રમલા (Ramla) : ઇઝરાયલમાં તેલઅવીવ-યાફોથી અગ્નિકોણમાં કિનારાના મેદાન પર આવેલું મધ્ય ઇઝરાયલનું મુખ્ય નગર. ભૌગોલિક સ્થાન : 31° 55´ ઉ. અ. અને 34° 52´ પૂ. રે. . પૅલેસ્ટાઇનમાં આરબો (ખલીફા સુલેમાન ઇબ્ન અબ્દ-અલ-મલિક, શાસનકાળ 715થી 717) દ્વારા આ નગર સ્થાપવામાં આવેલું. તેણે નજીકમાં આવેલા લોદ (લિડ્ડા) ખાતેના તત્કાલીન પાટનગરને ખેસવીને આ સ્થળે પાટનગરની સ્થાપના કરેલી તેમજ બજારો, કિલ્લા અને ‘અલ જામે’ અલ કબીર’ નામની એક મોટી મસ્જિદનું નિર્માણ કરાવેલું. આજે તો તે બધાંનાં ખંડિયેરો જ માત્ર રહ્યાં છે; પરંતુ મામલુક સુલતાન બાયબર્સે (શાસનકાળ 1260થી 1277) તે મસ્જિદમાં ઉમેરેલો ‘વ્હાઇટ ટાવર’ નામથી ઓળખાતો, 27 મીટર ઊંચો મિનારો હજી આજે પણ જોવા મળે છે.

આઠમીથી તેરમી સદીના ગાળામાં 1096થી 1099ની પહેલી સામૂહિક ધાર્મિક જેહાદ દરમિયાન આ નગરનો કબજો લેવાયેલો અને તેને કિલ્લેબંધી કરાવી દીધેલી. તેમણે આ નગરને રેમ્સ (Rames) નામ આપેલું. 1187માં સાલાદીને ચળવળિયાઓ પાસેથી આ શહેર લીધું ત્યારે તેણે કિલ્લેબંધીનો નાશ કરેલો. ચૌદમી સદી પછીથી તે એક વેપારી મથક તરીકે વિકસેલું. 1799માં નેપોલિયને તુર્કો પાસેથી પૅલેસ્ટાઇન લઈ લેવા માટેના અસફળ પ્રયાસો કરેલા ત્યારે રમલા સંઘર્ષનું મુખ્ય મથક બનેલું.

રમલા મૂળ આરબ શહેર હોવા છતાં 1936–39નાં આરબ-યહૂદી રમખાણો થયાં ત્યાં સુધી તેમાં યહૂદીઓનો વસવાટ પણ હતો. 1947ના નવેમ્બરની 29મીએ રાષ્ટ્રસંઘે (UN) કરેલા ભાગલાના ઠરાવથી રમલા આરબ રાજ્યના પૅલેસ્ટાઇનનો એક ભાગ બન્યું. જ્યારે આ રાજ્યનો દરજ્જો ખુલ્લેખુલ્લો જાહેર ન થયો ત્યારે જૉર્ડનના આરબ જૂથે રમલા અને તેની આજુબાજુના ભાગો પર હુમલા કર્યા. આ વિસ્તાર પરના આરબોના કાબૂથી બૃહદ તેલઅવીવ વિસ્તાર પર ભય તોળાતો લાગ્યો ત્યારે ઇઝરાયલીઓએ જૉર્ડન જૂથ પર હુમલા આદર્યા અને 1948ના જુલાઈની 12મીએ આ શહેરનો કબજો મેળવી લીધો. આથી ખ્રિસ્તી અને આરબ વસ્તી ભાગી છૂટી. હુમલાઓ શમી ગયા બાદ યહૂદી સ્થળાંતરવાસીઓને ખ્રિસ્તી-આરબ સ્થાનો પર વસાવ્યા; તેમ છતાં આજે અહીં આરબ વસ્તી પણ છે. આ શહેરની યહૂદી-આરબ મૈત્રી અજોડ ગણાય છે.

આ શહેરના ઉદ્યોગોમાં સિમેન્ટ, પ્લાયવુડ અને વીજ-ઉપકરણોનો સમાવેશ થાય છે. શહેર ધોરી માર્ગો અને રેલવેજંકશન પર વસેલું હોવાથી ત્યાં અવરજવર તેમજ પેદાશોની હેરફેરની સુવિધા રહે છે.

શહેરનાં જોવાલાયક સ્થળોમાં સેન્ટ નિકોદેમસ અને સેન્ટ જૉસેફનું ફ્રાન્સિસ્કન રહેણાકી સ્થળ (તેમાં નેપોલિયનનો ખંડ જાળવી રખાયો છે), બારમી સદીના સેન્ટ જૉનના કૅથીડ્રલના પાયા પર બાંધેલી વિશાળ મસ્જિદ (અલ જામે’ અલ કબીર), સેન્ટ હેલેનાનો હૉજ, પ્રવાસીઓના નૌકાવિહારના ઉપયોગમાં લેવાતું આઠમી સદીનું, કલાત્મક સ્તંભોવાળું જળાશય વગેરેનો સમાવેશ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા