માર્શલ, આલ્ફ્રેડ (જ. 26 જુલાઈ 1842, ક્લૅફમ, ઇંગ્લૅન્ડ; અ. 1924, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : એકમલક્ષી અર્થશાસ્ત્રના ઉદગાતા તથા અર્થશાસ્ત્રમાં ‘કેમ્બ્રિજ સ્કૂલ’ના નામથી ઓળખાતી વિચારધારાના પ્રવર્તક. પિતા બૅંક ઑવ્ ઇંગ્લૅન્ડમાં શરાફના પદ પર કામ કરતા હતા. તેમની ઇચ્છા આલ્ફ્રેડને ધર્મગુરુ બનાવવાની હતી અને તે કારણે તેમને મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા; પરંતુ ગણિત વિષયમાં તેમને વિશેષ રુચિ હોવાથી કેમ્બ્રિજની સેન્ટ જૉન્સ કૉલેજમાંથી એ વિષયમાં ઑનર્સ સાથે સ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ ભરણપોષણના સાધન તરીકે તેઓ ક્લિફ્ટન ખાતે વિદ્યાર્થીઓને ગણિત વિષય શીખવતા. 1868માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મૉરલ સાયન્સના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં યુનિવર્સિટીની ગણિત વિષયની પદવી પરીક્ષાના વર્ગોમાં શીખવતા (1868–82). આ સમયગાળા દરમિયાન તેમને અર્થશાસ્ત્રમાં રસ પડ્યો અને ખૂબ ઊંડાણથી તેનું અધ્યયન કર્યું અને ઍડમ સ્મિથ (1723–90) તથા ડેવિડ રિકાર્ડો (1772–1823) જેવા અર્થશાસ્ત્રીઓએ ઇંગ્લૅન્ડમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની જે પરંપરા ઊભી કરી હતી તેમાં તેઓ ઘડાયા. 1882માં તેઓ બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના સન્માનનીય પ્રાધ્યાપક તરીકે જોડાયા (1882–85). 1885માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા, જે પદ પરથી 1908માં નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે અવસાન સુધી તેમનો સંબંધ ચાલુ રહ્યો.

ઇમૅન્યુઅલ કાન્ટ (1724–1804) અને હેગલ(1770–1831)ની વિચારસરણીથી પ્રભાવિત થયેલા આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રમાં વિપુલ યોગદાન કર્યું છે અને તે દ્વારા અનેક પેઢીઓ પર પોતાનાં જ્ઞાન અને બુદ્ધિમત્તાની કાયમી છાપ ઊભી કરી છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખાતી અર્થશાસ્ત્રની શાખાને વિશુદ્ધ રીતે રજૂ કરવામાં તથા તેના વિકાસમાં માર્શલનો ફાળો શકવર્તી ગણાય છે. તેમણે માગ અને કિંમત વચ્ચેના સંબંધોને લગતા મૂલ્યના વિવિધ સિદ્ધાંતોનું એકીકરણ કરવામાં; મૂલ્યસાપેક્ષતા, પ્રતિનિધિ પેઢી, ઉપભોક્તાનો અધિક સંતોષ તથા આભાસી ભાડા જેવા નવા ખ્યાલો અર્થશાસ્ત્રમાં દાખલ કરવામાં; સીમાવર્તી અવેજીના દરની વિભાવના પ્રસ્તુત કરવામાં; વાસ્તવિક અને નાણાકીય ખર્ચ, પૂર્વનિર્ધારિત ખર્ચ (budgeted expenditure) અને પૂરક ખર્ચ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમણે રજૂ કરેલા સમતુલાના વિશ્લેષણમાં વહેંચણીની સમસ્યા અંગેના તેમના વિચારો પણ આવરી લેવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને વાસ્તવિક જીવન સાથે સુસંગત બનાવવાનું તથા તેને માત્ર બૌદ્ધિક કસરતથી ઉપર લઈ જઈને ફળદાયી બનાવવાનું તેમનું ધ્યેય હતું. તેઓ માનવતાવાદી અર્થશાસ્ત્રી હતા. સામાજિક સમસ્યાઓના નિરાકરણમાં અર્થશાસ્ત્ર નક્કર ભૂમિકા ભજવી શકે તેમ છે એવી તેમની ર્દઢ માન્યતા હતી.

ઇંગ્લૅન્ડમાં રૉયલ ઇકોનૉમિક સોસાયટીની સ્થાપનામાં તથા અર્થશાસ્ત્રને લગતું સામયિક ‘ઇકોનૉમિક જર્નલ’ 1885માં શરૂ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. 1885–1990ના પાંચ વર્ષના ગાળા દરમિયાન આ સામયિકનું સંચાલન આલ્ફ્રેડ માર્શલે કર્યું હતું.

તેમની ‘કેમ્બ્રિજ સ્કૂલ’ નામથી ઓળખાતી અર્થશાસ્ત્રની વિશિષ્ટ વિચારસરણીના તેમના પછીના હિમાયતીઓમાં એ. સી. પિગુ, જૉન રૉબિન્સન, ડી. એચ. રૉબર્ટસન, મૉરિસ ડૉબ અને જે. એમ. કેઈન્સ જેવા અગ્રણી અર્થશાસ્ત્રીઓનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

અર્થશાસ્ત્ર પર તેમણે લખેલા ગ્રંથોમાં ‘પ્રિન્સિપલ્સ ઑવ્ ઇકોનૉમિક્સ’ (1890), ‘ઇકોનૉમિક્સ ઑવ્ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ’ (1879), ‘ધ પ્યોર થિયરી ઑવ્ ફૉરિન ટ્રેડ’ (1879) તથા ‘મની, ક્રેડિટ ઍન્ડ કૉમર્સ’(1923)નો સમાવેશ થાય છે. ‘પ્રિન્સિપલ્સ ઑવ્ ઇકોનૉમિક્સ’ ગ્રંથની આઠ આવૃત્તિઓ તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશિત થઈ હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે