મુખરોગો : મુખમાં થતા વિવિધ રોગો. તેના વિશે આયુર્વેદ-વિજ્ઞાનમાં બહુ વિશદ અને સુંદર વર્ણન છે. આયુર્વેદમાં ‘મુખરોગ’માં મુખનાં સાત અંગોના સંદર્ભમાં થતા રોગોનો સમાવેશ કરાયો છે.

આયુર્વેદના વિવિધ ગ્રંથકારોએ થોડાંક નામ અને સંખ્યાના ફેરે 65થી 75 જેટલા મુખરોગોનું વર્ણન નીચે મુજબ કરેલ છે :

મુખરોગો
ક્રમ રોગ-સ્થાન પ્રકાર સુશ્રુતના મતે સંખ્યા શાર્ઙ્ધરના મતે સંખ્યા વાગ્ભટ્ટના મતે સંખ્યા પં. ભાવમિશ્રના મતે સંખ્યા ભોજના મતે સંખ્યા
1. હોઠના રોગો 8 11 12 8 8
2. દાંતના રોગો 8 10 10 8 8
3. દંતમૂળ(પેઢા)ના રોગો 15 13 13 16 15
4. જીભના રોગો 5 6 6 5 5
5. તાળવાના રોગો 9 8 8 9 9
6. કંઠના રોગો 17 18 18 18 17
7. સર્વસર (આખા મુખના) રોગો 3+1=4 8 8 3 3
કુલ સંખ્યા 65 (66) 74 75 67 65

મુખરોગો થવાનાં કારણો : જળપ્રધાન દેશનાં પ્રાણીઓનાં માંસ ખાવાની વધુ ટેવથી તેમજ દૂધ-દહીં, અડદ તથા માછલીઓનું વધુ પડતું સેવન કરવાની ટેવથી કફાદિ દોષો વધી જઈને મુખરોગો ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત મુખ-દાંત-પેઢાંની અસ્વચ્છતા (દાતણ બરાબર ન કરવાની ટેવ), ધૂમ્રપાન, તમાકુ તથા પાનનું વિશેષ સેવન જેવાં કારણોથી દાંતના તથા મુખ–ગાલ–જીભના રોગ થાય છે.

(1) હોઠના રોગોનાં નામ અને પ્રકારો : માધવનિદાન મુજબ વાયુદોષજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ, રક્તજ, માંસજ, મેદોજ અને અભિઘાતજ (વાગવાથી)  – એ રીતે 8 પ્રકારના હોઠ(ઓષ્ઠ)ના રોગો છે.

(2) દંત-મૂળ-રોગો : પેઢાંના રોગોમાં શીતાદ, દંતપુપ્પુટક, દંતવેષ્ટ (પાયોરિયા), શૌષિર, મહાશૌષિર, પરિદર, ઉપકુશ, વૈદર્ભ, ખલિવર્ધન, કરાલ, અધિમાંસક, દંતનાડી આદિ દાંતના-પેઢાના 13 રોગો છે.

(3) દંત-રોગો : દાંતના દાલન, કૃમિદંતક, ભંજનક, દંતહર્ષ, દંતશર્કરા, કપાલિકા શ્યાવદંતક, દંતવિદ્રધિ – એવા 8 રોગો છે.

(4) જીભના રોગો : આયુર્વેદે વાતિક, પૈત્તિક, કફજ, અલાસ, ઉપજિહવિકા આદિ જીભના 5થી 6 રોગો બતાવ્યા છે.

(5) તાળવાના રોગો : તાળવાના કંઠશુંડી, તુંડીકેરી (કાકડા), અધ્રુષ, કચ્છપ, તાલુ-પુપ્પુટ, તાલુપાક, માંસસંઘાત, તાલુ-અર્બુદ જેવા 8થી 9 રોગો છે.

(6) ગળાના રોગો : વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ તથા રક્તદોષજ – એમ 5 જાતની વિદ્રધિ (ફોડકી) તથા કંઠશાલુક, ગલાયુ, અધિજિહ્વક, વલય, બલાસ, વૃંદ, એકવૃંદ ગલોધ, માંસતાન, વિદારી, શતઘ્ની, સ્વરઘ્ન જેવા 17થી 18 રોગો છે.

(7) સર્વસર (આખા મુખના) રોગો : વાતજ, પિત્તજ, કફજ અને રક્તજ – એમ 3થી 4 જાતના સર્વસર મુખરોગો છે.

