ખિમ્પ, ફોગ, રોહિડો, કેરડો, ગૂંદી, ગૂગળ, ખાખરો, આકડો, થોર, ખરસાણી, વરખડો, ઊમરો વગેરે વિવિધ પ્રકારનાં વૃક્ષો અને ક્ષુપો ઉપરાંત ઘાસની કેટલીક જાતો પણ ઊગે છે. વળી ક્યાંક ક્યાંક લીમડો, વડ, પીપળ, આંબો, મહુડો, રાયણ, આમલી, કણજો વગેરે વૃક્ષો પણ જોવા મળે છે. અહીંનાં જંગલોમાંથી મુખ્યત્વે બળતણી લાકડાં, ઘાસ, ગુંદર, પાન તથા ધૂપ જેવી જંગલ-પેદાશો મેળવાય છે. આ રાજ્યમાં જંગલ-વિસ્તાર આશરે 13,353 (ઈ. સ. 1997 મુજબ) ચોકિમી. જેટલો છે.

ખાસ કરીને અહીંના ડુંગરાળ પ્રદેશો પરનાં જંગલો વિવિધ પ્રકારના વન્ય જીવોનું આશ્રયસ્થાન બની રહ્યાં છે. ત્યાં વાઘ, દીપડા, કાળિયાર, નીલગાય, છીંકારાં, સાબર, હરણ, વાંદરાં, સૂવર વગેરે ચોપગાં પ્રાણીઓ તેમજ અનેક પ્રકારનાં સરીસૃપો તથા રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. પશ્ચિમના રણપ્રદેશો પણ વિશિષ્ટ પ્રકારનું પ્રાણીજીવન ધરાવે છે. રણમાં છીંકારાં, કાળિયાર, શિયાળ, લોંકડી વગેરે ચોપગાં પ્રાણીઓ સામાન્ય છે. નાના કદનાં પ્રાણીઓ પૈકી જર્બિલ (Indian desert gerbil)નું પ્રમાણ વિશેષ છે, જે છોડવાઓનાં મૂળ નજીક દર કરીને રહે છે. સરીસૃપો પૈકી જુદી જુદી જાતના સર્પો, ખડચીતળા, સાંઢા, કાચિંડા, ગરોળી વગેરેનો સમાવેશ કરી શકાય. સરીસૃપોનું ભક્ષણ કરતાં શિકારી પક્ષીઓમાં બાજ મુખ્ય છે. આ સિવાય અહીં નષ્ટપ્રાય થયેલું પક્ષી ભારતીય ઘોરાડ (Indian bustard) પણ જોવા મળે છે.

રાજ્યમાં વન્ય જીવોના રક્ષણ માટે અનેક રાષ્ટ્રીય ઉદ્યાનો તથા વન્ય જીવ અભયારણ્યો પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. આ પૈકી કોટા પાસેનું રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (વાઘ-સંરક્ષણ પરિયોજના હેઠળ); ભરતપુર પાસેનું કેવલાદેવ ઘાના પક્ષી રાષ્ટ્રીય ઉદ્યાન તથા અભયારણ્ય (દેશ-વિદેશના સ્થળચર-જળચર પક્ષીઓનાં રક્ષણ માટે); અલ્વર પાસેનું સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન (વાઘ-સંરક્ષણ પરિયોજના હેઠળ) તથા જેસલમેર પાસેનું મરુસ્થલીય રાષ્ટ્રીય ઉદ્યાન (Desert National Park) પ્રખ્યાત છે.

જમીનો, ખેતી અને સિંચાઈ : રાજસ્થાનમાં વિવિધ પ્રકારની જમીનો જોવા મળે છે. મધ્ય રાજસ્થાનના અજમેર જિલ્લાની જમીનો રેતાળ છે અને તેમાં માટીનું પ્રમાણ 3થી 9 ટકા જેટલું છે. પૂર્વમાં જયપુર તથા અલ્વર જિલ્લાઓની જમીનોમાં વૈવિધ્ય જણાય છે. અહીં રેતયુક્ત કાંપની જમીનો(sandy loam)થી માંડીને કાંપયુક્ત રેતાળ જમીનો (loamy sand) આવેલી છે. કોટા, બુંદી તથા ઝાલાવાડના પ્રદેશોની જમીનો સામાન્ય રીતે કાળી અને ઊંડી છે તથા ભરપૂર ભેજ ધરાવે છે. પૂર્વના ઉદેપુર, ચિતોડગઢ, ડુંગરપુર, વાંસવાડા અને ભીલવાડા જિલ્લાની જમીનો મિશ્ર રતાશપડતી કાળા રંગની છે; જ્યારે પશ્ચિમના વિસ્તારોની જમીનો પીળાથી માંડીને રતાશપડતા રંગની છે. જેસલમેર, બાડમેર, ઝાલોર, સિરોહી, જોધપુર, બીકાનેર, ગંગાનગર, ઝૂનઝૂનુન, સિકર, પાલી, નાગૌર વગેરે જિલ્લાઓમાં રેતીનાં અતિવિશાળ મેદાનો પથરાયેલાં છે. આ રેતાળ જમીનો એકંદરે ક્ષારીય છે તથા આલ્કલી ગુણધર્મો ધરાવે છે. અહીં જળની અછત છે અને તે ખૂબ ઊંડાઈએથી પ્રાપ્ત થાય છે. અહીંની રેત ખડીવાળી (કૅલ્શિયમયુક્ત) (chalky) છે. આવી જમીનમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોવાથી તેની ફળદ્રૂપતા વધેલી જણાય છે. અહીંથી ઇન્દિરા ગાંધી નહેર પસાર થાય છે અને જો આ જમીનોને પાણી ઉપલબ્ધ થાય તો અમુક જગ્યાએ ખેતીનો વિકાસ થઈ શકે તેમ છે.

રાજ્યનો મોટો ભાગ શુષ્ક હોવાથી ખેતી માટે સિંચાઈની વિશેષ જરૂરિયાત રહે છે. પીવાનું તથા સિંચાઈ માટેનું પાણી મુખ્યત્વે કૂવાઓ-પાતાળકૂવાઓ દ્વારા મેળવાય છે. આ રાજ્ય સેંકડો જળાશયો (ગ્રામ-તળાવો તથા સરોવરો) ધરાવે છે, પણ તે પૈકીનાં ઘણાંખરાં પાણીની અછત અનુભવે છે. જે વર્ષે સારો વરસાદ થાય ત્યારે તેમાં પાણી રહે છે. કેટલાંક તો આજે માટી-કાંપથી પુરાઈ પણ ગયાં છે. ભાખરા-નાંગલ પરિયોજનામાં આ રાજ્ય પંજાબ સાથે તથા ચંબલ ખીણ પરિયોજનામાં મધ્યપ્રદેશ સાથે ભાગીદારી ધરાવે છે, જેથી તેને ખેતીમાં સિંચાઈના અને પીવાના પાણીના લાભો પ્રાપ્ત થયા છે. ભાખરા નહેરની ઉપશાખા ‘રાજસ્થાન નહેર’ને ઈ. સ. 1980થી ‘ઇન્દિરા ગાંધી નહેર’ નામ આપવામાં આવ્યું છે. તે રાજ્યના વાયવ્ય તથા પશ્ચિમના રણવિસ્તારોની જમીનોમાં સિંચાઈ કરે છે. આ સિવાય આ રાજ્ય પશ્ચિમ યમુના (હરિયાણા) અને આગ્રા નહેર(ઉ. પ્ર.)માંથી પણ પાણી મેળવે છે. ગુજરાતની સરદાર સરોવર (નર્મદા) યોજનામાંથી પણ સિંચાઈ અને જળવિદ્યુતના લાભો લેવાનું તેનું આયોજન છે.

રાજ્યમાં ખેતી તથા પશુપાલન એ આગળપડતી આર્થિક પ્રવૃત્તિઓ છે. આ રાજ્ય વધારાનાં અનાજ તથા શાકભાજીની નિકાસ પણ કરે છે. રાજ્યમાં કુલ ખેતીલાયક જમીનવિસ્તાર આશરે 257 લાખ હેક્ટર (1998-99) જેટલો છે અને તેમાં સિંચિત જમીનવિસ્તાર આશરે 80,000 હેક્ટર (1998-99) જેટલો થવા જાય છે. ડાંગર, જવ, જુવાર, બાજરી, મકાઈ, ચણા, ઘઉં, તેલીબિયાં, કઠોળ, કપાસ, તમાકુ વગેરે આ રાજ્યના ખેતીના મુખ્ય પાકો છે. વળી અહીં લાલ મરચાં, અળશી, જીરું, મેથી, હિંગ વગેરે અન્ય ખેતીકીય પેદાશો પણ થાય છે. હવે ધીમે ધીમે ખાટાં રસદાર ફળો તેમજ શાકભાજીનું ઉત્પાદન વધી રહ્યું છે. સામાન્ય રીતે રણવિસ્તારમાં બાજરો (millet), કોટામાં જુવાર (sorghum) અને ઉદેપુરમાં મકાઈનું ઉત્પાદન વિશેષ છે. રણપ્રદેશને બાદ કરતાં ઘઉં અને જવની ખેતી લગભગ બધે જ થાય છે. ખાસ કરીને ઇન્દિરા ગાંધી નહેર તથા ચંબલ ખીણની આસપાસના સિંચાઈ-વિસ્તારોમાં ડાંગરની સુધારેલી જાતોની ખેતી અગત્ય ધરાવે છે. કપાસ તથા તમાકુ – એ રાજ્યના મુખ્ય રોકડિયા પાકો છે.

આ રાજ્યમાં ખેતીપ્રવૃત્તિ સાથે જ પશુપાલનપ્રવૃત્તિ સંકળાયેલી છે; આમ છતાં શુષ્ક પ્રદેશોમાં સ્વતંત્ર સ્વરૂપમાં પણ ગાય, ભેંસ, ઊંટ, ઘેટાંબકરાં ચરાવવાની પ્રવૃત્તિ ચાલે છે. મોટા પાયા પરની આ પ્રવૃત્તિ ઘણા લોકો માટે તો રોજગારીનું સાધન છે. અરવલ્લીના પશ્ચિમ ભાગમાં આવેલાં ઘણાં કુટુંબો પશુપાલન પર જ જીવે છે. આ રાજ્ય દેશનાં આશરે 56 % ઊંટ તથા 16 % જેટલાં ઘેટાંબકરાં ધરાવે છે. ઘેટાં ઊનની પેદાશ આપે છે. આ રાજ્ય ભેંસો તથા ઘેટાંની બીજાં

અન્નાસાગર, અજમેર

રાજ્યોમાં નિકાસ કરે છે અને તેના દ્વારા સારી કમાણી કરે છે. તેના નાગોરી અને માલવી બળદોની ઓલાદો દેશભરમાં ખેતી માટે ઘણી ઉપયોગી સાબિત થઈ છે. તેવી જ રીતે ગાયો અને ભેંસોની કેટલીક ઓલાદો દૂધ-ઉત્પાદનમાં ઉત્તમ ગણાય છે. આ પશુપાલનપ્રવૃત્તિ દ્વારા રાજ્યમાં દૂધ, ઘી, ઊન, ચામડાં, હાડકાં વગેરેનું સારું ઉત્પાદન થાય છે.

ખનિજ તથા ઊર્જાસંસાધનો તેમજ ઉદ્યોગો : આ રાજ્ય સીસા, જસત અને ચાંદીનાં ધાતુમય ખનિજોના ઉત્પાદનમાં દેશમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત અલ્વર તથા ઝૂનઝૂનુન જિલ્લાઓમાંથી તાંબાનાં ખનિજો પણ ઉપલબ્ધ થાય છે. વળી લોખંડ, ફ્લોરસ્પાર, ચિરોડી, કેઓલીન, ચૂનાખડક, અબરખ, મૅગ્નેસાઇટ, ફૉસ્ફેટ, ઍસ્બેસ્ટૉસ, સ્ટિયેટાઇટ, ફેલ્સ્પાર, વૉલેસ્ટોનાઇટ (wollastonite), મીઠું, નીલમણિ, ગાર્નેટ, મૅંગેનીઝ, સિલિમૅનાઇટ વગેરે જેવાં ખનિજો ઓછાવધતા પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત ગ્રૅનાઇટ, આરસ, રેતીખડક, સ્લેટ વગેરેની પણ પુષ્કળ અનામતો તે ધરાવે છે.

ઘરવપરાશ ઉપરાંત ખેતી અને ઉદ્યોગ ચલાવવા માટે હવે વિદ્યુતશક્તિનો ઉપયોગ સર્વવ્યાપક બન્યો છે. રાજસ્થાન તેનાં પડોશી રાજ્યો પાસેથી તથા ચંબલ ખીણ પરિયોજના દ્વારા વિદ્યુત-પુરવઠો મેળવે છે. વળી કોટા નજીકના રાવતભાટા (Rawatbhata) ખાતેના અણુશક્તિમથકમાંથી પણ વિદ્યુતનું ઉત્પાદન થાય છે. આ સિવાય જોધપુર ખાતે પ્રસ્થાપિત સૌર અને પવનઊર્જાની પરિયોજના દ્વારા પણ લગભગ 140 મે.વૉ. વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.

રાજસ્થાનમાં વિવિધ યંત્ર-ઉદ્યોગો તથા હસ્ત-ઉદ્યોગોનો વિકાસ થયો છે. પરિણામે વ્યાપાર તથા અન્ય પ્રવૃત્તિઓના વિકાસને પણ ઉત્તેજન મળ્યું છે. ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ ખેતી તથા પશુપેદાશો, ખનિજો તથા રસાયણોમાંથી મેળવાય છે. અહીંના ઔદ્યોગિક એકમો ઓછા વ્યાજની લોનો, સરકારી તગાવી-સબસિડી અને રાજસ્થાન નાણાકીય નિગમ વગેરે પાસેથી આર્થિક મદદ મેળવે છે. રાજ્યનું મુખ્ય ઔદ્યોગિક મથક કોટા છે. ત્યાં કેન્દ્ર સરકાર સંચાલિત ચોકસાઈ-દર્શક ઉપકરણો (precision instruments) બનાવતું કારખાનું છે. વળી તે નાયલૉન, કૅલ્શિયમ કાર્બાઇડ, કૉસ્ટિક સોડા, રેયૉન ટાયર કૉર્ડ (rayon tire cord) બનાવતા એકમો પણ ધરાવે છે. આ સિવાય આ રાજ્યમાં દેવરી (ઉદેપુર જિલ્લો) ખાતેનું જસત-ગાળણ સંકુલ તથા ખેતરીનગર (ઝૂનઝૂનુન જિલ્લો) ખાતેનું તાંબા-ગાળણ સંકુલ કેન્દ્ર સરકારસંચાલિત છે. આ સિવાય જયપુર, ઉદેપુર, ભીલવાડા વગેરે રાજ્યનાં બીજાં ઔદ્યોગિક મથકો છે. રાજ્યમાં નાના પાયાના ઔદ્યોગિક એકમોની સંખ્યા લગભગ 1.99 લાખ જેટલી છે, જેના દ્વારા 7.78 લાખ લોકો રોજગારી મેળવે છે (1998-99).

આ સિવાય આ રાજ્યના અન્ય મુખ્ય ઉદ્યોગોમાં સુતરાઉ તથા ગરમ કાપડ, સિન્થેટિક યાર્ન, ખાંડ, કાચ, સોડિયમ, ઑક્સિજન તથા ઍસેટિલીન વાયુઓ, કાપડ રંગવા માટેની ડાઈ, જંતુનાશકો અને કીટનાશકો, ખાતરો, રેલવે-વૅગન, બૉલબેરિંગ, જલ તથા વિદ્યુતનાં મીટરો, ગંધકનો તેજાબ, ટેલિવિઝન સેટો, અગ્નિરોધક ઈંટો, અર્ધ-કિંમતી રત્નો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીંનાં પહાડી ક્ષેત્રોમાં આરસ તથા ગ્રૅનાઇટના પથ્થરો કાઢવાના તેમજ તેમને વહેરવાના અનેક એકમો પણ આવેલા છે.

રાજસ્થાન તેના હસ્તકળાકૌશલ્ય માટે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. તેની હાથકારીગરીની કેટલીક ચીજવસ્તુઓ દ્વારા વિદેશી હૂંડિયામણની કમાણી થાય છે. મુખ્ય હસ્ત-ઉદ્યોગોમાં ગરમ ધાબળા અને શેતરંજી, ભરતગૂંથણ, ચામડાનો સરસામાન, આરસપહાણ પરનું કોતરકામ, સોનાચાંદી તથા રત્નકલાકારીગરીનું કાર્ય, ચિનાઈ માટીનાં વાસણો તથા તાંબાપિત્તળની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

પરિવહન તથા પ્રવાસન : આ રાજ્યમાં રેલ, સડક તથા હવાઈ માર્ગે થતી પરિવહનસેવાઓનો સારો વિકાસ સધાયો છે. આ રાજ્ય આશરે 1,34,642 કિમી. લંબાઈના કાચા-પાકા સડકમાર્ગો ધરાવે છે. તે પૈકી રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ 2,846 કિમી. જેટલી થવા જાય છે. આ ઉપરાંત તે આશરે 5,890 કિમી. લંબાઈના રેલમાર્ગો ધરાવે છે. જોધપુર, જયપુર, બીકાનેર, કોટા, સવાઈ માધોપુર અને ભરતપુર  એ રાજ્યનાં મુખ્ય રેલવે-જંકશનો છે. રાજ્યના આંતરિક ભાગોમાં તથા દેશનાં અન્ય રાજ્યોમાં માનવી તથા માલસામાનની હેરફેર કરવામાં રેલ તથા સડકમાર્ગોએ મોટો ફાળો આપેલો છે. આ રાજ્યમાં મુખ્યત્વે જયપુર, જોધપુર અને ઉદેપુરને દિલ્હી તથા મુંબઈ સાથે સાંકળતી નિયમિત હવાઈ સેવાઓ ચાલે છે.

ઐતિહાસિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક દૃષ્ટિએ જોતાં રાજસ્થાન તેના પ્રાચીન અને મધ્યકાલીન યુગનો સમૃદ્ધ કલાવારસો ધરાવે છે; એટલું જ નહિ, પણ પ્રાદેશિક વિરોધાભાસોને લીધે તેના વન્ય અને માનવજીવનમાં આગવી લાક્ષણિકતાઓ જોઈ શકાય છે. ટૂંકમાં, સાંસ્કૃતિક તથા ધાર્મિક પરંપરાઓને લીધે અહીંનું માનવજીવન નિરાળું અને ભાતીગળ બનેલું છે. અહીં પર્યટકો માટે આકર્ષણનાં અનેક સ્થળો આવેલાં છે. તેમાં માઉન્ટ આબુ, અજમેર, અલ્વર (સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન), ભરતપુર (કેવલાદેવ ઘાના પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન), બીકાનેર, જયપુર (ગુલાબી નગરી), જોધપુર, ઉદેપુર, પાલી, જેસલમેર, ચિતોડગઢ, રાણકપુર, મેડતા, કાંકરોલી, એકલિંગજી, નાથદ્વારા, ઓસિયાં, પુષ્કર, બુંદી, જયસમંદ, પોકરણ, રણથંભોર, સવાઈ માધોપુર વગેરે મુખ્ય છે. અહીં ભરાતા મેળાઓ પણ પ્રવાસીઓને આકર્ષે છે. ઈ. સ. 1992માં સરકારે પ્રવાસનને એક ઉદ્યોગ તરીકેનો દરજ્જો આપ્યો છે. આ ઉદ્યોગ સાથે હોટલ-ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. યાત્રાધામો તથા પ્રવાસન-સ્થળોમાં લોકોને રહેવાની, ખાવાપીવાની, ફરવાની વગેરે સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્યનું પ્રવાસન-બૉર્ડ પ્રયત્નશીલ છે. આ રાજ્યમાં ‘Palace on Wheel’ નામની એક ખાસ પ્રકારની સુવિધાજનક રજવાડી સફારી ટ્રેન દોડાવવામાં આવે છે, જે દેશ-વિદેશના પર્યટકોને રાજસ્થાનના તથા તેનાં પડોશી રાજ્યોનાં મહત્વનાં પ્રવાસધામોની મુલાકાત કરાવે છે.

વસ્તી, વસાહતો તથા લોકજીવન : આ રાજ્ય આશરે 5,64,72,122 (ઈ. સ. 2001) જેટલી વસ્તી ધરાવે છે. તેના પશ્ચિમના ભાગોની તુલનાએ પૂર્વના ભાગોમાં વસ્તીગીચતાનું પ્રમાણ વધારે છે. સમગ્ર રાજ્યની વસ્તીગીચતા દર ચોકિમી.એ 165 વ્યક્તિઓ(2001)ની છે. વળી દર એક હજાર પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ 922 જેટલું છે. રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ લગભગ 38.8 % છે, પણ તેમાં સ્ત્રી-પુરુષોનું શિક્ષણ-પ્રમાણ તપાસીએ તો તે અનુક્રમે 20.84 % તથા 55.07 % જેટલું છે.

દેશમાં સૌપ્રથમ ગ્રામ પંચાયત વ્યવસ્થાનો પ્રયોગ આ રાજ્યમાં કરવામાં આવેલો. આજે આ રાજ્ય આશરે 37,889 જેટલી ગ્રામ તથા 215 જેટલી શહેરી વસાહતો ધરાવે છે. મોટા ભાગની ગ્રામ-શહેરી વસાહતો અરવલ્લી ગિરિમાળાથી પૂર્વ ભાગમાં આવેલી છે. રાજ્યમાં ગ્રામીણ વસ્તી કરતાં શહેરી વસ્તીમાં ઝડપી વધારો થતો જાય છે. ગામડાંનાં ઘરો સામાન્ય રીતે ઝૂંપડાંનાં બનેલાં હોય છે અને તે માટીની દીવાલો તથા ઘાસની છત ધરાવે છે. તેને એક જ બારણું હોય છે, પણ બારી કે સંવાતક (જાળિયું) હોતું નથી. મોટાં ગામોમાં અથવા તો પૈસેટકે સુખી ખેડૂતો કે કારીગરોનાં મકાનો પથ્થર કે ઈંટના ચણતરનાં તથા હવાઉજાસની સુવિધાવાળાં હોય છે. તેમની છત પર નળિયાં કે પતરાં છાવરેલાં જોવા મળે છે. વળી તે ઓસરી તથા વરંડો પણ ધરાવે છે. હવે તો મોટાં ગામો તથા શહેરોમાં સિમેન્ટ-કૉંક્રીટના કે પથ્થરના ધાબાવાળાં મકાનો સામાન્ય છે.

ઈ. સ. 1991ની વસ્તીગણતરી મુજબ એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતી શહેરી વસાહતોમાં જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદેપુર, અજમેર, અલ્વર, ભીલવાડા, ગંગાનગર, ભરતપુર, સિકર, પાલી, બિયાવર અને ટોંકનો સમાવેશ થાય છે. રાજ્યના પાટનગર જયપુરની વસ્તી 14,58,000 (1991) જેટલી છે. તે ‘ગુલાબી નગરી’ (Pink City) તરીકે ખ્યાતિ ધરાવે છે. અહીં હવા મહેલ, મહારાજા મહેલ, જંતરમંતર (વેધશાળા), સંગ્રહાલય, બાગબગીચા વગેરે અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. જયપુરથી આશરે 11 કિમી. દૂર ઓમેર-અંબરનો ભવ્ય રાજમહેલ આવેલો છે; જેનું બાંધકામ સત્તરમી સદીમાં થયું હતું. ‘સાત દરવાજાના નગર’ની ઉપમા પામેલું જોધપુર શહેર (વસ્તી 6,68,000 : 1991) રાજમહેલો અને બાગ-બગીચાથી સુશોભિત છે. કોટા (5,37,000 : 1991) એક ઔદ્યોગિક મથક છે, જ્યારે ‘રણપ્રદેશના નગર’ તરીકે જાણીતા બીકાનેર(4,16,000 : 1991)નો લાલગઢ રાજમહેલ રાજા રાયસિંગે સોળમી સદીમાં બંધાવેલો. અહીં કિલ્લો, સંગ્રહાલય વગેરે ઉપરાંત અહીંથી આશરે 15 કિમી.ના અંતરે આવેલું ઊંટ-સંવર્ધન કેન્દ્ર જોવાલાયક છે. અજમેર (4,03,000 : 1991) મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ છે. અહીંથી આશરે 11 કિમી.ના અંતરે આવેલા પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર તથા સરોવર છે. ઉદેપુર (3,09,000 : 1991)ની સ્થાપના મેવાડના મહારાણા ઉદેસિંહે કરી હતી. તે મનોરમ્ય સરોવરો, હરિયાળા બાગબગીચા તથા ભવ્ય રાજમહેલોથી સુશોભિત છે. તેને ‘સૂર્યોદયના નગર’(City of Sunrise) તથા ‘પૂર્વના વેનિસ’ (Venice of the East)ની ઉપમાઓ મળેલી છે. અલ્વર(2,11,162 : 1991)માં કિલ્લો, રાજમહેલ તથા સંગ્રહાલય જોવાલાયક છે. તેનાથી આશરે 8 કિમી. દૂર જયસમંદ સરોવર તથા 10 કિમી. દૂર સિલ્લીસેરમાં રાજમહેલ તથા સરોવર આવેલાં છે. ભરતપુર (1,56,844 : 1991) તેના ઐતિહાસિક કિલ્લા તથા પક્ષીઓના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે વિખ્યાત છે. ભીલવાડા (1,83,791 : 1991) એક ઔદ્યોગિક કેન્દ્ર છે. મહાન રાજપૂત સેનાનાયક બપ્પા રાવલ દ્વારા ઈ. સ. 734માં પ્રસ્થાપિત ચિતોડગઢ અનેક જોવાલાયક સ્થળો ધરાવે છે. તેમાં કિલ્લો, રાણા કુંભાનો મહેલ, પદ્મિની મહેલ, જયસ્તંભ, કીર્તિસ્તંભ વગેરે મુખ્ય છે. હવાખાવાનું સ્થળ માઉન્ટ આબુ તેનાં દેલવાડાનાં જૈન મંદિરો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નાથદ્વારામાં બારમી સદીમાં બંધાયેલું શ્રીકૃષ્ણમંદિર આવેલું છે.

રાજસ્થાનમાં જોકે રાજપૂત લોકોની વસ્તીની ટકાવારી અલ્પ છે. આમ છતાં તેઓ વસ્તીનું એક અગત્યનું અંગ ગણાય છે. તેઓ તેમના લડાયક શૌર્ય તથા તેમના પૂર્વજોએ કરેલાં કાર્યો પર ગર્વ અને ગૌરવ લે છે અને સમાજમાં ઉચ્ચ સ્તરે બિરાજે છે. અહીં બ્રાહ્મણો અનેક ગોત્રોના ગૌણ વિભાગોમાં વિભાજિત છે. તેવી જ રીતે મહાજન લોકો એ વ્યાપારી વર્ગ છે અને તેઓ પણ અસંખ્ય પેટાજૂથોમાં વહેંચાયેલા છે. આ પૈકીના કેટલાક જૈન તથા કેટલાક હિન્દુ ધર્મ પાળે છે. રાજ્યના ઉત્તર તથા પશ્ચિમના ભાગોમાં જાટ તથા ગુર્જરો વસે છે. તે પૈકીના ઘણા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

રાજ્યના આદિવાસી લોકો અલ્વર, જયપુર, ભરતપુર અને ધોલપુર વિસ્તારોમાં નિવાસ કરે છે. આ પૈકી મીના (મેવાતી), મેઓ (Meos), વણજારા વગેરે વિચરતી જાતિના છે અને તેઓ એક સ્થળેથી બીજે સ્થળે ફરતા રહીને વ્યાપાર તથા હસ્તકલા-કારીગરીની પ્રવૃત્તિઓ કરે છે; જ્યારે ગડિયા લુહાર અને બીજી અસ્થાયી જાતિઓ પણ છે, જેઓ ખેતીનાં ઓજારો તથા ગૃહઉપયોગી ચીજવસ્તુઓ બનાવવાનું અને તેમની મરામત કરવાનું કાર્ય કરે છે. ભારતના અતિપ્રાચીન લોકોમાં ભીલ લોકોનો સમાવેશ થાય છે. તેઓ ભીલવાડા, ચિતોડગઢ, ડુંગરપુર, વાંસવાડા, ઉદેપુર અને સિરોહી જિલ્લાઓમાં વસે છે. તેઓ તીર ચલાવવામાં માહેર હોય છે. ગરાસિયા તથા કાથોડી લોકો મેવાડ પ્રદેશમાં, સહારિયા લોકો કોટા જિલ્લામાં નિવાસ કરે છે, જ્યારે મારવાડ પ્રદેશમાં વસવાટ કરતા રબારી લોકો પશુસંવર્ધનપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે.

રાજ્યના લોકો મુખ્યત્વે હિન્દી અને રાજસ્થાની ભાષાઓનો ઉપયોગ કરે છે. રાજસ્થાની ભાષા ઇન્ડો-આર્યન બોલીઓનાં જૂથોમાંથી ઊતરી આવેલી છે. અહીંના લોકોમાં ખાસ કરીને ચાર પ્રકારની બોલીઓ પ્રચલિત છે : પશ્ચિમ રાજસ્થાનમાં મારવાડી, પૂર્વ તથા અગ્નિમાં ધુંધારી (Dhundhari), અગ્નિમાં માલવી અને અલ્વરમાં મેવાતી. વળી ભરતપુર જિલ્લામાં બોલાતી મેવાતી ભાષામાં વ્રજ ભાષાના અંશો મિશ્રિત થયેલા છે. આધુનિક શિક્ષણના વિસ્તરણની સાથોસાથ રાજસ્થાની ભાષાના ઉપયોગમાં હવે ઘટાડો થતો જાય છે અને તેને સ્થાને ક્રમશ: હિન્દીનો વપરાશ વધતો જાય છે. હિન્દી, હવે આ રાજ્યની સત્તાવાર ભાષા બની ચૂકી છે.

આ રાજ્ય શિક્ષણ, માતા અને બાળકોની સારસંભાળ તેમજ ગામડાં તથા શહેરોમાં પાણીપુરવઠા પાછળ પુષ્કળ ખર્ચ કરે છે. અહીં રાજ્યસંચાલિત અનેક હૉસ્પિટલો તથા દવાખાનાં છે. સ્વાતંત્ર્ય પછી પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં વધારો થતો રહ્યો છે. પિલાની(Pilani)માં ઔદ્યોગિક શિક્ષણ આપતી સંસ્થા બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી ઍન્ડ સાયન્સ વિખ્યાત છે. આ સિવાય જોધપુર, જયપુર, ઉદેપુર, બીકાનેર, અજમેર, કોટા, બનસ્થલી, લાદનુન વગેરે વિશ્વવિદ્યાલયો કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ધરાવે છે.

રાજ્યની મોટાભાગની વસ્તી હિન્દુ ધર્મ પાળે છે. લોકો બ્રહ્મા, વિષ્ણુ, શિવશક્તિ અને અન્ય દેવીદેવતાઓના ઉપાસકો છે. વળી વલ્લભાચાર્યના પંથના વૈષ્ણવોનું અગત્યનું કેન્દ્ર નાથદ્વારા છે. આ ઉપરાંત અહીં આર્યસમાજ અને બીજા પંથોના પણ અનુયાયીઓ છે કે જે આધુનિક હિન્દુ ધર્મના સુધારાનાં સ્વરૂપોનું પાલન કરે છે. પુષ્કર, કેસરિયાજી, એકલિંગજી, રામદેવરા, ઓસિયાં, મેડતા, સુંધા માતા વગેરે હિન્દુ ધર્મનાં યાત્રાધામો છે. સમાજના ધનાઢ્ય અને વ્યાપારી વર્ગના લોકોનો ધર્મ જૈન છે. મહાવીરજી, રાણકપુર, ધુલેવ (Dhulev), કરેરા (Karera) વગેરે જૈન ધર્મનાં યાત્રાધામો છે. આ ઉપરાંત ઇસ્લામ ધર્મ પાળતા મુસ્લિમ લોકોનું યાત્રાધામ અજમેર છે. બારમી સદીમાં મુસ્લિમ આક્રમણખોરોએ અજમેર જીતી લીધું, ત્યારથી આ ધર્મનો અહીં ફેલાવો થયો છે. રાજ્યમાં ખ્રિસ્તી તથા શીખ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ અલ્પ છે.

આ રાજ્યમાં વર્ષભર અનેક સ્થળોએ ઉત્સવો તથા મેળાઓનું આયોજન થાય છે. હોળી, દીપાવલી, વિજયાદશમી, સ્વાતંત્ર્યદિન, મોહરમ, નાતાલ વગેરે તહેવારો ઉપરાંત રાજાઓ, ભક્તો, સંતો, મહાત્માઓ, નેતાઓ વગેરેની જન્મજયંતીઓ તથા પુણ્યતિથિઓની ઉજવણી કરવામાં આવે છે. ગણગોર  એ અહીંનો વિશિષ્ટ ઉત્સવ છે. આ ઉત્સવમાં સ્ત્રીઓ પંદર દિવસ સુધી પાર્વતી અને મહાદેવની માટીની મૂર્તિઓની પૂજા કરે છે અને તે પછી આ મૂર્તિઓને વાજતેગાજતે જળાશયમાં પધરાવવામાં આવે છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો પુષ્કરનો મેળો પ્રખ્યાત છે. આ મિશ્ર પ્રકારનો  ધાર્મિક તથા પશુ-મેળો છે. આ મેળામાં ભાગ લેવા માટે રાજસ્થાન ઉપરાંત ભારતભરમાંથી અનેક લોકો ઊમટી પડે છે. વળી આ મેળામાં વિદેશીઓની હાજરી પણ ઘણા લોકોનું ધ્યાન ખેંચે છે. સામાન્ય રીતે અહીંનાં ખેડૂત કુટુંબો તથા અન્ય લોકો પુણ્યપ્રાપ્તિ અર્થે પ્રથમ પુષ્કર સરોવરમાં સ્નાન કરે છે અને તે પછી બ્રહ્માજીના મંદિરમાં જઈને તેમનાં દર્શન કરવાનો લહાવો લે છે. આ મેળામાં મુખ્યત્વે પશુઓ તથા ઊંટનું વેચાણ પણ થાય છે. એવી જ રીતે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મુઇનુદ્દીન ચિશ્તીની પવિત્ર દરગાહ પર ભરાતા ઉર્સ પ્રસંગે દેશવિદેશના આશરે ત્રણ લાખ જેટલા યાત્રાળુઓ એકત્રિત થાય છે. રામદેવરા (રણૂંજા) ખાતે બાબા રામદે પીરની સમાધિના સ્થાનકે પણ દર વર્ષે ભાદરવા માસમાં મોટો મેળો ભરાય છે, જેમાં રાજ્યના અને રાજ્ય બહારના હજારો શ્રદ્ધાળુઓ રામદે પીરની સમાધિના દર્શનાર્થે કે માનતા (બાધા) પૂર્ણ કરવા માટે એકત્ર થાય છે. આ સિવાય આ રાજ્યમાં તીજનો મેળો, ગાલિયાકોટનો ઉર્સમેળો, બેનેશ્વર(ડુંગરપુર)નો કુંભમેળો, સવાઈ માધોપુરનો મહાવીરનો મેળો, મુકમ(બીકાનેર)નો જંભેશ્વરજીનો મેળો, સિકરનો શ્યામજીનો મેળો વગેરે પ્રખ્યાત છે.

ભારતીય સાહિત્ય તથા કળાના વિકાસમાં રાજસ્થાને ઘણો મોટો ફાળો આપેલો છે. પ્રાગૈતિહાસિક કાળથી વસવાટ કરતા અહીંના માનવીએ વિવિધ કળાઓનો વિકાસ કરેલો હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. રાજસ્થાનનો સાહિત્યવારસો સમૃદ્ધ છે. ‘ચંદ બરદાઈ’નું કાવ્ય ‘પૃથ્વીરાજ રાસો’ અથવા ‘ચંદ રઈસા’ વગેરે તેનાં ઉદાહરણો છે. તેમની હસ્તપ્રતો બારમી સદીમાં લખાઈ હતી. એવી જ રીતે જૈન સાધુઓ પણ લેખકો હતા અને તેમણે લખેલા ગ્રંથોમાં વિશિષ્ટ પ્રકારની ચિત્રશૈલી પણ જોવા મળે છે. સાથે સાથે મુઘલ ચિત્રકલાને મળતી આવતી રાજસ્થાની ચિત્રકલા પણ મધ્યયુગમાં પ્રચલિત હતી. અહીંનાં હિન્દુ તથા જૈન મંદિરો, સ્તંભો, કિલ્લાઓ, ભવ્ય રાજમહેલો, મુસ્લિમ મકબરા અને મસ્જિદો – આ બધાં શિલ્પસ્થાપત્યના અદભુત નમૂના છે.

રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય ‘ઘુમ્મર’ છે. જોકે તેમાં માત્ર સ્ત્રીઓ જ ભાગ લઈ શકે છે. ગુજરાતમાં જે સ્થાન ગરબાનું છે, તેવું જ સ્થાન રાજસ્થાનના ઘુમ્મર નૃત્યગીતનું છે. આ સિવાય ‘કચ્છી ઘોડી’ તથા ‘ગીર’ નૃત્યો પણ અહીં પ્રચલિત છે.

ઘણા જૂના સમયથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના એકમેકના સાંસ્કૃતિક તથા બીજાં ક્ષેત્રો બાબતના સંબંધો કડીરૂપ રહ્યા છે; જેમ કે, રાજસ્થાનની મીરાંને ગુજરાતી સાહિત્યમાં સ્થાન અપાયું છે, તેવી જ રીતે નરસિંહ મહેતાને પણ રાજસ્થાનમાં સ્થાન મળ્યું છે. અહીં ‘ખ્યાલ’ નામના નૃત્યનાટકનું પ્રચલન વધારે છે. તેમાં ‘નરસી ભગતના ખ્યાલો’ લોકપ્રિય છે. વળી કુંવરબાઈના મામેરાના પ્રસંગ બાબતે રચાયેલો ‘માહેરો’ ખ્યાલ ધ્યાનાકર્ષક છે. આબુ પરનાં દેલવાડાનાં જૈન મંદિરોમાં ગુજરાતની અને રાજસ્થાનની શિલ્પસ્થાપત્યકળાનું મિલન થયેલું જોઈ શકાય છે. રાજસ્થાનનાં વેપારી તથા સુવર્ણકાર કુટુમ્બો, સુથાર, કડિયા કે પથ્થર લગાડનાર કુશળ કારીગરો ગુજરાતનાં ગામોમાં મળી આવે છે. એવી જ રીતે અમદાવાદમાં માલસામાનની હેરફેર કરવા માટેની રબરનાં પૈડાંવાળી લાકડાની રેંકડી ખેંચતાં કેટલાંય સ્ત્રીપુરુષો રાજસ્થાનનાં હોય છે. ગુજરાતીઓએ પણ વ્યાપાર-ધંધા માટે રાજસ્થાનના વિવિધ ભાગોમાં વસવાટ કરેલો છે. ભારતની રાજકીય તથા ભાવાત્મક એકતા જાળવવામાં આવા પ્રકારનાં આંતરરાજ્ય સ્થળાંતરો મહત્વનો ભાગ ભજવે છે. તેમાં આ બંને રાજ્યો વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગોનો તેમજ રેલમાર્ગોનો ફાળો અનન્ય છે.

