અહમદ, મુઝફ્ફર (જ. 5 ઑગસ્ટ 1889, સંદીપ ટાપુ, ચિત્તાગોંગ (હાલનું બાંગ્લાદેશ); અ. 18 ડિસેમ્બર 1973, કોલકાતા) : બંગાળના વરિષ્ઠ સામ્યવાદી નેતા. તીવ્ર ગરીબીને કારણે તેમનું કૉલેજનું શિક્ષણ અધૂરું રહેલું. 1916થી રાજકારણ તરફ આકર્ષાયા. તેઓ 1918માં બંગાળની મુસલમાન સાહિત્ય સમિતિના ઉપમંત્રી બન્યા. પછી કાઝી નઝરુલ ઇસ્લામ તરફથી પ્રસિદ્ધ થતા પત્ર ‘નવયુગ’માં જોડાયા. બંગાળની સામ્યવાદી ચળવળનાં મુખપત્રો ‘ગણબાની’ અને ‘ગણશક્તિ’ના તેઓ સ્થાપક તંત્રી હતા.
રશિયાની સામ્યવાદી ક્રાંતિ પછી રૅડિકલ હ્યૂમનિસ્ટ એમ. એન. રૉય દ્વારા તેઓ આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળના સંપર્કમાં આવ્યા અને દેશના ભિન્ન ભિન્ન ભાગો(મુંબઈ, પંજાબ, ચેન્નાઈ વગેરે)માં વસતા સામ્યવાદી નેતાઓના પરિચયમાં આવ્યા. સામ્યવાદી ચળવળ ઉપર ચાંપતી નજર રાખતી બ્રિટિશ સરકારે તેમને કાનપુર બૉલ્શેવિક કાવતરામાં તકસીરવાર ઠરાવીને ચાર વર્ષની સખત કેદમાં મોકલ્યા (1924). માંદગીને કારણે છુટકારો થતાં તેમણે સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિ રચવામાં સક્રિય મદદ કરી. આ પછીનાં વર્ષોમાં સરકારે ઘણા સામ્યવાદીઓની ધરપકડ કરી હતી. મુઝફ્ફર અહમદને મીરતના કાવતરામાં સામેલ થવા માટે જન્મટીપની સજા થયેલી, પણ તેની સામે અપીલ કરવામાં આવતાં તેમને ત્રણ વર્ષની સખત જેલ કરવામાં આવી હતી. 1936માં જેલમાંથી બહાર આવીને તેમણે સમસ્ત બંગાળની કિસાનસભાની રચના કરી.
બીજું વિશ્વયુદ્ધ (1939-45) શરૂ થતાં બ્રિટિશ સરકારે તેમને કૉલકાતા છોડવાની ફરજ પાડી, પણ તેનો અનાદર કરતાં તેમને ફરી કારાવાસમાં જવું પડ્યું. 1942માં સોવિયેત સંઘ યુદ્ધમાં જોડાતાં સામ્યવાદી પક્ષે આ યુદ્ધને ‘લોકયુદ્ધ’ તરીકે ગણાવ્યું અને સરકારને યુદ્ધકાર્યમાં મદદ કરી. આથી પક્ષ ઉપરનાં બંધનો દૂર થયાં. 1947માં ભારત સ્વતંત્ર થતાં સામ્યવાદી પક્ષ ફરીને વિરોધપક્ષ તરીકે બહાર આવ્યો. 1945-47ના ગાળામાં તેઓ અખિલ હિન્દ કિસાન સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા.
1948માં પક્ષ ગેરકાયદેસર જાહેર થતાં મુઝફ્ફરને ત્રણ વર્ષની જેલ થઈ. તે જ પ્રમાણે 1962માં ભારત પર ચીની આક્રમણ થતાં તેમને ફરીને કારાવાસમાં જવું પડ્યું. ત્યાંથી તેઓ 1964માં મુક્ત થયા. સામ્યવાદી પક્ષમાં ભાગલા પડતાં તેઓ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1964 પછી વૃદ્ધત્વ અને નાદુરસ્ત તબિયતના કારણે તેમણે રાજકારણમાં સક્રિય રસ લેવો બંધ કર્યો. તેમનું સૌથી વધુ જાણીતું પુસ્તક ભારતની ખેતી વિશેનું ‘A Treatise on the Agrarian Question in India’ છે.
દેવવ્રત પાઠક