વધુ પ્રચલિત મુખરોગોની સારવાર : સમાજમાં વધુ વ્યાપક એવા કેટલાક મુખ્ય મુખરોગોની સરળ આયુર્વેદિક સારવાર અત્રે બતાવેલી છે.

(1) અવાળુ પાકવું : લોધર, ત્રિફળા, જેઠીમધ અને માયુફળનું ચૂર્ણ બનાવી, તેનું મંજન કરવું તથા તેનું ચૂર્ણ પાણીમાં નાંખી રોજ 2–3 વાર કોગળા કરવા.

(2) હાલતા દાંત : ઉપર્યુક્ત ઉપાય નં. 1નો ઉપયોગ કરવો.

(3) મુખપાક : ફુલાવેલ ફટકડીની ભૂકી, મધ અને ઘીના મિશ્રણમાં ટીકડીકાથાનો બારીક પાઉડર ભેગો કરી તે મિશ્રણ મોં પાકી જવા પર 2–3 વાર લગાડવું, રોજ સવાર-સાંજ 1 ચમચી ગુલકંદ ખાવો ને રાતે ત્રિફળાની ફાકી લેવી.

(4) દંતરોગો : દશનસંસ્કાર ચૂર્ણ રોજ મંજન રૂપે સવાર-સાંજ વાપરવું. મુસ્તાદિવટી મુખમાં રાખી ચૂસવી, ઇરિમેદાદિ તેલ આંગળી વડે દાંત-પેઢાં પર હળવે હાથે ઘસવું. રોજ ત્રિફળાચૂર્ણ લેવું. તમામ રોગોમાં લાભ થાય છે.

(5) દંતકૃમિ (પોલી-કોહવાયેલ દાઢની પીડા) : 1. હિંગ અને કપૂરની ભૂકી પોલી દાઢમાં ભરવી. 2. લવિંગનું તેલ પોલી દાઢ પર મૂકવું, 3. પોલી–પીડાવાળી દાઢની અંદર લોખંડની પાતળી અણીવાળો કાટખૂણ વાંકો સળિયો ગરમ કરી, તે વડે પોલી દાઢને 2-3 વાર ડામ દેવાથી પીડા અચૂક મટે છે. 4. પોલી દાઢને સાફ કરાવી, તેમાં પ્લાસ્ટિક સિમેન્ટ, ચાંદી, તાંબું કે સોનું ભરાવી દેવું.

(6) દાંત મજબૂત-નીરોગી કરવા માટે : તુવેરદાળને બાળીને બનાવેલ કોલસાનું ચૂર્ણ, બોરસલીની અંતરછાલ અને માયુફળનું ચૂર્ણ બનાવી, તેમાં કપૂર મિશ્ર કરી, દાંતે રોજ મંજન રૂપે વાપરવું. રોજ વડની વડવાઈ, લીમડો અને ઝીપટોનું તાજું દાતણ કરવું.

(7) કંઠ(ગળા)ના રોગ પર : દારૂહળદર, તજ, લીમડો, રસાંજન અને ઇંદ્રજવનો ઉકાળો અથવા પથ્યાદિ ક્વાથનો ઉકાળો રોજ સવાર-સાંજ પીવો.

(8) ગળાના કાકડા : પથ્યાદિ ક્વાથ સવાર-સાંજ પીવો. સાથે ત્રિભુવનકીર્તિરસ 1-2 ટીકડી મધ કે તુલસીના પાનમાં લેવી. જમ્યા પછી ચિત્રકાદિવટી અને અગ્નિતુંડીવટીની 1–2 ગોળી આપવી. ગરમ પાણીમાં મીઠું મેળવી તેના કોગળા કરવા.

(9) હોઠમાં ચીરા પડવા : ચોખ્ખું ઘી વારંવાર હોઠ પર લગાવવું. રાત્રે ત્રિફળાની ફાકી લેવી. સવાર-સાંજ ગુલકંદ એક-એક ચમચી લેવો. દૂધમાં 1 ચમચી ઘી નાંખી પીવું.

(10) કંઠ, જીભ, તાળવાનો શોષ : 1. પથ્યાદિ ક્વાથ સાકર નાંખીને પીવો. 2. ત્રિફળા ઘી દૂધમાં 1-1 ચમચી પીવું. 3. કાળી દ્રાક્ષ 1 કલાક પાણીમાં પલાળીને તેના 8–10 દાણા ખાવા. 4. લીલા નાળિયેરનું પાણી પીવું.

બળદેવપ્રસાદ પનારા