મિસ્ત્રી, ત્રિકમલાલ જીવણલાલ (જ. 1 ઑગસ્ટ 1939, ઘોડાસર, તા. મહેમદાવાદ, જિ. ખેડા) : ગુજરાતના જાણીતા કાષ્ઠશિલ્પી. સુથારી કામના કસબી પરિવારમાં જન્મ. પિતા એક જમાનામાં ઘોડાસર રાજ્યનું રાચરચીલું બનાવતા. પિતાનો કલાવારસો પુત્ર ત્રિકમલાલને ગળથૂથીમાંથી જ મળેલો.
કલાની તાલીમ લેવા તેમના પિતાએ તેમને વડોદરામાં સોમનાથભાઈ મેવાડાને ત્યાં મોકલ્યા. ત્યારબાદ તેઓ પંચમહાલ જિલ્લાના તાલીમકેન્દ્રમાં જોડાયા. પછી વધુ સારી આવકનું સ્થાન સુલભ હોવા છતાં ઊગતી પેઢીને તાલીમ આપીને કાષ્ઠકૌશલને જીવંત રાખવાની ઉદાત્ત ભાવનાથી તે સ્થાનનો અસ્વીકાર કર્યો અને અમદાવાદમાં સ્ટેટ ડિઝાઇન સેન્ટર નામના તાલીમકેન્દ્રમાં જોડાયા.
આત્મપ્રસિદ્ધિથી દૂર ભાગનાર આ મિતભાષી કાષ્ઠશિલ્પીની કલાશક્તિ ઉત્કૃષ્ટ કોટિની છે. એમના એક કાષ્ઠઝુમ્મરને 1972માં નૅશનલ ક્રાફ્ટ્સમૅનનો ઍવૉર્ડ મળેલો. બીજે જ વર્ષે ફરી રાષ્ટ્રીય પુરસ્કારથી એમની કલાની કદર કરવામાં આવી હતી. ‘ધર્મરથ’ નામની એમની એક કૃતિને તત્કાલીન વડાપ્રધાનના હસ્તે તામ્રપત્ર તથા રૂ. 2,500નું પારિતોષિક મળ્યું હતું. 1978માં મૉસ્કો ખાતે યોજાયેલા ટ્રેડ ફેરમાં ઑલ ઇન્ડિયા હૅન્ડિક્રાફ્ટ બૉર્ડ તરફથી મોકલાયેલ પ્રતિનિધિમંડળમાં એમનો સમાવેશ કરાયેલો. ત્યાં 2 મહિનાના રોકાણ દરમિયાન તેમના કૌશલનું સક્રિય પ્રદર્શન કર્યું, ત્યાંના કલાકારોના સહવાસમાં આવ્યા અને તેમણે રચેલું એક સુંદર કાષ્ઠશિલ્પ ભારત–રૂસ મૈત્રીના પ્રતીક રૂપે સોવિયેત વડાપ્રધાન કૉસિજિનને ભેટ આપ્યું હતું.
તેમની એક વર્કશૉપ તેમના વતન બારેજડી(તા. મહેમદાવાદ, જિ. ખેડા)માં આવેલી છે. ત્યાં અનેકવિધ સુંદર કાષ્ઠકલાકૃતિઓ જળવાયેલી છે.
બળદેવભાઈ કનીજિયા