માધવ જૂલિયન (જ. 21 જાન્યુઆરી 1894, વડોદરા; અ. 29 નવેમ્બર 1939, પુણે) : મરાઠીના અગ્રણી પ્રયોગશીલ કવિ, કોશકાર, વિમર્શક તથા ભાષાશુદ્ધિના તત્વનિષ્ઠ પુરસ્કર્તા તથા પ્રચારક. મૂળ નામ માધવ ત્ર્યંબક પટવર્ધન. વિખ્યાત આંગ્લ નવલકથા-લેખિકા મેરી કૉરેલીની ‘ગૉડ્ઝ ગુડ મૅન’ કૃતિમાંના સૌંદર્યઉપાસક અને સ્વચ્છંદી પાત્ર ‘જૂલિયન ઍડર્લી’ના નામ પરથી તેમની પ્રેમિકાએ સૂચવેલ આ તખલ્લુસની કવિએ પસંદગી કરી અને તે જ નામ સાથે આજીવન સાહિત્યસર્જન કર્યું. પિતા રેલવેમાં નોકરી કરતા હતા. પુણે જિલ્લાના આવળસ ગામે પ્રાથમિક શિક્ષણ તથા વડોદરા, અમદાવાદ અને મુંબઈમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું (1909). 1916માં વડોદરા કૉલેજમાંથી બી.એ. થયા બાદ આશરે એક વર્ષ સુધી ત્યાંની ચિમણાબાઈ હાઇસ્કૂલમાં શિક્ષકની નોકરી કરી. 1918માં ફારસી અને અંગ્રેજી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. 1918માં વડોદરા છોડીને તેમણે પુણે ખાતે સ્થળાંતર કર્યું અને 1918–25ના ગાળામાં પુણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટીના હસ્તકની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ તથા ફર્ગ્યુસન કૉલેજમાં ફારસી અને અંગ્રેજી વિષયોનું અધ્યાપન કર્યું. મરાઠી કવિઓએ સ્થાપેલ રવિકિરણ મંડળના અગ્રણી કવિઓ ગિરીશ, રાનડે અને ઘાટે સાથે 1918–25ના ગાળામાં તેમનો સંપર્ક ગાઢ બન્યો અને પોતે પણ તે સંસ્થાના સભ્ય બન્યા. 1925માં ડેક્કન એજ્યુકેશન સોસાયટી સાથે મતભેદ થતાં તે સંસ્થામાંથી તેમણે રાજીનામું આપ્યું. ત્યારબાદ બે વર્ષ તેમણે ખાનદેશના અમળનેર ખાતે ગાળ્યાં અને પછી પુણેની ભાવે હાઇસ્કૂલમાં થોડાક સમય માટે શિક્ષક રહ્યા. 1928માં કોલ્હાપુરની રાજારામ કૉલેજમાં ફારસીના પ્રાધ્યાપકપદે તેમની નિમણૂક થઈ, જ્યાં નિવૃત્તિ સુધી તેઓ કાર્યરત રહ્યા.

માધવ જૂલિયન

માધવ જૂલિયન શાલેય શિક્ષણ લેતા હતા ત્યારથી તેમના પર આગરકરપરસ્ત સુધારાવાદી વિચારસરણીની અસર વર્તાવા લાગી. 1925–28ના ગાળામાં તેમને જે સંઘર્ષ કરવો પડ્યો તેને કારણે આ વિચારસરણીની પકડ તેમના પર વધુ મજબૂત થઈ. પુણે ખાતેના શરૂઆતના વસવાટ દરમિયાન થયેલા પ્રેમભંગને કારણે લગ્ન કરવાં જ પડે તો તે વિધવા અથવા ત્યક્તા સાથે કરવાનો નિશ્ચય તેમણે કર્યો. ગોપાળ ગણેશ આગરકર ઉપરાંત મહાત્મા ગાંધી અને રવીન્દ્રનાથ ઠાકુરના વિચારોથી પણ તેઓ પ્રભાવિત થયા હતા. આ બધાની છાપ તેમની કાવ્યરચનાઓ પર પડેલી છે.

1918 પહેલાંના વડોદરા ખાતેના તેમના વસવાટ દરમિયાન મરાઠીના અગ્રણી કવિ ચંદ્રશેખરનો સહવાસ તેમને પ્રાપ્ત થયેલો અને ત્યારથી તેમનામાં કાવ્યસ્ફુરણાની શરૂઆત થયેલી. ત્યારબાદ પુણે ખાતેના વસવાટ દરમિયાન (1918–25) રવિકિરણ મંડળના ‘કિરણ’ (1923), ‘મધુ-માધવ’ (1924) જેવાં સામયિકોમાં તેમની કાવ્યરચનાઓ પ્રકાશિત થવા લાગી. ‘વિખ્યાત ફારસી કવિ ઉમર ખય્યામની રુબાઇયાતનો તેમણે મરાઠીમાં અનુવાદ કર્યો (1929). આવો અનુવાદ તેમણે ત્રણ વાર કર્યો. શરૂઆતમાં ‘ઉમર ખય્યામકૃત રુબાયા’ શીર્ષકથી તેમણે ખય્યામની 524 રુબાઇયાતનો અનુવાદ કર્યો. ત્યારબાદ એડ્વર્ડ ફિટ્ઝજિરાલ્ડે ખય્યામની જે રુબાઇયાતનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો તેનો માધવ જૂલિયને મરાઠીમાં ‘દ્રાક્ષકન્યા’ શીર્ષક હેઠળ અનુવાદ કર્યો (1931). અને ત્રીજો અનુવાદ તે ‘મધુલહરી’ શીર્ષકથી હેઠળ. તે પૂર્વે ‘વિરહતરંગ’ (1926) અને ‘સુધારક’ (1928) આ તેમનાં બે ખંડકાવ્યો પ્રકાશિત થઈ ચૂકેલાં. 1939માં તેમનું ત્રીજું ખંડકાવ્ય ‘નકુલાલંકાર’ પ્રકાશિત થયું. ગઝલ કાવ્યપ્રકાર મરાઠીમાં દાખલ કરવાનું શ્રેય માધવ જૂલિયનને ફાળે જાય છે. તેમણે રચેલી ગઝલો ‘ગજ્જલાંજી સંગ્રહ’(1933)માં પ્રકાશિત થઈ હતી. અંગ્રેજીમાંથી મરાઠીમાં દાખલ થયેલા ‘સુનીત’ (સૉનેટ) કાવ્યપ્રકારને અનુસરીને તેમણે રચેલી રચનાઓ ‘તુટલેલે દુવે’ (1938) સંગ્રહમાં પ્રકાશિત થઈ હતી. આ ઉપરાંત, ‘સ્વપ્નરંજન’(1934)એ તેમની પ્રકીર્ણ કાવ્યરચનાઓનો સંગ્રહ છે. પ્રેમ તેમની કાવ્યરચનાઓનું કેન્દ્રબિંદુ છે, જેના પર ફારસી રચનાઓની અસર સ્પષ્ટ રીતે દેખાય છે.

કાવ્યવિવેચનક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન મહત્વનું છે. આધુનિક મરાઠી કાવ્યરચનાઓ પર તેમણે અંગ્રેજીમાં વિવેચનાત્મક લખાણ કર્યું છે. વળી, તેમના અવસાન પછી આ લેખો સંગ્રહ રૂપે ‘કાવ્યવિહાર’ (1947) અને ‘કાવ્યચિકિત્સા’ (1964) શીર્ષકો હેઠળ પ્રકાશિત થયા છે.

તેમનો ફારસી-મરાઠી કોશ 1925માં પ્રકાશિત થયો હતો. ઐતિહાસિક દસ્તાવેજોના અભ્યાસ માટે આ કોશ મદદરૂપ સાબિત થયો છે. ત્યારબાદ 1927માં કાવ્યશાસ્ત્ર વિષય પર ‘છંદોરચના’ શીર્ષક હેઠળ તેમનો ગ્રંથ પ્રકાશિત થયો, જેમાં છંદપ્રકારોનું સૂક્ષ્મ વિવેચન તેમણે કર્યું છે. આ ગ્રંથની સુધારેલી આવૃત્તિ 1937માં પ્રકાશિત થઈ હતી. આ ગ્રંથને આધારે મુંબઈ યુનિવર્સિટીએ 1938માં તેમને ડી. લિટ્.ની પદવી એનાયત કરી હતી. આ ગ્રંથે મરાઠી પદ્યરચનાનો પાયો નાંખ્યો. છંદરચના વિષય પર તેમનો બીજો ગ્રંથ ‘પદ્યપ્રકાશ’ 1938માં પ્રકાશિત થયો હતો.

તેઓ ભાષાશુદ્ધિના પ્રખર પુરસ્કર્તા હતા, જે માટે તેમણે ઠેર ઠેર વ્યાખ્યાનો આપ્યાં અને ‘ભાષાશુદ્ધિવિવેક’ નામનો ગ્રંથ પણ પ્રકાશિત કર્યો (1938).

1933માં નાસિક ખાતે આયોજિત મહારાષ્ટ્ર કવિસંમેલનના અધ્યક્ષપદે, 1934માં વડોદરા ખાતે આયોજિત અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે તથા 1936માં જળગાંવ ખાતે આયોજિત મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનના અધ્યક્ષપદે તેમની વરણી થઈ હતી. 1935માં વડોદરા રિયાસત દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

માધવ જૂલિયન વીસમી સદીના પૂર્વાર્ધના શ્રેષ્ઠ મરાઠી કવિ ગણાય છે. તેમની કવિતાએ મરાઠી કવિતાને પ્રયોગશીલતા, નવી શૈલી, સાહસિકતા તથા વ્યાપક ર્દષ્ટિકોણ બક્ષ્યાં. તેમની ‘પ્રેમસ્વરૂપ આઈ’ નામની રચના મહારાષ્ટ્રના દરેક પરિવારમાં આજે પણ ગવાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે