રંગારેડ્ડી : આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 45´થી 17° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 00´ પૂ. રે. વચ્ચેનો 7,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, પૂર્વમાં અને દક્ષિણે અનુક્રમે આંધ્રના મેડક, નાલગોંડા અને મહેબૂબનગર જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યનો બિદર જિલ્લો આવેલા છે. હૈદરાબાદ રાજ્યનું પાટનગર હોવા ઉપરાંત તે જિલ્લામથક પણ છે.

રંગારેડ્ડી જિલ્લો

ભૂપૃષ્ઠજળ-પરિવાહ-આબોહવા : જિલ્લાનો મોટો ભાગ ગોલકોંડા ઉચ્ચપ્રદેશથી બનેલો છે, તેના પહાડો પર છૂટાંછવાયાં જંગલો આવેલાં છે. ભૂમિઢોળાવ પશ્ચિમથી પૂર્વ તથા અગ્નિ તરફનો છે. રાજકોંડા હારમાળા અગ્નિ દિશા તરફ નાલગોંડા જિલ્લાના દેવરાકોંડા મંડળ (તાલુકો) સુધી વિસ્તરેલી છે. અનંતગિરિ હારમાળા દક્ષિણે આવેલા મહેબૂબનગર જિલ્લામાંથી વિસ્તરીને આ જિલ્લાને વીંધતી ઉત્તર તરફ ધરુર સુધી ચાલી જાય છે. તેનો મોટો ભાગ ઉચ્ચ કક્ષાના લૅટરાઇટ ખડકથી બનેલો છે, આ ઉપરાંત ગ્રૅનાઇટ ખડકની છૂટીછવાઈ ટેકરીઓ પણ જોવા મળે છે. આ જિલ્લામાં કોઈ મોટી નદી આવેલી નથી.

મુસી આ જિલ્લાની મુખ્ય નદી છે, તે શિવરેડ્ડીપેટ ગામ નજીકની અનંતગિરિની ટેકરીઓમાંથી નીકળે છે, હૈદરાબાદ શહેરની મધ્યમાંથી પસાર થઈને પૂર્વ તરફ જાય છે. ત્યાંથી નાલગોંડા જિલ્લામાં પ્રવેશી, વેડાપલ્લી ગામ નજીક કૃષ્ણા નદીને મળે છે. મુસી નદી પર બંધ બાંધીને ઓસ્માનસાગર અને હિમાયતસાગર નામનાં બે જળાશયો તૈયાર કરેલાં છે. તેમાંથી હૈદરાબાદને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. કાગના નામની બીજી એક નદી ઘણાં ગામડાંઓમાંથી પસાર થાય છે.

આ જિલ્લો દ્વીપકલ્પના મધ્ય ભાગમાં દરિયાથી દૂર આવેલો હોવાથી ગરમ અને સૂકી આબોહવા ધરાવે છે. પહાડી પ્રદેશની આબોહવા પ્રમાણમાં મધ્યમસરની સમધાત રહે છે. વરસાદનું પ્રમાણ ઓછું રહે છે.

વનસ્પતિ : જિલ્લાની 42.5 % ભૂમિ ખેડાણ હેઠળ આવરી લેવામાં આવી છે. ખેડાણવિહીન ભૂમિભાગો, ટેકરીઓ અને તેમના ઢોળાવો પર વનસ્પતિનું પ્રમાણ જોવા મળે છે. બાવળ, ઈટા અને પેડ્ડા ઈટા અહીં જોવા મળતાં સર્વસામાન્ય વૃક્ષો છે. ગામોમાં તેમજ આજુબાજુના ભાગોમાં આંબાનાં ઝુંડ, આમલી, જામફળ અને સીતાફળ જોવા મળે છે. ફાઇકસ બેંગાલેન્સિસ (Marri) રસ્તાઓની ધાર પર ખૂબ પ્રમાણમાં નજરે પડે છે. હલકી કક્ષાની જમીનો અને ઓછા વરસાદને કારણે ઇમારતી લાકડાનાં વૃક્ષોનું પ્રમાણ નજીવું છે. જિલ્લાની કુલ ભૂમિના માત્ર 9 %થી 10 % જેટલી ભૂમિમાં જ જંગલો આવેલાં છે. વળી આ જંગલો મોસમ પ્રમાણે જ ઊગે છે. જે થોડુંઘણું ઘાસ ઊગે છે, તે ઢોર તથા ઘેટાં-બકરાં ચરી જાય છે. અહીંનાં જંગલોને દક્ષિણ અયનવૃત્તીય સૂકાં પર્ણપાતી જંગલો તરીકે વર્ગીકૃત કરેલાં છે. જંગલોમાંથી ઇંધન માટેનું લાકડું, નાના કદનાં ઇમારતી લાકડાં, ઢોરો માટેનું ઘાસ, બીડીનાં પાન, મહુડાનાં ફળ અને ફૂલ, કરંજબીજ, સીતાફળ, મધ, મીણ તથા રોઝા ઘાસ જેવી પેદાશો મળે છે.

ખેતી સિંચાઈ પશુપાલન : આ જિલ્લામાં ખરીફ (જૂનથી સપ્ટેમ્બર) અને રવી (ઑક્ટોબરથી માર્ચ) પાકો લેવામાં આવે છે. ડાંગર અહીંનો મુખ્ય પાક છે. આ ઉપરાંત જુવાર, રાગી, મગફળી, એરંડા, કઠોળ, મરચાં, ટમેટાં, શાકભાજી વગેરેની ખેતી પણ થાય છે. જિલ્લામાં કોઈ મોટી સિંચાઈ યોજનાઓ નથી. નાની જળાશય યોજનાઓ તથા નળકૂપ, સાદા કૂવા અને તળાવો દ્વારા સિંચાઈ થાય છે.

જિલ્લામાં ઢોર તેમજ મરઘાં-બતકાંના ઉછેરનું પ્રમાણ વિશેષ છે. દૂધ અને તેની પેદાશો તથા ઈંડાં હૈદરાબાદ-સિકંદરાબાદને તેમજ મુંબઈને પૂરાં પડાય છે. જિલ્લાને દરિયાક્ધિાનારો તથા મોટી નદીઓ ન હોવા છતાં નાની નદીઓ તેમજ જળાશયો અને તળાવોમાં મત્સ્ય-ઉછેરનો વિકાસ કરવામાં આવેલો છે.

ઉદ્યોગો : જિલ્લામાં ખેતી-આધારિત ઉદ્યોગો વિકસેલા છે. રાજ્યમાં રસાયણો અને તેને લગતા ઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે. રાજ્યના ઇજનેરી ઉદ્યોગો આ જિલ્લામાં વધુ વિકસ્યા છે. આ ઉપરાંત ઔષધિનિર્માણ-ઉદ્યોગ, વીજ અને વીજાણુ-ઉદ્યોગ, કાપડ-ઉદ્યોગ, ચર્મ-ઉદ્યોગ, સિમેન્ટ-ઉદ્યોગ, ખાદ્યપ્રક્રમણનો ઉદ્યોગ, ખેત-પેદાશો આધારિત ઉદ્યોગ પણ અહીં આવેલા છે. સંશોધન અને વિકાસ- સંસ્થાઓ પણ છે. સનતનગર અને વિકારાબાદ ખાતે ઔદ્યોગિક વસાહતો આવેલી છે. મરઘાં-બતકાં-ઉછેર, લુહારીકામ, સુથારીકામ, માટીકામ અને ચર્મકામના તથા સાબુ અને તેલ બનાવવાના એકમો પણ વિકસ્યા છે. આ પ્રકારના તેમજ અન્ય મળીને 3,200 જેટલા એકમોમાં માટીનાં પાત્રો, નળિયાં, ટાઇલ્સ, ખેતીનાં સાધનો, ગાડાં, ચંપલો, સાબુ, તેલ બનાવવાનું અને ચામડાં કમાવવાનું કામ ચાલે છે.

વેપાર : આ જિલ્લામાં ઉત્પન્ન થતી પેદાશોમાં શાકભાજી, ડાંગર, દ્રાક્ષ, ગોળ, ચાની ભૂકી, રેફ્રિજરેટર, પંખા, ઘડિયાળો, ટીવી સેટ, બૅટરીના સેલ અને ઔષધિઓનો  સમાવેશ થાય છે. આ પૈકીની મોટાભાગની પેદાશોની નિકાસ થાય છે; જ્યારે ચોખા, ચાનાં પાન, ખાંડ, કોલસો, પેટ્રોલ, રસાયણો, ખાતરો, વીજાણુ-સામગ્રી તથા ઍલ્યુમિનિયમની મિશ્રધાતુ વગેરેની આયાત કરવામાં આવે છે.

વાહનવ્યવહાર : હૈદરાબાદ રાજ્યનું પાટનગર તેમજ જિલ્લામથક હોવાથી અહીં રેલમાર્ગો અને સડકમાર્ગોનો વિકાસ સારા પ્રમાણમાં થયેલો છે. જિલ્લાનાં બધાં જ નગરો અને ગામડાંઓમાં વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ છે.

પ્રવાસન : આ જિલ્લામાં પ્રવાસન-સ્થળોની સંખ્યા વિશેષ જોવા મળે છે.

(i) કીસરા (કીસરાગુટ્ટા) : હૈદરાબાદથી ઈશાનમાં આશરે 32 કિમી.ને અંતરે તથા હૈદરાબાદ-વિજયવાડા રેલમાર્ગ પરના ઘાટકેશ્વર રેલમથકથી 10 કિમી.ને અંતરે આવેલું ગામ. ‘કીસરા’ નામ ‘કેસરી’  (હનુમાન) પરથી ઊતરી આવેલું છે. ‘કીસરા’ નામ કીસરાની ટેકરી પરના પ્રખ્યાત રામલિંગેશ્વર મંદિરથી થોડા અંતરે આવેલા લક્ષ્મીનરસિંહના મંદિર સાથે પણ સંકળાયેલું છે. આ સ્થળના ભવ્ય ભૂતકાળની ઝાંખી અહીંના જૂના કિલ્લાના અવશેષો પરથી થાય છે. આ ટેકરીના શિખર પર તેમજ નીચે વિઘ્નેશ્વર, અંજની અને મહાવિષ્ણુનાં શિલ્પો ધરાવતા પાષાણસ્તંભો પણ જોવા મળે છે. આ સ્થળે દર વર્ષે ‘કીસરાજાત્રા’ નામથી ઊજવાતો રામલિંગેશ્વરનો બ્રહ્મોત્સવ અહીંના લોકો માટેનું આકર્ષણ છે.

(ii) મેદચલ : મેદચલ તાલુકાનું તાલુકામથક. તે હૈદરાબાદની ઉત્તરે 32 કિમી. અંતરે આવેલું છે. તેનું મૂળ નામ ‘મેદીચલમ્’ (મેદી એટલે અંજીર, ચલામા એટલે વસંત, ઝરો, કમાન) હતું, જે સમય જતાં અપભ્રંશ થવાથી મેદચલ થયું છે. હૈદરાબાદના શરૂઆતના મુસ્લિમ શાસકોનું આનંદપ્રમોદનું આરામસ્થળ હતું. તેમણે અહીં સુંદર આરામગૃહ બાંધેલું. આ સ્થળથી પશ્ચિમે અડધો કિમી.ને અંતરે 61 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરી પર રામલિંગેશ્વરનું મંદિર છે. આ મંદિર કાકતિયાઓના આશ્રય હેઠળ હતું. ઔરંગઝેબના સમયમાં અહીં 61 મીટર ઊંચી એક મસ્જિદ પણ બાંધવામાં આવેલી.

(iii) અરુત્લા : બ્રહ્મિપટનમ્ તાલુકાનું ગામ. આ ગામ ઇબ્રાહીમપટનમથી 16 કિમી.ને અંતરે તથા હૈદરાબાદથી 39 કિમી.ને અંતરે, ઇબ્રાહીમપટનમ્ અને રચાકોંડા ટેકરીઓની વચ્ચેના ભાગમાં આવેલું છે. તેનું મૂળ નામ અરુપુતલા હતું. પંદરમી સદીના પૂર્વાર્ધકાળમાં રચાકોંડા પર શાસન કરનાર સર્વજ્ઞસિંહ ભૂપાલના ઇતિહાસ સાથે આ સ્થળ જોડાયેલું હતું. અહીંથી ચાર કિમી.ને અંતરે એક શાશ્વત ઝરો આવેલો છે. આ ઝરો પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ત્યાં શિવપાર્વતીની મૂર્તિઓ પણ છે. અહીં દર વર્ષે કાર્તિક સુદ પૂનમે છેલ્લાં 150 વર્ષથી ‘બુગ્ગા જાત્રા’ નામનો મેળો ભરાય છે. ત્યાં હજારો દર્શનાર્થીઓ ઊમટી પડે છે.

(iv) ઇબ્રાહીમપટનમ્ : હૈદરાબાદથી દક્ષિણ તરફ 32 કિમી. અંતરે હૈદરાબાદ નાગાર્જન ઉનાસાગર નાગાર્જુન સાગર માર્ગ પર આવેલું સ્થળ. તેનું આ નામ 1550થી 1580ના ગાળા દરમિયાન ગોલકોંડા પર શાસન કરનાર ઇબ્રાહીમ કુત્બશાહ પરથી પડેલું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં હનુમાન, ચૈન્નાકેશવ અને નરસિંહનાં મંદિરો; ઇબ્રાહીમ કુત્બશાહની દરગાહ, મુસ્લિમ ધર્મપ્રચારક હઝરત અલીની યાદમાં જળાશય પર બાંધેલી ‘ચિલ્લા’ ઇમારત તથા 46 મીટર ઊંચી એક મસ્જિદનો સમાવેશ થાય છે. ઇબ્રાહીમ કુત્બશાહના રાજ્યકાળ દરમિયાન અહીં ઇબ્રાહીમપટનમનું જળાશય બાંધવામાં આવેલું. તેમાંથી 480 હેક્ટર ભૂમિને સિંચાઈ મળી રહે છે. આ તાલુકાના રંગાપુર ગામ નજીક આવેલી રંગાપુર વેધશાળા જોવાલાયક છે. તે હૈદરાબાદથી આશરે 56 કિમી. અંતરે છે. કહેવાય છે કે આ વેધશાળામાં અગ્નિ એશિયાનું મોટામાં મોટું દૂરબીન રાખવામાં આવેલું છે.

(v) રાજેન્દ્રનગર : રાજેન્દ્રનગર તાલુકાનું મુખ્ય વહીવટી મથક. તે હૈદરાબાદથી 20 કિમી. અંતરે આવેલું છે. આંધ્રપ્રદેશની કૃષિ યુનિવર્સિટીનું આ મુખ્ય મથક છે. રાજ્ય કૃષિખાતા હસ્તકના કિડવાઈ ગાર્ડન્સ નામથી ઓળખાતાં વનસ્પતિ-ઉદ્યાનો રાજેન્દ્રનગર ખાતે આવેલાં છે. આ ઉદ્યાનો પર્યટન-સ્થળ બની રહેલાં હોવાથી અહીં પ્રવાસીઓ માટે આરામગૃહો (holiday-homes) બાંધવામાં આવેલાં છે. હૈદરાબાદથી 13 કિમી. અંતરે અહીં હિમાયતસાગર નામનું જળાશય તૈયાર કરવામાં આવેલું છે. તેની આજુબાજુનો બધો જ વિસ્તાર હવે રાજેન્દ્રનગર તરીકે ઓળખાય છે. આ જળાશય પણ તેની આજુબાજુનાં મનોહારી દૃશ્યોને કારણે પર્યટન-સ્થળ બની રહેલું છે.

(vi) શમ્શાબાદ : રાજેન્દ્રનગર તાલુકાનું મુખ્ય નગર. તે હૈદરાબાદથી 22 કિમી. અંતરે આવેલું છે. 1956માં આંધ્રપ્રદેશ રાજ્યની રચના બાદ અહીં વિકસાવાયેલી દ્રાક્ષની વાડીઓ માટે તે ખૂબ જાણીતું બન્યું છે. અહીં નમાજ પઢવા માટે હુસેન આલમ સવારી દરગાહ એક મુખ્ય સ્થળ ગણાય છે.

