ઇન્દોર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લાનું વડું મથક અને રાજ્યનું મહત્વનું વ્યાપાર તથા ઉદ્યોગનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન 22o 43´ ઉ. અ. અને 75o 50´ પૂ. રે. મુંબઈના ઉત્તરપૂર્વમાં 515 કિમી. અંતરે મુંબઈ-આગ્રા ટ્રંક રોડ પર, ક્ષિપ્રા, સરસ્વતી તથા આન નદી પર તે આવેલું છે. દરિયાની સપાટીથી તે 558 મીટરની ઊંચાઈ પર છે. ફળદ્રૂપ જમીન, ઉષ્ણકટિબંધની આબોહવા તથા સુનિશ્ચિત (સાનુકૂળ) વરસાદ માટે જાણીતા માળવા પ્રદેશમાં તે આવેલું હોવાથી આર્થિક રીતે તેનો એકધારો વિકાસ થતો રહ્યો છે. 1715માં સ્થાનિક જમીનદારોએ આ શહેર વસાવ્યું હતું. 1818માં હોળકર દેશી રિયાસતે મહેશ્વરથી પોતાની રાજધાની અહીં ખસેડી હતી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સીના વડા મથક તરીકે તથા 1948થી 1956 દરમિયાન દેશી રિયાસતોના મધ્યભારત સંઘના પાટનગર તરીકે તેને રાજકીય મહત્વ પ્રાપ્ત થયું હતું. જિલ્લાની વસ્તી અને વિસ્તાર અનુક્રમે 32,72,335 (2011), 2898 ચોકિમી. છે.
મધ્યપ્રદેશનું તે મહત્વનું ઔદ્યોગિક તથા વ્યાપારકેન્દ્ર છે. કાપડની મિલો ઉપરાંત સિમેન્ટ, હોઝિયરી, રસાયણ, ગરમ ધાબળા, લાકડાનું તથા સ્ટીલનું ફર્નિચર, એન્જિનિયરિંગ સાધનો અને રમતગમતનાં સાધનોનું ઉત્પાદન થાય છે. અનાજના જથ્થાબંધ વ્યાપારનું પણ તે મહત્વનું કેન્દ્ર છે.
1964માં ત્યાં યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. જુદી જુદી વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી 20 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ત્યાં આવેલી છે. ભૂતપૂર્વ રજવાડાં તથા રિયાસતોનાં કુટુંબનાં બાળકો માટે ડેલી કૉલેજ ઊભી કરવામાં આવેલી, જે હવે દેવી અહિલ્યાબાઈ વિશ્વવિદ્યાલય નામથી ઓળખાય છે. હવે બધા જ વર્ગનાં બાળકોને તે પ્રવેશ આપે છે. શહેરની બાજુમાં મઉ નામનું લશ્કરી મથક છે, ત્યાં શસ્ત્રની તાલીમ અપાય છે.
પર્યટકો માટે રાજપ્રાસાદો, ઉદ્યાનો, શીશમહેલ અને કાચમહલ પ્રમુખ આકર્ષણો છે.
રાણી અહલ્યાબાઈ હોળકર નિર્મિત રાજવાડા પૅલેસ (ઇન્દોર જિલ્લો)
ભૂતકાળમાં આ શહેરે સી. કે. નાયડુ, સી. એસ. નાયડુ, મુસ્તાકઅલી અને ચંદુ સરવટે જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ક્રિકેટ-ખેલાડીઓ આપ્યા છે.
ઇતિહાસ : સત્તરમી સદીમાં ઇન્દ્રપુર નામનું ગામ હતું. મરાઠાઓએ 1741માં ત્યાં ઇન્દ્રેશ્વર નામનું શિવમંદિર બંધાવ્યું. તે ગામને લોકો ‘ઇન્દુર’ અને પછી અંગ્રેજોના સમયમાં ‘ઇન્દોર’ કહેવા લાગ્યા. મરાઠીભાષી લોકો હજી પણ તેને ‘ઇન્દુર’ કહે છે. મલ્હારરાવ હોલ્કરની પુત્રવધૂ અહિલ્યાબાઈએ ઇન્દોરને જિલ્લાનું મથક બનાવી, તેની પાસે નવું ગામ પણ વસાવ્યું. તેમણે પોતાની રિયાસત બનાવી હતી. પાટનગર ઇન્દોરમાં રાખ્યું. તેમના રાજ્યઅમલ દરમિયાન (1766-1795) તે વિકસીને શહેર બન્યું. 1948માં ભારતમાં આ રાજ્યનું વિલીનીકરણ થતાં સુધી તે હોળકર રિયાસતનું પાટનગર રહ્યું હતું.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે