યુધિષ્ઠિર મીમાંસક (જ. 22 સપ્ટેમ્બર 1909, વિરકચ્યાવાસ, રાજસ્થાન; અ. ?) : સંસ્કૃત ભાષાના વીસમી સદીના આર્યસમાજી વિદ્વાન. આધુનિક યુગના પ્રસિદ્ધ વૈયાકરણ તથા વૈદિક સંહિતાઓ અને વેદાંગોના જ્ઞાતા.
વેદ, વ્યાકરણ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, નિરુક્ત ઇત્યાદિ વિષયોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને અનેક સંશોધનપૂર્ણ લેખો લખ્યા. ‘वेदवाणी’ નામની માસિક પત્રિકાના તેઓ સંપાદક હતા અને ભારતીય પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન અજમેરના નિર્દેશક પણ હતા. તેમણે મુખ્યત્વે હિંદી તથા સંસ્કૃત ભાષામાં લેખન કર્યું છે.
વેદવિજ્ઞાન વિશેના એમના ગ્રંથોમાં એમની પ્રગાઢ વિદ્વત્તા તથા સાંગોપાંગ સંશોધનવૃત્તિનું નિદર્શન મળે છે. मन्त्रब्राह्मणयोर्वेदनामधेयम्, वैदिकछन्दःसङकलनम्, ऋग्वेदस्य ऋकसंख्या, काशकृत्स्नीयो धातुपाठः, भारतीयं भाषाविज्ञानम्, वेदसंज्ञामीमांसा:, વગેરે 14 જેટલાં સંશોધનપત્રો તેમણે લખ્યાં છે.
તેમણે વિવિધ વિષયો પર રસપ્રદ પુસ્તકો લખ્યાં છે; દા.ત., ‘संस्कृत व्याकरणशास्त्र का इतिहास’, ‘वेदार्थ की विविध प्रक्रियाओं का ऐतिहासिक अनशीलन’, ‘सामस्वराङकनप्रकार’, ‘आचार्य पाणिनि के समय, विद्यमान संस्कृत वाङमय’, ‘वैदिक स्वरमीमांसा’, ‘वैदिक छन्दोमीमांसा’, ‘छन्दशास्त्र का इतिहास’, ‘शिक्षाशास्त्र का इतिहास’ ઇત્યાદિ.
એમણે અનેક પુસ્તકોનું પાંડિત્યપૂર્ણ સંપાદન પણ કરેલું છે. દા.ત., ‘निरुक्त-समुच्चय:’, ‘शिक्षासूत्राणि’, ‘दशपाद्युणादिवृति:’, ‘क्षीरतरङिगणी’, ‘काशकृत्स्नव्याकरणम्’, ‘उणादिकोश:’, ‘माध्यंदिनपदपाठ’, ‘दैवम्-पुरु,कारेण सहितम्’, ‘भागवृतिसङकलनम्’ વગેરે. ‘વૈદિક સ્વરમીમાંસા’ નામના પુસ્તકમાં સ્વરના અર્થભેદ, ઉચ્ચારણપ્રકાર, વેદવાક્યાર્થ પર થતો સ્વરનો પ્રભાવ ઇત્યાદિ વિષયોની સુંદર છણાવટ કરેલી છે.
વળી ‘વૈદિક છંદોમીમાંસા’માં છન્દ:શાસ્ત્રનો અર્થ, તેની પ્રાચીનતા, છન્દોના વિવિધ પ્રકાર અને તેમની મહત્તા વગેરે મુદ્દાઓની સરળ પણ સાધાર ચર્ચાવિચારણા કરેલી છે.
આમ, અર્વાચીન યુગમાં પંડિત યુધિષ્ઠિર મીમાંસકનું વેદ તથા વ્યાકરણશાસ્ત્રના ક્ષેત્રમાં અનન્ય પ્રદાન રહેલું છે. આવા વિદ્વાનોના લેખનના બળે સંસ્કૃતભારતીનો વિકાસ અવિચ્છિન્ન રીતે થતો રહ્યો છે.
ઉમા દેશપાંડે