રસેલ, મૉર્ગન (જ. 1886, ન્યૂયૉર્ક નગર; અ. 29 મે 1953, ફિલાડેલ્ફિયા) : અમેરિકાના આધુનિક ચિત્રકાર. ન્યૂયૉર્ક નગરમાં રૉબર્ટ હેન્રીના હાથ નીચે અભ્યાસ કર્યા પછી 1906માં રસેલે પૅરિસ જઈ જીવનનાં 40 વરસ ત્યાં વિતાવ્યાં. રંગોની પ્રકૃતિ અંગેના વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ચિત્રકલામાં વિનિયોગ કરનારા પ્રથમ અમેરિકન ચિત્રકારોમાં તેમનો સમાવેશ થાય છે. ચિત્રકાર સ્ટૅન્ટન મેક્ડૉનાલ્ડ-રાઇટની સાથે તેમણે 1913-14માં ‘સિન્ક્રોનિઝમ’ ચળવળની શરૂઆત કરી અને બંનેએ સાથે મ્યૂનિક, પૅરિસ અને ન્યૂયૉર્ક નગરોમાં પોતાની કલા પ્રદર્શિત કરી. સિન્ક્રોનિસ્ટ ચિત્રો અમૂર્ત હોય છે અને તેમાં રંગોની શુદ્ધતા ઉપર ભાર મૂકવામાં આવે છે.
અમિતાભ મડિયા