મિમિક્રી : આંગિક અને વાચિક અભિનય દ્વારા કોઈ વ્યક્તિ અથવા પાત્રનું અનુકરણ. મૂક અભિનય(માઇમ)માં માત્ર આંગિક અનુસરણ હોય, જ્યારે મિમિક્રીમાં વાચિક પણ હોય, તો ક્યારેક માત્ર વાચિક જ હોઈ શકે. અભિનયની તાલીમમાં મિમિક્રી કરનારને મહત્વ અપાતું નથી. જોકે માત્ર આંગિક-વાચિક અનુકરણથી અનેકોને મિમિક્રી-કલાકાર તરીકે લોકપ્રિયતા મળેલી છે. આવું અનુકરણ કરવામાં નિરીક્ષણ દ્વારા જે તે પાત્રના ઘણુંખરું હાસ્ય-ઉત્પાદક આંગિક કે વાચિક વ્યવહારોમાંથી પસંદગી કરીને એનું ક્રમબદ્ધ અનુસરણ કોઈક પ્રકારની પરાકાષ્ઠાએ પ્રભાવક વાક્ય કે ચેષ્ટા સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. એ રીતે મિમિક્રીમાં અભિનયની કળાના અંશો જણાય છે. અભિનયની તાલીમમાં પાત્રસર્જન કરવાનું હોય ત્યારે અનેક પાત્રોનાં નિરીક્ષણ પછી એમનાં આંગિક-વાચિક અનુકરણોનું કલાત્મક સંયોજન કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મિમિક્રીમાં એક પાત્ર પર ધ્યાન કેન્દ્રિત થયું હોય છે.
હસમુખ બારાડી