રાજશાહી (જિલ્લો) : બાંગ્લાદેશમાં આવેલો જિલ્લો. તે 24° 30´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે.ની આજુબાજુનો 9,461 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે સ્પષ્ટપણે ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલો છે : (i) વાયવ્ય તરફનો ઊંચાણવાળો, અસમતળ ભૂમિ ધરાવતો બારિંદ વિસ્તાર; (ii) દક્ષિણ તરફનો પદ્મા નદીનો ખીણપ્રદેશ; (iii) જિલ્લાની મુખ્ય જળપરિવાહ રચના ધરાવતો મધ્યનો અને પૂર્વનો નીચાણવાળો તથા કળણથી બનેલો ગર્તપ્રદેશ. આ જિલ્લાની આબોહવા ગરમ, ભેજવાળી રહે છે. વરસાદનું પ્રમાણ 2,000થી 4,000 મિમી. વચ્ચેનું રહે છે. બંગાળના ઉપસાગર પરથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનો અહીં ચોમાસામાં જૂનથી ઑક્ટોબર દરમિયાન વરસાદ આપે છે. બંગાળના ઉપસાગરમાં ઉદભવતા ચક્રવાત (વંટોળિયા) ક્યારેક અહીં ઘણી ખાનાખરાબી પણ સર્જી જાય છે. આ પ્રદેશમાં ડાંગર, શણ, કઠોળ અને શેરડી મુખ્ય કૃષિપાકો છે. બાંગ્લાદેશનું લગભગ બધું જ રેશમ આ જિલ્લામાં તૈયાર થાય છે. અહીંના કુટિર-ઉદ્યોગોમાં વણાટકામ, ધાતુહુન્નરકામ, કાષ્ઠહુન્નરકામ તથા માટીનાં પાત્રો બનાવવાના કામનો સમાવેશ થાય છે. કહેવાય છે કે આ પ્રદેશ જૂના વખતના પુણ્ડ્ર (પૌણ્ડ્ર લોકોનો પ્રદેશ) અથવા પૌણ્ડ્રવર્ધન સામ્રાજ્યનો એક ભાગ હતો. તેનું તત્કાલીન પાટનગર મહાસ્થાન ખાતે હતું. 1991 મુજબ આ જિલ્લાની વસ્તી આશરે 70 લાખ જેટલી છે. આ જિલ્લાનું વડું વહીવટી મથક રાજશાહી ખાતે છે.
રાજશાહી એ બાંગ્લાદેશનો એક રાજકીય વિભાગ પણ છે. તે બાંગ્લાદેશના વાયવ્ય ભાગને આવરી લે છે. 34,628 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતા આ રાજશાહી વિભાગમાં રાજશાહી, દિનાજપુર, રંગપુર, બોગરા અને પાબના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે વાયવ્ય બાંગ્લાદેશનો પદ્મા (ગંગાનું સ્થાનિક નામ) નદીથી ઉત્તર તરફના પહાડી પ્રદેશનો ગીચ વિભાગ ગણાય છે. 1981 મુજબ સમગ્ર રાજશાહી વિભાગની વસ્તી 2,74,99,727 જેટલી છે.
રાજશાહી (શહેર) : રાજશાહી શહેર પદ્મા નદીના ઉત્તર કાંઠા નજીક વસેલું છે. આ શહેર રાજશાહી જિલ્લાનું વડું વહીવટી મથક છે. જૂના વખતમાં તે રામપુર બોઆલિયા નામથી ઓળખાતું હતું. અઢારમી સદીની શરૂઆતનાં વર્ષોમાં વલંદા (ડચ) લોકોએ તેમની વેપારની કોઠી નાખવા આ સ્થળ પસંદ કરેલું. તે પછીથી વિકસતું જઈને નગરમાં ફેરવાયું. 1876માં અહીં નગરપાલિકાની રચના થઈ. આજે તે એક ઔદ્યોગિક મથક તરીકે વિકાસ પામ્યું છે. અહીં રેશમ, દીવાસળીઓ, લાકડાં તથા પ્રક્રમિત કૃષિપેદાશોનું ઉત્પાદન લેવાય છે. અહીં એક હૉસ્પિટલ, વારેન્દ્ર સંશોધન સંગ્રહાલય, રેશમ કીટપાલન સંસ્થા અને રાજશાહી યુનિવર્સિટી (સ્થાપના : 1953) તથા તેને સંલગ્ન કૉલેજો આવેલી છે. 1991 મુજબ આ શહેરની વસ્તી આશરે 2 લાખ જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા