અસૂત્રી વિભાજન (amitosis) : રંગસૂત્રો રચાયા વગરનું વિભાજન. આ પ્રકારનું વિભાજન જીવાણુ કે અમીબા જેવા પ્રજીવોમાં જોવા મળે છે. તેમાં સૌપ્રથમ કોષકેન્દ્ર લાંબું થાય, મગદળ જેવો આકાર ધારણ કરે, ત્યારબાદ તેમાં ખાંચ ઉત્પન્ન થાય, જે ધીરે ધીરે વધતાં એક કોષકેન્દ્રમાંથી બે કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. આ વિભાજનમાં નવાં રંગસૂત્રો બનતાં નથી અને કોષકેન્દ્રને સમવિભાજનના ચાર કે અર્ધીકરણના આઠ તબક્કાઓમાંથી પસાર થવું પડતું નથી. પરંતુ અંતે લગભગ બે સરખા દુહિતૃ અથવા સંતતિકોષ ઉત્પન્ન થાય છે.
સપુષ્પ વનસ્પતિમાં અસંયોગી જનન (apomixis) વેળાએ મહાબીજાણુ માતૃકોષકેન્દ્ર પણ અસૂત્રી વિભાજન પામે છે.
મુકુંદ દેવશંકર ભટ્ટ
સરોજા કોલાપ્પન