મુખરજી, મીનાક્ષી (જ. 3 ઑગસ્ટ 1937, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 16 સપ્ટેમ્બર, 2009, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘ધ પેરિશેબલ એમ્પાયર : એસેઝ ઑન ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.; પેનસિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ જે. એન. યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના પ્રાધ્યાપક બાદ અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયાં તે પહેલાં તેમણે હૈદરાબાદ, પુણે, દિલ્હી અને પટણા યુનિવર્સિટીઓમાં અંગ્રેજીમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. શિકાગો, ટૅક્સાસની યુનિવર્સિટીઓ, ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટી ખાતે વિદ્યાશાખામાં મુલાકાતી પ્રાધ્યાપક; 1998–2002 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના કાર્યકારી બોર્ડના સભ્ય રહેલાં. તેઓ બંગાળી અને હિંદી ભાષાની જાણકારી ધરાવતાં હતાં.

મીનાક્ષી મુખરજી

‘ટ્વાઇસ બૉર્ન ફિક્શન : થીમ્સ ઍન્ડ ટૅકનિક્સ ઇન ઇન્ડિયન ફિક્શન ઇન ઇંગ્લિશ’ (1971) તેમની પ્રથમ કૃતિ છે. તેમણે અંગ્રેજીમાં કુલ 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘રિઆલિઝમ ઍન્ડ રિઆલિટી : નૉવેલ ઍન્ડ સોસાયટી ઇન ઇન્ડિયા’ (1985), ‘રી-રીડિંગ જેન ઑસ્ટેન’ (1991), ‘ધ પેરિશેબલ એમ્પાયર’ (2000) તેમના મુખ્ય વિવેચનગ્રંથો છે. ‘લેટ અસ ગો હોમ ઍન્ડ અધર સ્ટોરિઝ’ (1974) સંપાદિત વાર્તાસંગ્રહ છે. ‘કન્સિડરેશન્સ’ નિબંધસંગ્રહ છે અને ‘નૅરેટિવ : ફૉર્મ્સ ઍન્ડ ટ્રાન્સફૉર્મેશન્સ’ (1986) બંકિમચંદ્ર ચેટર્જીની ‘રાજમોહન્સ વાઇફ’નું ભારતીય નવલકથાનું અંગ્રેજીમાં પ્રથમ વિવેચનાત્મક સંપાદન છે. તે ઉપરાંત તેમણે બંગાળી નવલકથા ‘બાબુઘાટેર કુમારી મૉ’ અને એક બંગાળી કાવ્યકૃતિનો અંગ્રેજી અનુવાદ તથા અલકા સરાવગીની હિંદી નવલકથા ‘શેષ કાદમ્બરી’નો અનુવાદ કર્યો છે. એક બંગાળી વિવેચનાત્મક કૃતિ ‘ઉપન્યાસે અતીત’ તેમણે આપી છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ધ પેરિશેબલ એમ્પાયર : એસેઝ ઑન ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ’ અંગ્રેજીમાં ભારતીય લેખનનું એક અત્યંત મૌલિક અને જીવંત અધ્યયન છે. તેમની સંતુલિત અને સંયમી શૈલી તથા બોધગમ્ય વિવેચનની વિશિષ્ટતાને કારણે તે કૃતિ વધુ આકર્ષક બની છે. ભારતીય સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિને એના દીર્ઘ સમુચિત પરિપ્રેક્ષ્યમાં ઉજાગર કરતી સાહિત્યિક વિવેચનની આ કૃતિ અંગ્રેજીમાં ભારતીય સાહિત્યવિવેચનનું પ્રમાણભૂત યોગદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા