માંકડું (Macaque)

February, 2002

માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે. વાંદરા તરીકે તેની ગણના, સસ્તન વર્ગના, અંગુષ્ઠધારી (primate) શ્રેણીના સર્કોપિથેસિડે કુળમાં કરવામાં આવે છે. ભારતમાં સામાન્યપણે દેખાતા માંકડાનું શાસ્ત્રીય નામ છે Macaca mulatta. તે rhesus monkey તરીકે જાણીતું છે.

શારીરિક બંધારણ તેમજ દેહધાર્મિક ર્દષ્ટિએ માંકડું માનવ સાથે ઘણું સામ્ય ધરાવે છે. ખાસ કરીને માનવ તેમજ માંકડાના રુધિરમાં સમાન ઘટક આવેલો છે. તેને Rh factor કહે છે. જોકે કેટલાક માનવોના રુધિરમાં Rh factorનો અભાવ હોય છે. Rh factor હોય તેવા રુધિરને Rh+ve (ધન Rh) અને તેના અભાવમાં, રુધિરને Rh –ve (ઋણ Rh) કહે છે. જો રક્તદાન (blood transfusion) દરમિયાન Rh–ve દર્દીને Rh+ve રક્ત આપવામાં આવે તો Rh factorને લીધે દર્દીનું Rh-ve રુધિર જામી જાય છે, જે દર્દી માટે ખતરનાક નીવડે છે. ગર્ભવતી માતાનું રક્ત Rh–ve અને ગર્ભાશયમાં વિકાસ પામતા બાળકનું રક્ત Rh+ve હોય તો રુધિરાભિસરણ દરમિયાન બંને રુધિરનું મિશ્રણ થવાથી માતાનું રુધિર જામી જતાં, માતા મૃત્યુ પામ્યાના દાખલા બને છે.

મુખ અને નિતંબ બાદ કરતાં માંકડાનું આખું શરીર વાળ કે રુવાંટીથી આચ્છાદિત હોય છે. તેનાં અગ્ર ઉપાંગોના પ્રમાણમાં પશ્ચ ઉપાંગો વધારે લાંબાં હોય છે. બધી આંગળીઓ નહોરયુક્ત હોય છે; જ્યારે પાછલા પગની આંગળીઓ સપાટ અને માંસલ હોય છે. સામાન્યપણે પ્રચલન દરમિયાન તે ચારેય પગનો ઉપયોગ કરે છે. જોકે ટૂંકાં અંતર કાપવા માંકડું માત્ર પાછલા પગનો ઉપયોગ કરે છે. વૃક્ષો પરથી સ્થળાંતર કરતી વખતે કૂદીને તે આગલા પગોની મદદથી વૃક્ષોની શાખા ઝાલે છે. તેની પૂંછડી, સ્થૂળ (stump) જેવી ટૂંકી કે લાંબી હોઈ શકે છે. શરીરની કુલ લંબાઈ આશરે 0.5 મીટર જેટલી હોય છે, જેમાં પૂંછડીની લંબાઈ 20થી 30 સેમી. જેટલી હોય છે.

માંકડાં 15થી 40ના ટોળામાં ફરતાં હોય છે. વૃદ્ધ અનુભવી નર તેમનો આગેવાન હોય છે. ટોળામાં ફરતાં હોવા છતાં તેઓ જગા (territory) માટે લડતાં નથી. ટોળાં એકબીજાંનો સંપર્ક ટાળે છે. સામાજિક જીવન ગુજારતાં માંકડાં બુદ્ધિશાળીની રીતે જીવન પસાર કરે છે. માણસની નકલ તેઓ સહેલાઈથી કરે છે. તેઓ સંદેશાની આપલે વિવિધ પ્રકારના અવાજ વડે કરતાં હોય છે. માંકડાનાં બચ્ચાંને સહેલાઈથી પાળી શકાય છે; પરંતુ તેઓ સ્વભાવે ચંચળ હોય છે. અને ઉશ્કેરાતાં આક્રમક બને છે.

માંકડું મોટેભાગે શાકાહારી હોય છે. પાંદડાં, ફૂલ અને ફળ તેમનો મુખ્ય આહાર છે. જોકે સંજોગવશાત્ તે કીટકોને પણ ખાય છે. મોકો મળતાં તે ઝડપથી આહાર મેળવી, ખોરાકને પોતાની વિસ્તૃત ગાલકોથળી(cheek pouch)માં સંઘરે છે.

માંકડું પાંચમા વર્ષે પુખ્ત બને છે. અને સામાન્યપણે 20 વર્ષ સુધી જીવે છે. ટોળામાં લૈંગિક જીવન સંમિશ્ર હોય છે અને વર્ચસ્ ધરાવતો નર ટોળામાં આવેલાં મોટાભાગનાં સંતાનોનો પિતા બને છે. ગર્ભવિકાસનો સમય આશરે 160 દિવસ જેટલો હોય છે.

ભારતમાં Macaca mulatta ઉપરાંત M. assamensis (વતન : આસામ), સિંહપુચ્છ (lion-tailed) માંકડું, M. silenus (વતન : દ. ભારતનાં જંગલો), સ્થૂળપુચ્છ (stump-tailed) માંકડામાં M. arctoides જેવાંનો સમાવેશ થાય છે. ભારતમાં સિંહપુચ્છ માંકડાંની વસ્તી અત્યંત વિરલ થઈ છે. અને તેની નોંધ હાલમાં અસ્તપ્રાય પ્રાણી તરીકે કરવામાં આવે છે.

માંકડું

જાપાનમાં વસતું હ્રીસસ માંકડું (M. fuscata) ડુંગર જેવા ઊંચા સ્થળે, હિમપ્રદેશમાં જોવા મળે છે. તે શિયાળામાં ફરતું હોય છે.

માનવી અને માંકડા વચ્ચે ઘણું સામ્ય હોવાથી માનવીની વર્તણૂક તેમજ માનવરોગોની જાણકારી પ્રાપ્ત કરવા વિશેષ કરીને ‘Rh’–માંકડાનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. અવકાશ (space) તેમજ સમતાપ-મંડળ(stratosphere)માં માંકડાના જીવન પર થતી અસરની ચકાસણી કરવા, અવકાશસંશોધનની શરૂઆતમાં માંકડાને રૉકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવેલું.

અગાઉ સંશોધનાર્થે ભારતમાંથી માંકડાની નિકાસ મોટી સંખ્યામાં કરવામાં આવતી હતી, પરંતુ તેનો પ્રચંડ વિરોધ થતાં તેની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નયન કે. જૈન