રંગનાથન્, શિયાલી રામામૃત (જ. 9 ઑગસ્ટ 1892, શિયાલી, જિ. તાંજોર, તામિલનાડુ; અ. 27 સપ્ટેમ્બર, 1972, બૅંગલોર) : ગ્રંથાલયશાસ્ત્રને અન્ય શાસ્ત્રોની સાથે વિદ્યાકીય જગતમાં સમાન હક્ક અપાવનાર ભારતના એક પ્રતિભાશાળી ગ્રંથપાલ. વિદ્યાકીય જગત અને વ્યવહારજગતમાં ગ્રંથાલયને અને ગ્રંથપાલને માનાર્હ દરજ્જો (status) પ્રદાન કરાવવાનું શ્રેય ડૉ. રંગનાથન્ને ફાળે જાય છે.
રંગનાથન્નો જન્મ એક સંસ્કારી કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામામૃત ઐયર (1866-1898) અને માતાનું નામ સીતાલક્ષ્મી ઐયર (1872-1953) હતું. 1907માં તેમનાં લગ્ન રુક્મિણી (1896-1928) સાથે થયાં હતાં. તેમનાં પત્ની રુક્મિણીનું અવસાન થતાં ઈ. સ. 1929ના નવેમ્બરમાં શારદા સાથે બીજાં લગ્ન થયાં. એમના પુત્રનું નામ યોગેશ્વર.
શિયાલી ગામની ગામઠી શાળામાં શિક્ષણનો પ્રારંભ. શ્રી. એસ. એમ. હિન્દુ હાઇસ્કૂલમાંથી ઈ. સ. 1908માં પ્રથમ વર્ગમાં મૅટ્રિક. ઈ. સ. 1913માં બી.એ.ની ઉપાધિ પ્રથમ વર્ગમાં. ઈ. સ. 1916માં ગણિતના વિષય સાથે એમ.એ.. તેઓ ગણિતશાસ્ત્રમાં જોડાનાર પ્રો. એડ્વર્ડ રૉસના માનીતા એકમાત્ર વિદ્યાર્થી હતા. ઈ. સ. 1917માં તેમણે શિક્ષણશાસ્ત્રી(એલ.ટી.)ની પદવી મેળવી. ઈ. સ. 1924-25માં યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લંડન, સ્કૂલ ઑવ્ લાઇબ્રેરિયનશિપમાં અભ્યાસ કરી ત્યાંનું પ્રમાણપત્ર (ઑનર્સ સર્ટિફિકેટ) મેળવ્યું.
જ્યાં અભ્યાસ કર્યો હતો તે જ મૅંગલોરની સરકારી કૉલેજમાં ઈ. સ. 1917માં નોકરી સ્વીકારી શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. ઈ. સ. 1921માં ચેન્નાઈ(મદ્રાસ)ની પ્રેસિડન્સી કૉલેજમાં જોડાયા. એમના અધ્યાપનના વિષયો હતા ગણિત અને ભૌતિકશાસ્ત્ર. વિદ્યાર્થીઓ શિક્ષકના વ્યાખ્યાન ઉપરાંત વિશેષ અભ્યાસ માટે ગ્રંથાલયમાં જઈને પુસ્તકો વાંચે તે માટે રંગનાથન્ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા.
ઈ. સ. 1924માં રંગનાથને પ્રેસિડન્સી કૉલેજ છોડીને મદ્રાસ (હાલ ચેન્નાઈ) યુનિવર્સિટીના પ્રથમ ગ્રંથપાલ તરીકેનો કાર્યભાર 4થી જાન્યુઆરી 1924ના રોજ સંભાળ્યો. તેઓ ગ્રંથાલયના આ નવા ક્ષેત્રમાં ખૂંપી ગયા અને પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરીને આ ક્ષેત્રને વિકસાવવાનું તેમણે નક્કી કર્યું.
ગ્રંથાલયક્ષેત્રની ઉચ્ચ તાલીમ માટે તેઓ સપ્ટેમ્બર 1924માં ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં નવ માસ તાલીમ પ્રાપ્ત કરી જુલાઈ 1925માં ભારત પાછા ફર્યા. તેઓ તાલીમ-અભ્યાસ દરમિયાન યુનિવર્સિટી સ્કૂલના ગ્રંથાલયવિદ્યાના વ્યાખ્યાતા ડબ્લ્યૂ સી. બેર્વિક સેયર્સના પરિચયમાં આવ્યા. એમના માર્ગદર્શન હેઠળ રંગનાથને ઇંગ્લૅન્ડમાં અનેક ગ્રંથાલયોની મુલાકાત લઈ તેમનું નિરીક્ષણ કર્યું, જેની કાયમી અસર તેમના માનસ પર અંકિત થઈ. ઇંગ્લૅન્ડથી તેઓ ગ્રંથાલયનાં અનેક પાસાંઓ સંબંધી કીમતી સાહિત્ય સાથે લાવ્યા હતા.
