અહલે હદીથ (હદીસ) : ભારત-પાક-બાંગલાદેશ ઉપખંડના મુસ્લિમોના બે મુખ્ય સંપ્રદાયોમાંથી એક, અહલે સુન્નત વલજમાઅત, જે ‘સુન્ની’ નામથી વધુ જાણીતો છે. તેના એક પંથના અનુયાયીઓ અહલે હદીથ કહેવાય છે. તેઓ બીજા સુન્ની મુસ્લિમોથી અમુક ગૌણ બાબતોમાં મતભેદ ધરાવે છે, પણ મૂળભૂત મુખ્ય ધાર્મિક સિદ્ધાંતોમાં સુન્ની સંપ્રદાયને અનુસરે છે. અહલે હદીથ-પંથીઓ કુરાન પછી માત્ર હદીથ(હદીસ)નું જ પ્રામાણ્ય સ્વીકારે છે. જરૂર પડ્યે ‘કયાસ’ (analogical deduction) અને ‘ઇજમાઅ્’(Catholic consensus)થી કામ લેવું જોઈએ એ સિદ્ધાંત પર ચાર સુન્ની ધર્મનિષ્ણાતો (ઇમામો) દ્વારા રચિત ધર્મસ્મૃતિ(ફિકહ્)નું તેઓ અનુકરણ કરતા નથી, તેથી ગેરમુકલ્લિદ(અનુકરણ ન કરનારાઓ)ના ઉપનામથી પણ ઓળખાય છે.

અહલે હદીથ-પંથીઓનું મુખ્ય મંતવ્ય એ છે કે ઇસ્લામ ધર્મમાં પયગમ્બરસાહેબ અને તેમના ચુસ્ત અનુયાયીઓ પછી, વિશેષ કરીને ઈરાન, ગ્રીસ વગેરેના સંપર્ક દ્વારા સ્વીકારેલ નવા સિદ્ધાંતો અને વિવિધ રૂઢિઓ-રિવાજો(જેને પારિભાષિક ભાષામાં બિદ્અત કહે છે)ને ધર્મમાં સહેજ પણ સ્થાન ન હોવું જોઈએ.

અહલે હદીથ-પંથ ઔપચારિક રીતે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અસ્તિત્વમાં આવ્યો હતો. તેના મહાન સમર્થકો મૌલાના અબ્દુલ્લાહ ગઝનવી (મૃ. ઈ. સ. 1881), મૌલાના મુહમ્મદ હુસેન બટાલવી (મૃ. ઈ. સ. 1919), નવાબ સિદ્દીક હસનખાન અને મૌલાના સનાઉલ્લા પાણીપતી (મૃ. ઈ. સ. 1948) હતા.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