રાગિણી (જ. 16 ઑક્ટોબર 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિ, ફિલ્મો અને ટી.વી. સીરિયલોની પ્રસિદ્ધ અભિનેત્રી. સંગીતકાર પિતા સુરેશ શાહ (સુરેશતલવાર સંગીતકાર જોડીમાંના એક) અને અભિનેત્રી માતા પુષ્પા શાહની પુત્રી અને રંગભૂમિ, ટી.વી.ની અભિનેત્રી ચિત્રા વ્યાસની બહેન રાગિણીએ ઇન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ મુંબઈની મીઠીબાઈ અને નૅશનલ કૉલેજમાં કરેલો. કૉલેજના દિવસોમાં સંગીત અને નૃત્યની આંતરકૉલેજ સ્પર્ધામાં ભાગ લેનાર રાગિણીએ બચપણમાં સત્યેન બોઝની ફિલ્મ ‘જ્યોત જલે’માં નાનકડી ભૂમિકા ભજવી હતી. 1973માં સૌપ્રથમ ‘ડાર્લિંગ ડાર્લિંગ’ નાટકમાં દશ મિનિટની ભૂમિકા ભજવી અને ત્યારથી શરૂ થયેલી વ્યાવસાયિક અભિનેત્રી તરીકેની કારકિર્દી ત્રણ દાયકાથી વિસ્તરતી રહી છે. ‘ચીતરેલો સૂરજ’, ‘તરસ્યો સંગમ’ અને ‘હિમ અંગારા’ જેવાં નાટકોમાં અભિનયની ઉત્તમતા દાખવ્યા બાદ 1976માં દિગ્દર્શક કૃષ્ણકાન્ત(કે. કે.)ની ગુજરાતી ફિલ્મ ‘ડાકુરાણી ગંગા’માં નાયિકાની ભૂમિકા ભજવી ફિલ્મ-અભિનયનો આરંભ કર્યો. આ ફિલ્મના અભિનય માટે ગુજરાત સરકારે સર્વશ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રી તરીકેનો પુરસ્કાર રાગિણીને આપ્યો. ત્યારથી અનેક ગુજરાતી ફિલ્મોમાં તેઓ સતત દેખાતાં રહ્યાં છે. ‘અમે પરદેશી પાન’, ‘દાદા હો દીકરી’, ‘ઘરસંસાર’, ‘વીણાવેલી’થી માંડી ‘કાશીનો દીકરો’, ‘પારકી થાપણ’, ‘જવાબદાર’, ‘રાખનાં રમકડાં’, ‘ભાભીનાં હેત’ સહિતની અનેક ફિલ્મો પૈકી ‘જીવી રબારણ’ અને ‘કાશીનો દીકરો’ના અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર રાગિણી જીતી ગયાં છે.
ફિલ્મોમાં અભિનય છતાં મુંબઈની ગુજરાતી રંગભૂમિ સાથે રાગિણીએ સતત નાતો રાખ્યો છે. 1981માં દીપક ઘીવાલા સાથે ‘નસીબદાર’ અને 1982માં ‘જવાબદાર’ ફિલ્મનું નિર્માણ કરનાર રાગિણીએ 1987થી ટી.વી. સીરિયલોમાં અભિનય આપવો શરૂ કર્યો. ‘માંડવાની જૂઈ’, ‘કેવડાના ડંખ’, ‘સાત પગલાં આકાશમાં’, ‘સૂરજમુખી’, ‘વસિયત’, ‘મોહિની’, ‘મઝધાર’, ‘સ્વપ્નકિનારે’, ‘દેરાણી-જેઠાણી’ જેવી ગુજરાતી સીરિયલો ઉપરાંત હિન્દી ભાષામાં ‘ધૂપછાંવ’, ‘ચાણક્ય’, ‘એક ઔર મહાભારત’, ‘પરવરિશ’, ‘વજૂદ’, ‘ત્રિવેણી’, ‘સીમા’, ‘મંથન’, ‘માનો યા ના માનો’ જેવી સીરિયલો કરી. ગુજરાતીમાં ખૂબ લોકપ્રિય બનેલી ‘સપનાનાં વાવેતર’ સીરિયલની હિન્દી આવૃત્તિ ‘એક મહલ હો સપનોં કા’માં પણ તેમણે ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ‘ચંદન કા પલના’, ‘યહી હૈ સંસાર’, ‘કાલા સિંદૂર’ જેવી સીરિયલોમાં પણ રાગિણીએ પોતાના સંવેદનશીલ અભિનયની છાપ મૂકી છે.
ગુજરાતી નાટકોમાં ‘મહાસાગર’, ‘આતંક’, ‘મહારથી’, ‘મહેતલ’, ‘ચિરંજીવ’, ‘બે દૂની પાંચ’, ‘તથાસ્તુ’, ‘શુક્રમંગળ’, ‘આવતી કાલનું અજવાળું’ વગેરેમાં અભિનય વડે શ્રેષ્ઠતા પુરવાર કરનાર રાગિણીએ ‘તથાવસ્તુ’, ‘મહાપૂજન’ અને ‘ચતુર નાર’ નાટકોનું નિર્માણ પણ કર્યું છે. 1995માં ગુજરાત સરકાર માટે નાની બચત પર ‘પ્રભાત’ નામની ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. દીપક ઘીવાલા સાથે સહજીવન આરંભનાર રાગિણીની ગણના એક સંવેદનશીલ અભિનેત્રી તરીકેની રહી છે અને તેથી ગુજરાતી ફિલ્મો, નાટકો, ટી.વી. સીરિયલો અને હિન્દી ટી.વી. સીરિયલોમાં પણ સતત ટકી રહી છે.
હરીશ રઘુવંશી