મહેશ (અઢારમી સદીનો મધ્યભાગ, જ. અને અ. ચમ્બા, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાનો વિખ્યાત ચિત્રકાર. મહેશનો જન્મ સુથાર કુટુંબમાં થયો હતો. ચિત્રકલા પ્રત્યેના જન્મજાત લગાવને કારણે તેણે કિરપાલુ નામના પહાડી ચિત્રકાર પાસે તાલીમ મેળવી. પોતાના સમકાલીન પહાડી ચિત્રકાર લાહારુના સહયોગમાં તેણે અનેક ઉત્તમ ચિત્રકૃતિઓ સર્જી. આ ઉપરાંત કોઈના પણ સહયોગ વિના એકલે હાથે પણ તેણે અનેક ઉત્તમ ચિત્રકૃતિઓ સર્જેલી.
મહેશે ચીતરેલી વિષ્ણુના દશાવતારની અનેક શ્રેણીઓ ઉપરાંત બ્રહ્મા, હનુમાન, ધ્રુવ, રાહુ, શુક્ર, ઇન્દ્ર અને ઇન્દ્રાણી તથા કૃષ્ણલીલાનાં ચિત્રો મળી આવ્યાં છે. સપાટ ઘેરા રંગો અને લાવણ્યસભર રેખા મહેશની વિશિષ્ટતા છે. મહેશનાં ચિત્રો અમદાવાદના એન. સી. મહેતા સંગ્રહ, ચમ્બાના ભૂરીસિંહ મ્યુઝિયમ, સૅન ડિયેગોના બિની કલેક્શન, સ્વિટ્ઝર્લૅન્ડના રીટબર્ગ ઝુરિક મ્યુઝિયમ, બનારસના ભારત કલાભવન, ચમ્બાની દેવી કોઠી, હૈદરાબાદના જગદીશ ઍન્ડ કમલ મિત્તલ મ્યુઝિયમ, કોલકાતાના બી. કે. બિરલા કલેક્શન, જર્મનીના ડૉ. હોર્સ્ટ મૅટ્ઝર કલેક્શન અને મુંબઈના કાર્લ ખંડાલાવાલા કલેક્શનમાં સંગ્રહાયેલાં છે.
મહેશની માનવ-આકૃતિઓ બેઠા ઘાટની હોય છે અને તેમાં શરીરના પ્રમાણમાં માથાં મોટાં હોય છે. પુરુષોનાં શરીરના બાંધા મજબૂત જોવા મળે છે. પુરુષોના ચહેરા પાતળી મૂછોવાળા અથવા તદ્દન દાઢીમૂછ વગરના જોવા મળે છે. કથાનકની વિશિષ્ટ જરૂરિયાત હોય તે સિવાય મહેશના બધા માનવચહેરા પર આછો મલકાટ અને ગૌર ત્વચા જોવા મળે છે.
અમિતાભ મડિયા