લંડનથી ચેન્નાઈ પાછા ફર્યા બાદ મદ્રાસ યુનિવર્સિટી ગ્રંથાલયને અનેક પ્રવૃત્તિઓ દ્વારા અને સામુદાયિક માધ્યમો દ્વારા ધમધમતું કરી દીધું. આ પ્રવૃત્તિઓથી રંગનાથને સુશિક્ષિત વર્ગમાં માનભર્યું સ્થાન મેળવ્યું. ઈ. સ. 1921-45 સુધી રંગનાથને મદ્રાસ યુનિવર્સિટી ગ્રંથાલયને પોતાની સેવાઓ આપી.
મદ્રાસ યુનિવર્સિટી ગ્રંથાલયના ગ્રંથપાલપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને સક્રિય સંશોધન કરવાનું આયોજન રંગનાથને કરેલું, ત્યાં જ તેમની સમક્ષ બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણનનું અને દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મૉરિસ ગ્વાયરનું પોતાની યુનિવર્સિટીમાં આવવાનું માનભર્યું નિમંત્રણ મળ્યું. રંગનાથને બનારસ હિંદુ યુનિવર્સિટીનું નિમંત્રણ સ્વીકાર્યું. રંગનાથને ત્યાં ગ્રંથાલયને વ્યવસ્થિત કરવાનો ભગીરથ પુરુષાર્થ આદરી દીધો. તેમણે ટૂંકા ગાળામાં એક લાખ પુસ્તકોના સંગ્રહનું વર્ગીકરણ-સૂચીકરણનું કાર્ય સેવાભાવથી પૂરું કર્યું. 1945-47 સુધીનાં બે વર્ષના સમયમાં ગ્રંથાલય-વિજ્ઞાનના સ્નાતક (ડિપ્લોમા) અભ્યાસક્રમના વર્ગો પણ ચાલુ કરાવ્યા.
ઈ. સ. 1947માં સર મૉરિસ ગ્વાયરના આગ્રહથી રંગનાથન્ દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાં ગ્રંથાલયના કાર્યને બદલે એમણે અભ્યાસ, સંશોધનના કાર્યને પ્રાધાન્ય આપ્યું. રંગનાથનના તેજસ્વી વિદ્યાર્થી પ્રો. એસ. દાસગુપ્તા દિલ્હી યુનિવર્સિટી ગ્રંથાલયના ગ્રંથપાલ બન્યા અને રંગનાથને ગ્રંથાલય-વિજ્ઞાનના ડિપ્લોમા અને અનુસ્નાતક ડિગ્રીના વર્ગો શરૂ કર્યા. રંગનાથને અભ્યાસ-વર્તુળ અને સંશોધન-વર્તુળ શરૂ કરીને નવા વિચારોનો પ્રચાર-પ્રસાર કર્યો. સંભવત: કૉમનવેલ્થ દેશોમાં ગ્રંથાલયિત્વનો અનુસ્નાતક પદવી અભ્યાસક્રમ સૌપ્રથમ વાર એમના થકી શરૂ થયો.
મદ્રાસ યુનિવર્સિટી ગ્રંથાલયમાં રંગનાથને કાર્ય કરતાં કરતાં ઉત્સાહી ગ્રંથપાલોને ભેગા કરીને મદ્રાસ લાઇબ્રેરી એસોસિયેશનની સ્થાપના 1928માં કરી. આ મંડળના સ્થાપક મંત્રી તરીકે 1928-45 સુધી તેમણે કાર્યભાર સંભાળ્યો. આ મંડળના નેજા હેઠળ ગ્રંથાલય-વિજ્ઞાનની પ્રથમ તાલીમશાળા શરૂ કરી. તેમણે 15 વર્ષ સુધી આ તાલીમશાળાના નિયામક તરીકે સેવાઓ આપી હતી. રંગનાથને યુનિવર્સિટીમાં ‘શ્રીમતી શારદા રંગનાથન્ પ્રાધ્યાપક’ નામે સ્વાધ્યાયપીઠની સ્થાપના માટે પોતાની જીવનભરની કમાણીમાંથી રૂ. 1 લાખનું દાન કર્યું હતું.
