ઇલેકટ્રોનિક્સ

વાયુ, શૂન્યાવકાશ અથવા અર્ધવાહક(semi-conductors)માંથી પસાર થતા વિદ્યુતભારિત કણોને લગતું વિજ્ઞાન અને તેની ટૅક્નૉલૉજી. ફક્ત ધાતુમાંથી થતા ઇલેકટ્રોનના વહન ઉપર આધાર રાખતી પ્રયુક્તિઓનો સમાવેશ વિદ્યુત-ઇજનેરીમાં કરાય છે. વિદ્યુતજનિત્ર (generator), વિદ્યુત-મોટર, વીજળીનો ગોળો વગેરે આ ક્ષેત્રનાં ઉદાહરણો છે. ઇલેકટ્રોન બધાં જ દ્રવ્યમાંનો પાયાનો એકમ છે અને તે સર્વત્ર હાજર હોય છે. આ કારણે ઇલેકટ્રોનિક્સ વિષયના વ્યાપને સીમા નથી. આજે સામાજિક અને ટૅક્નિકલ એવાં તમામ ક્ષેત્રમાં ઇલેકટ્રોનિક્સ અગત્યની ભૂમિકા ભજવે છે. બધા જ પ્રકારના વીજવહનમાં ઇલેકટ્રોન જ ભાગ ભજવે છે. તેથી વિદ્યુત-ઇજનેરીને ઇલેકટ્રોનિક્સની શાખા ગણવાની કેટલાકે હિમાયત કરેલી છે. આ બાબત ઇલેકટ્રોનિક્સના ક્ષેત્રના વ્યાપની વિશાળતા દર્શાવે છે. રેડિયો, ટેલિવિઝન, ઉપગ્રહતંત્ર, કૅલ્ક્યુલેટરો, વીડિયો-રમત, કમ્પ્યૂટરો, પ્રક્ષેપાસ્ત્રતંત્ર અને રડાર, વૈજ્ઞાનિક ઉપકરણો, ઊર્જાનિયમન, યંત્રો તથા પ્રવિધિઓ(processes)નું નિયમન, યંત્રમાનવ વગેરે ક્ષેત્રોમાં ઇલેકટ્રોનિક્સ મહત્વનો ભાગ ભજવે છે.

વિદ્યુત-ઇજનેરી અને ઇલેકટ્રોનિક્સનો વિકાસ કુલમ્બ, ઍમ્પિયર, ઑહ્મ, ગાઉસ, ફૅરેડે, હેન્રી, કિર્ચોફ અને મૅક્સવેલ જેવા સમર્થ વૈજ્ઞાનિકોએ વિદ્યુત અને ચુંબકક્ષેત્રે કરેલ અમૂલ્ય પાયારૂપ પ્રદાનના આધારે થયેલો છે. આધુનિક ઇલેકટ્રોનિક્સના સંદર્ભમાં જોઈએ તો તેમની શોધખોળનો પ્રથમ વ્યવહારુ ઉપયોગ સંદેશાવ્યવહારની પદ્ધતિઓ વિકસાવવામાં થયો હતો. આધુનિક પરિભાષામાં વાત કરીએ તો અંકીય (digital) રીતે માહિતીપ્રેષણ 1837માં યુ.એસ.માં મોર્સ સંકેત(code)થી થયેલું. આ પછી 1877માં વાણીનું સળંગ વીજસંકેતમાં રૂપાંતર કરીને તે સંકેતનું ફરીથી વાણીમાં રૂપાંતર (decoding) કરવાની શરૂઆત થઈ. આ વર્ષમાં ઍડિસને શોધેલ ફોનોગ્રાફ રેકર્ડને હીલની ભાષામાં ROM (read only memory) કહી શકાય.

1865માં જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે વિદ્યુતચુંબકત્વ સિદ્ધાંતને ગણિતનું રૂપ આપ્યું અને આગાહી કરી કે વિદ્યુતચુંબકીય તરંગોનું અવકાશમાં સંચરણ (propagation) શક્ય છે અને પ્રકાશ આવા વિદ્યુત-ચુંબકીય તરંગો જ છે ! આમ રેડિયો-સંદેશાવ્યવહારની સૈદ્ધાંતિક સ્થાપનાનો યશ મૅક્સવેલને ફાળે જાય છે તેમ કહી શકાય. 1888માં હટર્ઝે આ બાબત પ્રાયોગિક રીતે સાબિત કરી. આ પ્રકારના પ્રયોગોનું ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝે પણ કૉલકાતામાં નિદર્શન કર્યું હતું. હર્ટ્ઝ તરંગોનો માર્કોનીએ વ્યવહારમાં ઉપયોગ કરીને 1896માં વીજચુંબકીય તરંગોનું અવકાશમાં પ્રસારણ કરીને બે કિમી. દૂર તે સંકેતો ઝીલીને બિનતાર સંદેશાવ્યવહાર(wireless telegraphy)નો પાયો નાંખ્યો.

ઇલેકટ્રોનિક્સના વિકાસને બે તબક્કામાં વહેંચી શકાય : (1) શૂન્યાવકાશ નળી(vacuum tube, valve)નો તબક્કો,

(2) 1948માં શોધાયેલ ટ્રાન્ઝિસ્ટર પછીનો તબક્કો. પ્રથમ તબક્કાને ઇલેકટ્રોનિક્સનો ભૂતકાળ અને ટ્રાન્ઝિસ્ટર પછીના તબક્કાને વર્તમાનકાળ પણ કહે છે.

વાલ્વનો તબક્કો : 1895માં લૉરેન્ટ્ઝે ઇલેકટ્રોન નામના ઋણ વીજભારિત કણોના અસ્તિત્વ અંગેની સંભાવના સ્વીકારી. જે. જે. થૉમ્પ્સને 1897માં ઇલેકટ્રોનના અસ્તિત્વની પ્રાયોગિક સાબિતી આપી. તે જ વર્ષે બ્રાને ઇલેકટ્રોન-ટ્યૂબની રચના કરી, જેને આદ્ય (primitive) કૅથોડ-રે-ટ્યૂબ ગણી શકાય. આની સાથે ભૌતિકશાસ્ત્રીની પ્રયોગશાળામાં ઇલેકટ્રોન-યુગનાં મંડાણ થયાનું કહી શકાય.

અમેરિકન શોધક ઍડિસને વીજળીના ગોળામાં ધન ધ્રુવ તરફ ગરમ થયેલ તંતુ(filament)માંથી જતા વીજપ્રવાહની નોંધ લીધી હતી. આને ઍડિસન-અસર (effect) કહે છે. આ ઘટના આધારિત ડાયોડની રચના 1904માં ફ્લેમિંગે કરી. આમાં યોગ્ય સ્થિતિમાં વીજવહન ફક્ત એક જ દિશામાં થતું હોઈ [ગરમ તંતુમાંથી ઇલેકટ્રોન, ધન વોલ્ટતા ધરાવતી તકતી (plate) તરફ] આ પ્રયુક્તિનું નામાભિધાન વાલ્વ તરીકે કરવામાં આવ્યું. તકતીને ઋણ વોલ્ટતા આપતાં વીજવહન શૂન્ય થતું હતું. આથી આ વાલ્વ વડે રેડિયો-સંકેતનું પરિચાયન (detection) શક્ય બન્યું અને વાલ્વનો યુગ શરૂ થયો.

1906માં પિકાર્ડે સિલિકન સ્ફટિક સાથે અણીદાર તારને જોડીને બિન્દુસંપર્ક (point contact) ધરાવતા અર્ધવાહક ડાયોડની સૌપ્રથમ રચના કરી. આ પ્રયુક્તિનું કાર્ય ચોકસાઈવાળું નહિ હોવાથી તેને પડતી મૂકવામાં આવી. અર્ધવાહક ઇલેકટ્રોનિક્સનું એ રીતે અકાળે અવસાન થયું ગણાય.

ઇલેકટ્રોનિક્સના શરૂઆતના વિકાસમાં ડી ફૉરેસ્ટે ફ્લેમિંગ વાલ્વમાં ત્રીજો ઇલેકટ્રોડ (grid) મૂકીને કરેલી ટ્રાયોડની શોધ એક શકવર્તી સીમાચિહન બની રહી. આ પ્રયુક્તિથી પ્રવર્ધક (amplifier) પરિપથો શક્ય બન્યા. આજની પરિભાષામાં ટ્રાયોડને નિયંત્રિત સ્રોત (controlled/dependent source) કહી શકાય. ગ્રિડના વોલ્ટેજમાં નાનો ફેરફાર કરીને પ્લેટ-વોલ્ટેજમાં ઘણો મોટો ફેરફાર કરી શકાતો હોઈ ઓડિયોન તરીકે ઓળખાતા આ વાલ્વને પ્રથમ પ્રવર્ધક ગણી શકાય. પ્રવાહ-નિયંત્રણની વ્યવસ્થા છતાં તેમાંથી એક દિશામાં વીજવહન શક્ય હોઈ તેનો નિયંત્રિત સ્વિચ તરીકે પણ ઉપયોગ કરવાની શક્યતા ઊભી થઈ. ઉચ્ચ માત્રામાં શૂન્યાવકાશ મેળવવાનું શક્ય બનતાં તથા ઑક્સાઇડ-સ્તરિત કૅથોડ ઉપયોગમાં લેવાતાં ટ્રાયોડનું કાર્ય વધુ વિશ્વસનીય બન્યું અને ઇલેકટ્રોનિક્સનો વ્યવહારુ ઉપયોગ શક્ય બન્યો. આનો સૌપ્રથમ ઉપયોગ ટેલિફોન અને રેડિયો સંદેશાવ્યવહારમાં થયો. આ અરસામાં (1912) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રેડિયો એન્જિનિયર્સની સ્થાપના થઈ હતી. 1963થી આ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇલેક્ટ્રિકલ ઍન્ડ ઇલેકટ્રોનિક એન્જિનિયર્સના નવા નામાભિધાનથી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સ (સ્થાપના 1884) સાથે સંલગ્ન થઈ. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સભ્યો વચ્ચે અન્યોન્યનાં જ્ઞાન તથા અનુભવનો વિનિમય કરીને આ ક્ષેત્રનો વિકાસ સાધવાનો હતો.

માત્ર સાદા ડાયોડ તથા ટ્રાયોડ જ પ્રાપ્ય હોવા છતાં શરૂઆતના વિજ્ઞાનીઓ તથા ઇજનેરોની મૌલિક પ્રતિભાને કારણે વ્યવહારુ ઉપયોગ માટે ઘણા નવા પરિપથો વિકસાવવામાં આવ્યા હતા. કાસ્કેડ પરિવર્ધક, પુનર્જનનીય (regenerative) પ્રવર્ધક (આર્મસ્ટ્રૉંગ, 1912), આંદોલકો (ડી ફોરેસ્ટ – 1912), સંકરણ (heterodyne, આર્મસ્ટ્રૉંગ 1917), મલ્ટિવાઇબ્રેટરો (ઍક્લેસ જૉર્ડન, 1918) વગેરે આનાં ઉદાહરણો ગણાવી શકાય. માત્ર ઇલેકટ્રોનિક પરિપથનો ઉપયોગ કરીને ઇલેકટ્રોનિક સંકેત મેળવવાનું કાર્ય આંદોલકોથી બહુ સરળ થઈ ગયું અને સંદેશાવ્યવહાર માટે એક નવી જ દિશા ખૂલી ગઈ. તેવી જ રીતે શરૂઆતના મલ્ટિવાઇબ્રેટરોને આધુનિક ફ્લિપ-ફ્લૉપ તથા ક્લૉક-જનરેટરો(ટાઇમરો)ના પૂર્વજ ગણી શકાય.

પ્રવર્ધકોને કારણે ઇલેકટ્રોનિક્સનો સૌપ્રથમ વ્યવહારુ ઉપયોગ ટેલિફોન તેમજ માર્કોનીએ વિકસાવેલ પદ્ધતિમાં સંદેશાવ્યવહાર માટે થયો. કેટલાક સમય સુધી સંદેશાવ્યવહાર અને ઇલેકટ્રોનિક્સ એકબીજાના પર્યાય જેવા રહ્યા. સંદેશાવ્યવહારમાં વ્યવહારુ રીતે વપરાયેલ ઇલેકટ્રોનિક પદ્ધતિની સમગ્ર રીતે સમાજ, ઉદ્યોગો તથા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી. જનતા માટેના બ્રૉડકાસ્ટિંગની શરૂઆત 1920માં થઈ. ફક્ત 4 વર્ષના ગાળામાં અમેરિકામાં 500 કેન્દ્રો સ્થપાયાં હતાં.

બ્રૉડકાસ્ટિંગ, વિમાન તથા જહાજી સંદેશાવ્યવહાર, ટેલિવિઝન વગેરે સાધનસામગ્રીએ વ્યાપારી, રાજકીય, નાગરિક તથા સંરક્ષણને લગતા વહીવટી નિયંત્રણના પ્રશ્નો સરળતાથી ઉકેલી આપ્યા. તે ઉપરાંત પ્રચાર, સમાચાર તથા સમૂહશિક્ષણ માટે એક શક્તિશાળી માધ્યમ ઉપલબ્ધ કરાવ્યું. આજે સિનેમા, પબ્લિક ઍડ્રેસ સિસ્ટમ, ટેપરેકર્ડર વગેરેથી અદનો માનવી પણ પરિચિત થઈ ગયો છે. દુનિયાના કોઈ પણ સ્થળે કોઈ પણ ક્ષણે થતી ઘટનાના સમાચાર દેશકાળનાં બંધન ઓળંગી તરત જ મળી જાય તેમાં કોઈને કંઈ જ નવાઈ લાગતી નથી તેટલી આ બાબત સામાન્ય થઈ ગઈ છે. ઇલેકટ્રોનિક્સ સાધનોના ઉપયોગની સંભાવનાએ બીજાં ક્ષેત્રોના નિષ્ણાતોને આકર્ષ્યા છે.

ઉત્પાદનક્ષેત્રે દરેક ઉદ્યોગમાં ઉત્પાદનની પ્રક્રિયાનું દરેક તબક્કે ચોકસાઈપૂર્વક નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે જે તે ઉત્પાદનની જરૂરિયાતને અનુકૂળ થાય તેવા ઇલેકટ્રોનિક પરિપથોનું આયોજન થયું અને તેમ કરતાં કરતાં સ્વયંનિયંત્રણપદ્ધતિઓ (automation) વિકસી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન તથા કંટ્રોલની એક નવી જ શાખા શરૂ થઈ.

તબીબી નિદાન તથા સારવારક્ષેત્રે પણ ઍક્સ-રે, ઇલેકટ્રોકાર્ડિયોગ્રામ, ડાયાથર્મી વગેરે ઇલેકટ્રોનિક ઉપકરણો અનિવાર્ય બની ચૂક્યાં છે. ડૉક્ટરો તથા ઇલેકટ્રોનિક્સ-નિષ્ણાતોના જ્ઞાનનો સંયુક્ત ઉપયોગ કરી નિદાન તથા ચિકિત્સા વધુ સારી રીતે થઈ શકે તે માટે બાયૉઇલેકટ્રોનિક્સ-બાયૉમેડિકલ એન્જિનિયરિંગની શાખા શરૂ થઈ છે. તેવી જ રીતે ઉદ્યોગોમાં ચાલતાં યંત્રો તથા તેમને મળતી શક્તિના નિયંત્રણ માટે ઇલેકટ્રોનિક્સના ઉપયોગના અભ્યાસને આવરી લેતી પાવર-ઇલેકટ્રોનિકની ઇજનેરી શાખા શરૂ થઈ. ઇલેકટ્રોનિક્સ-સાધનોનો ઉપયોગ હવામાનશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશસંશોધન વગેરે માટે બહોળી રીતે થાય છે. આ તમામ વિગતો ઉપરાંત વિવિધ પ્રકારની માહિતીઓનો સંગ્રહ અને સંકલન કરી જરૂરી માર્ગદર્શન આપતું સાધન કમ્પ્યૂટર પણ ઇલેકટ્રોનિક્સ વિદ્યાનું જ સર્જન છે.

ઇલેકટ્રોનિક્સના ક્ષેત્રે થયેલા વિકાસને અનુલક્ષીને ઇલેકટ્રોનિક્સ-ઉદ્યોગો શરૂ થયા. તમામ પરિપથની રચના માટે કૉમ્પોનન્ટો એટલે કે ઘટકો જોઈએ. તેમાં ઇલેકટ્રોનિક ઉપકરણ ઉપરાંત, બીજા પરિપથ ઘટકો જેવા કે રેઝિસ્ટર, કૅપૅસિટર, ઇન્ડક્ટર, ટ્રાન્સફૉર્મર વગેરે જોઈએ. આ ઘટકોના ઉત્પાદન સાથે સંકળાયેલ વિજ્ઞાનીઓ તથા ઇજનેરોએ વધુ ને વધુ સારી કામગીરી આપતા ઘટકો શોધ્યા. પરિણામે ટેટ્રોડ, પેન્ટોડ, થાયરેટ્રોન વગેરે ઉપકરણો મળ્યાં અને વ્યવહારુ ઉપયોગ માટે નવી પરિપથરચનાઓ શક્ય બની.

આંદોલકો તથા પ્રવર્ધકોને કારણે આવૃત્તિ સમાવર્તન (F. M.) તથા તરંગમાત્રા અધિમિશ્રણ (A. M.) શક્ય બન્યાં. 1927માં બ્લૅકે એફ. એમ. પરિચાયક શોધ્યો. 1930માં ઝવોરિકીને શોધેલ ઇકોનોસ્કૉપ તથા કાઈનેસ્કોપને કારણે યુ.એસ.માં બ્લૅક ઍન્ડ વ્હાઇટ ટી.વી. શરૂ થયું (1930) અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રડાર તથા લોરાનનો ઉપયોગ નૌનયન માટે થયો. આમાંથી કેટલાક પરિપથોમાં સ્પંદસંકેત(pulse signal)નો ઉપયોગ થતાં જુદા જુદા હેતુ માટે જુદા જુદા સ્પંદ પરિપથોની રચના થઈ. ઉપરાંત વિકસેલ માઇક્રોવેવ-પદ્ધતિ માટે, ક્લાયસ્ટ્રૉન, મૅગ્નૅટ્રોન, ટ્રાવેલિંગ વેવટ્યૂબ વગેરે પણ શોધાયાં.

ટ્રાન્ઝિસ્ટર તથા I.C.ને કારણે કમ્પ્યૂટર-ઉદ્યોગ પણ ઘણો વિકસ્યો. હકીકતમાં કમ્પ્યૂટરનાં મૂળ વૅક્યૂમ-ટ્યૂબમાં મળે છે. 1633માં શિકાર્ડે ખગોળશાસ્ત્રી કૅપ્લર સાથેના પત્રવ્યવહારમાં યાંત્રિક કમ્પ્યૂટરનો ઉલ્લેખ કર્યો હતો. 1642માં પાસ્કલે તથા 1671માં લિબ્નિટ્ઝે પણ આ જ પ્રકારના વિચાર દર્શાવેલા. પણ સૌથી પ્રથમ વ્યવહારુ ગણક (calculator) ગણિતજ્ઞ બાબેજે બનાવ્યું. આ યંત્રમાં આધુનિક અંકીય (digital) કમ્પ્યૂટરના તમામ ઘટકો હતા. તેમાં પંચ કાર્ડનો ઉપયોગ થતો. 1930માં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એઇકેનના માર્ગદર્શન નીચે પહેલું કૅલ્ક્યુલેટર તૈયાર થયું પણ તે સંપૂર્ણ રીતે ઇલેકટ્રોનિક ન હતું. સૌપ્રથમ ઇલેકટ્રોનિક કૅલ્ક્યુલેટર યુનિવર્સિટી ઑવ્ પૅન્સિલવેનિયામાં એકાર્ટ તથા મોશલીએ વૅક્યૂમ-ટ્યૂબનો ઉપયોગ કરી 1946માં બનાવ્યું. તેમાં કુલ 14,000 વાલ્વ હતા તથા આ યંત્ર 10 x 13 મીટર જેટલી જગ્યા રોકતું. તેમાં આ પ્રોજેક્ટના સલાહકાર વૉન ન્યૂમૅને દ્વિઅંકી પદ્ધતિ (binary system), બુલિયન ઍલ્જિબ્રા તથા મૂળભૂત પ્રક્રિયાઓ માટે પ્રોગ્રામ સ્ટોરેજનું સૂચન કર્યું હતું.

1946માં IBM ટાઇપ 603 નામનું ઇલેકટ્રોનિક કમ્પ્યૂટર બજારમાં આવ્યું. 1954માં IBMમાંથી ડિજિટલ કમ્પ્યૂટરની પહેલી શ્રેણી બહાર પડી. આ જ સમય દરમિયાન વિકલનીય સમીકરણોના મોટા પાયાના ઉકેલ માટે ઑપરેશનલ પ્રવર્ધકનો ઉપયોગ કરીને ઍનેલૉગ કમ્પ્યૂટરો પણ વિકસાવવામાં આવ્યાં.

આ ઔદ્યોગિક વિકાસ ઉપરાંત મહત્વનાં સંશોધન, વિશ્લેષણ તથા સૈદ્ધાંતિક અન્વેષણો પણ જુદી જુદી પ્રયોગશાળાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલુ જ હતાં. આ પ્રગતિના યશભાગીઓ નીચે મુજબ છે :

બોડે તથા નિક્વિસ્ટ બ્લૅક-પ્રતિપુષ્ટિપ્રવર્ધકનું વિશ્લેષણબેલ લૅબોરેટરી તથા MITની પ્રયોગશાળાઓમાં. શેનોન તથા કોટેલ્નિકોવ, રીવઇન્ફર્મેશન થિયરી. આ ઉપરાંત શેનોનનું મહત્વનું પ્રદાન વિશ્લેષણમાં બુલિયન ઍલ્જિબ્રાનો ઉપયોગ તથા સ્વિચિંગ પરિપથો છે [1937]. બ્રિટનમાં ટ્યૂરિંગે સૂચવેલ પદ્ધતિ પર વિલ્કસે માઇક્રોપ્રોગ્રામિંગનો વિકાસ કર્યો. રેગેઝીની અને ઝેડોહે નિર્માણ કરેલ સેમ્પલ્ડ ડેટા પદ્ધતિનો ઉપયોગ ડિજિટલ પદ્ધતિથી ચાલતી ગતિનિયંત્રક પદ્ધતિમાં થયો.

ક્વૉન્ટમ-મિકૅનિક્સ પર આધારિત રીત પર પદાર્થોનો અભ્યાસ નવાં નવાં ઉપકરણોના વિકાસમાં સહાયભૂત થયો અને ઇલેકટ્રોનિક્સના કારણે શક્તિ-પરિવર્તકો(transducers)નો વ્યવહારુ ઉપયોગ વધુ સારી રીતે શક્ય બન્યો. નવાં નવાં સાધનો કૅથોડરે, ઓસિલોગ્રાફ, વી.ટી.વી.એમ. વગેરેથી માપન તથા ઇલેકટ્રોનિક્સ-સાધનોની ચકાસણી વધુ સારાં તથા સરળ બની શક્યાં.

આમ 1950નો દાયકો એક સંક્રાંતિકાળ હતો. આ જ સમયમાં વૅક્યૂમ-ટ્યૂબયુગમાંથી ટ્રાન્ઝિસ્ટર યુગની શરૂઆત થઈ અને આજે અતિ ઉચ્ચ વોલ્ટતા તથા શક્તિક્ષમતા ધરાવતા પરિપથો સિવાય સમગ્ર ક્ષેત્રમાં અર્ધવાહક ઉપકરણો છવાઈ ગયાં છે. પરિણામે અભ્યાસક્રમોમાંથી વૅક્યૂમ-ટ્યૂબનો અભ્યાસ લગભગ નામશેષ થઈ ગયો છે.

1920થી 1945ના સમયગાળા દરમિયાન અર્ધવાહક તથા સુવાહકના વીજચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ મહદ્અંશે ભૌતિકશાસ્ત્રીઓનાં જ રસ તથા સંશોધનનો વિષય હતો. આ વિષય પર પ્રકાશ પાડવામાં બ્લૉક, ડેવીકોવ, લાર્ક હોરોવિટ્ઝ, મોટ, સ્કોચી, સોમરફિલ્ડ, વાનબ્લૅક વિગ્નર, વિલ્સન તથા દુનિયાભરનાં તમામ વિશ્વવિદ્યાલયોના અનેક સંશોધકોનો ફાળો છે. તે સમય દરમિયાન સૉલિડ સ્ટેટ ઇલેકટ્રોનિક ઉપકરણો બનાવવાના પ્રયત્નો ચાલુ જ હતા. 1930માં લીલીન્થલ તથા હેઈલે આ માટે પેટન્ટ મેળવેલ, પણ તે ઉપકરણ બહુ સંતોષકારક ન નીવડ્યું અને તેના સંશોધકો તેનો કાર્યસિદ્ધાંત જોઈએ તે રીતે સમજાવી ન શક્યા. જોકે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માઇક્રોવેવ અર્ધવાહક ડાયોડનો ઉપયોગ થયો હતો, પણ આ પ્રકારનાં ઉપકરણોના ઉત્પાદનને 1945થી વેગ મળવો શરૂ થયો. તેનું મુખ્ય કારણ એ હતું કે વૅક્યૂમ-ટ્યૂબ પરિપથોમાં પરિપથ કાર્યરત ન હોય ત્યારે પણ ફિલામેન્ટ ગરમ રાખવા માટે શક્તિનો વ્યય થતો જ હતો અને ફિલામેન્ટ બળી જાય તો ટ્યૂબ બદલવી પડતી. બેલ લૅબોરેટરીના સંશોધન-નિયામક તથા ત્યારબાદ તેના પ્રમુખ એમ. જે કેલીને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે ટેલિફોન-સંદેશાવ્યવહારના વિકાસ માટે તમામ સ્વિચિંગ ઇલેકટ્રોનિક્સથી જ કરવું પડશે અને તે સાથે સારી ગુણવત્તા ધરાવતા પ્રવર્ધકો પણ જોઈશે જ. તેથી તેણે ભૌતિકશાસ્ત્રી, વિદ્યુત-ઇજનેર તથા ભૌતિક રસાયણશાસ્ત્રીના બનેલ એક સંશોધન-જૂથની સ્થાપના કરી. આ જૂથના પ્રયત્નોના ફલસ્વરૂપે 1947માં જર્મેનિયમ સ્ફટિકનો ઉપયોગ કરીને પ્રવર્ધક-પરિપથની રચના કરવામાં આવી. આમ પૉઇન્ટ કૉન્ટેક્ટ ટ્રાન્ઝિસ્ટરનો જન્મ થયો. બાર્ડીન બ્રેટન તથા શોકલેને 1956માં આ માટે નોબેલ પારિતોષિક મળ્યું. છેલ્લાં 50 વર્ષમાં ઇજનેરી ઉપકરણ માટે નોબેલ પુરસ્કાર મળ્યાનો આ પ્રથમ કિસ્સો હતો.

1958માં ટૅક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટમાં જોડાયા બાદ ટૂંક સમયમાં ક્લ્બિીએ જર્મેનિયમ કે સિલિકનનો ઉપયોગ કરી સમગ્ર પરિપથ એક જ તકતી (monolithic chip) પર આવે તે રીતે આયોજન કર્યું. અર્ધવાહકની વાહકતાનું નિયંત્રણ કરી અવરોધની રચના કરી તથા ઑક્સાઇડ સ્તરનો પારવીજ પદાર્થ (dielectric) તરીકે ઉપયોગ કરી ધારિત્ર(capacitor)ની રચના પણ કરી. આ રીતે એક જ તકતી પર સમગ્ર પરિપથની રચના કરેલ ઉપકરણને 1959માં સંકલિત પરિપથ (integrated circuit  I.C.) તરીકે ઓળખવામાં આવ્યું.

