મારો, ક્લેમાં (જ. 1496, કેહૉર્સ, ફ્રાન્સ; અ. સપ્ટેમ્બર 1544, તુરિન, સેવૉય) : ફ્રેન્ચ રેનેસાંસ યુગના મહાન કવિ. પિતા ઝાં એન દ’ બ્રિટેન તથા ફ્રાન્સિસ(પહેલા)ના દરબારમાં સારો હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત નાગરિક અને કવિ હતા. 1514માં મારો રાજાના મંત્રી દ’ વિલેરીના અંગત મદદનીશ બન્યા અને પિતાના પગલે દરબારી કવિ બનવાની મહેચ્છાથી ફ્રાન્સિસ(પહેલા)નાં બહેન માર્ગરેટ એંગાલીમીની સેવામાં જોડાયા. માર્ગરેટ પાછળથી નવારેનાં રાજરાણી બનેલાં. પિતાના નિધન બાદ મારોની નિયુક્તિ ફ્રાન્સિસ(પહેલા)ના વેલેટ દ’ ચેમ્બરના પદે થઈ. 1534–36ના ગાળામાં દેશનિકાલ થયા તે સમય બાદ કરતાં તેઓ છેક 1542 સુધી તે પદ ઉપર રહ્યા. સ્વતંત્ર વિચારના અને વિદ્રોહી સ્વભાવના મારોની 1526માં ઍબ્સ્ટિનન્સ ઍક્ટના ભંગ બદલ ધરપકડ થયેલી અને લૂથરન (માર્ટિન લૂથરના અનુયાયી) તરીકે તેમને સંદેહની નજરથી જોવામાં આવતા હતા. આ ટૂંકા ગાળાની કેદ દરમિયાન કેટલીક યશસ્વી કૃતિઓના સર્જનનું માળખું તેમના મનમાં ગોઠવાયેલું. તેમની ‘ધી ઇન્ફર્નો’ (1526) નામની જાણીતી કૃતિ આ ગાળા દરમિયાન સર્જાયેલી. તે કૃતિ રાજ્યવ્યવસ્થા અને ન્યાયપ્રથા ઉપરની કટાક્ષયુક્ત રૂપકકથા છે. પોતાના મિત્રને ઉદ્દેશીને પત્રરૂપે આ કાવ્યરચના કરવામાં આવી છે. 1527માં મારોને જેલના સંરક્ષક ઉપર હુમલો કરી એક કેદીને મુક્ત કરવાના આરોપસર ફરીવાર જેલ થઈ. જેલમાં તેમણે રાજાને સંબોધીને એક પત્ર-કાવ્ય રચ્યું અને પોતાની મુક્તિ માટેની અપીલ કરી; પરિણામે તેમને મુક્ત કરવામાં આવ્યા. 1531માં મારો ઉપર ફરી એક વાર લેન્ટના તહેવારો દરમિયાન માંસભક્ષણનો આરોપ મુકાયો; પણ આ વખતે તેમને જેલ ન થઈ. 1530 સુધીમાં મારો પોતાના સ્વતંત્ર વિચારોને કારણે પ્રતિષ્ઠા જમાવી ચૂક્યા હતા અને તેમનાં કાવ્યો લોકો અત્યંત રસપૂર્વક વાંચતા થયા હતા. હવે તેઓ લબ્ધપ્રતિષ્ઠ કવિ હતા.
1534માં રોમન કૅથલિક ધાર્મિક વિધિ (mass) ઉપર ટીકા કરતાં ચોપાનિયાં મોટાં શહેરોમાં અને ખુદ રાજાના નિવાસના દરવાજા ઉપર ચોંટાડવાની ઘટના બની, જે અફેર્સ દ’ પ્લૅકાર્ડ્ઝ તરીકે જાણીતી છે. આ ઘટના બાદ મારોને ભાગવું પડ્યું અને તેઓ નવારે ગયા તથા માર્ગરેટનો આશરો લીધો. પ્રૉટેસ્ટન્ટ લોકો ઉપરના અત્યાચારોમાં તીવ્ર વૃદ્ધિ થવા લાગી, ત્યારે ફરી વાર તેઓ ભાગી છૂટ્યા અને આ વખતે ઇટાલીમાં રેની દ’ ફ્રાન્સનું શરણું લીધું. ફ્રાન્સિસ પહેલાએ આવા અત્યાચારો બંધ કર્યા પછી જ મારો ફ્રાન્સ પરત આવ્યા.
મારોનો મોટાભાગનો ફાજલ સમય ધાર્મિક કાવ્યો(psalms)ના અનુવાદમાં વ્યતીત થતો હતો. 1539માં અને 1542માં આ કાવ્યોની આવૃત્તિઓ પ્રકાશિત થયેલી. આ અનુવાદો (ટ્રેન્ટે સામ્સ દ’ ડેવિડ) એ ભક્તિકાવ્યો(psalms)ની સૌપ્રથમ છંદોરચનાઓ છે; પણ તે વખતે સૉબૉર્ન દ્વારા તેનો ભારે તુચ્છકાર થયો અને મારોને દેશનિકાલની સજા થઈ. જૉન કેલ્વિને આ અનુવાદોની ખૂબ પ્રશંસા કરી અને કવિને જિનીવામાં ભયમુક્ત આશ્રયસ્થાન આપ્યું; પરંતુ આ રૂઢિચુસ્ત શહેરમાં મારોની વર્તણૂક જનતાને સ્વીકાર્ય બની શકી નહિ અને તેમને ઇટાલી પાછા જવાની ફરજ પડી.
મારો લૅટિન સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. તેમણે લૅટિન કાવ્યોની શૈલી અને બિંબનો પોતાનાં કાવ્યોમાં પ્રચુર રીતે ઉપયોગ કર્યો છે. એનો પ્રભાવ એમના અનુગામી કવિઓની શૈલી ઉપર પણ વર્તાય છે. ઇટાલીની કાવ્યપ્રણાલીના ઊંડા અભ્યાસી મારોએ પોતાનાં કાવ્યોમાં પ્રાચીન કથાનકો અને કાવ્યપરંપરાને ઉતારવાનો પ્રયાસ કર્યો છે. ઇટાલિયન પરંપરાને અનુસરીને તેમણે કરુણપ્રશસ્તિ-કાવ્યો (elegy), સંવાદલક્ષી ગોપકાવ્ય (eclogue), ટુચકા જેવું સચોટ લઘુકાવ્ય (epigram) તથા પ્રણયસંબંધી કાવ્ય (epithalamium) અને એક કડીનું ઇટાલિયન કટાક્ષકાવ્ય (ઍસ્ટ્રાબોટ-ફ્રેન્ચ) જેવાં સ્વરૂપો ઉપર સફળતાપૂર્વક હાથ અજમાવ્યો છે. મારો ઇટાલીનાં સૉનેટથી આકર્ષાયા હતા અને ફ્રેન્ચ ભાષામાં પેટ્રાર્કન સૉનેટ સૌપ્રથમ વાર તેમણે પ્રચલિત કર્યું. મારોની ચોટદાર શૈલીનો પ્રભાવ આશરે 200 વરસ સુધી ફ્રેન્ચ કવિતા ઉપર રહ્યો. અનેક નવીન કાવ્ય-પ્રણાલીવાળી રચનાઓ મારોએ ફ્રેન્ચ ભાષામાં સૌપ્રથમ વાર કરેલી. આ ઉપરાંત કૅટલસ, વર્જિલ અને ઑવિડ જેવા મહાન કવિઓની કૃતિઓના અનુવાદ પણ તેમણે ફ્રાન્સને આપ્યા. ફ્રેન્ચ કવિતામાં હળવી શૈલીની કાવ્ય-રચનાઓ દ્વારા મારોએ નવા પ્રાણનો સંચાર કર્યો. કવિના નિધન બાદ સાહિત્યક્ષેત્રે અતિ પ્રભુત્વ ધરાવતું ‘લા પ્લેઇઓદ’ નામનું કવિવૃંદ તેમનું કડક ટીકાકાર રહ્યું અને કવિની કીર્તિને ઝાંખપ લગાવતું રહ્યું, પરંતુ સત્તરમી સદીમાં મારોની કીર્તિ ફ્રાન્સમાં પુનર્જીવિત થઈને રહી.
પંકજ જ. સોની