ઐતિહાસિક ભૂમિકા : રાજસ્થાન તેના અતીતની શૌર્ય, સ્વામીભક્તિ તથા વચનપાલનની મહાન ગાથાઓનો તથા રાજમહેલો અને શિલ્પસ્થાપત્યનો ભવ્ય વારસો ધરાવે છે, જે તેના ગૌરવવંતા ઇતિહાસની સ્મૃતિઓને તાજી કરે છે. અંગ્રેજોની છત્રછાયા નીચે તેના રાજાઓ, જાગીરદારો તથા સામંતો ભૂતકાળમાં જીવતા હતા. અહીં કુદરત પ્રતિકૂળ હોવાથી આર્થિક વિકાસ મંદ હતો અને તેને લીધે અહીંના ઘણા લોકોએ સ્થળાંતર કરીને દેશના ખૂણે ખૂણે વસવાટ કરેલો છે. રાજ્યમાં આધુનિક વિચારો તથા શિક્ષણનો પ્રસાર ખૂબ મોડેથી થયેલો છે. ટૂંકમાં, આજનું રાજસ્થાન રાજ્ય સામંતશાહી કે જાગીરદારી યુગમાંથી લગભગ સીધું જ આધુનિક લોકશાહી યુગમાં સંક્રાન્ત થયું છે.

રાજસ્થાનમાં વહેતી બનાસ તથા તેની ઉપનદીઓના ખીણપ્રદેશોમાં આશરે એક લાખ વર્ષ પૂર્વે માનવ-વસવાટ હોવાનાં પુરાતત્ત્વીય પ્રમાણો મળી આવે છે. વળી ઈ. પૂ.ની લગભગ ત્રીજી-બીજી સદીઓ દરમિયાનની હડપ્પીય તથા અનુહડપ્પીય સંસ્કૃતિઓના અવશેષો કાલીબંગન (Kalibangan), અહર (Ahar) અને ગિલુંદ (Gilund) ખાતેથી પ્રાપ્ત થયા છે. કાલીબંગનમાંથી મળી આવેલાં ચિનાઈ માટીનાં વાસણો તથા ઠીકરાં પર કાર્બન-14 દ્વારા કરાયેલી કસોટીથી તેમનો સમય આશરે ઈ. પૂ. 2700નો સાબિત થયો છે. વળી બૈરત ખાતેથી સમ્રાટ અશોકે કોતરાવેલા બે શિલાલેખો (ઈ. પૂ. 250) પણ મળી આવ્યા છે. તેના પરથી આ રાજ્યના પશ્ચિમ ભાગ સુધી સમ્રાટ અશોકનું સામ્રાજ્ય વિસ્તરેલું હોવાનું કેટલાક વિદ્વાનો અનુમાન કરે છે. તે પછીના સમયમાં આ પ્રદેશો બાહ્લિક (બૅક્ટ્રિયન) ગ્રીકો (ઈ. પૂ. બીજી સદી); સિથિયનો (શક; ઈ. સ.ની બીજીથી ત્રીજી સદી); ગુપ્તવંશ (ચોથીથી છઠ્ઠી સદી); હૂણ (છઠ્ઠી સદી) તથા સમ્રાટ હર્ષવર્ધન(સાતમી સદીની શરૂઆત)ના આધિપત્ય હેઠળ રહ્યા હતા.

સાતમી અને અગિયારમી સદીઓ વચ્ચે આ પ્રદેશ પર કેટલાક રાજપૂત વંશોનું વર્ચસ્ રહ્યું હતું. આ પૈકીના ગુર્જર તથા પ્રતિહાર રાજવંશોએ સિંધ બાજુના આરબ આક્રમણખોરોને અટકાવવાનું કાર્ય કર્યું હતું. ભોજ પહેલા(ઈ. સ. 836-885)ના શાસન તળેનો ગુર્જર-પ્રતિહારોનો આ પ્રદેશ હિમાલયની તળેટીથી શરૂ થઈને છેક નર્મદા નદી સુધી તેમજ ગંગાના હેઠવાસની ખીણથી છેક સિંધ સુધી પ્રસરેલો હતો. દસમા શતકના ઉત્તરાર્ધમાં આ સામ્રાજ્યનું વિભાજન થતાં રાજસ્થાનમાં કેટલાંક હરીફ રાજપૂત જૂથોએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. પ્રતિહારોના ખંડિયા જાગીરદારોની પકડમાંથી ગેહલોતો- (Guhilots)એ ઈ. સ. 940માં સ્વાતંત્ર્ય મેળવ્યું. તે પછી અગિયારમી શતાબ્દીમાં મેવાડની આસપાસના પ્રદેશો પર ચૌહાણોએ કબજો જમાવ્યો. શરૂઆતમાં તેમનું પાટનગર અજમેર હતું, પણ પાછળથી તેમણે દિલ્હીને પાટનગર બનાવ્યું. રાજસ્થાનના પૂર્વ વિસ્તારો પર તેમની પકડ વધુ ને વધુ મજબૂત બની. તે પછીના સૈકાઓમાં કુશવાહા, ભાટી, રાઠોડ જેવાં જાતિજૂથોએ તેમનાં સ્વતંત્ર રાજ્યો પ્રસ્થાપિત કર્યાં.

મીરાંબાઈ મંદિર, ચિતોડ

રાજસ્થાનનો આ પછીનો ઇતિહાસ વીરતા અને શૌર્યના રંગે રંગાયેલો જોઈ શકાય છે. ઈ. સ. 1192માં દિલ્હી નજીક તરાઈનું દ્વિતીય યુદ્ધ ખેલાયું. આથી રાજસ્થાનના ઇતિહાસમાં મોટું પરિવર્તન આવ્યું. પૃથ્વીરાજ ત્રીજાની આગેવાની હેઠળના રાજપૂત સૈન્ય સામે મહમદ ઘોરીનો વિજય થયો. આમ ગંગાનાં મેદાનોમાં રાજપૂત સત્તાનો લોપ થતાં ઉત્તર ભારતમાં મુસ્લિમ સત્તાનો પાયો દૃઢ થયો. અહીંથી મુસ્લિમ સત્તા વધુ દક્ષિણ તથા પશ્ચિમ તરફ પ્રસરણ પામે તેવા પ્રયત્નો થવા લાગ્યા. આમ રાજસ્થાનનાં રાજ્યો ચારેય બાજુએથી મુસ્લિમ આધિપત્ય નીચેના પ્રદેશોથી ઘેરાઈ ગયાં. જોકે આમ ને આમ ચાર સૈકા જેટલો સમય પસાર થઈ ગયો, પણ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા.

સોળમા શતકની શરૂઆતમાં મેવાડના રાણા સંગ્રામસિંહ(રાણા સાંગા)ના સમયમાં રાજપૂતોનું શૌર્ય તેની ચરમસીમાએ પહોંચ્યું હતું. રાણા સાંગા બાબર સામે ઝૂઝ્યા. મહારાણા પ્રતાપે શહેનશાહ અકબરના કેન્દ્રીય સત્તા પ્રસ્થાપિત કરવાના પ્રયત્નોને ખાળ્યા. આવાં આવાં અનેક જ્વલંત દૃષ્ટાન્તોથી રાજસ્થાનનો ઇતિહાસ ગૌરવવંતો બનેલો છે. વળી તેના ઇતિહાસમાં ઉદાત્ત વીરતાનાં, અડગ સ્વામીભક્તિનાં અને રાષ્ટ્રને માટે મરી ફીટવાની ભાવનાનાં અનેક ઉદાહરણો પણ મળી આવે છે. આવી અડગતા તથા દૃઢ નિર્ધારના પ્રતીક સમો ચિતોડનો વિજયસ્તંભ આજે પણ ઊભો છે. દિલ્હીની સલ્તનતે રાજસ્થાનના પ્રદેશોને પોતાની હકૂમત નીચે આણવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા, પણ રાજસ્થાને ત્યારથી કેન્દ્રીય સત્તા સાથે હળીમળીને રહેવાનો લગભગ અતૂટ ક્રમ પણ જાળવી રાખ્યો. વળી શહેનશાહ અકબર તથા તેમના પછીના વંશજોએ રાજપૂત રાજકુંવરીઓ સાથે લગ્નો કરવાનું શરૂ કર્યું. આમ મુઘલ-રાજપૂત લગ્નપરંપરા અઢારમા શતકની શરૂઆત સુધી ચાલુ રહી. નોંધપાત્ર બાબત તો એ છે કે જહાંગીર તથા શાહજહાં – આ બંને મુઘલ બાદશાહો રાજપૂત માતાનાં સંતાનો હતાં. રાણા પ્રતાપના ગયા પછી તેમના પુત્ર અમરસિંહે અકબરના પુત્ર જહાંગીરનું પ્રભુત્વ સ્વીકાર્યું. જોકે આ પહેલાં પણ જોધપુર અને જયપુર જેવાં રાજપૂત રાજ્યોએ તો મુઘલોના જમણા હાથ સમું સ્થાન મેળવી લીધું હતું. આ પછીથી રાજસ્થાને દિલ્હીમાં જે કોઈ સત્તાસ્થાને હોય તેમની નેતાગીરી નીચે પોતાના આંતરિક કારોબાર પૂરતી સ્વતંત્રતા મેળવી લીધી હતી.

મુઘલ સામ્રાજ્યની આણ નીચેનાં રાજપૂત રાજ્યોને ‘અજમેર સૂબા’ નીચે સમાવવામાં આવ્યાં અને તેમનું વહીવટી કેન્દ્ર અજમેર રાખવામાં આવ્યું. જોકે ઈ. સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામમાં રાજસ્થાનનાં રજવાડાંએ ભાગ લીધો નહોતો.

શહેનશાહ ઔરંગઝેબના મૃત્યુ (ઈ. સ. 1707) પછી જાટ વિજેતાઓ દ્વારા ભરતપુરનું રાજ્ય વિકસિત થયું. ઈ. સ. 1803થી રાજસ્થાનનાં મોટા ભાગનાં રજવાડાંએ મરાઠાઓને ખંડણી ભરવાનું શરૂ કર્યું હતું. ઓગણીસમી સદીના અંતભાગમાં મરાઠા-હસ્તકના પ્રદેશ પર અંગ્રેજોએ કબજો મેળવ્યો. તેમણે ‘રાજપૂતાના પ્રાન્ત’ની રચના કરીને તથા અધિકારીઓ નીમીને રાજપૂત રજવાડાંનો વહીવટ તેમના હાથમાં લઈ લીધો. વીસમી સદીના પૂર્વાર્ધમાં રાજસ્થાનમાં ભારતીય રાષ્ટ્રવાદનો જન્મ થયો. જૈન સાધુઓ તથા વિદ્વાનો દ્વારા પણ અગત્યની ચળવળો થઈ. તે સમયે રાજકીય ચળવળનું કેન્દ્ર અજમેર રહ્યું હતું. રાષ્ટ્રીય નેતાઓ પૈકી અર્જુનલાલ શેઠી, માણિકલાલ વર્મા, ગોપાલસિંગ અને જયનારાયણ વ્યાસ મુખ્ય હતા.

ઈ. સ. 1947માં ભારતે સ્વાતંત્ર્ય મેળવ્યું. તે પછી રાજસ્થાન રાજ્યને હાલનો આકાર ધારણ કરવામાં લગભગ આઠ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તેનાં રજવાડાંનું વિલીનીકરણ કરવાના હેતુને ધ્યાનમાં રાખીને તેના પ્રથમ તબક્કાસ્વરૂપે 17મી માર્ચ 1948માં અલ્વર, ભરતપુર, ધોલપુર અને કરૌલી  આ ચાર રાજ્યોનો સંઘ રચાયો. તેને ‘મત્સ્યસંઘ’ એવું નામ અપાયું. તેના દ્વિતીય તબક્કામાં 25મી માર્ચ 1948ના રોજ વાંસવાડા, બુંદી, ડુંગરપુર, ઝાલાવાડ, કિશનગઢ, કોટા, પ્રતાપગઢ, શાહપુરા અને ટોન્ક  રાજ્યોનું જોડાણ થયું. તેમાં ઉદેપુરના રજવાડાને 18મી એપ્રિલ 1948ના રોજ સમાવવામાં આવ્યું. આમ આ સંઘ ‘રાજસ્થાન રાજ્યોના સંઘ’ તરીકે ઓળખાયો.

માર્ચ 1948માં બીજાં ચાર વિશાળ રજવાડાં-બીકાનેર, જયપુર, જેસલમેર તથા જોધપુરને આ ‘રાજસ્થાન રાજ્યોના સંઘ’માં ભેળવવામાં આવ્યાં. ત્યારપછી એપ્રિલ 1949માં ‘મત્સ્યસંઘ’નાં રાજ્યોને પણ તેમાં સામેલ કરવામાં આવતાં આ રાજ્યોનો નવો સંઘ ‘બૃહદ્ રાજસ્થાન’ તરીકે ઓળખાયો. જાન્યુઆરી 1950માં તેમાં સિરોહીના રજવાડાનું જોડાણ પણ કરવામાં આવ્યું. એ પછી રાજસ્થાન રાજ્યની રચનાના છેલ્લા તબક્કામાં અજમેરનું રજવાડું, આબુ તાલુકો અને સુનેલ ટપ્પાને ભેળવવામાં આવતાં હાલનું રાજસ્થાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

બીજલ પરમાર