મિયાગાવા, ચોશુન [જ.1682, ઓવારી, જાપાન; અ. 18 ડિસેમ્બર 1752, એડો (ટોકિયો), જાપાન] : જાપાનમાં ‘ઉકિયો-ઇ’નામે લોકપ્રિય બનેલી કાષ્ઠ-છાપ ચિત્રકલાના એક અગ્રણી ચિત્રકાર. મૂળ નામ હાસેગાવા કિહીજી. ઉપનામ નાગાહારુ. આશરે 1700માં ટોકિયો જઈ હિશિકાવા મૉરોનૉબુના શિષ્ય તરીકે તેમણે કલાસાધના કરી. કાષ્ઠ-છાપ ચિત્રકલા ઉપરાંત ચિત્રકલામાં પણ તેમણે નૈપુણ્ય પ્રાપ્ત કર્યું. લયાત્મક રેખાઓ અને આછા રંગોવાળી ચિત્રશૈલી માટે તેઓ ખ્યાતિ પામ્યા. નાટકશાળાનાં ર્દશ્યો રજૂ કરતો ‘એન્ગેકી ઝુકોન’ પ્રકારનો વીંટો (scroll) અને ‘ફુઝોકુ ઝુકાન’ નામનું અન્ય એક ચિત્ર તેમની શ્રેષ્ઠ કલાકૃતિઓ ગણાય છે. તે બંને કૃતિઓ હાલમાં ટોકિયો નૅશનલ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે.
અમિતાભ મડિયા