મુખરજી, હૃષીકેશ (જ. 30 સપ્ટેમ્બર 1922, કૉલકાતા; અ. 27 ઓગસ્ટ 2006, મુંબઈ, મહારાષ્ટ્ર) : ફિલ્મ દિગ્દર્શક, પટકથાલેખક અને સંપાદક. 1950ના અરસામાં બંગાળથી જે કેટલાક પ્રતિભાવાન કસબીઓ મુંબઈ આવ્યા તેમાં તેઓ પણ હતા. બિમલ રાય જેવા દિગ્દર્શકની ટીમમાં હૃષીકેશ સંકલનકાર અને પટકથાલેખક હતા. તેઓ સ્વતંત્ર દિગ્દર્શક થયા પછી બિમલ રાયની પરંપરાને આગળ વધારવા સાથે તેમણે પોતાની એક અનોખી શૈલી વિકસાવી. ચલચિત્રકલાના એક ચોક્કસ દાયરામાં રહીને પણ તેમણે એવાં ચિત્રોનું સર્જન કર્યું, જે સામાન્ય પ્રેક્ષકથી માંડીને વિવેચકો સુધી બધાને સ્પર્શી શક્યાં. વિષયના ઊંડાણમાં જવાની તેમની અદભુત ક્ષમતા તેમની સફળતાનું રહસ્ય છે, પછી એ ચિત્ર ચાહે તો પોતાની પ્રામાણિકતાને કારણે જ હેરાન-પરેશાન થતા નાયકને કેન્દ્રમાં રાખીને બનાવેલું ‘સત્યકામ’ હોય, પતિ-પત્નીના અહમના ટકરાવને કેન્દ્રમાં રાખીને બનાવેલું ‘અભિમાન’ હોય, જન્મતાવેંત મા-બાપને ભરખી જનાર ગણાતી કમનસીબ યુવતીની વાત કહેતું ‘અનુપમા’ હોય કે છ જ મહિના પછી મોત નિશ્ચિત છે એવું જાણવા છતાં જિંદગીને પૂરેપૂરી માણી જનાર યુવક ‘આનંદ’ની વાત હોય – આ તત્વ અચૂક તે સર્વમાં જોવા મળે છે.
હૃષીકેશનાં ચિત્રોની સફળતાનું બીજું એક કારણ એ છે કે તેમણે ગંભીર વિષયો પણ જ્યારે પસંદ કર્યા ત્યારે ચલચિત્રકલાને કોઈ આંચ ન આવે તે રીતે સામાન્ય પ્રેક્ષક પણ તે માણી શકે એ રીતે તેની રજૂઆત કરી. હૃષીકેશ કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી. થઈને પહેલાં તો એક કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા હતા, પણ પછી 1945માં ન્યૂ થિયેટર્સમાં લૅબોરેટરી આસિસ્ટન્ટ બની ગયા. સ્વતંત્ર સંપાદક તરીકેનું તેમનું પ્રથમ બંગાળી ચિત્ર ‘તથાપિ’ હતું. તેમની લગન જોઈને બિમલ રાય તેમને પોતાના સહાયક તરીકે મુંબઈ લાવ્યા હતા. બિમલ રાયની ફિલ્મોનું સંપાદન કરવા સાથે તેઓ પટકથા પણ લખતા. પ્રશિષ્ટ ગણાતા ચિત્ર ‘દો બીઘા જમીન’ની પટકથા તેમણે લખી હતી.
1957માં તેમને સ્વતંત્ર દિગ્દર્શનની તક મળી હતી. દિલીપકુમાર અને સુચિત્રા સેનને લઈને તેમણે બનાવેલા પ્રથમ ચિત્ર ‘મુસાફિર’ને સર્ટિફિકેટ ઑવ્ મેરિટ મળ્યું હતું. પ્રથમ ફિલ્મમાં જ તેમણે એક અલગ પ્રયોગ કર્યો હતો. ‘મુસાફિર’ ત્રણ લઘુકથાઓ પર આધારિત ચિત્ર હતું. ગરીબ યુવાન અને શ્રીમંત યુવતીની પ્રણયકથા ધરાવતા ચિત્ર ‘અનાડી’ને 1959ના વર્ષનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એ પછી ‘અનુરાધા’, ‘છાયા’, ‘મેમદીદી’, ‘આશિક’, ‘અસલી-નકલી’, ‘સાંઝ ઔર સવેરા’, ‘દો દિલ’ વગેરે ચિત્રો તેમણે બનાવ્યાં, પણ 1966માં ‘અનુપમા’ એક કસબીનું સર્જન બની રહ્યું. આ ચિત્રને રજતચંદ્રક મળ્યો. આ સિલસિલો પછીનાં બે ચિત્રોમાં પણ જારી રહ્યો. 1968માં ‘આશીર્વાદ’ અને 1970માં ‘સત્યકામ’ને પણ રજતચંદ્રકો મળ્યા.
1971માં ‘ગુડ્ડી’નું નિર્માણ કરવા સાથે હૃષીકેશે હિંદી ચિત્રોને એક સક્ષમ અભિનેત્રી જયા ભાદુડીની ભેટ આપી. તો ‘ખૂબસૂરત’ દ્વારા રેખાની અભિનયક્ષમતાને તેમણે પડદા પર પેશ કરી. અમિતાભની ઍન્ગ્રી યંગ મૅનની મુદ્રાથી વિપરીત ભૂમિકાઓમાં હૃષીકેશે તેમની પાસેથી કામ લીધું હતું. ‘ગબન’, ‘આનંદ’, ‘અભિમાન’, ‘બાવર્ચી’, વિશ્વપ્રસિદ્ધ નાટક પરથી બનેલી ફિલ્મ ‘બેકેટ’ પર આધારિત ‘નમકહરામ’, ‘અર્જુન પંડિત’ અને હલકીફૂલકી કૉમેડી ફિલ્મો ‘ચુપકે ચુપકે’, ‘ગોલમાલ’, ‘ખૂબસૂરત’, ‘રંગબિરંગી’થી માંડીને છેલ્લે ‘જૂઠ બોલે કૌઆ કાટે’ સુધીની તેમની યાત્રા અવિરત ચાલતી રહી. હિંદી ચિત્રોમાં જાતીયતા અને હિંસાને વધુમાં વધુ પ્રાધાન્ય મળતું ગયું ત્યારે તેમણે યાદગાર સ્વચ્છ ચિત્રો આપ્યાં; એટલું જ નહિ, તેમનાં ચિત્રો સફળ પણ રહ્યાં. તેમણે ‘હમ હિન્દુસ્તાની’, ‘ધૂપ-છાંવ’, ‘તલાશ’, ‘રિશ્તે’ તથા ‘ઉજાલે કી ઓર’ ટીવી શ્રેણીઓનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું અને આ માધ્યમમાં પણ પોતાની શૈલીની છાપ છોડી.
નોંધપાત્ર ફિલ્મો : ‘મુસાફિર’ (1957), ‘અનાડી’ (1959), ‘અનુરાધા’ (1960), ‘છાયા’, ‘મેમદીદી’ (1961), ‘આશિક’, ‘અસલી- નકલી’ (1962), ‘સાંઝ ઔર સવેરા’ (1964), ‘દો દિલ’ (1965), ‘અનુપમા’, ‘ગબન’, ‘બીવી ઔર મકાન’ (1966), ‘મંઝલી દીદી’ (1967), ‘આશીર્વાદ’ (1968), ‘પ્યાર કા સપના’, ‘સત્યકામ’ (1969), ‘આનંદ’ (1970), ‘બુઢ્ઢા મિલ ગયા’, ‘ગુડ્ડી’ (1971), ‘બાવર્ચી’, ‘સબ સે બડા સુખ’ (1972), ‘અભિમાન’, ‘નમકહરામ’ (1973), ‘ફિર કબ મિલોગી’ (1974), ‘ચૈતાલી’, ‘ચુપકે ચુપકે’, ‘મિલી’ (1975), ‘અર્જુન પંડિત’ (1976), ‘આલાપ’, ‘કોતવાલ સાબ’ (1977), ‘નૌકરી’ (1978), ‘ગોલમાલ’, ‘જુર્માના’ (1979), ‘ખૂબસૂરત’ (1980), ‘નરમગરમ’ (1981), ‘બેમિસાલ’ (1982), ‘અચ્છાબુરા’, ‘કિસી સે ન કહના’, ‘રંગબિરંગી’ (1983), ‘જૂઠી’ (1985), ‘નામુમકીન’ (1988), ‘જૂઠ બોલે કૌઆ કાટે’ (1998).
તેમને તેમની કારકિર્દિ દરમિયાન એનાયત થયેલા ઍવૉર્ડઝ નીચે મુજબ છે :
(1) પદ્મ વિભૂષણ (2001) ભારત સરકાર દ્વારા , (2) એન.ટી.આર. નૅશનલ ઍવૉર્ડ (2001), (3) ‘અનુરાધા’ ચલચિત્ર મોર ‘ગોલ્ડન બેઅચ’ નામાંકન, (4) ફિલ્મ ફેર ઍવૉર્ડ : ‘નોકરી’ માટે સર્વોત્કૃષ્ટ સંપાદન ઍવૉર્ડ (1956), ‘મધુમતી’ માટે સર્વોત્કૃષ્ટ સંપાદન ઍવૉર્ડ (1959), ‘અનોખી રાત’ માટે સર્વોત્કૃષ્ટ કથાનક માટે (1970) ‘આનંદ’ માટે સર્વોત્કૃષ્ટ ચલચિત્ર ઍવૉર્ડ (1972), (એન.સી. સિપ્પી સાથે ભાગમાં), ‘આનંદ’ માટે સર્વોત્કૃષ્ટ સંપાદન ઍવૉર્ડ (1972) ,‘આનંદ’ના સર્વોત્કૃષ્ટ કથાનક માટે ઍવૉર્ડ (1972), ‘ખુશ્બૂ’ માટે સર્વોત્કૃષ્ટ ચલચિત્ર ઍવૉર્ડ (1981) (એન.સી. સિપ્પી સાથે ભાગમાં)
તેમણે મેળવેલ રાષ્ટ્રીય કક્ષાના ચલચિત્ર ઍવૉર્ડઝ :
(1) હિંદી ચલચિત્ર ‘મુસાફર’ સર્વોત્કૃષ્ટ કથાનક માટે (1957), (2) હિંદી ચલચિત્ર ‘અનાડી’ના સર્વોત્કૃષ્ટ માટે રાષ્ટ્રપતિનું રજત ચંદ્રક (1959), (3) હિંદી ચલચિત્ર ‘અનુરાધા’ (1960) માટે રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક
વર્ષ 1999માં તેમને બહુપ્રતિષ્ઠિત ‘દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
હરસુખ થાનકી