એ જ સમયમાં ફેરચાઇલ્ડ કંપનીના નોયીને પણ પરિપથના સમગ્ર વિભાગનું જોડાણ કરી એક જ સ્તર પર સમગ્ર પરિપથની રચનાનો ખ્યાલ આવ્યો હતો. તેણે પ્લેનર ટ્રાન્ઝિસ્ટર તથા બૅચ પ્રોસેસિંગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ફેરચાઇલ્ડના સંશોધન-નિયામક તથા ઇન્ટેલના સ્થાપક મૂર તથા નોયીની પદ્ધતિનો ઉપયોગ થતાં ICનું ઉત્પાદન સરળ થયું. 1961 સુધીમાં તો ટૅક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ તથા ફેરચાઇલ્ડ કંપનીએ IC ચિપનું ઉત્પાદન વ્યાપારી ધોરણે શરૂ કરી દીધું હતું.

આજે માત્ર એકાદ-બે પરિપથને બદલે સમગ્ર પરિપથ-પદ્ધતિનું નિર્માણ સિલિકનની એક જ તકતી પર થઈ શકે તેટલો વિકાસ થયો છે. પરિપથ-ઘટકોની ઉચ્ચ ઘનતા ધરાવતી તકતીઓના આયોજન તથા નિર્માણની પદ્ધતિને માઇક્રોઇલેકટ્રોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. નીચેના કોષ્ટકમાં માત્ર એક સાદા ટ્રાન્ઝિસ્ટરથી લઈને ક્રમશ: વધતા જતા પરિપથ-ઘટકોની સંખ્યા ધરાવતી ICની વિગતો આપેલી છે. આ વિગતો પરથી ICના વિકાસનો ખ્યાલ આવશે. IC ચિપમાં ઘટકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.

વર્ષ IC ઘટકોની સંખ્યા
1951 ટ્રાન્ઝિસ્ટર
1960 લઘુકક્ષા SSI (small scale IC) 100થી ઓછા
1966 મધ્યમકક્ષા MSI (medium scale IC) 100થી 1000
1969 બૃહત કક્ષા LSI (large scale IC) 1000થી 10,000
1975 અતિબૃહત કક્ષા VLSI (very large scale IC)
10,000થી વધુ

ICના સંદર્ભમાં હાલના ઇલેકટ્રોનિક ઉદ્યોગોને બે વિભાગમાં વહેંચી શકાય : (1) ICનું ઉત્પાદન કરનાર, (2) ICનો વ્યવહારુ પરિપથ તથા સાધનો માટે ઉપયોગ કરનાર. પહેલા વિભાગને કૉમ્પોનન્ટ ઉત્પાદકની કક્ષામાં મૂકી શકાય. બીજો વિભાગ કૉમ્યુનિકેશન, કંટ્રોલ, કમ્પ્યૂટર વગેરે સાધનસામગ્રીના ઉત્પાદકોનો છે.

માઇક્રોઇલેકટ્રોનિક્સ પદ્ધતિથી બીજાં ઇલેકટ્રોનિક ઉપકરણોનો પણ વિકાસ થયો. પ્લેનર પ્રોસેસની પદ્ધતિને કારણે વીજક્ષેત્રની અસરનો ઉપયોગ કરી વાહકતાનું નિયંત્રણ કરી શકાય તેવા જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર[JFET]નું 1958માં ટેઝનરે ફ્રાંસમાં નિર્માણ કર્યું. આ પ્રકારની રચનાનું સૂચન 1951માં શોકલેએ કરેલ, પણ તે સમયે સ્થિર સપાટી મળવાની ટૅકનૉલૉજી પ્રાપ્ત ન હતી. ત્યારબાદ મૅટલ ઑક્સાઇટ ફેટ(MOSFET)નું નિર્માણ અટૉલ અને કાહ્ગે 1960માં કર્યું. બે વર્ષ બાદ હોફસ્ટેન તથા હેમને આર.સી.એ. કંપનીમાં ICની રચનાને અનુરૂપ થાય તેવા મોસફેટ બનાવ્યા. ત્યારબાદ મોસફેટની રચનામાં જે ક્રમશ: વિકાસ થયો તે કમ્પ્યૂટર-ઉદ્યોગના વિકાસમાં બહુ ઉપયોગી નીવડ્યો છે.

આ સાથે 1964માં અનુરૂપ પરિપથ (analog circuit) માટે વીડલરે ફેરચાઇલ્ડ કંપનીમાં ઑપરેશનલ પ્રવર્ધક ICની રચના કરી. 1970માં આ પરિપથોમાં પણ મોસફેટનો ઉપયોગ શરૂ થયો. આ પછી તો ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ ઘટકનો સમાવેશ કરવાની પદ્ધતિનો વિકાસ થતો જ રહ્યો છે. 1961માં 25 માઇક્રોમીટરની પહોળાઈ ધરાવતી લાઇન – IC આજે 2 માઇક્રોમીટરની પહોળાઈમાં સમાઈ શકે છે અને હજી પણ તેમાં ઘટાડો થઈ રહ્યો છે.

કમ્પ્યૂટરના વિકાસને કારણે ICના વિકાસમાં વેગ આવ્યો અને IC પદ્ધતિનો ઉપયોગ થવાથી નવી પરિપથ-રચના ઉદભવી. 1961માં બ્યુએ પૅસેફિક સેમીકન્ડક્ટરમાં ટ્રાન્ઝિસ્ટરટ્રાન્ઝિસ્ટર લૉજિક(TTL)ની રચના કરી હતી તેને બદલે IC ટૅકનિકનો ઉપયોગ કરીને 1962માં મોટોરોલા કંપનીએ ઍમિટર કપલ્ડ લૉજિક (ECL) ચિપોનું ઉત્પાદન કર્યું. તે જ સમયે ફિલિપ્સ કંપનીમાં હાર્ટ તથા સ્લોબ અને જર્મનીમાં I.E.M.માં બર્જર તથા વીડમૅને ઇન્ટિગ્રેટેડ ઇન્જેક્શન લૉજિક(I²L)ની પદ્ધતિ વિકસાવી.

મોસફેટ ટૅક્નૉલૉજીને કારણે ઉચ્ચ ઘટક ઘનતા વધારે પ્રમાણમાં શક્ય બની. શરૂઆતમાં P-પ્રકારના PMOS મોસફેટનો ઉપયોગ થતો; પણ પ્રસરણ(diffusion)-પદ્ધતિનો વિકાસ થતાં, N પ્રકારનાં વધુ ઝડપી NMOS ઉપકરણોનું ઉત્પાદન થયું. હાલને તબક્કે NMOS ટૅક્નૉલૉજીનો જ ઉપયોગ થાય છે. ઓછા ઊર્જાવ્યયને કારણે PMOS તથા NMOS બંને પ્રકારના સંયોજનવાળી ચિપનો કૉમ્પ્લિમેન્ટરી મેટલ ઑક્સાઇડ સેમીકંડક્ટર (CMOS) ચિપનો ઉપયોગ ડિજિટલ ઘડિયાળોમાં થયો. પૉલિસિલિકન ગેઇટ્સ તથા ICના કદમાં ઘટાડો થવાથી ડિજિટલ પરિપથ માટે 1980 બાદ કૉમ્પ્લિમેન્ટરી મોસ(CMOS)નો ઉપયોગ વધ્યો અને ત્યાર પછી NMOSને બદલે CMOS પદ્ધતિનો ઉપયોગ શરૂ થયો.

મોસફેટને કારણે કમ્પ્યૂટરના સ્મૃતિઘટકમાં કૉમ્પ્લિમેન્ટરી મોસમાં ઘણો ઝડપી વિકાસ થયો છે અને 1973માં માત્ર 16,000 બિટની ક્ષમતા ધરાવતા સ્મૃતિઘટકો(memory)ને બદલે 1986માં 106 બિટની ક્ષમતા ધરાવતા ઘટક અને ત્યારબાદ વધુ ને વધુ ક્ષમતા ધરાવતા સ્મૃતિઘટકો કિલો, મેગા અને ગિગા બીટમાં તૈયાર થઈ રહ્યા છે.

1970ની સાલમાં મહદ્અંશે MOSICનો ઉપયોગ કૅલ્ક્યુલેટર માટે થતો. કેટલાક ઉત્પાદકોને કૅલ્ક્યુલેટર રચનાનો ઉપયોગ પરિપથોની કાર્યવહીમાં કરવાનો વિચાર આવતાં 1969માં ઇન્ટેલ કંપનીમાં હોફે માઇક્રોપ્રોસેસરની રચના કરી. 1971માં ઇન્ટેલે પહેલું માઇક્રોપ્રોસેસર બનાવ્યું. માઇક્રોપ્રોસેસરને કારણે ‘એક જ ચિપમાં કમ્પ્યૂટર’ની પરિકલ્પના સાકાર થઈ. 1971માં ટૅક્સાસના કોચરન તથા બૂનને આ માટે પેટન્ટ મળી. તે સમયે ઇન્ટેલે ઉત્પાદન કરેલી 8,048 માઇક્રોકમ્પ્યૂટર ચિપ વ્યાપારી ધોરણે મળતી હતી. કમ્પ્યૂટરની મદદથી આયોજન શક્ય બન્યું ત્યારથી IC ઉત્પાદન કરવાની ટૅક્નૉલૉજીનો વિકાસ વધુ પ્રવેગિત થયો.

ICની પ્રાપ્યતા સાથે સાથે કૉમ્યુનિકેશન અને કંટ્રોલનાં સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોની ટૅક્નૉલૉજીમાં પણ પરિવર્તન આવ્યું. માઇક્રોઇલેકટ્રોનિક્સને કારણે એકીસાથે મોકલી શકાતા સંદેશાવ્યવહારનું પ્રમાણ વધ્યું અને 1980માં તો ડિજિટલ પ્રસારણનો વ્યાપ ઘણો વધ્યો. માઇક્રોઇલેકટ્રોનિક્સને કારણે સ્પંદસંકેત સમાવર્તન (Pulse Code Modulation) શક્ય બન્યું અને ટેલિફોનમાં હવે સ્વિચિંગ તથા સ્મૃતિ માટે ICનો જ ઉપયોગ થાય છે. સક્રિય ફિલ્ટર પણ ICની મદદથી શક્ય થયાં અને સેટેલાઇટ-સંદેશાવ્યવહાર વધુ વ્યાપક તથા સસ્તો થયો.

અર્ધવાહક ઉપકરણોને કારણે ઉદ્યોગોમાં યંત્રોના નિયંત્રણ માટે SCR મળી શક્યો. થાયરેટ્રોનને બદલે તેનો ઉપયોગ થાય છે. માઇક્રો-કમ્પ્યૂટરને કારણે ઑટોમેશન વધારે સરળ થયું અને કંટ્રોલ-પદ્ધતિના ઘટકોમાં માઇક્રોઇલેકટ્રોનિક્સને કારણે કમ્પ્યૂટર અનિવાર્ય અંગ બન્યું.

આ જ કારણે આધુનિક કમ્પ્યૂટર-ઉદ્યોગોમાં કમ્પ્યૂટરની રચનામાં આમૂલ પરિવર્તન આવી ગયું. ટ્યૂબને બદલે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતું કમ્પ્યૂટર ક્રેએ 1956માં બજારમાં મુકાવ્યું. ત્યારબાદ હાઇબ્રીડ ICનો ઉપયોગ થયો, 1965માં પીડીપી-8 આવ્યું. 1980માં VLSI ચિપનો ઉપયોગ થયો. આમ ઓછી જગ્યા રોકતાં વધુ ઝડપી અને પ્રમાણમાં સસ્તાં કમ્પ્યૂટરો માઇક્રોઇલેકટ્રોનિક્સને આભારી છે. આધુનિક સમયમાં માહિતીના આદાનપ્રદાન માટે પૃથ્વી તથા અવકાશનાં, સ્થળકાળનાં બંધન ઓળંગવાં સરળ બન્યાં છે.

ઇલેકટ્રોનિક્સનાં તમામ પાસાં, કૉમ્યુનિકેશન, કૉમ્પ્યુટેશન અને કંટ્રોલને આવરી લેતું ઉદાહરણ અવકાશયાનમાંથી મોકલાતું ટેલિવિઝન-ચિત્ર છે. આ રીતે જોઈએ તો ઇલેકટ્રોનિક્સનાં વિવિધ પાસાં એકબીજાંમાં વિલીન થઈ રહ્યાં છે અને આથી 1980નો દસકો ‘માહિતીયુગ’ (information age) તરીકે ઓળખાય છે.

કૉમ્યુનિકેશન તથા કમ્પ્યૂટર-ટૅકનિકના સંમિશ્રણથી વિવિધ પ્રકારે માહિતીનાં સંગ્રહણ અને વિનિમય શક્ય બન્યાં છે. વહીવટી સંચાલનમાં, ઉત્પાદનના નિયંત્રણમાં તેના કારણે ચેતવણી (alarm) માટેની પદ્ધતિ અને અંગત ઉપયોગ માટેનાં કમ્પ્યૂટરો વગેરેમાં માઇક્રોઇલેકટ્રોનિક્સના ઉપયોગને કારણે સામાજિક, આર્થિક, રાજકીય, નાગરિક અને લશ્કરી આયોજન તથા વહીવટમાં, વાહનવ્યવહાર વગેરેમાં જબ્બર પરિવર્તન આવ્યું છે. આ સદીના અંતમાં સંભવત: ઇલેક્ટ્રિક મોટરની જેમ માઇક્રોઇલેકટ્રોનિક્સ બહુ જ સામાન્ય શબ્દ થઈ જશે.

