માનસિંગ, સોનલ (જ. 30 એપ્રિલ 1944) : સુપ્રસિદ્ધ ભારતીય નૃત્યાંગના. સંસ્કાર અને સંપત્તિ ધરાવતા પરિવારમાં જન્મ. પિતા અરવિંદ પકવાસા અને માતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસાના ઉછેર સાથે સ્વાતંત્ર્ય-સેનાની અને વિવિધ સ્થળે ગર્વનર તરીકે રહી ચૂકેલ દાદા મંગળદાસ પકવાસાનો તેમના વ્યક્તિત્વઘડતરમાં ઠીક ઠીક ફાળો હતો.

સોનલ માનસિંગ

રૂપ, ગુણ અને બુદ્ધિનો સુમેળ ધરાવતાં સોનલે યુવાવસ્થામાં સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યમાં રુચિ કેળવવા ઉપરાંત નૃત્ય શીખવું શરૂ કર્યું. મંગળદાસ પકવાસા જ્યારે મૈસૂર રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે યુ. એસ. કૃષ્ણરાવ અને તેમનાં પત્ની ચંદ્રભાગાદેવી પાસે ભરતનાટ્યમની તાલીમ લીધી. 18 વર્ષની ઉંમરે અનેક વિદેશ-પ્રવાસ કરી ત્યાંના પ્રેક્ષકોને નૃત્યમાં રસ પડે તે માટે નૃત્ય સાથે નિદર્શન-પ્રવચનનો નવો ચીલો શરૂ કર્યો. 1963માં મુંબઈની એલફિન્સ્ટન કૉલેજમાંથી જર્મન ભાષાની સ્નાતકની પદવી મેળવી અને કટકસ્થિત ઓડિસી શૈલીના ગુરુ કેલુચરણ મહાપાત્ર પાસે તાલીમ લીધી. ઉપરાંત મદ્રાસનાં માયલાપોર ગૌરીઅમ્મા પાસે, પરંપરાગત દેવદાસી પ્રથામાં જળવાયેલ ‘અભિનય’ની તાલીમ લીધી. તે અરસામાં ચેન્નઈમાં સ્થાયી થયેલ કુચિપુડીના ગુરુ વેંપતિચિન્ન સત્યમ્ પાસે તે શૈલીની જાણકારી મેળવી. ઓડિસીની તાલીમ વેળા ઓરિસાની પુરુષપ્રધાન નૃત્યશૈલી છાઉમાં રસ પડતાં ગુરુ અનંતચરણ સાઈ પાસે તેની થોડી માહિતી મેળવી. આમ વિવિધ શાસ્ત્રીય શૈલીનો પરિચય મેળવ્યો હોવાથી નવી પેઢીને બહોળી જાણકારી એક જ છત્ર નીચે મળે તે માટે 1977માં દિલ્હી ખાતે ‘સેન્ટર ફૉર ઇન્ડિયન ક્લાસિક્લ ડાન્સ’ની સ્થાપના કરી.

સંસ્કૃત સાહિત્ય ઉપરાંત વેદ, ઉપનિષદ તેમજ બૌદ્ધ તાંત્રિક સાહિત્યની સમજ કેળવી અને ચીલાચાલુ નૃત્યકૃતિઓ કરતાં નવી કૃતિઓનું સંયોજન કરી નૃત્યરજૂઆતમાં મૌલિક અભિગમ અપનાવ્યો. કેરળના મહાકવિ વળ્ળથોળરચિત ‘મેરી મગદલને’ (1975), કાલિદાસ-રચિત ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’ અને ‘કુમારસંભવ’ આધારિત કૃતિઓ (1979), સ્ત્રીની પ્રેમાવસ્થા અનુસાર અષ્ટનાયિકા (1983), ‘રાધ્યાની’ (મધ્યકાલીન ઊડિયા કાવ્યસંગ્રહ પર આધારિત) (1986), ‘ધર્મશૃંગાર’ (1994), ‘પંચકન્યા’ (1995), ‘આત્મયાન’ (1996), ‘મેરા ભારત’ (1997), ‘સમન્વય’ (1998), ‘ઇન્દ્રધનુષ’ (1999) જેવાં નૃત્ય-સંયોજનો રજૂ કર્યાં.

1990 દરમિયાન નૃત્યક્ષેત્રે વિશ્વમાં ‘ડાન્સ થિયેટર’નો પ્રયોગ પ્રચલિત થયો ત્યારે સોનલે ‘દ્રૌપદી’ના કથાનકને નવા ર્દષ્ટિકોણ અને અભિગમ સાથે રજૂ કરવાની હામ ભીડી.

હિંદુ ઉપરાંત બૌદ્ધ, જૈન તેમજ દેવી, જગન્નાથ સંપ્રદાય અને ગ્રીક કથાઓનાં નૃત્ય રૂપાંતર કરી રજૂ કર્યાં.

1967માં હરિદાસ સંગીત સંમેલનના શૃંગારમણિ ઉપરાંત ચેન્નઈની કૃષ્ણગાન સભા અને સાહિત્ય કલા પરિષદ દ્વારા સન્માન થયું. સંગીત નાટક અકાદમીએ 1986માં પુરસ્કાર આપ્યો. ‘વિશ્વગુર્જરી’ પુરસ્કાર 1989માં અપાયો. 1992માં પદ્મભૂષણનો પુરસ્કાર અને ક્યૂબા સરકાર દ્વારા મિત્રતા ચંદ્રક તેમને મળ્યો છે.

પ્રકૃતિ કાશ્યપ