(vii) ગેડીપેટ : હૈદરાબાદની પશ્ચિમે 19 કિમી. અંતરે આવેલું રાજેન્દ્રનગર તાલુકાનું એક ગામ. 1919-20માં ઓસ્માનસાગર બંધના નિર્માણ વખતે આ ગામ સ્થપાયેલું. બંધની પાછળના જળાશયની લંબાઈ 3,108 મીટર જેટલી છે તથા તેનો સ્રાવવિસ્તાર 738 ચોકિમી. જેટલો છે. મુસી નદીમાં આવતા પૂરના નિયંત્રણ માટે તથા હૈદરાબાદ-સિકંદરાબાદના જોડિયા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે આ જળાશય યોજના કરવામાં આવેલી. બંધ અને જળાશયની આજુબાજુ સુંદર બગીચાઓ, સુવિધાભર્યાં આરામગૃહો બાંધવામાં આવેલાં છે. જળવિસ્તારની ભવ્યતાથી પ્રવાસીઓ ત્યાં જવા પ્રેરાય છે. આ એક પર્યટનસ્થળ પણ બની રહેલું છે.

(viii) ચેવલ્લા : ચેવલ્લા તાલુકાનું મુખ્ય વહીવટી મથક. તે હૈદરાબાદથી 42 કિમી. અને વિકારાબાદ રેલમથકથી 31 કિમી. અંતરે આવેલું છે. અહીંનું વેંકટેશ્વરનું મંદિર પૂજાવિધિ માટે ઉપયોગમાં લેવાય છે. બાળસંભાળ યોજના માટે નેધરલૅન્ડ્ઝ ફાઉન્ડેશને ભારતમાંના આ ચેવલ્લા પર પસંદગી ઉતારી છે અને 1969થી તે યોજના અમલમાં છે, પરંતુ ઇન્ડો-ડચ યોજનાના ઇંડિયન બ્યૂરોના ડિરેક્ટરનું મુખ્ય મથક હૈદરાબાદ ખાતે રાખેલું છે.

(ix) શાબાદ : ચેવલ્લા તાલુકાનું આ ગામ શાદનગર રેલમથકની પશ્ચિમે 16 કિમી. અંતરે આવેલું છે. ફરસ પર લગાડવાના ઇમારતી પથ્થરો માટે તે જાણીતું બનેલું છે. અહીં એક મોટું ‘પહેલવાન’ નામનું તળાવ આવેલું છે, તેમાંથી 202 હેક્ટર જમીનને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. આ ગામમાં પહેલવાનશાહ દરગાહનો ઉર્સ (ધાર્મિક મેળો) ઊજવવામાં આવે છે. તેમાં હિન્દુ-મુસ્લિમો ઘણી મોટી સંખ્યામાં ભાગ લે છે.

(x) વિકારાબાદ : હૈદરાબાદથી 83 કિમી. અંતરે પશ્ચિમ તરફ આવેલું વિકારાબાદ તાલુકાનું આ તાલુકામથક સિકંદરાબાદમુંબઈ બ્રૉડગેજ રેલમાર્ગ પરનું રેલમથક પણ છે. તે સમુદ્રસપાટીથી 1,153 મીટર ઊંચાઈ પર આવેલું હોવાથી ખુશનુમા હવામાન ધરાવે છે. આ કારણે તે ઉનાળા માટેનું જિલ્લાનું આરામસ્થળ તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બની રહ્યું છે.

(xi) અનંતગિરિપલ્લી : વિકારાબાદથી ચાર કિમી. અંતરે આવેલું ગામ. અનંતગિરિ હારમાળા પર આવેલું હોવાથી તેનું નામ અનંતગિરિપલ્લી પડેલું છે. મુસી નદી અહીંના શિવરેડ્ડીપેટ નજીકથી નીકળે છે. આ ગામના રસ્તા પર બંને બાજુએ આંબાનાં ઝુંડ આવેલાં છે. ગામ જંગલથી ઘેરાયેલું છે. અહીંની આબોહવા ખુશનુમા રહેતી હોવાથી ક્ષયના દર્દીઓ માટે સૅનિટોરિયમ બનાવવામાં આવ્યું છે. વળી આ ગામ અનંતસ્વામીના મંદિર માટે પણ જાણીતું બનેલું છે. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ મૂર્તિ નથી. ટેકરી પરની વિષ્ણુની શય્યા શેષાદ્રિ જેટલી જ પવિત્ર મનાય છે. આ સ્થળ કુર્નુલ જિલ્લામાં આવેલા અહોબિલમ્ ખાતેથી શરૂ થતી ટેકરીઓના છેડા પર આવેલું છે.

(xii) તંદુર : તંદુર તાલુકાના આ સ્થળે હૈદરાબાદ જિલ્લાની રચના થઈ તે પહેલાં ગુલબર્ગા જિલ્લામાં આવેલી કોડાંગલ તાલુકાની એક નાની જાગીર હતી. આજે તે શાબાદના ઇમારતી પથ્થરોનું વેપારી મથક બની રહેલું છે.

(xiii) યેલાલ (ઇલાલ) : આ ગામ તંદુર રેલમથકથી 8 કિમી. અંતરે અને વિકારાબાદથી 51 કિમી. અંતરે આવેલું છે. તે કાગના અને કાકરાવેણી નદીઓનું સંગમસ્થાન છે. અહીંથી ઉત્ખનનમાં મોટા કદની ઈંટો અને ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવી છે, તેથી મનાય છે કે આ સ્થળ ભૂતકાળમાં બૌદ્ધોનું મથક હશે.

(xiv) અલ્વલ : વલ્લભનગર તાલુકામાં આવેલું સ્થળ. દક્ષિણ-મધ્ય રેલવિભાગના સિકંદરાબાદ-મનમાડ મીટરગેજની મેદચલ ઉમદાનગર શાખા પરનું રેલમથક. વેંકટેશ્વર બાલાજીનું મંદિર અહીંનું મુખ્ય આકર્ષણ છે. 250 વર્ષ અગાઉ ચંદુલાલ નામના એક મારવાડી રાજાએ આ મંદિર બંધાવેલું. આ ઉપરાંત અહીંનાં જગન્નાથ અને હનુમાનજીનાં મંદિરો પણ મહત્વનાં છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 35,06,670 જેટલી છે. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ લગભગ સરખું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 51 % અને 49 % જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓનું પ્રમાણ વિશેષ છે; જ્યારે શીખ, બૌદ્ધ, જૈન અને ઇતર ધર્મીઓનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં મુખ્યત્વે તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 40 % જેટલું છે. આંધ્રપ્રદેશ કૃષિ યુનિવર્સિટી(1994)નું મથક આ જિલ્લામાં આવેલું છે. નગરો ઉપરાંત જિલ્લાનાં 274 ગામડાંઓમાં હૉસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો/ઉપકેન્દ્રો તેમજ કુટુંબનિયોજન-કેન્દ્રો જેવી એક કે બીજા પ્રકારની તબીબી વ્યવસ્થા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 37 મંડળોમાં વહેંચેલો છે. જિલ્લામાં 14 નગરો ઉપરાંત 926 (60 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લાની રચના 15 ઑગસ્ટ, 1978ના રોજ હૈદરાબાદ તાલુકાનો કેટલોક ભાગ તેમજ હૈદરાબાદ જિલ્લાના બાકીના ગ્રામીણ તેમજ શહેરી વિભાગોને ભેળવીને કરવામાં આવેલી છે. અગાઉ આ જિલ્લાનું નામ હૈદરાબાદ હતું, તે બદલીને શરૂઆતમાં ‘કે. વી. રંગારેડ્ડી’, પરંતુ પછી ‘રંગારેડ્ડી’ રાખવામાં આવેલું છે. આ નામ અહીંના સ્વાતંત્ર્ય-સૈનિક અને દેશભક્ત તથા પછીથી આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કે. વી. રંગારેડ્ડીની યાદમાં અને માનમાં પાડવામાં આવેલું છે. તેઓ ચેવલ્લા તાલુકાના પેડામંગલરામ્ના વતની હતા. આ જિલ્લાનો ઇતિહાસ હૈદરાબાદના ઇતિહાસ સાથે જોડાયેલો છે.

ગિરીશભાઈ પંડ્યા