ઇજોલાઇટ (Ijolite) : અંત:કૃત અગ્નિકૃત ખડકો પૈકીનો આલ્કલી સાયનાઇટનો લાક્ષણિક ખડક-પ્રકાર. ફેલ્સ્પેથોઇડ સાયનાઇટનો સમાનાર્થી પર્યાય. સાયનાઇટ ખડકોને બે મુખ્ય સમૂહોમાં વિભાજિત કરેલા છે : (1) ફેલ્સ્પાર અને ફેલ્સ્પેથોઇડવાળા સાયનાઇટ અને (2) ફેલ્સ્પાર રહિત સાયનાઇટ. શાન્ડે આ બીજા સમૂહ માટે સાયનોઇડ નામ સૂચવ્યું છે. સાયનોઇડ સમૂહમાં આ ખડક માત્ર ફેલ્સ્પેથોઇડનો જ, આવશ્યકપણે નેફેલિન, એજીરીન અને/અથવા ટિટેન-ઓગાઇટનો બનેલો હોય છે. નેફેલિન સાયનાઇટમાંથી જેમ જેમ ફેલ્સ્પાર ઓછું કે અર્દશ્ય થતું જાય છે તેમ તેમ સાયનાઇટનો પ્રકાર બદલાતો જાય છે. ખડક નેફેલિન અને મૅફિક ખનિજોનો બનેલો હોય ત્યારે તેને ઇજોલાઇટ (ઇજોલા, ફિનલૅન્ડમાં પ્રથમ વાર મળી આવવાથી) કહેવાય છે. આ સંદર્ભમાં ઇજોલાઇટ એ ખનિજ-લક્ષણોની ર્દષ્ટિએ મેફેલ્સિક પ્રકાર ગણાય.
શાન્ડસૂચિત રંગનિર્દેશક અંક મુજબ ચાર પ્રકારો પૈકી ઇજોલાઇટ 30થી 70 અંક વચ્ચે આવતો પ્રકાર છે :
પ્રકાર | અંકમર્યાદા | રંગછાયા |
યુર્ટાઇટ | 0-30 | આછો રંગ |
ઇજોલાઇટ | 30-70 | મધ્યમ રંગ |
મેલ્ટીગાઇટ | 70-90 | ઘેરો રંગ |
જેક્યુપિરંગાઇટ | 90-100 | અતિઘેરો રંગ |
રંગનિર્દેશક અંક-નિર્ણય, ખડકમાંનાં આછા-ઘેરા રંગવાળાં ખનિજોના પ્રમાણ (ફેરોમૅગ્નેશિયમ ખનિજપ્રમાણ) પરથી થાય છે.
ગિરીશભાઈ પંડ્યા