મિમેનસિંઘ : બાંગ્લાદેશના ઢાકા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાનો વિસ્તાર 9,710 ચોકિમી. જેટલો છે. જિલ્લાનો ઘણોખરો ભાગ ખુલ્લો, સમતળ સપાટ છે. તેની પૂર્વ તરફ મેઘના નદીની અને પશ્ચિમ તરફ બ્રહ્મપુત્ર નદીની જળપરિવાહ-રચના જોવા મળે છે. પૂર્વવિભાગ નીચાણવાળો હોવાથી વર્ષાઋતુ દરમિયાન પાણીથી ભરાઈ જાય છે. વળી ત્યાં પંકભૂમિના મોટા વિસ્તારો પણ ફેલાયેલા છે તે ઉપરાંત સ્થિર પાણીનાં ખાબોચિયાં પણ જોવા મળે છે. પશ્ચિમ ભાગ પ્રમાણમાં ઊંચાણવાળો છે. ત્યાં મધુપુર જંગલ-વિસ્તારનો થોડો ભાગ પણ આવેલો છે. જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, શણ, ઘઉં, શેરડી, તમાકુ તેલીબિયાં અને કઠોળનો સમાવેશ થાય છે. અહીંનો વેપાર રેલમાર્ગ તેમજ નદીના જળવ્યવહાર મારફતે ચાલે છે. જિલ્લાના મુખ્ય નગર મિમેનસિંઘની વસ્તી 4,07,798 (2012) છે.

શહેર : આ શહેરનું જૂનું નામ નસીરાબાદ હતું. ભૌગોલિક સ્થાન : 24° 45´ ઉ. અ. અને 90° 24´ પૂ. રે.. તે બ્રહ્મપુત્ર નદીના ત્યજી દેવાયેલા જૂના કાંઠાથી ઉત્તર તરફ આવેલું છે. એક સમયે તે કાચની બંગડીઓના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતું હતું. અહીં કાપડની મિલો તથા ખાંડનાં કારખાનાં આવેલાં છે. 1869થી આ શહેરમાં મ્યુનિસિપાલિટીનો વહીવટ ચાલે છે. આ શહેરમાં ઢાકા યુનિવર્સિટી-સંલગ્ન કેટલીક સરકારી કૉલેજો તથા કૃષિ-યુનિવર્સિટી આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા