આત્મારામ ભૂખણ : સત્તરમા સૈકાના અંતમાં સૂરતમાં શરૂ થયેલી શરાફી પેઢી. આ પેઢીના સ્થાપક વનમાળીદાસ મૂળ અમદાવાદના હતા, પણ સત્તરમા સૈકામાં સૂરત બંદર અને નગર વ્યાપારી અને શરાફી પ્રવૃત્તિઓથી ધબકતું હોઈ વનમાળીદાસે અમદાવાદથી સૂરતમાં સ્થળાંતર કર્યું હોવાનો સંભવ છે. વનમાળીદાસ, આત્મારામ, આત્મારામના બે પુત્રો : દયારામ અને ઝવેરચંદ, ઝવેરચંદના પુત્ર જગજીવનદાસ તથા જગજીવનદાસના અનુક્રમે પુત્ર અને પૌત્ર માણેકલાલ અને પુરુષોત્તમદાસ એમ કૌટુંબિક પેઢી ચાલી હતી. પુરુષોત્તમદાસના બે પુત્રો ગુલાબદાસ અને કશનદાસ ઈ. સ. 1890માં હયાત હતા.
આત્મારામ ભૂખણની પેઢી એ શરાફી પેઢી હતી. એટલે કે વેપારવાણિજ્ય માટે જરૂરી એવી બૅન્કિંગ સંસ્થાનું તે સંચાલન કરતી હતી. અઢારમા સૈકાની શરૂઆતથી સૂરતની જાહોજલાલી ઝડપથી અદૃશ્ય થતાં સૂરતથી અનેક શરાફી પેઢીઓએ અંગ્રેજોએ વિકસાવેલા મુંબઈ બંદરમાં સ્થળાંતર કર્યું હતું. 1744માં ઝવેરચંદ આત્મારામે પણ સૂરતથી મુંબઈમાં આ પેઢી સ્થાપી, જે ‘કાકા પારેખની પેઢી’ તરીકે ઓળખાતી, પરંતુ સૂરતમાં પણ આત્મારામ ભૂખણના વંશજો શરાફ તરીકે ચાલુ રહ્યા હતા.
આત્મારામ ભૂખણની પેઢીની દેશ-પરદેશમાં ઘણી સારી આબરૂ હતી. તેની શાખાઓ હિંદભરમાં પથરાયેલી હતી. હિંદ અને યુરોપમાં તેની 500 આડતો હતી. અઢારમા સૈકામાં આ પેઢી પેશવા, ગાયકવાડ, સિંધિયા અને દેશી રાજારજવાડાંને નાણાં ધીરતી. છેલ્લા પેશવા બાજીરાવ બીજા 1818માં પદભ્રષ્ટ થયા તે પહેલાં તેમણે રૂપિયા 5,00,000 આ પેઢીમાં અનામત મૂક્યા હતા, જે ઉપરથી પણ ખ્યાલ આવે છે કે રાજકીય અસ્થિરતા અને કટોકટીના સંજોગોમાં પણ આ પેઢીએ તેની બૅન્કિંગ સંસ્થા દ્વારા દેશી રજવાડાંઓને નાણાંની સહીસલામતી પૂરી પાડી હશે. ગાયકવાડ સરકારે આત્મારામ ભૂખણની સેવાઓની કદર કરીને પેઢીના સંચાલકોને માકણા ગામ બક્ષિસ આપ્યું હતું, તેમજ પાલખી અને મશાલનો હક આપ્યો હતો. આ પેઢી વિશે એમ કહેવાતું કે, ‘‘આત્મારામ ભૂખણની હૂંડીના રૂપિયા ઝાડ પણ આપે,’’ તેમજ ‘‘મહોં હલામણી કબૂલત.’’
મુઘલ અને મરાઠા સમયમાં આ પેઢીની જેવી આબરૂ હતી તેવી જ આબરૂ બ્રિટિશ સમયમાં પણ હતી. મુંબઈમાં તો તેનું નામ લોકજીભે ચડ્યું હતું. પેઢીના મહેતાજીઓ, ગુમાસ્તાઓ, મુનીમો અને કારકુનો આ પેઢીમાં કામ કરવામાં ગર્વ અનુભવતા. આ પેઢીમાં કામ કરતા કેટલાક મુનીમો પણ લક્ષાધિપતિ બની ગયા હતા.
1863માં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલવેવ્યવહાર શરૂ થયો અને તે સ્થાપનાર ‘‘બૉમ્બે બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપની’’ હતી. આત્મારામ ભૂખણની પેઢી આ કંપનીના શરાફ તરીકેની કામગીરી બજાવતી હતી.
1861–1864 દરમિયાન અમેરિકામાં જે આંતરવિગ્રહ થયો તેને પરિણામે મુંબઈ ઇલાકામાં રૂ અને કપાસના જબરજસ્ત સટ્ટા થયા હતા. આત્મારામ ભૂખણની પેઢીએ પણ આ સટ્ટામાં ઝંપાલાવેલું અને તે વધારે માતબર બનેલી પણ આંતરવિગ્રહને અંતે જ્યારે રૂના ભાવ ગગડ્યા ત્યારે તેમાં અનેક વેપારી અને શરાફી પેઢીઓ નાશ પામી. આત્મારામ ભૂખણની પેઢી તેમાં અપવાદરૂપ ન નીવડી. 1865માં આ પેઢી મોટી દેવાદાર થઈ ગઈ અને ત્યારબાદ તેની જાહોજલાલી પણ નષ્ટ થઈ.
મકરંદ મહેતા