ઈ. સ. 1948માં રંગનાથન્ ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિયેશન- (આઇ.એલ.એ.)ના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેના મંત્રી પ્રો. દાસગુપ્તા બન્યા. આઇ.એલ.એ.ના નેજા હેઠળ ડૉ. રંગનાથને ત્રણ સામયિકો ‘ઍનલ્સ’, ‘બુલેટિન’, અને ‘ગ્રંથાલય’ (‘એબગિલા’ABGILA) શરૂ કર્યાં. ગ્રંથાલય અને પ્રલેખવિદ્યામાં ‘ઍબગિલા’ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું.
તેઓ ગ્રંથાલય અને માહિતીવિજ્ઞાનની આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ફેડરેશન ઑવ્ ઇન્ટરનૅશનલ ડૉક્યુમેન્ટેશન(એફ.આઇ.ડી.)ની વર્ગીકરણ-કમિટીના રૅપૉર્ટર-જનરલ પદે નિમાયા. આ પદ પરથી સૂક્ષ્મ વર્ગીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે અવસાન સુધી સેવા આપતા રહ્યા.
ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ(આઇ.એસ.આઇ.)ની પ્રલેખન સમિતિ(સ્થા. ઈ. સ. 1947)ના તેઓ વીસ વર્ષ સુધી (194767) અધ્યક્ષ રહ્યા. ત્યાં તેમણે કેટલાક નવા માનકો સ્થાપ્યા. ઇન્ડિયન સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર (ઇન્સડૉક) (સ્થા. ઈ. સ. 1952) દ્વારા સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં કાર્યકર્તાઓ તૈયાર કરવાનું અને માહિતી પ્રદાન કરવાનું પાયાનું કાર્ય રંગનાથને કર્યું. દિલ્હી પબ્લિક લાઇબ્રેરી (યુનેસ્કો, પાઇલટ પ્રૉજેક્ટ) શરૂ કરીને એની ઉપયોગિતા તેમણે સિદ્ધ કરી બતાવી. ‘મદ્રાસ સાર્વજનિક ગ્રંથાલય અધિનિયમ’ (1948) અમલમાં લાવવામાં તેઓ નિમિત્ત બન્યા. ‘સાર્વજનિક ગ્રંથાલય પદ્ધતિ’ માટેનો આ સૌપ્રથમ ધારો હતો.
રૉકફેલર ફાઉન્ડેશનના નિમંત્રણથી રંગનાથને ઈ. સ. 1950માં અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં બહોળો પ્રવાસ કર્યો અને ત્યાંનાં માહિતીકેન્દ્રોની મુલાકાત લીધી.
ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના નેજા હેઠળ ડૉક્યુમેન્ટેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ સેન્ટર (બૅંગલોર) સ્થપાતાં તેના વડા અને માનાર્હ પ્રાધ્યાપક તરીકે રંગનાથને પાંચ વર્ષ સુધી કામ કર્યું. રંગનાથનના આ કાર્યને બિરદાવતાં ભારત સરકારે ગ્રંથાલયવિજ્ઞાનમાં ‘રાષ્ટ્રીય સંશોધન પ્રાધ્યાપક’ તરીકેનું બિરુદ આપી તેમનું બહુમાન કર્યું.
રંગનાથનના આગમનથી ભારતમાં ગ્રંથાલયક્ષેત્રે નવા યુગનાં મંડાણ થયાં.
તેમણે ગ્રંથાલયશાસ્ત્રનાં પાંચ સૂત્રો પ્રકાશિત કરીને ગ્રંથાલયવિજ્ઞાનને નવી દિશા ચીંધી; પુસ્તકો અને વાચકોનું મૂલ્ય વધાર્યું : પુસ્તકો ઉપયોગ માટે છે અને વાચકને એનું પુસ્તક મળવું જ જોઈએ એમ જણાવ્યું. આ પાંચ સૂત્રોમાંથી ગ્રંથાલય ક્ષેત્રે ઘણા આધુનિક વિચારોનો સંચાર થયો.
વિશ્વની પ્રચલિત વર્ગીકરણ-પદ્ધતિઓ અને દશાંશ વર્ગીકરણ પદ્ધતિથી રંગનાથનને અસંતોષ હતો, તે અસંતોષ દ્વિબિન્દુ વર્ગીકરણ (કોલન ક્લાસિફિકેશન, 1933)ની રચનાથી દૂર કર્યો. સૌપ્રથમ રંગનાથને વર્ગીકરણ-કાર્યને વિચારકક્ષાએ, શાબ્દિક કક્ષાએ અને સંજ્ઞા કક્ષાએ વિભક્ત કર્યું. આ રીતે પ્રથમ વખત જ શાસ્ત્રસૂત્રો અને સિદ્ધાંતોના માર્ગદર્શનથી પ્રમાણિત વર્ગીકરણની રચના કરી.
વિષયને પાંચ મૂળભૂત ઘટકો વ્યક્તિ, વસ્તુ, વેગ, સ્થળ અને કાળ(PMEST)માં વહેંચી શકાય છે. ડૉ. રંગનાથને ‘પૃથક્કરણીય સંયોજિત વર્ગીકરણ’ની પદ્ધતિ નિપજાવી.
સૂચીકરણ ક્ષેત્રે રંગનાથનનું પ્રથમ મહત્ત્વપૂર્ણ પ્રદાન ઈ. સ. 1935માં ‘વર્ગીકૃત સૂચિ કલ્પ’(classified catalogue code)ની રચનાનું છે. વર્ગીકૃત સૂચિકલ્પના પ્રકાશન પછી રંગનાથને તેમના સંશોધન દ્વારા સૂચીકરણના સિદ્ધાંતો વિકસાવ્યા. તેમાંથી ‘થિયરી ઑવ્ લાઇબ્રેરી કૅટલૉગ’ની રચના થઈ. આ કોડનો સૈદ્ધાંતિક પાયો ખૂબ જ સુદૃઢ છે. રંગનાથને સૂચીકરણનાં આદર્શમૂલક સિદ્ધાંતો, ઉપસૂત્રો, અભિધારણાઓ ઇત્યાદિ આપ્યાં છે.
ડૉ. રંગનાથન્ સૂચીકરણ-ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય એકસૂત્રતા કે માનાંકીકરણના હિમાયતી હતા. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ની મદદથી સૂચીકરણ માટેની પરિભાષા, કાર્ડનું માપ, સાધનો, મુખ્ય સંલેખમાળખું, ગ્રંથનામપૃષ્ઠ, યુનિયન કૅટલૉગ ઑવ્ પીરિયૉડિકલ્સ વગેરેનું પ્રમાણિત ધોરણ નક્કી થયું.
તેમણે પ્રકાશન-પૂર્વ સૂચીકરણ(CIP : cataloguing in publication)ની હિમાયત કરી. વળી વિષય-નિર્દેશીકરણક્ષેત્રે શૃંખલાપદ્ધતિ વિશેનો સૌપ્રથમ ખ્યાલ રંગનાથને ઈ. સ. 1938માં તેમના પુસ્તક ‘થિયરી ઑવ્ લાઇબ્રેરી કૅટલૉગ’માં આપ્યો. આ શૃંખલા-પદ્ધતિનો સ્વીકાર બ્રિટિશ નૅશનલ બિબ્લિયૉગ્રાફીની રાષ્ટ્રીય ગ્રંથસૂચિનાં વિષય-મથાળાં આપવામાં વરસો સુધી થયો હતો. વળી વાચક-વિશ્વ, પ્રલેખોનું વિશ્વ અને નાણાં – આ ત્રણેય અંગો પુસ્તકપસંદગીના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે સંકળાયેલાં હોવાની સમજ આપતું તેમનું પુસ્તક ‘લાઇબ્રેરી બુક સિલેક્શન’ 1951માં પ્રસિદ્ધ થયું. તેમણે સૌપ્રથમ સંદર્ભ સેવાનો પ્રારંભ ‘મદ્રાસ યુનિવર્સિટી લાઇબ્રેરી’માંથી કર્યો. તેમના મતે સંદર્ભસેવા એટલે ‘વાચક અને પ્રલેખ વચ્ચે સંબંધ સ્થાપવાની પ્રક્રિયા’. સંદર્ભસેવાની વિગતે છણાવટ એમણે એમના ગ્રંથ ‘રેફરન્સ સર્વિસ ઍન્ડ બિબ્લિયૉગ્રાફી’માં કરી છે.
તેમણે ગ્રંથાલયોનાં યોગ્ય સંચાલન અને વ્યવસ્થા વિના ઝડપી અને વૈજ્ઞાનિક રીતે માહિતી સેવા પૂરી પાડી શકાય નહિ, એ દૃષ્ટિએ સામયિકોની નોંધણી માટે ત્રિકાર્ડ પદ્ધતિની રચના કરી. ગ્રંથાલયનાં વિવિધ કાર્યો માટે કેટલો કર્મચારીગણ જરૂરી છે તેને માટે કર્મચારી-સૂત્ર (staff formula) ઘડી કાઢ્યું. આંકડાશાસ્ત્ર અને ગાણિતિક સિદ્ધાંતોને ગ્રંથાલયની કામગીરીમાં કઈ રીતે પ્રયોજવા એ વિશેની વિભાવના રજૂ કરી, જેને ગ્રંથમાપન (librametry) તરીકે ઓળખવામાં આવે છે. ‘લાઇબ્રેરી એડમિનિસ્ટ્રેશન’ (1935) અને ‘લાઇબ્રેરી મૅન્યુઅલ’ (1950) એમના અનુભવના નિચોડરૂપ આધારગ્રંથો છે.
રંગનાથને વિચાર્યું કે જો ગામડાંઓ સુધી ગ્રંથાલયોનો પ્રસાર કરવો હોય તો ગ્રંથાલય ધારા પર નિર્ભર સાર્વજનિક ગ્રંથાલયો સ્થપાય એ હિતાવહ છે. માટે રંગનાથને ભારતનાં અનેક રાજ્યોના માર્ગદર્શનરૂપ ‘આદર્શ ગ્રંથાલય ધારો’ (Model Library Act) ઘડી આપ્યો, જેના લીધે અનેક રાજ્યોમાં ‘ગ્રંથાલય ધારો’ અસ્તિત્વમાં આવ્યો. અનેક રાજ્યોમાં ‘ગ્રંથાલય ધારા’ની રચનાથી સાર્વજનિક ગ્રંથાલય-પદ્ધતિ હેઠળ વિવિધ પ્રકારનાં ગ્રંથાલયોનો ઉદભવ અને વિકાસ થયો.
ગ્રંથપાલો માટે વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ-કેન્દ્રો સ્થાપવામાં રંગનાથનનું પ્રદાન અનન્ય છે. વિશ્વવિદ્યાલયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમો તૈયાર કરવામાં અને અનુસ્નાતક તેમજ વિદ્યાવાચસ્પતિની પદવીઓ એનાયત કરનારાં કેન્દ્રો/સંસ્થાઓ સ્થાપવામાં તેમનો સિંહફાળો છે.
ડૉ. રંગનાથને તેમના કાર્યકાળ દરમિયાન અનેક સન્માનો/ચંદ્રકો મળ્યાં છે. તેમાં મુખ્ય છે : ‘રાવસાહેબ’નો ઇલકાબ (1935), દિલ્હી વિશ્વવિદ્યાલય અને યુનિવર્સિટી ઑવ્ પિટ્સબર્ગ (યુ. એસ.) તરફથી ડી. લિટ્.ની માનાર્હ પદવી (1948, 1964), આઇસ્લીક તરફથી માનાર્હ સભાસદ (1956), ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ (1957), તેમજ ગ્રંથાલયશાસ્ત્ર માટેના ‘રાષ્ટ્રીય સંશોધક પ્રાધ્યાપક’(1965)નો દરજ્જો તેમને આપવામાં આવેલ.
ડૉ. રંગનાથને અનેક સરકારી સમિતિઓમાં ભારત અને વિદેશમાં સભ્યપદે અને ચૅરમૅનપદે રહીને કામ કર્યું હતું.
ગ્રંથાલય મંડળોની સ્થાપનામાં પણ તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો : જેમ કે, મદ્રાસ લાઇબ્રેરી એસોસિયેશન અને ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિયેશન (1933). ગ્રંથાલયવિજ્ઞાનની વિશેષ જાણકારી માટે ડૉ. રંગનાથને યુ. એસ., કૅનેડા, જાપાન, પૂર્વ અને પશ્ચિમ જર્મની, યુગોસ્લાવિયા, યુ. કે., ફ્રાન્સ, પોલૅન્ડ, રશિયા વગેરે દેશોની મુલાકાત લીધી હતી.
તેમણે ‘ઍનલ્સ ઑવ્ લાઇબ્રેરી સાયન્સ’ (1954-63), ‘ઍબગિલા’ (1949-53 અને 1964-72), ‘લાઇબ્રેરી સાયન્સ વિથ એ સ્લાન્ટ ટુ ડૉક્યુમેન્ટેશન’ વગેરે સામયિકોનાં સંપાદનો પણ કર્યાં હતાં.
આમ રંગનાથને જીવનની અંતિમ ક્ષણ સુધી અભ્યાસ-સંશોધનમાં ગળાડૂબ રહીને ગ્રંથાલય-પ્રવૃત્તિને અનેક રીતે વેગ આપ્યો. વળી વિશ્વ ગ્રંથાલય પ્રવૃત્તિમાં પણ તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. એ રીતે ભારતના આ ગ્રંથાલયવીરે આંતરરાષ્ટ્રીય ગ્રંથાલય ક્ષેત્રે પણ ભારતનું નામ નિ:શંક રોશન કર્યું છે.
કનુભાઈ શાહ