મીરજ : મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 16° 50´ ઉ. અ. અને 74° 38´ પૂ. રે. પર આવેલો છે.
ભૂપૃષ્ઠ : દક્ષિણના ઉચ્ચ પ્રદેશ વિભાગમાં આ તાલુકો આવેલો હોવાથી અહીં સહ્યાદ્રિ હારમાળાના ખડકો જોવા મળે છે. કૃષ્ણા નદી આ તાલુકામાંથી વહેતી હોવાથી તેના નિક્ષેપનને કારણે અહીં જમીનનું પડ 10 મીટર જેટલી જાડાઈ ધરાવે છે. અહીં આવેલા જંગલવિસ્તારમાં હરડે, શિકાકાઈ, આમળાં વગેરેનાં વૃક્ષો જોવા મળે છે. કેટલાક ભાગમાં ચરાણવિસ્તાર આવેલો છે.
અર્થતંત્ર : અહીં સિંચાઈની સગવડને કારણે ખેતી મુખ્ય પ્રવૃત્તિ છે. મુખ્ય કૃષિપાકોમાં શેરડી, કપાસ, તમાકુ, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર તેમજ શાકભાજી છે. અહીં ખાંડ અને સુતરાઉ કાપડ બનાવતી મિલો પણ છે. ચૂનાખડકો આવેલા હોવાથી અહીં ટાઇલ્સ બનાવવાનાં કારખાનાં છે. વળી ઉત્તમ પ્રકારની માટી પ્રાપ્ત થતી હોવાથી પૉટરી ઉદ્યોગનાં અને ઈંટો બનાવવાનાં કેન્દ્રો આવેલાં છે. સોના-ચાંદીના દાગીના, તાંબા-પિત્તળનાં વાસણો બનાવવાનાં તેમજ લોખંડનાં ઓજારો બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે.
આ શહેર પુણે અને અહમદનગર સાથે મીટરગૅજ રેલમાર્ગ તેમજ સોલાપુર સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 4 દ્વારા સંકળાયેલ છે. આ શહેરથી વાયવ્ય દિશામાં આશરે 10 કિમી. દૂર સાંગલી શહેર આવેલું છે.
વસ્તી–વસાહત : અહીં હિન્દુઓનું પ્રમાણ અધિક છે. મોટા ભાગના લોકો મરાઠી ભાષાનો ઉપયોગ કરે છે. અહીં કન્યા મહાવિદ્યાલય, નર્સિંગ કૉલેજ, સ્ત્રી-અધ્યાપન મંદિર તેમજ શારીરિક શિક્ષણ આપતી સંસ્થાઓ છે. અહીંનું ‘તમાશા’ લોકનૃત્ય જાણીતું છે.
ઐતિહાસિક માહિતી : ઈ. સ. પૂ. 236ના સમયમાં સમ્રાટ અશોકના નિધન પછી અનેક રાજાઓએ આ વિસ્તારમાં પોતાનું શાસન સ્થાપ્યું હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખલજી હસ્તક આ વિસ્તાર આવ્યો. ઈ. સ. 1593માં અકબરે આ વિસ્તાર ઉપર પ્રભુત્વ સ્થાપ્યું. અકબરના અવસાન પછી મરાઠાઓએ આ વિસ્તાર હસ્તગત કર્યો. ઈ. સ. 1818માં અંગ્રેજોએ આ પ્રદેશ જીતી લીધો. ઈ. સ. 1956માં તે દ્વિભાષી મુંબઈ રાજ્યમાં સમાવાયો. ઈ. સ. 1960માં મહારાષ્ટ્રનું અલગ રાજ્ય બનતાં મીરજનો નવો તાલુકો બન્યો.
નીતિન કોઠારી