માદામ તુસો મ્યુઝિયમ (Madam Tussauds Museum) (સ્થાપના : 1835) : જાણીતા, લોકપ્રિય તેમજ જાણીતા ઐતિહાસિક, વિદ્યમાન અને કલ્પનોત્થ વ્યક્તિઓનાં મીણમાંથી બનાવેલાં આબેહૂબ પૂતળાંઓનું મ્યુઝિયમ.
મૂળમાં 1835માં લંડન ખાતે સ્થપાયેલ તુસો મ્યુઝિયમની શાખાઓ હાલમાં શાંઘાઈ, લાસ વેગાસ, ન્યૂયૉર્ક, હૉંગકૉંગ અને ઍમ્સ્ટરડૅમમાં છે.
મીણમાંથી શિલ્પો ઘડનારાં ફ્રેંચ મહિલા શિલ્પી માદામ મૅરી તુસો-(જ. 1761; અ. 1850)એ મીણમાંથી ઘડેલાં શિલ્પો માટે આ મ્યુઝિયમની રચના કરી હતી. જોકે પછીથી અન્ય કલાકારોએ મીણમાંથી ઘડેલાં શિલ્પો પણ આ મ્યુઝિયમમાં ઉમેરાયાં છે અને હજુ ઉમેરાતાં જાય છે. ફ્રાંસના સ્ટ્રાસબર્ગમાં જન્મેલાં શિલ્પી મૅરી તુસોનું મૂળ નામ મૅરી ગ્રોશોલ્ટ હતું. તેમની માતા ફિઝિશિયન ડૉ. ફિલિપ કુર્તીના ઘરમાં ઘરનોકરાણી હતી. ડૉ. કુર્તીએ પોતાની નોકરાણીની પુત્રી મૅરીને મીણને ઘાટ આપીને (વૅક્સ-મૉડેલિંગ દ્વારા) શિલ્પો ઘડતાં શીખવ્યું. ડૉ. કુર્તીએ ફ્રાંસના રાજા લુઈ પંદરમાની રખાત મૅરી જીને દુ બેરીનું શિલ્પ ઘડેલું. તેને માટેના બીબામાંથી નવેસરથી ઘડેલું શિલ્પ આજે પણ આ મ્યુઝિયમમાં છે; જે આ મ્યુઝિયમનું સૌથી જૂનું પૂતળું છે.
મૅરી તુસોએ સૌપ્રથમ મીણનું શિલ્પ 1777માં ફ્રાંસ્વા મૅરી એરુઆ દ વૉલ્તેરનું ઘડ્યું. એ પછી તુસોએ જ્યાં-જાક રુસો અને બેન્જામિન ફ્રૅંકલીન જેવી બીજી ખ્યાતનામ વ્યક્તિઓનાં શિલ્પો પણ ઘડ્યાં. ફ્રેંચ રેવલૂશન દરમિયાન તેણે મૃતકોના ચહેરાના મોલ્ડ લઈ, તેમાંથી પણ મીણ-શિલ્પો બનાવ્યાં. 1802માં મૅરી તુસો લંડન ગયેલાં. ફ્રેંકો–બ્રિટિશ યુદ્ધને કારણે ફ્રાંસ પાછા ફરવું અશક્ય બનતાં તેમણે લંડનની બેકર સ્ટ્રીટમાં પોતે ઘડેલાં આવાં પૂતળાંનું પ્રથમ કાયમી મ્યુઝિયમ ઊભું કર્યું. મૅરી તુસોએ ખૂનીઓ અને બીજા ગુનેગારોના વિકરાળ ચહેરા પણ ઘડેલા, એ કારણે ‘પંચ’ મૅગેઝિને 1845માં આ મ્યુઝિયમને ‘ચૅમ્બર ઑવ્ હૉરર્સ’ નામ આપેલું. 1925માં આ મ્યુઝિયમ લંડનના મેરીલબૉર્ન રોડ પર ખસેડાયું. આગ લાગવાથી તેમાંનાં ઘણાં પૂતળાં નષ્ટ પામ્યાં. છતાં મેરી તુસોએ 1842માં ઘડેલો આત્મશિલ્પનો ચહેરો હજી પ્રવેશદ્વારે છે. આ મ્યુઝિયમમાં જીવનના દરેક ક્ષેત્રની, દુનિયાના દરેક ખૂણાની જાણીતી હસ્તીઓનાં જાણે જીવંત હોય એવાં આબેહૂબ પૂતળાં છે. એમાંથી કેટલીક હસ્તીઓનાં નામ આ પ્રમાણે છે.
રાજકારણ અને જાહેર જીવન : એડૉલ્ફ હિટલર; મહાત્મા ગાંધી; નેલ્સન મંડેલા; વિન્ટ્સન ચર્ચિલ; જ્યૉર્જ ડબ્લ્યૂ. બુશ; પ્રિન્સેસ ડાયેના; અબ્રાહમ લિંકન; જૉન એફ. કૅનેડી; રિચાર્ડ નિક્સન; રોનાલ્ડ રીગન; ફ્રકલીન ડી. રૂઝવેલ્ટ; ઇંદિરા ગાંધી; લેનિન; સદ્દામ હુસૈન; નેપોલિયન પહેલો; બૉરિસ યેલ્ત્સીન; ટૉની બ્લેર; રાજીવ ગાંધી.
સંગીત : બ્રીટની સ્પેર્સ; ડીન માર્ટિન; ડ્યૂક એલિન્ગ્ટન; એલ્ટન જૉન; એન્જલબર્ટ હમ્પરડીન્ક; મૅડોના; માઇકલ જૅક્સન; શાકીરા; ટીના ટર્નર.
સાહિત્ય : અર્નેસ્ટ હેમિન્ગ્વે; ડૉરોથી પાર્કર; માયા એન્જેલુ; શેક્સપિયર.
અભિનય : શાહરુખખાન; અમિતાભ બચ્ચન, સલમાન ખાન; ઐશ્વર્યા રાય; રજનીકાન્ત; રૉબિન વિલિયમ્સ; આનૉર્લ્ડ શ્વાઝેનેગર; બ્રેડ પીટ; ચાર્લી ચૅપ્લિન; હેરિસન ફૉર્ડ; મેરિલિન મન્રો; એન્જેલિના જૉલી.
ચિત્રકારો : પાબ્લો પિકાસો; સાલ્વાડૉર ડાલી; વિન્સેન્ટ વાન ગોઘ.
કલ્પનોત્થ વ્યક્તિ : શેરલોક હૉમ્સ.
રમતગમત જગત : ડેવિડ બૅકહેમ; બિયોન બૉર્ગ; બિયાન લારા; મહંમદ અલી; માર્ટિના હિન્ગિસ; માઇકલ શુમાકર; યાઓ મિન્ગ; રોનાલ્ડિનો; એન્ડી મુરે.
અમિતાભ મડિયા