રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 80 કિમી. જેટલી છે. તેના ઈશાન ભાગમાં બિલાસપુર, પૂર્વમાં દુર્ગ, અગ્નિ તરફ બસ્તર, પશ્ચિમમાં બાલાઘાટ અને ભંડારા (મહારાષ્ટ્ર) તથા વાયવ્યમાં માંડલા જિલ્લા આવેલા છે. જિલ્લામથક રાજનંદગાંવ જિલ્લાના મધ્યભાગમાં પૂર્વતરફ આવેલું છે.
ભૂપૃષ્ઠ : પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જિલ્લાને ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચી શકાય છે : (i) પશ્ચિમનો પહાડી પ્રદેશ, (ii) દક્ષિણનો ઉચ્ચપ્રદેશ, (iii) પૂર્વનાં મેદાનો. પશ્ચિમનો પહાડી પ્રદેશ મૈકલ અને માનગાટાની હારમાળાઓથી બનેલો છે. છૂઈખદનની પશ્ચિમે આવેલી હારમાળાઓ વધુમાં વધુ ઊંચાઈવાળી છે. મૈકલ હારમાળા અહીં સ્થાનભેદે જુદાં જુદાં નામોથી ઓળખાય છે. આ વિભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. દક્ષિણનો ઉચ્ચપ્રદેશ અસમતળ તેમજ છત્તીસગઢનાં મેદાનોની સરખામણીમાં વધુ ઊંચાઈવાળો છે. આ વિભાગમાં પણ જંગલો છે. અહીં બહુ જ ઓછી ખેતી થાય છે. અગ્નિકોણમાં રાજહરા ટેકરીઓ આવેલી છે, જે દુર્ગ જિલ્લામાં પણ વિસ્તરેલી છે. અહીંનાં જંગલોમાં સાલ, સાગ, સાજ, ધવડો, મહુડો, હારા અને ટીમરુનાં વૃક્ષો જોવા મળે છે. વાઘ, રીંછ અને સાબર અહીંનાં મુખ્ય જંગલી પ્રાણીઓ છે.
જળપરિવાહ : શિવનાથ આ જિલ્લાની મુખ્ય નદી છે. તે મહાનદીની સહાયક નદી છે. તે બાનબરાસ ઉચ્ચપ્રદેશના કોટગુલમાંથી નીકળે છે અને જિલ્લામાં ઈશાન તરફ વહે છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ પૂર્વ તરફનો હોવાથી અહીંની બધી જ નદીઓ પૂર્વ તરફના વહેણવાળી છે. શિવનાથની શાખાનદીઓમાં અમનેર, જોંક, ઘૂમરિયા, પૈરી, ઝુરા અને હાંફનો સમાવેશ થાય છે.
ખેતી-પશુપાલન : જિલ્લાના કુલ ખેડાણયોગ્ય 5,77,800 હેક્ટર વિસ્તાર પૈકી વાવેતર માટેનો વિસ્તાર આશરે 5,00,000 હેક્ટર જેટલો છે. ખેડાણયોગ્ય વિસ્તારની 12 % જમીનોને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. નહેરો સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત છે. ડાંગર, ઘઉં, ચણા, મગફળી અને જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો-ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.
ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં એક સુતરાઉ કાપડની તથા અન્ય તેલની મિલો આવેલી છે. અહીંનાં નગરોમાં હાથસાળનું કાપડ તૈયાર થાય છે. ડોંગરગઢમાં ખાદ્યતેલનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ડાંગરની નિકાસ તથા કરિયાણું, ક્રૉકરી અને કાપડ-પોશાકોની આયાત કરવામાં આવે છે.
પરિવહન-પ્રવાસન : જિલ્લામથક રાજનંદગાંવ જિલ્લાનું મધ્યસ્થ પરિવહન-સ્થળ હોઈને મોટાભાગના માર્ગો ત્યાં થઈને પસાર થાય છે અથવા ત્યાંથી શરૂ થાય છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 6 આ જિલ્લામાંથી પસાર થાય છે અને તે મહત્વનાં ગામોને જોડે છે. રાજનંદગાંવ-પાંડરિયા, રાજનંદગાંવ-માનપુર, રાજનંદગાંવ-ચંદ્રપુર, રાજનંદગાંવ-ભાનુપ્રતાપપુર, રાજનંદગાંવ-માંડલા, રાજનંદગાંવ-બાલાઘાટ, રાજનંદગાંવ-બૈહર અને રાજનંદગાંવ-નાગપુર માર્ગો અહીંના મુખ્ય માર્ગો છે. રાજનંદગાંવ દક્ષિણ-પશ્ચિમ વિભાગીય રેલવેના હાવરા-મુંબઈ માર્ગ પર આવેલું છે.
કાવર્ધા, ખૈરગઢ અને છૂઈખદન અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળો છે, આ પૈકી કાવર્ધા વધુ જાણીતું છે. કાવર્ધા નામ કબીરધામ પરથી ઊતરી આવેલું છે. આ સ્થળ ધર્મસુધારક કબીરનું નિવાસસ્થળ હતું. આજે પણ તે કબીરપંથીઓનું મુખ્ય તીર્થધામ છે. આ જિલ્લામાં માઘપૂર્ણિમા, શિવરાત્રિ, દશેરા, નવરાત્રિ જેવા તહેવારો ઊજવાય છે અને મેળા ભરાય છે. આ ઉપરાંત મુસ્લિમોના ઉર્સ પણ યોજાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 12,81,811 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને બૌદ્ધધર્મીઓની વસ્તી વિશેષ છે; જ્યારે જૈન, ખ્રિસ્તી અને શીખ લોકોનું પ્રમાણ ઓછું છે. અહીં હિન્દી ભાષા બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 30 % જેટલું છે. નગરો ઉપરાંત 70 % જેટલાં ગામોમાં એક કે બીજા પ્રકારની શિક્ષણની સુવિધા છે. તબીબી સેવાની સગવડો તાલુકામથકોમાંથી પૂરી પાડવામાં આવે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકાઓમાં અને 12 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 નગરો અને 2,378 (105 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : રાજનંદગાંવના વિસ્તારમાં અગાઉના વખતમાં વૈશ્ય રાજાઓ રાજ્ય કરતા હતા. એક મત મુજબ રાજનંદગાંવ નામ શ્રીકૃષ્ણના પિતા નંદના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. આ નામ અહીં શાસન કરતા કૃષ્ણાનુરાગી બૈરાગી કુટુંબે આપેલું હોવાનું મનાય છે. બીજા એક મત મુજબ ‘નંદ’નો અર્થ ‘કીડીઓનો રાફડો’ એવો પણ થાય છે, કીડીઓના રાફડાનું ગામ એટલે નંદગાંવ.
આ રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે. અઢારમી સદીનાં છેલ્લાં વર્ષોના ગાળામાં પ્રહ્લાદદાસ બૈરાગી નામનો પંજાબનો એક રહીશ શાલનો વેપાર કરવા માટે બિલાસપુર જિલ્લાના રતનપુર ગામમાં આવીને રહેલો. એ વેપારમાં તે શ્રીમંત બની ગયેલો. તેના મૃત્યુ બાદ તેની મિલકત તેના શિષ્ય હરિદાસ બૈરાગીને મળી. વળી આ હરિદાસ મરાઠા સેનાપતિ બિંબાજીની સાત રાણીઓનો સલાહકાર અને ગુરુ પણ હતો. તેણે નાણાંની ધીરધારનો ધંધો શરૂ કરેલો. આ ધંધામાં તેને જમીનદારી મળી. હરિદાસના મૃત્યુ બાદ તેના શિષ્ય રામદાસે પણ ધીરધારનો ધંધો ચાલુ રાખેલો. તેમાં તેને પણ નંદગાંવની જમીનદારી મળી. ત્યારપછી પાંચમા મહંતને નંદગાંવની ખંડિયા જાગીર મળી. 1865માં સાતમા મહંત ઘાસીદાસે લગ્ન કર્યાં. તત્કાલીન સરકારે તેના પુત્રને પણ વારસાઈમાં જાગીર મળે એવો નિર્ણય લીધો. ઘાસીદાસનો પુત્ર રાજા બલરામદાસ આ ખંડિયા જાગીરનો માલિક બન્યો. તેણે રાજનંદગાંવ અને રાયપુરમાં પીવાના પાણી માટેની વ્યવસ્થા (water works) શરૂ કરેલી. આજનો રાજનંદગાંવ જિલ્લો 1973ના જાન્યુઆરીની 26મી તારીખે રચવામાં આવેલો છે.
રાજનંદગાંવ (નગર) : છત્તીસગઢ રાજ્યના રાજનંદગાંવ જિલ્લાનું નગર તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આશરે 21° 00´ ઉ. અ. અને 81° 00´ પૂ. રે.. તે શિવનાથ નદી નજીક ઉત્તર તરફ વસેલું છે. અગાઉના વખતમાં તે રાજનંદગાંવના દેશી રાજ્યનું રાજધાનીનું મથક હતું. 1948માં તેને દુર્ગ જિલ્લામાં ભેળવી દેવામાં આવેલું. આ નગર રેલ તથા સડકમાર્ગનું જંક્શન હોવાથી કૃષિપેદાશોના વેપારી મથક તેમજ સુતરાઉ કાપડના મથક તરીકે વિકસ્યું છે. અહીં ડાંગર છડવાની તથા તેલીબિયાંની મિલો આવેલી છે. વળી રસાયણોનું ઉત્પાદન પણ લેવાય છે. રવિશંકર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો પણ અહીં આવેલી છે. આ નગરની વસ્તી 1,25,394 (1991) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા