રાજડા, મૂળરાજ (જ.13 નવેમ્બર 1931, મુંબઈ; અ. 23 સપ્ટેમ્બર 2012, મુંબઈ) : કલાકાર, દિગ્દર્શક અને લેખક. સ્નાતક થયા પછી, મૂળરાજ રાજડાએ કેબલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને દેના બેન્કમાં બે વર્ષ કામ કર્યું હતું.

તેમણે 1959માં ગુજરાતી નાટક લખીને અભિનય કરીને મનોરંજન ક્ષેત્રે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.

મૂળરાજ રાજડાએ મુખ્યત્વે હિન્દી, ગુજરાતી ચલચિત્રો, દૂરદર્શન અને રંગભૂમિ ઉપરા કામ કર્યું હતું. ‘કોઇનું મીંઢળ કોઇના હાથે’ ગુજરાતી ચલચિત્રનું દિગ્દર્શન તેમણે કર્યું હતું. જે ખૂબ સફળ રહ્યું હતું.

એમણે પ્રથમ એકાંકી ‘વતેસરની વાત’ લખેલું. તે બાદ પ્રથમ ત્રિઅંકી નાટક ‘તુલસી ઇસ સંસાર મેં’ લખ્યું, પછી ત્રિઅંકી ‘બારમો ચંદ્રમા’માં કામ કર્યું.

મૂળરાજ રાજડાએ તેમની કારકિર્દીનો મોટાભાગનો સમય ગુજરાતી ચલચિત્ર અને રંગભૂમિમાં વ્યતીત કર્યો. 15 વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી રંગભૂમિમાં સક્રિય રહ્યા પછી, તેઓ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં લેખક અને અભિનેતા તરીકે જોડાયા.

આ ઉપરાંત, એમણે ‘અસત્યનારાયણ’, ‘વર વગરનો વરઘોડો’, ‘બૈરી મારી બાપ રે બાપ’, ‘ભાઈબીજ’, ‘ઘડી બેઘડી’, ‘હૂતોહૂતી’, ‘ચકડોળ’, ‘મારી વહુની વહુ કોણ ?’ અને ‘મુછાળાની મઢૂલી’ નાટકો લખ્યાં છે. ‘તુલસી ઇસ સંસારમેં’, ‘અસત્યનારાયણ’, ‘એક મૂરખને એવી ટેવ’, ‘સ્વયંસિદ્ધા’, ‘જેસલ તોરલ’, ‘જગડૂશા’, ‘એવા રે અમે એવા’ વગેરે નાટકોમાં તેમણે કામ કર્યું છે. ‘વતેસરની વાત’ (1969) એકાંકીસંગ્રહ, ‘તુલસી ઇસ સંસારમેં’ ત્રિઅંકી નાટક અને ‘અંતરમાં લાગી આગ’ નવલકથા પ્રગટ થયેલ છે.

મૂળરાજ રાજડાએ ગુજરાતી અને હિન્દી ઘણી ધારાવાહિક શ્રેણીઓમાં અભિનય કર્યો હતો.

હસમુખ બારાડી