આઝમી, શબાના (જ. 18 સપ્ટેમ્બર, 1950 હૈદરાબાદ (હાલનું તેલંગાણા)) : ભારતીય ચલચિત્રનાં વિખ્યાત અભિનેત્રી, સંસદ સભ્ય તથા જનહિતકાર્યો પ્રત્યે સક્રિય અભિરુચિ ધરાવતાં સમાજસેવિકા. જાણીતા ઉર્દૂ શાયર અને સમાજવાદનાં હિમાયતી કૈફી આઝમી તથા ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન (IPTA)નાં કલાકાર શૌકત આઝમીનાં પુત્રી. લખનૌ વિશ્વવિદ્યાલયમાંથી બી. એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કર્યા બાદ પુણે ખાતેની નૅશનલ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા (NFTII)માં અભિનયની તાલીમ માટે જોડાયાં અને 1972માં તેની પરીક્ષામાં પ્રથમ સ્થાન અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યાં. ખ્વાજા અહમદ અબ્બાસ(1914-1987)ના ‘ફાસલા’ ચલચિત્રથી કારકિર્દીની શરૂઆત કરી (1972). ત્યારથી 1999 સુધીમાં તેમણે 110 ઉપરાંત ચલચિત્રોમાં અભિનય કર્યો છે અને તેમાંનાં ‘અંકુર’ (1973), ‘અર્થ’ (1982), ‘ખંડહર’ (1983), ‘પાર’ (1984) અને ‘ગૉડ મધર’(1999)માં તેમણે કરેલ અભિનય માટે સર્વોત્તમ અભિનેત્રીના રાષ્ટ્રીય ઍવૉર્ડ, ‘સ્વામી’ (1977) ચલચિત્રના અભિનય માટે ફિલ્મ ફેર ઍવૉર્ડ તથા ‘બડા દિન’ (1998) ચલચિત્રના અભિનય માટે ભારતીય વિવેચક સંઘનો ઍવૉર્ડ એનાયત થયા છે.
શબાનાએ ભારતના અગ્રણી દિગ્દર્શકોનાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે; જેમાં સત્યજિત રે (શતરંજ કે ખિલાડી-1977), મૃણાલ સેન (ખંડહર-1983, ‘એક દિન અચાનક’-1988 અને ‘જેનેસિસ’), શ્યામ બેનેગલ (‘અંકુર – 1973), સઈદ મિર્ઝા (‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યોં આતા હૈ – 1980), ગૌતમ ઘોષ (‘પાર’-1984), સઈ પરાંજપે (‘સ્પર્શ’-1979, ‘દિશા’ – 1990), અપર્ણા સેન (‘સતી’-1989), મહેશ ભટ્ટ (‘અર્થ’ – 1982), મનમોહન દેસાઈ (‘અમર અકબર ઍન્થની’ – 1977) તથા પ્રકાશ મહેરા (‘જ્વાલામુખી’)નો સમાવેશ થાય છે.
રંગમંચ પર પણ શબાનાએ પોતાની અભિનયકલાનો ક્યારેક ક્યારેક પરિચય આપ્યો છે; દા. ત., 1980માં ‘ઇપ્ટા’ દ્વારા નિર્મિત ‘કૉકેશિયસ ચૉક સર્કલ’ના હિંદી સંસ્કરણ ‘સફેદ કુંડલી’ નાટકમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત કરેલ તેમનું પ્રથમ નાટક ‘પિકનિક’ પણ ખૂબ પ્રશંસાપાત્ર નીવડ્યું હતું. આ નાટકનું દિગ્દર્શન અપર્ણા સેને કર્યું હતું. થોડાક સમય માટે તેઓ ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી(CFS)નાં ચૅરપર્સન રહ્યાં હતાં.
‘મૅડમ સુસાઞ્કા’ અને ‘ઇમૅક્યુલેટ કન્સેપ્શન’ જેવાં વિદેશી ચલચિત્રોમાં પણ તેમણે ભૂમિકા ભજવી છે.
1985માં શબાનાને સોવિયત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ તથા 1988માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત થયા હતા.
1977માં તહેરાન ખાતે અને 1985માં દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવની નિર્ણાયક સમિતિ(jury)માં તેમની વરણી થઈ હતી.
1997માં ભારતના રાષ્ટ્રપતિએ શબાના આઝમીને 6 વર્ષ માટે રાજ્યસભાનાં સભ્ય તરીકે નિયુક્ત કર્યાં. જૂન, 1999માં રાષ્ટ્રસંઘના કુટુંબનિયોજન સંગઠન (UNFPA)માં તેમને ‘સદભાવ એલચી’ (Goodwill Ambassador) તરીકે નીમવામાં આવ્યાં હતાં.
મુંબઈની ઝૂંપડપટ્ટીઓ, ફૂટપાથો, રેલવે-પ્લૅટફૉર્મો, બસ-અડ્ડાઓ જેવાં જાહેર સ્થળે જીવન જીવતાં મકાનવિહોણાં નિવાસીઓની સમસ્યાને વાચા આપવા માટે સ્થાપવામાં આવેલ ‘નિવાસ હક્ક સંરક્ષણ સમિતિ’ સાથે તથા કોમવાદનો વિરોધ કરનારાં સંગઠનો સાથે તેઓ સક્રિય રીતે સંકળાયેલાં છે. 1993માં મુંબઈમાં ફાટી નીકળેલ કોમી હુલ્લડો વખતે શબાનાએ કરેલ કામગીરી પ્રશંસાને પાત્ર ઠરી છે. ‘ઑપરેશન વિજય’ નામથી જાણીતી બનેલી કારગિલ વિસ્તારની લશ્કરી કાર્યવહી(મે 1999થી જુલાઈ 1999)માં શહીદ થયેલા સૈનિકોના પરિવારોને, ઘવાયેલા સૈનિકોને તથા યુદ્ધ-વિસ્તારના વિસ્થાપિતોને રાહત આપવા માટેની બિનસરકારી ઝુંબેશમાં શબાનાએ અગ્રભાગ ભજવ્યો હતો.
તેમના અભિનયવાળું ‘ફાયર’ ચલચિત્ર વિવાદાસ્પદ બન્યું હતું. ઉપરાંત નિર્માતા-દિગ્દર્શક દીપા મહેતા દ્વારા પ્રયોજિત ‘વૉટર’ ચલચિત્રમાં પણ શબાનાને મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ તે ચલચિત્રની પટકથા સામે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
1988માં પદ્મશ્રી તેમજ 2012માં પદ્મભૂષણથી તેઓ સન્માનિત થયાં છે.
ચલચિત્રજગતના વિખ્યાત પટકથાલેખક અને ગીતકાર જાવેદ અખ્તર સાથે તેમનાં લગ્ન થયાં છે.
કેતન મહેતા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે