રાજગઢ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 45´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 6,154 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તર તરફ રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો; ઈશાનમાં ગુના; પૂર્વમાં ભોપાલ; અગ્નિમાં સિહોર; દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં શાજાપુર જિલ્લા આવેલા છે. જિલ્લામથક રાજગઢ જિલ્લાના ઉત્તર ભાગમાં મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ જળપરિવાહ : જિલ્લાનો લગભગ બધો જ ઉત્તર ભાગ (રાજગઢ અને ખિલચીપુર તાલુકા) 390 મીટરથી 480 મીટર સુધીની ઊંચાઈ ધરાવતી, ખડકાળ ઢોળાવોવાળી તેમજ ઓછી વનસ્પતિવાળી નાની નાની ટેકરીઓથી બનેલો છે. જિલ્લાનો મધ્યભાગ માળવાના ઉચ્ચપ્રદેશથી બનેલો છે. જિલ્લાની પશ્ચિમ સરહદે કાલી સિંધ નદી ઉત્તર તરફ વહે છે અને શાજાપુર જિલ્લા સાથે સરહદ બનાવે છે. પૂર્વ તરફ આવેલો ભાગ પણ ઉચ્ચપ્રદેશીય છે. ગુના જિલ્લા સાથે સરહદ રચતી પાર્વતી નદી પણ દક્ષિણમાંથી નીકળી ઉત્તર તરફ વહે છે. આ નદીકાંઠે થોડોઘણો જંગલવિસ્તાર આવેલો છે. માળવા ઉચ્ચપ્રદેશ અને વિદિશા ઉચ્ચપ્રદેશની વચ્ચેનો આ ભાગ આશરે 510 મીટરની ઊંચાઈ ધરાવે છે. અગ્નિકોણ તરફ આવેલો નરસિંહગઢ તાલુકાનો ભાગ પણ અંશત: ટેકરીઓવાળો તેમજ ઉચ્ચપ્રદેશીય છે. અહીં પણ પાર્વતી નદી નૈર્ઋત્યમાં થઈને વહે છે અને સિહોર તેમજ ભોપાલ જિલ્લાઓ સાથે સરહદ રચે છે. 567 મીટરની ઊંચાઈ ધરાવતું જિલ્લાનું સર્વોચ્ચ સ્થળ અહીં આવેલું છે. જિલ્લાના નૈર્ઋત્ય કોણમાં આવેલા સારંગપુર તાલુકાનો વિસ્તાર મેદાની છે. અહીંનું ભૂપૃષ્ઠ 390 મીટરથી 480 મીટર વચ્ચેની ઊંચાઈવાળું છે. કાલી સિંધ અને પાર્વતી નદીઓ ઉપરાંત જિલ્લામાં વહેતી નેવાજ, ગડગંગા અને આજનેર નદીઓ પણ ઉલ્લેખનીય છે.

રાજગઢ જિલ્લો

ખેતી-પશુપાલન : જિલ્લામાં ખેતીલાયક વિસ્તાર વિશેષ હોવા છતાં વાવેતરયોગ્ય ભાગ ઘણો જ ઓછો છે. અહીં માત્ર સૂકી ખેતી જ થાય છે. ઘઉં, જુવાર, ચણા અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પશુઓ છે.

ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો વિકસેલા નથી. અહીં અનાજ અને કઠોળનો જથ્થાબંધ વેપાર તથા ખોરાકી ચીજો, બીડી, તમાકુ અને તેની બનાવટોનો છૂટક વેપાર થાય છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લામાં સડકમાર્ગોનો વિકાસ સારી રીતે થયેલો છે. અહીંનાં 142 જેટલાં ગામડાં પાકા રસ્તાથી જોડાયેલાં છે. જિલ્લામાં પ્રવાસને યોગ્ય કોઈ સ્થળ આવેલું નથી, પરંતુ જિલ્લામાં શિવજી, ગોપીનાથ, ભોમકા, બજરંગ, કોપાલેશ્વર, નીલકંઠેશ્વર મહાદેવ વગેરેના મેળાઓ ભરાય છે. વળી ઢોરમેળો પણ ભરાતો હોય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 12,53,246 જેટલી છે. તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 83 % અને 17 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, જૈન અને બૌદ્ધોની ઓછી છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 25 % જેટલું છે. જિલ્લાનાં 53 % ગામડાંઓમાં એક યા બીજા પ્રકારની શિક્ષણસંસ્થાઓ છે. અહીં 1,000 જેટલી પ્રાથમિક, 184 જેટલી માધ્યમિક, 31 જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા 7 જેટલી કૉલેજો અને 4 વ્યાવસાયિક સંસ્થાઓ છે. અહીંના શહેરી વિસ્તારોમાં એક યા બીજા પ્રકારની તબીબી સેવાની સુવિધા છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓ અને 6 સમાજ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 12 નગરો અને 1,736 (72 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : 1948ના મે માસમાં મધ્યપ્રદેશની રચના સાથે રાજગઢ જિલ્લાની રચના પણ થયેલી છે. આ અગાઉ આ પ્રદેશ રાજગઢ, નરસિંહગઢ, ખિલચીપુર, દેવાસ (નાનું), દેવાસ (મોટું) અને ઇન્દોરનાં રાજ્યોમાં વહેંચાયેલો હતો. આથી પણ અગાઉના વખતમાં તે મહિદપુર જિલ્લાનો ભાગ હતો, જે આજે ઉજ્જૈન જિલ્લાનો તાલુકો છે. આ જિલ્લો એક વખતે રાજ્યનું પાટનગર પણ રહેલો અને બ્રિટિશ શાસન દરમિયાન તેને 13 તોપોની સલામી પણ મળતી હતી, ત્યારે શાસકો ઉમત કુટુંબના નબીરાઓ હતા.

રાજગઢ (નગર) : મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનું નગર તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : આશરે 24° 00´ ઉ. અ. અને 76° 40´ પૂ. રે. તે નેવાજ નદીની નજીક પૂર્વ તરફ આવેલું છે. તેની સ્થાપના 1640માં કરવામાં આવેલી છે. અગાઉના વખતમાં તે રાજગઢના દેશી રાજ્યની રાજધાની હતું. આજે તે આજુબાજુના વિસ્તાર માટે કૃષિપેદાશોનું બજાર બની રહેલું છે. વિક્રમ યુનિવર્સિટી-સંલગ્ન એક કૉલેજ અહીં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા