અસ્થિભંગ, નૌકાભ(scaphoid)અસ્થિનો
January, 2001
અસ્થિભંગ, નૌકાભ(scaphoid)અસ્થિનો : કાંડાના હોડી આકારના નાના હાડકાનું ભાંગવું તે. કાંડાનાં હાડકાં બે હરોળમાં ગોઠવાયેલાં હોય છે. ત્રણ જુદી દિશામાંથી લોહી મેળવતા નૌકાભનું તૂટવું ઘણું મહત્વનું છે. ક્યારેક તેનું નિદાન ખ્યાલમાં આવતું પણ નથી. શરૂઆતનાં બેત્રણ અઠવાડિયાં એક્સ-રે ચિત્રણમાં અસ્થિભંગ દેખાતો નથી. યોગ્ય અને સમયસર સારવાર ન મળે તો ઘણી આનુષંગિક તકલીફો (complications) પણ ઊભી થાય છે. પહોળા હાથ સાથે પડતી વ્યક્તિમાં નૌકાભ ત્રણ રીતે ભાંગી શકે છે. કાંડામાં સોજો, દુખાવો અને ઘટેલું હલનચલન એ તેનાં મુખ્ય લક્ષણો છે. અગ્રભુજાસ્થિ(radius)ના પ્રવર્ધ(styloid process)ની નીચે અડતાં થતો દુખાવો (સ્પર્શવેદના, tenderness) નિદાનસૂચક છે. કાંડાના મચકોડનો સંભવ નથી. માટે આ લક્ષણો મચકોડનાં ન ગણવાં. હાડકાના તૂટેલા ભાગો ભાગ્યે જ ખસે છે, માટે હાડકું બેસાડવું પડતું નથી. કોણીની સહેજ નીચેથી હથેળી સુધી, હાથમાં પ્યાલો પકડ્યો હોય તેવી સ્થિતિમાં, પ્લાસ્ટર વડે હાથને સ્થગિત કરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટર છ અઠવાડિયાં માટે લગાવવામાં આવે છે, પરંતુ નૌકાભના દૂરના છેડાના અસ્થિભંગ માટે, બે-ત્રણ અઠવાડિયાં અને મધ્યભાગ માટે અથવા સ્પર્શવેદના મટી ન હોય તો 6થી 1૦ અઠવાડિયાં માટે પણ પ્લાસ્ટર રાખવું પડે છે. ક્યારેક લોહી ન મળવાથી નૌકાભનો અવાહિક અસ્થિનાશ (avascular bone necrosis), અસ્થિભંગનું ન સંધાવું (નિષ્યુગ્મન) અથવા કાંડાના હાડકાનો અસ્થિસંધિશોથ પણ થાય છે. ત્રણ મહિના સુધી ન જોડાઈ જતા, દુખાવાવાળા અસ્થિભંગને શસ્ત્રક્રિયા દ્વારા સ્ક્રૂથી જોડવામાં આવે છે. ક્યારેક નવું હાડકું રોપવું (અસ્થિનિરોપ), હાડકું કાઢી નાખવું (અસ્થિઉચ્છેદન) અથવા સાંધાને જોડી દેવા (સંધિસંધાણ, arthrodesis) વગેરે શસ્ત્રક્રિયાઓ પણ જરૂરી બને છે.
સુંદરલાલ છાબરા
અનુ. હરિત દેરાસરી