માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ નજીક આવેલું ગિરિમથક. તે રાયગડ જિલ્લાના કરજત તાલુકામાં આવેલું છે. ભૌગોલિક સ્થાન : આશરે 19° 10´ ઉ. અ. અને 73° 10´ પૂ. રે. આ ગિરિમથક મુંબઈથી પૂર્વમાં મુંબઈ-પુણે માર્ગ પર આશરે 50 કિમી.ને અંતરે નેરળ નજીક આવેલું છે. નેરળથી તે 21 કિમી. દૂર છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ 750 મીટર જેટલી છે. નેરળથી માથેરાન જવા માટે મોટરરસ્તો તેમજ નૅરો ગેજ રેલમાર્ગ પણ છે. કેટલાક પર્વતઆરોહકો નેરળથી 11 કિમી.ના ટૂંકા માર્ગે પણ જાય છે. સહ્યાદ્રિની ટેકરીઓમાં આવેલા ઉચ્ચપ્રદેશના સમતળ શિરોભાગ પર તે વસેલું છે. તેના મથાળે વનશ્રીની વિપુલતા હોવાથી તેનું નામ માથેરાન પડ્યું હોવાનું મનાય છે.

મુંબઈમાં રહેતા અંગ્રેજ હ્યૂ મૅલેટે 1850માં આ રમણીય સ્થળ શોધી કાઢેલું, ત્યારથી ગિરિમથક તરીકે તેનું મહત્વ વધ્યું છે. 1854માં લૉર્ડ એલ્ફિન્સ્ટને અહીં એક બંગલો બંધાવેલો. તે પછીથી અહીં પ્રવાસીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગયેલી. અહીંના કુદરતી સૌંદર્યથી પ્રભાવિત થઈને સર આદમજી પીરભૉયે નેરળથી માથેરાનનો સર્વપ્રથમ કાચો રસ્તો તૈયાર કરાવેલો, પરંતુ નેરળ-માથેરાનનો પાકો રસ્તો બંધાવવાનો યશ અબ્દુલ હુસેન નામની વ્યક્તિને ફાળે જાય છે. શરૂઆતમાં તો ત્યાં શ્રીમંતો, ઠાકોરો અને વણાટકામ કરનારાઓના વસવાટો શરૂ થયેલા. પછીનાં પચાસેક વર્ષ દરમિયાન વસ્તી વધતી ગઈ. 1905માં અહીં નગરપાલિકાની રચના થયેલી.

માથેરાનની તળભૂમિનો વિસ્તાર આશરે 21 ચોકિમી. જેટલો છે. અહીંનાં જોવાલાયક રમણીય સ્થળોમાં હાર્ટ, પૅનોરમા, વન ટ્રી હિલ, ગાર્બટ, ઍલેક્ઝાન્ડર, લિટલ ચોક, ગ્રેટ ચોક, ડેંજર એકો લૅન્ડસ્કેપ, લુઇસા, પૉર્ક્યુપાઇન, મંકી, આર્ટિસ્ટ, સ્ફિંક્સ, બાર્ટલ વગેરેનો સમાવેશ થાય છે. અહીંનું શાર્લૉટ સરોવર પણ ઘણું અગત્યનું મનોરંજનનું સ્થળ ગણાય છે. આ ઉપરાંત આજુબાજુના પ્રદેશમાં પણ ઘણાં કુદરતી પહાડી ર્દશ્યો જોવા મળે છે. અહીંનું હવામાન આરોગ્યપ્રદ અને સ્ફૂર્તિદાયક હોવાથી, તેમજ મુંબઈથી તે ખૂબ જ નજીક આવેલું હોવાથી હવા ખાવાના સ્થળ તરીકે તેનું મહત્વ વિશેષ છે. પ્રવાસીઓ માટે હોટેલો, ઉદ્યાનો, ખરીદીનાં સ્થળો જેવી સુવિધાઓ વિકસી છે. મહારાષ્ટ્ર પર્યટન વિકાસ મહામંડળ તરફથી અહીં એક વિશ્રામગૃહ પણ તૈયાર કરવામાં આવેલું છે. અહીં લગભગ આખું વર્ષ અને વિશેષે કરીને ઑક્ટોબર–નવેમ્બર તથા એપ્રિલથી જૂન દરમિયાન પ્રવાસીઓની અવરજવર વધુ રહે છે. મુંબઈની શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ માટે માથેરાન એક ઉજાણીનું સ્થળ છે.

ગિરીશભાઈ પંડ્યા