આકારવાદ (formalism) : સાહિત્યકૃતિના આકાર પર ભાર મૂકતી, પહેલા વિશ્વયુદ્ધ પછીની સ્લાવિક દેશોની સાહિત્યમીમાંસામાં સૌપ્રથમ ચાલેલો વાદ.

વીસમી સદીની શરૂઆતમાં કળાક્ષેત્રે જે અનેક વાદો જન્મ્યા અને આંદોલનો ચાલ્યાં તેની પાછળ ‘શુદ્ધ’ કળાની શોધ હતી, મુક્ત ‘સર્જકતા’ પ્રતિની ગતિ હતી. આ જાતની કળાપ્રવૃત્તિઓમાં આકારનો ખ્યાલ કેન્દ્રમાં રહ્યો હતો.

અંગ્રેજી સંજ્ઞા ‘form’ ગુજરાતીમાં ‘આકાર’, ‘આકૃતિ’ તથા ‘સ્વરૂપ’ તરીકે જાણીતી બની છે. આ સંજ્ઞાની ઘણી અર્થચ્છાયાઓ છે, જેમાંની કેટલીક પરસ્પર વિરોધાભાસી પણ છે. આ સંજ્ઞા મહદંશે અમૂર્ત છે.

પદ્યના સંદર્ભે પ્રસ્તુત સંજ્ઞાને પદ્યમાં વપરાતા છંદ તરીકે સમજવાનું એક વલણ છે. કવિતાના અંતરંગની સામે, કવિતાની ભાષા અને પદાવલિને આકાર તરીકે લઈ શકાય. આથી આગળ વધીને વિષયવસ્તુ, સામગ્રી, અનુભૂતિ વગેરેને રજૂ કરવા જે શૈલી અપનાવવામાં આવે તેને પણ ‘આકાર’ કહેવામાં આવ્યો છે. આમ સાહિત્યમાં આકાર એટલે કૃતિની આકૃતિ; જે કહેવાયું છે તે કઈ રીતે કહેવાયું છે, સામગ્રી કઈ રીતે ગોઠવાયેલી છે વગેરેનો નિર્દેશ. સુરેશ હ. જોષીએ Formના સંકેતને ઓળખાવતાં આકૃતિની વ્યાખ્યા બાંધી છે કે ‘કળાના ઉપાદાન રૂપે જે સામગ્રી રહી હોય છે તેનું રસચર્વણ(aesthetic contemplation)ને અનુરૂપ એવું સંવિધાન સિદ્ધ થતાં જે નીપજી આવે તે આકૃતિ’. આકાર વિશેની વિચારણાએ વખત જતાં ‘વાદ’નું સ્વરૂપ લીધું અને આકારવાદ અસ્તિત્વમાં આવ્યો.

આકારને અતિક્રમીને કૃતિના અંતરંગને પામવાનો પ્રયત્ન કરવાને બદલે આકારવાદીઓ માત્ર કૃતિના આકારમાં જ સૌંદર્ય નિહાળે છે. આ રીતે કૃતિના આકારમાં જ ઇતિશ્રી માનનારા સર્જકો-ભાવકોને ડબલ્યૂ. પી. કેર જણાવે છે કે આકાર તો સર્જકના ચિત્તમાં રહેલો વિચાર કે વિચારની યોજનામાં છે. ચિત્તસ્થ ભાવને એ શબ્દસ્થ કરવા જાય છે ત્યારે ભાવવહન કઈ રીતે કરવું એ વિચારણા જ કૃતિનો આકાર અને આ આકારabstract original schemeમાં છે. પછી તો એ અમૂર્ત ‘યોજના’ને મૂર્ત સ્વરૂપ આપે છે. આમ, આકારની પાછળ કોઈ અમૂર્ત વિચાર કે સંવેદન રહેલું હોય છે. આથી જ ક્લાઇવ બેલે કળાને ‘અર્થપૂર્ણ આકાર’ (significant form) તરીકે ઓળખાવી હતી. જોકે આ ખ્યાલ મુખ્યત્વે તો ચિત્રકળાના સંદર્ભે જ રજૂ થયો છે. ક્લાઇવ બેલે કહ્યું કે કળામાત્રમાં ‘આકાર’ એ જ એનું વ્યાવર્તક લક્ષણ બની રહે છે અને કળાનું ગૌરવ જેને અર્પી શકાય એવી દરેક કૃતિને એનો ‘અર્થપૂર્ણ આકાર’ મળ્યો જ હોય છે. કળાકૃતિમાંથી આપણને જે સૌંદર્યાનુભૂતિ થાય છે તેના મૂળમાં આવો કોઈ ‘અર્થપૂર્ણ આકાર’ રહેલો હોય છે. ‘અર્થપૂર્ણ આકાર’ની વ્યાખ્યા (અલબત્ત ચિત્રકળાના સંદર્ભે) કરતાં તેઓ કહે છે, ‘વિલક્ષણ રીતે સંયોજાયેલા દરેક રંગ અને રેખાથી રચાતા ચોક્કસ આકારો અને આકારોના સંબંધો આપણા સૌંદર્યનિષ્ઠ સંવેદનને જગાડે છે’ રંગો અને રેખાઓના સંબંધ-સંયોજનથી રચાયેલા આ, કલાત્મક ગતિશીલ આકારો તે ‘અર્થપૂર્ણ આકાર’. ‘અર્થપૂર્ણ આકાર’ના તેમના ખ્યાલમાં કૃતિના નર્યાં ભૌતિક રૂપનો સીમિત ખ્યાલ સૂચિત નથી, કૃતિની અંદરનાં વિવિધ રૂપો અને તેના પરસ્પર આંતરસંબંધો વિશેની અભિજ્ઞતા તેમને અભિપ્રેત છે.

રોજર ફ્રાયે ભારપૂર્વક કહ્યું છે કે ‘શુદ્ધ સૌંદર્યાનુભૂતિ’ ‘આકાર’ની ચર્વણામાંથી જ સંભવે છે. તેઓ પણ કળાકૃતિમાંથી પદાર્થજગતના પ્રતિનિધાન(representation)નો છેદ ઉડાવવા માગે છે. તેઓ તો એટલે સુધી કહે છે કે કળાકૃતિનાં રચનાગત મૂલ્યો (plastic values) અને વિષયવસ્તુ જોડે સંલગ્ન એવાં મનોલક્ષી મૂલ્યો એ બે વચ્ચે હંમેશાં વિસંગતિ જ રહેવાની. શુદ્ધકળાના હિમાયતીઓ કેવળ આકારમાં જ સૌંદર્ય નિહાળે છે અને એવું માને છે કે આકારને અતિક્રમીને કૃતિમાં વિશેષ કશું અંતરંગ તત્વ શોધાવું તે સૌંદર્યલક્ષી અભિગમ નથી.

આમ, કૃતિના અંતસ્તત્વ અને આકારના પારસ્પરિક સંબંધનો આ સંઘર્ષ તીવ્રતર બનતો ગયો. વાસ્તવમાં, આકાર અને અંતસ્તત્વનો આ વિવાદ જ અવાસ્તવિક છે એવી વાત વીસમી સદીના પ્રથમ દશકામાં એ. સી. બ્રેડલીએ કરી છે. સાચી કળાકૃતિમાં અંતસ્તત્વ અને આકાર બંને એકમેકમાં ઓગળી ગયાં હોય છે. વિવેચકોમાં એ બાબતે સર્વસંમતિ છે કે આકાર એ એવું ખોખું નથી જેમાં, બાટલીની જેમ કશું રેડી શકાય. આથી જ વાલેરી આકારને કૃતિની સામગ્રી ગણે છે. આકાર અને સામગ્રી આમ તો અવિભાજ્ય છે પણ તેમને કામચલાઉ જુદાં મૂલવી શકાય છે.

ગુજરાતીમાં સુરેશ હ. જોષી આકારવાદી ગણાય છે. તેઓ ‘આકાર’ને ‘પ્રક્રિયા’ રૂપે અવગત કરાવે છે. તેમણે ભારતીય કાવ્યશાસ્ત્રની પરિભાષા પ્રયોજીને તેને ‘રસનિષ્પત્તિની પ્રક્રિયા’ તરીકે ઓળખાવી છે. એમના મતે, આકાર એ રસનિષ્પત્તિની અમૂર્ત પ્રક્રિયા છે.

‘રશિયન આકારવાદ’ તે પ્રક્રિયારૂપે નહિ, પણ આંદોલનરૂપે 1915થી 1930 દરમિયાન પ્રવર્તેલ છે. તેના પાયામાં ભાષા પ્રત્યેનો સંરચનાવાદી (structuralistic) અભિગમ છે. રશિયન આકારવાદીઓના મતે કોઈ કૃતિમાં રહેલી ભાષાનું કાર્ય એના પ્રેષણ (transmission)માં સમાયેલું નથી પણ એના આકૃતીકરણમાં છે. વિક્ટર શ્ક્લોવ્સ્કી, રૉમન યાકોસ્બન વગેરે આ વાદના પુરસ્કર્તાઓ છે.

યોગેશ જોશી