ઇન્ડોનેશિયન સાહિત્ય : ઇન્ડોનેશિયા દેશનું વિવિધ સાહિત્ય. ઇન્ડોનેશિયા 3,000 કરતાં વધુ ટાપુઓનો દેશ છે અને તેમાં 200 ઉપરાંત ભાષાઓ બોલાય છે. તેનું મધ્યકાલીન સાહિત્ય મુખ્યત્વે બહાસા મલાયુ ભાષામાં લખાયેલું છે. છ કરોડથી વધુ માણસો આ ભાષાનો ઉપયોગ કરે છે. 1945માં તેણે રાજ્યભાષાનો દરજ્જો પ્રાપ્ત કરેલ છે. આ ભાષા જાવાનીઝ, બલ્જિનીઝ, મલય, સુન્દાનીઝ અને અન્ય ભાષાઓનું મિશ્રણ છે. તેનું સાહિત્ય સુમાત્રા, જાવા, બાલી અને લોંબોક વગેરે ટાપુઓની ભાષાઓમાં મૌખિક પરંપરા દ્વારા ઊતરી આવેલું અને લહિયાઓએ ઉતારેલું – એમ બે પ્રકારનું છે એવું યુરોપના માનવ-વંશશાસ્ત્રીઓએ નોંધેલું છે. તેમાંનાં ગવાતાં ગીતો અને કાવ્યો ઘણુંખરું ધર્મવિધિ સાથે સંકળાયેલાં છે. પૌરાણિક કથાઓ, પ્રાણીકથાઓ, દંતકથાઓ, લોકકથાઓ અને ઉખાણાં-કોયડા તથા પરાક્રમની વાર્તાઓ મૌખિક પરંપરાના ગદ્યમાં છે.
જાવાના સાહિત્યની જૂની ભાષા ભારતીય કાવિ લિપિમાં લખાતી અને તેની કવિતામાં સંસ્કૃત છંદો તથા શબ્દોનો ઉપયોગ થતો. હિન્દુ અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ એ સાહિત્ય પર છે. ભારતનાં બે મહાકાવ્યો પૈકી 11મી કે 12મી સદીમાં રચાયેલ ‘કા કાવિન’ જૂનામાં જૂનું જાવાનીઝ રામાયણ છે. ‘મહાભારત’ પરથી ટૂંકમાં ‘ભારત યુદ્ધ’ ગદ્યમાં લખાયું છે અને તેનો ઉપયોગ ‘વયંગ’(છાયાનાટકો)માં થાય છે. વયંગના ત્રણ પ્રકાર છે : (1) વયંગ કુલિત : આમાં છાયા માટે ચામડાની આકૃતિઓ દલાંગ (કઠપૂતળીનો ખેલ કરનાર) દ્વારા ફાનસના અજવાળે રજૂ થતી. (2) વયંગ ગોલેક : આમાં કાષ્ઠનાં પૂતળી-પૂતળાં વપરાતાં. તે આખી રાત ભજવાતા નાટક ઉપરાંત ધાર્મિક ક્રિયાના ભાગરૂપ હતાં. તેમાં આત્માની કેળવણી તથા મનની શાંતિ માટે વાર્તાઓ અને રામાયણ-મહાભારતના પ્રસંગો બતાવાતા. (3) વયંગ-વોંગ : આમાં પડદા પાછળ માનવો પૂતળાંની જેમ નાચીને અભિનય કરતા. ચૌદમી સદીના મજપહિતના મહારાજ્યમાં પ્રપંચના ‘નાગર-કેતાગમ’માં તથા સમકાલીન કાનૂની પુસ્તકો અને ધર્મસ્થાનો વિશેના લેખોમાં તે સમયના સામાજિક જીવનનું આલેખન થયું છે. એક મુસ્લિમ કબર પર મિન્જે તુદેહમાં સૌથી જૂનું કાવ્ય 1345માં લખાયેલું મળી આવ્યું છે. તે સુમાત્રાની જૂની લિપિ અને ઉપજાતિ છંદમાં છે.
પંદરમી સદીથી જાવા ટાપુ ઇસ્લામધર્મી બનવા લાગ્યો હતો. અરબી-ફારસી સાહિત્યનો પ્રભાવ તેની ભાષામાં તથા તેના સાહિત્યમાં પ્રસરતો જતો વરતાય છે. ‘હિકાયત સી મિસ્કિન’ નામની સૌથી જૂની પ્રાપ્ત હસ્તપ્રતને આધારે મલય ભાષાની શરૂઆત 1600ની આસપાસ થયાનું સ્વીકારાયું છે. આ હસ્તપ્રતનું લખાણ ઐતિહાસિક મહત્વ ધરાવતું નથી, પરંતુ ‘હિકાયત રાજા રાજા પસાઈ’ તે પંદરમી સદીની હસ્તપ્રત મળી છે. સોળમી સદીના ઉત્તરાર્ધમાં હમ્ઝા ફન્ઝુરીએ રચેલી ‘તાજુ સલાતીના’ ઉપલબ્ધ છે. એ બે મહત્વની કૃતિઓ છે. આ સમય પહેલાં મલાકામાં પુસ્તકાલયો હતાં. આ અરસામાં બાંગ્કુલુના બંદરે યુરોપિયન પ્રવાસી થૉમસ રફેલ્સના જહાજમાં લગાડેલી આગમાં 300 જેટલી હસ્તપ્રતો નાશ પામી હતી.
મલય ભાષાનું લિખિત ઉપલબ્ધ સાહિત્ય 1600 આસપાસ શરૂ થયું હતું. ‘પંજી’ વાતોમાં વીર પુરુષોનાં પરાક્રમો અને પ્રેમકથાઓ છે. તેનું મૂળ બારમી સદીથી વિસ્તર્યું હતું. પંજી ઉર્ફે રાદેન કોરિપનનો રાજકુમાર હતો અને તેની વિવાહિતા ગાલુબ દહાની શોધમાં પ્રવાસ કરતાં કરતાં અનેક પરાક્રમો કરે છે. અભણ કથાકાર પેંગ્લીપાર લારાની મૌખિક વાતો, તુન મુહમદ(સેરી લનંગ)ની ઐતિહાસિક કૃતિ ‘સેજારાહમલયુ’ (1612) અને દંતકથાના આધારે રચાયેલી નવલ ‘હિકાયત હંગ તુઆહ’ ઉત્તમ ગદ્યકૃતિઓ છે. ‘પંતુન શાએર’ – ચારપંક્તિનાં પદ્યમુક્તકો તથા મુક્ત છંદ(બ્લક વર્સ)ની ‘ગુરિદમ’ રચનાઓ મલય ભાષાના સાહિત્યના ઉત્તમ નમૂના ગણાય છે. બુઆરી દ્યોહરિ(1613)ની ‘તાજુ સલાતીના’ તથા નૂરુદ્દીન અર રાનીરિ-(1634)ની ‘બુસ્તુનુસ સલાતીના’ ફારસી અને અરબી કૃતિઓનો પ્રભાવ દર્શાવે છે.
સત્તરમી સદીમાં ભારત અને ઈરાનથી સૂફીવાદ આ પ્રદેશમાં ફેલાયો અને ધાર્મિક તથા ઐતિહાસિક કૃતિઓમાં અબ્દુલ રાઉફ સિંગ્કેલ, શમસુદ્દીન પસાઈ વગેરેની કૃતિઓ ગૂઢ કવિતાનાં ઉત્તમ ઉદાહરણ છે. ‘લેબાઈ મલંગ’, ‘પાક કેદોક’, ‘પાક મંદિર’ વગેરે ઉદ્દંડ ગણાવેલ વાર્તાઓ પણ લોકોને ખૂબ પ્રિય હતી. મલય સાહિત્યનો મહત્વનો લેખક અબ્દુલ્લા બિન અબ્દુલ કાદિર મુનશી છે (1796-1854). તેણે મલય સાહિત્યને નવીન શૈલી અને સર્જનોથી સમૃદ્ધ કર્યું. પ્રવાસકથાઓ, આત્મકથા, સંસ્મરણ વગેરે લખીને તેણે ઓગણીસમી સદીના સાહિત્ય પર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
આ રીતે ઇન્ડોનેશિયન ભાષા અને સાહિત્યના પાયા ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં નંખાયા. એ સમયમાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ અને શાસક ડચ ઈસ્ટ ઇન્ડિયા સરકારે મલયશાળાઓ સ્થાપી અને મલય ભાષાને રોમન લિપિમાં લખવા ફરમાવ્યું. 1908માં સરકારે જાકાર્તામાં ‘બેલાઈ પુસ્તક’ નામની પ્રકાશનસંસ્થા સ્થાપી. પ્રથમ પ્રકાશનમાં મલયની સ્થાનિક લોકકથાઓ પ્રગટ કરી. 1918માં શાળાઓ માટે પાઠ્યપુસ્તકો રચ્યાં અને 1920માં મૅરારી સીરેગુરરચિત પ્રથમ મૌલિક કૃતિ ‘અજબ સેંગ્સરા સેઓરંગ ગદિસ’ પ્રગટ કરી. માબાપે ગોઠવેલાં કજોડાંરૂપ લગ્ન વિશેની આ કૃતિ જૂની શૈલીમાં છે. 1922માં મરાહ રુસલીની પ્રથમ આધુનિક મલય નવલકથા ‘સિતિ નુરબાયા’ પ્રગટ થઈ. તે પછી નવસિનાહ ઇસ્કંદર યાસિન, એચ. એ. રહેમાન વગેરે અનેક સાહિત્યકારોની સંખ્યાબંધ કૃતિઓ પ્રગટ થઈ હતી. આમાં ‘સિતિ નુરબાયા’ અને અબ્દુલ મોઇસની ‘સલાહ અસુહન’ (1928) મહત્વની કૃતિઓ છે. ‘સલાહ અસુહન’માં ઇન્ડોનેશિયન પુરુષ અને યુરોપિયન સ્ત્રીના લગ્નની વાત છે. આધુનિક મલય કાવ્યનો પ્રથમ સંગ્રહ ‘મિનાંગ કલાઉઓ’ મોહમદ યામિને પ્રગટ કર્યો હતો.
‘જોંગ સુમાત્રા’ અને ‘બંદે માતરમ્’ જેવાં સામયિકો 1920થી મોહમદ યામિન(1903–1962)ના તંત્રીપદે પ્રગટ થયા લાગ્યાં. 1928માં ઇન્ડોનેશિયન યુવક કૉંગ્રેસે રાષ્ટ્રીય ભાષા માટે પહેલવહેલો ખરડો તૈયાર કર્યો અને રાષ્ટ્રભાષાને ‘બહાસા ઇન્ડોનેશિયા’ નામ આપ્યું. સાનુસી પાને(જ. 1905)નો સૉનેટસંગ્રહ ‘પુષ્પ મેગા’ અને રિવાઇ ઉર્ફે યોગીનો કાવ્યસંગ્રહ ‘પુષ્પ અનેક’ પ્રગટ થયા. ‘તિમ્બોલ’ અને ‘પંજી પૉસ્તક’ નામનાં – સામયિકોમાં અન્ય લેખકો અને કવિઓની કૃતિઓ પ્રગટ થવા લાગી. આ બે સામયિકોના સંપાદકો સાનુસી પાને અને સુતાન તકદીર આલિસજાબાના (જ. 1908) હતા. 1933માં ‘પુજ્જંગ બારુ’ અર્થાત્ ‘નવીન સાહિત્યકાર’ નામનું એક સામયિક શરૂ થયું.
રુસ્તમ ઍફેન્ડી (જ. 1903) સામ્યવાદી કવિની ભાષા યામિનના કાવ્યસંગ્રહ ‘ફાધરલૅન્ડ’ની ભાષા કરતાં વધુ રોચક અને સંસ્કારી છે. મુહમ્મદ યામિન ઇન્ડોનેશિયાના અર્વાચીન કવિઓમાં અગ્રેસર તથા પ્રતિભાશાળી સર્જક હતો. યામિન પરંપરાગત શૈલીનો કવિ છે, પરંતુ તેણે રાષ્ટ્રપ્રેમ કવિતામાં ઉતાર્યો એ તેનું નવીન તત્ત્વ હતું. રુસ્તમ ઍફેન્ડીએ બે વિશ્વયુદ્ધ વચ્ચેનો સમય નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)માં ગાળ્યો હતો. તેની કવિતા યુરોપિયન ધોરણને અનુસરે છે, છતાં તેમાં તેના મૂળ વતન સુમાત્રાનો સ્વાનુભવ છે.
ઇન્ડોનેશિયન સાહિત્ય પર વધુ પ્રભાવ પાડનારા સાનુસી પાને (જ. 1905) અને આર્મિન પાને એ બે ભાઈઓ તથા સુતાન તકદીર આલિસજાબાના સાનુસી પાનેએ યૌવનકાળમાં આકર્ષક ઊર્મિકવિતા રચી હતી પછી તે નાટક અને પત્રકારત્વ તરફ વળ્યા હતા. તેમના ભાઈ આર્મિને અંગ્રેજી વાક્યરચનાને મલય ભાષાને અનુરૂપ બનાવી છે. તે નૈસર્ગિક શક્તિવાળા નવલકથાકાર હતા. તેમની નવલકથા ‘શેકલ્સ’ (1940) ઇન્ડોનેશિયાની પ્રથમ માનસશાસ્ત્રીય નવલકથા છે. તકદીર આલિસજાબાના હિંદુ સંસ્કૃતિ કરતાં યુરોપિયન સંસ્કૃતિના વિશેષ હિમાયતી હતા.
1945માં ઇન્ડોનેશિયાએ આઝાદી પ્રાપ્ત કરી અને તેની રાષ્ટ્રભાષા તરીકે ‘બહાસા ઇન્ડોનેશિયન’નો સ્વીકાર થયો. 1933માં અમીર હમ્ઝા (1911-1946) દ્વારા સ્થપાયેલ સામયિક ‘પુજ્જંગ બારુ’ પ્રથમ તબક્કામાં 1942 સુધી પ્રગટ થયેલું અને બીજા તબક્કામાં 1948થી 1952 સુધી. આ સામયિકે ડચ ભાષાને સ્થાને ‘ઇન્ડોનેશિયન બહાસા’ પ્રચલિત કરવામાં સારો ફાળો આપ્યો છે. 1945માં ઇન્ડોનેશિયામાં જન્મેલ દુ પેરોનની પ્રેરણાથી ‘અંગકતાન’ (1945) નામના સામયિકની સ્થાપના થઈ. આ સામયિક મારફત કેટલાક અગ્રગણ્ય ઇન્ડોનેશિયન સાહિત્યકારો પ્રકાશમાં આવ્યા. તેમાં ખયરુલ અન્વર (1922-49) એક વિદ્રોહી કવિ હતા. તેમણે બહાસાની કાવ્યસૃષ્ટિમાં જબ્બર ક્રાંતિ આણી અને ‘પુજ્જંગ બારુ’ની નેતાગીરીને પડકાર કર્યો તેમજ ‘ગેલંગજંગ’ (એલાને જંગ) નામનું મુખપત્ર શરૂ કર્યું હતું. ખયરુલની કવિતા પ્રબળ અને ક્ષુબ્ધ સંવેદનવાળી છે. 1970માં તેનો સંપૂર્ણ ગદ્યપદ્યસંગ્રહ પ્રગટ થયેલ છે. રોમાંચક વાર્તાઓના લેખક અને કવિ અમીર હમ્ઝા (1911-46) અગ્રગણ્ય ઇન્ડોનેશિયન સાહિત્યકાર હતા. ઇન્ડોનેશિયાના આઝાદી જંગમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.
બાલી ટાપુમાં વસતા લગભગ 20 લાખ લોકો હિંદુધર્મી છે. બાલીની ભાષા પર જાવાનીઝ ભાષાનો પ્રભાવ છે. બોલીની લોકપ્રિય અને લાગણીસભર કવિતા ‘જય-પ્રયાણ’નું સી. હુયકાલે 1958માં અંગ્રેજી ભાષાંતર કર્યું છે. ખયરુલ અન્વરના અન્ય અગ્રગણ્ય સમકાલીન કવિઓમાં સિતોર સિતુમોરાંગ (જ. 1924), ડબ્લ્યૂ. એસ. રેન્દ્ર (જ. 1935) અને અજિપ રોસી ધી (જ. 1938) વગેરે છે.
પ્રમુદ્ય અનન્ત ટોએર (જ. 1925) અગ્રગણ્ય આધુનિક નવલકથાકાર છે. તેમણે ઇન્ડોનેશિયામાં જાપાની કબજા સમયની (1942) અને નેધરલૅન્ડ્ઝ સાથેના યુદ્ધોત્તર સંઘર્ષની ઘટનાઓ પર આધારિત નવલકથાઓ ‘એ ગેરિલ્લા ફૅમિલી’ અને ‘નો ફનફૅર’ રચી છે. ટોએર જેમ સામ્યવાદ તરફ વધુ ઢળતા ગયા તેમ તેમના લેખનમાંથી મૃદુતા ઓછી થતી ગઈ. મુખ્તાર લુબિસે આઝાદ ઇન્ડોનેશિયાના મરહૂમ પ્રમુખ સુકર્ણોના જીવન સામે ઉગ્ર તોહમતનામું ફરમાવતી નવલકથા ‘ટ્વાઇલાઇટ ઇન જાકાર્તા’ (1963) પ્રગટ કરી છે.
અનેક નવોદિતોમાં અસ્રુલ સાની અને તેની પત્ની સિત્તી નુરૈની સાની, બન્દહરો હરહપ, ઉતુય તતંગ, એમ. બલ્ફાસ, એસ. એમ. અર્ધન વગેરે ઇન્ડોનેશિયન સાહિત્યના વિકાસ અને પ્રગતિમાં સારો ફાળો આપી રહ્યા છે. આંકાતાન સાસ્તરવાન 50ના લેખકોનું ધ્યેય રાષ્ટ્રને સ્વતંત્ર કરવાનું રહ્યું હતું. આ ચળવળમાં ‘કલાને ખાતર કલા’ નહિ પરંતુ ‘સ્વાતંત્ર્ય માટે કલા’ છે. સાહિત્યપ્રકારોમાં ઉસ્માન અવાંગ, સુરતમાન માર્કાસન, મસૂરી એસ.એન., અશરફ, અબ્દુલ ગની હર્મિદ, મુહંમ્મદ આરિફ અહમદ વગેરેનાં નામ નોંધપાત્ર છે. સિંગાપોરમાંથી પોતાની કારકિર્દી શરૂ કરી મલેશિયા તથા ઇન્ડોનેશિયામાં સ્થાયી થઈ પોતપોતાનું સર્જન કરે છે. તેમાં અબ્દુલ હમીદ, નોરિદા કામરી, અબ્દુલ રહેમાન, કાસ્માની ડોલાહ ઊગતા લેખકો છે. પરદેશી સાહિત્યકૃતિઓનાં ભાષાંતરોએ પણ તેમાં નિર્ણાયક ભાગ ભજવ્યો છે. ઇન્ડોનેશિયાનું સાહિત્ય હજુ વિકસતું સાહિત્ય છે.
કૃષ્ણવદન જેટલી