અળાઈ : ગરમી કે બફારાને કારણે શરીર પર થતી નાની ફોલ્લીઓ. ગરમી અને ભેજવાળી આબોહવા ધરાવતા ઉષ્ણકટિબંધવાળા દેશોના પ્રદેશોમાં તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક વ્યવસાયોમાં કે ઉદ્યોગગૃહોમાં (જ્યાં વધુ પડતી ગરમી અને ભેજ હોય ત્યાં) કામ કરતા લોકોને ચામડીનો આ રોગ થવાનો સંભવ હોય છે. ગરમ કપડા પહેરનાર, વધુ પડતાં જાડાં કપડાં પહેરનાર બાળકો તથા જાડા માણસોને આ રોગ સામાન્ય રીતે થતો હોય છે. કોમળ ચામડીવાળા માણસોમાં આ રોગ વિશેષ પ્રમાણમાં જણાય છે.
કોણીના સાંધા, બરડો, છાતી તથા કમર પર અને સ્તનપ્રદેશની નીચેના ભાગમાં તથા શરીરના કોઈ પણ ભાગ પર તે થઈ શકે છે. હાથ અને પગના પંજા પર અળાઈ થતી નથી.
પાણીથી ભરેલી એકદમ નાની અને લાલાશ વિનાની સફેદ ફોલ્લીઓને સ્ફટિક અળાઈ (milariasis crystallina) કહે છે. નાની છૂટીછવાઈ ને લાલાશ પડતી દાણા જેવી ફોલ્લીઓમાં પરુ થઈ જતાં તે પીળા રંગની દેખાય છે. એને સપૂય અળાઈ (milaria pustulosa) કહે છે.
પરસેવો બહાર નીકળવાની નળીમાં અથવા પરસેવાનાં છિદ્રોમાં કેરેટિન (keratin) ભરાઈ જાય છે. આ કેરેટિન છેક ઉપરના ભાગમાં હોઈ સ્ફટિકમય અળાઈ થાય છે. જો કેરેટિન માલફિજીના સ્તર-(stratum malphighi)માં હોય તો લાલાશ પડતી અળાઈઓ થાય છે. સારવાર માટે વાતાવરણ બદલવું એ ઉત્તમ માર્ગ ગણાય. તેમાં યોગ્ય વાતાનુકૂલન (air-conditioning), નિર્ભેજન (dehumidification) અને હવાની આવજા (ventilation) ખૂબ જ જરૂરી છે; પરંતુ દરેક જગ્યાએ આ શક્ય ન હોવાથી શરીરની ચોખ્ખાઈ રાખવી આવશ્યક છે. તેને માટે ઠંડા પાણીથી એકથી વધુ વખત સ્નાન કરવાનું ઘણા પસંદ કરે છે.
અરુણકુમાર ગોવર્ધનપ્રસાદ અમીન