અગાઉ જણાવ્યા પ્રમાણે, ઇલેકટ્રોનિક્સ-ઉદ્યોગો મહદ્અંશે ચાર ‘C’માં વહેંચાયેલા (communication, computation, control અને components) છે. સિલિકન આધારિત ટૅક્નૉલૉજીનું પ્રાધાન્ય વધતું રહ્યું છે.

ઇલેકટ્રોનિક ઉદ્યોગ : ઇલેકટ્રોનિક્સ આજની જીવનશૈલીમાં આધુનિકતા અને એશઆરામનું પ્રતીક બની ગયું છે. રેડિયો અને ટેલિવિઝન, ઘડિયાળો અને કૅલ્ક્યુલેટરથી માંડીને કમ્પ્યૂટર, ટેલિકૉમ્યુનિકેશન અને પ્રોસેસ કંટ્રોલ સિસ્ટમ સુધી ઇલેકટ્રોનિક્સ આપણી તમામ સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓમાં ઓતપ્રોત થઈ ગયું છે. આજના યુગને ઇલેકટ્રોનિક યુગ તરીકે અતિશયોક્તિ વગર ઓળખાવી શકાય.

ભારતમાં ઇલેકટ્રોનિક ઉદ્યોગનું મંડાણ કેટલીક ખાનગી કંપનીઓએ પરદેશની સહાયથી વીસમી સદીના પાંચમા દાયકાનાં પાછલાં વર્ષોમાં રેડિયો બનાવવાની કરેલી શરૂઆતથી થયું ગણાય. વપરાશી માલ અને તેના કેટલાક ઘટકો શરૂઆતમાં બનાવવામાં આવતા હતા. પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગની જરૂરિયાતનો કેટલોક માલસામાન ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ (બૅંગાલુરુ) બનાવી આપતાં હતાં. ટ્રાન્ઝિસ્ટરની શોધ થતાં આયાતી માલના વિકલ્પો(substitutions)ના ઉત્પાદનમાં વૃદ્ધિ, પેદાશમાં વિવિધતા અને નિકાસની સૌપ્રથમ શરૂઆત થઈ અને ઉત્તરોત્તર ઇલેક્ટ્રોનિક્સ-ઉદ્યોગ વિકાસ પામતો રહ્યો. 1960માં ઇલેકટ્રોનિક માલસામાનનું ઉત્પાદન રૂ. 15 કરોડ હતું તે 1987-88માં રૂ. 5,288 કરોડ થયું, 1988-89માં તે ઉત્પાદન રૂ. 7,085 કરોડ, 1991માં રૂ. 10,000 કરોડ અને 2,000માં રૂ. 22,000 કરોડની આસપાસ થયું. 2009-10માં 1.10720 કરોડથી વધીને 2010-11માં 10 %ની વૃદ્ધિ થઈ છે. 2011-12માં 12.8 % વૃદ્ધિ થવા સંભવ છે.

ઇલેકટ્રોનિક માલસામાનનું આ પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (1) ઘટકો (components) – ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર, કૅપૅસિટર વગેરે; (2) વપરાશી ચીજો – રેડિયો, ટેલિવિઝન, ટેપરેકર્ડર, કૅસેટ, વી.સી.આર., ઘડિયાળો, કૅલ્ક્યુલેટર, રમકડાં વગેરે; (3) સંદેશા-વ્યવહાર અને દૂરવાણી તથા દૂરદર્શનનાં સાધનો; (4) અંતરીક્ષ અને સંરક્ષણ માટેની સાધનસામગ્રી; (5) કંટ્રોલ ઉપકરણો અને ઔદ્યોગિક ઇલેકટ્રોનિક્સ; (6) કમ્પ્યૂટર.

ઇલેકટ્રોનિક્સ ઉદ્યોગનું માળખું બે પ્રકારનું હોય છે : નાના એકમો તરીકે વિકેન્દ્રિત સ્વરૂપે અથવા એક જ સ્થળે વિવિધ પેટાએકમો ધરાવતું વિશાળ સંકુલ. પહેલો પ્રકાર જાપાનમાં અને બીજો પ્રકાર યુ.એસ.માં અપનાવવામાં આવેલો છે. ઘટકો સોંઘા હોઈ ઓછા મૂડીરોકાણથી વધુ એકમો ચલાવી શકાય છે. વળી ઘટકો જોડવાનું કાર્ય શ્રમપ્રધાન (labour intensive) છે. ઘટકો નાના હોય છે અને મોટી સંખ્યામાં જરૂરી હોઈ સ્વયંચાલિત પદ્ધતિથી ઉત્પાદન કરવાથી ઓછી કિંમતે બનાવી શકાય છે.

ભારતમાં ઇલેકટ્રોનિક્સ-સાધનોનું ઉત્પાદન કેન્દ્ર તેમજ રાજ્ય-સરકારોના જાહેર ક્ષેત્રમાં તેમજ ખાનગી ક્ષેત્રમાં પણ સારા પ્રમાણમાં થાય છે. શરૂઆતના સમયમાં ભારત સરકારે તેમજ રાજ્યસરકારોએ મહત્વની ભૂમિકા ભજવી, પરંતુ ત્યારબાદ ખાનગી ક્ષેત્રનો ફાળો ક્રમશ: વધતો રહ્યો છે.

નિકાસને પ્રોત્સાહન આપવા માટે સાન્તાક્રુઝ ઇલેકટ્રોનિક્સ ઍક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (SEEPZ) અને ફ્રી ટ્રેડ ઝોન (કંડલા અને ફાલ્ટા પ. બંગાળમાં) સ્થાપવામાં આવેલા. સૉફ્ટવૅરની નિકાસને ઉત્તેજન આપવા ઇલેકટ્રોનિક્સ સૉફ્ટવૅર ઍક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સ્થાપવામાં આવી છે. ભારતમાંથી મુખ્યત્વે યુ.એસ., રશિયા અને દૂરપૂર્વના દેશોમાં નિકાસ થાય છે.

ઇલેકટ્રોનિક્સ ક્ષેત્રમાં ડિઝાઇનમાં બહુ ઝડપથી ફેરફારો થાય છે. વળી પરદેશમાં મહાકાય ઇલેકટ્રોનિક્સ-ઉદ્યોગમાં ચાલતા ઘનિષ્ઠ સંશોધનને પરિણામે નવી નવી પ્રયુક્તિઓ શોધાતી જાય છે. આથી ટૅક્નૉલૉજીનો વિકાસ ઇલેકટ્રોનિક ઉદ્યોગમાં અતિ મહત્ત્વનો છે. આની અગત્ય પારખીને ડિપાર્ટમેન્ટ ઑવ્ ઇલેકટ્રોનિક્સ સંશોધન-યોજનાઓને આર્થિક મદદ કરે છે. ઘણી યોજનાઓનો ઉત્પાદનક્ષેત્રે ઉપયોગ થતો હોય છે.

તૈયાર માલસામાનની ચકાસણી ઇલેકટ્રોનિક ક્ષેત્રે અતિ અગત્યનું સ્થાન ધરાવે છે. આ માટે વિવિધ રાજ્યોમાં 15 ઇલેકટ્રોનિક ટેસ્ટ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ (ETDC), 4 ઇલેકટ્રોનિક રિજિયૉનલ ટેસ્ટ લૅબોરેટરીઝ (ERTLs) સ્થાપવામાં આવેલી છે.

ઘણાંખરાં રાજ્યોએ ઇલેકટ્રોનિક્સ ડેવલપમેન્ટ કૉર્પોરેશનો સ્થાપ્યાં છે. ગુજરાતમાં ગુજરાત કૉમ્યુનિકેશન ઍન્ડ ઇલેકટ્રોનિક્સ લિમિટેડ સ્થાપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 320 હૅક્ટરમાં ઇલેકટ્રોનિક્સ વસાહત સ્થાપવામાં આવી છે. ભારત સરકારને વિવિધ ક્ષેત્રોમાં ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ થવામાં જરૂરી માહિતી મળી શકે તે માટે 1977માં નૅશનલ ઇન્ફર્મેશન સેન્ટર (NIC) સ્થાપવામાં આવેલું છે. કમ્પ્યૂટર અંગેની વિવિધ સેવાઓ સરળતાથી પ્રાપ્ય કરવા માટે Computer Maintenance Corporation(CMC)ની સ્થાપના કરાઈ છે. ઇલેકટ્રોનિક સાધનોની નિકાસને વેગ આપવા માટે ઇલેકટ્રોનિક્સ ટ્રેડ ઍન્ડ ટૅક્નૉલૉજી ડેવલપમેન્ટ કૉર્પોરેશન (ET & TDC) સ્થાપવામાં આવ્યું. Center for Development of Telemetrics(C-DOT)ની સ્થાપના 1984માં ટેલિફોનના વિકાસ માટે કરવામાં આવેલ છે. ટેલિકૉમ્યુનિકેશન, ડેટાપ્રોસેસિંગ, વપરાશી માલસામાન, સંરક્ષણ વગેરે ક્ષેત્રો માટે ઉપયોગી પરિપથો, મૉડ્યુલ્સ અને પેટાપ્રણાલી (subsystems) વિકસાવવાના ઉદ્દેશથી સેમિકંડક્ટર કૉમ્પ્લૅક્સ લિમિટેડ (SCL) સ્થાપવામાં આવેલ છે.

શિક્ષણ : ઇલેકટ્રોનિક ઉદ્યોગના વિકાસને લીધે તાલીમ પામેલ કુશળ કારીગરોના અને ઇજનેરોની જરૂરિયાત સતત વધતી રહી છે. નવા અભ્યાસક્રમો, અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તેવાં સાધનો, શિક્ષકોના ઓપવર્ગ વગેરેને સ્પર્શતા પ્રોજેક્ટો ચલાવવા માટે વિવિધ સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઑવ્ ઇલેકટ્રોનિકે (DE) અનુદાન રૂપે મદદ કરી છે. સર્ટિફિકેટ અભ્યાસક્રમોથી માંડીને ઉચ્ચ પ્રકારના સંશોધન માટેની સુવિધાઓ આ ક્ષેત્રમાં ઉપલબ્ધ છે. ભારતની બધી આઇ.આઇ.ટી.માં સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી. સ્તરના ઇલેકટ્રોનિક્સ તથા કમ્પ્યૂટર અંગેના ઘનિષ્ઠ અભ્યાસક્રમો ચાલે છે. આ ઉપરાંત લગભગ બધી ઇજનેરી કૉલેજો અને પૉલિટૅક્નિકોમાં ઇલેકટ્રોનિક્સ, કમ્પ્યૂટર એન્જિનિયરિંગ અને ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી(IT)ના અભ્યાસક્રમ શરૂ થયા છે.

ગુજરાત રાજ્યમાં સ્વાતંત્ર્ય પહેલાં સી. એન. વિદ્યાલય, અમદાવાદ, લખધીરજી ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, મોરબી અને અમરેલીમાં રેડિયો મિકૅનિકના અભ્યાસક્રમો ચાલતા હતા. 1948માં સૌરાષ્ટ્ર રાજ્યમાં શ્રી અમૃતલાલ વીરપાલ પારેખે ભવિષ્યની જરૂરિયાત પારખીને આપેલ દાનથી ઇલેકટ્રોનિક્સના ડિપ્લોમા તથા સર્ટિફિકેટ કોર્સ માટે એ. વી. પારેખ ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવ્યું. શરૂઆતમાં મુખ્ય અભ્યાસક્રમો કૉમ્યુનિકેશનને લગતા હતા. ક્રમશ: તેમાં નવા અભ્યાસક્રમો ઉમેરાતા ગયા. ગુજરાતમાં ઇલેકટ્રોનિક્સના અભ્યાસમાં આ સંસ્થાનો ફાળો મહત્વનો છે. 1968માં અમદાવાદ ખાતે એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં સ્નાતક-કક્ષાએ ઇલેકટ્રોનિક્સનો અભ્યાસક્રમ શરૂ થયો. ઇલેક્ટ્રોનિક્સ ઍન્ડ કૉમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન ઍન્ડ કંટ્રોલના સ્નાતક-કક્ષાના અભ્યાસક્રમો એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ, ડી. ડી. આઈ. ટી. (નડિયાદ) તથા શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કૉલેજ(ભાવનગર)માં શરૂ થયા. વળી ડી. ડી. આઈ. ટી.માં ઇલેકટ્રોનિક્સનો અનુસ્નાતક-કક્ષાનો, એલ. ઈ. કૉલેજ(મોરબી)માં પાવર ઇલેકટ્રોનિક્સનો તથા અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં કમ્પ્યૂટરનો સ્નાતક-કક્ષાનો અભ્યાસક્રમ ચાલુ થયા. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર), મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (વડોદરા) તથા રિજિયૉનલ કૉલેજ ઑવ્ એન્જિનિયરિંગ(સૂરત)માં પણ ઇલેકટ્રોનિક્સ અને કમ્પ્યૂટર-ઇજનેરી અંગેના અભ્યાસક્રમો શરૂ થયા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં યુ. વી. પટેલ ઇજનેરી કૉલેજમાં આ બધા વિષયો ઉપરાંત Mechtronics જેવો આધુનિક વિષય શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીનું રોલવાલા કમ્પ્યૂટર સેન્ટર કમ્પ્યૂટર અંગેનો અનુસ્નાતક અભ્યાસક્રમ ચલાવે છે. વિક્રમ સારાભાઈના માનસસંતાન જેવાં ઇસરો, સૅક અને પી.આર.એલ.માં ઇલેકટ્રોનિક્સ-ક્ષેત્રે ઉચ્ચ પ્રકારનું સંશોધન ચાલે છે. આઇ.ટી.આઇ. સંસ્થાઓ ટૅક્નિશિયન કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે, જ્યારે પૉલિટૅક્નિક સંસ્થાઓ ડિપ્લોમા-કક્ષાના અભ્યાસક્રમો ચલાવે છે.

પ્રદ્યુમ્ન વૈષ્ણવ