જૈનેન્દ્રકુમાર (જ. 1905, કોડિયાગંજ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1988) : અનુપ્રેમચંદ યુગના અગ્રગણ્ય હિંદી નવલકથાકાર. મૂળ નામ આનંદીલાલ. જૈન કુટુંબમાં જન્મ. હસ્તિનાપુરમાં શિક્ષણનો પ્રારંભ. 1919માં પંજાબમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પછી વધુ અભ્યાસ માટે બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળમાં જોડાવા એક જ વર્ષમાં કૉલેજ છોડી. 1923માં નાગપુર ગયા. ત્યાં રાજનૈતિક સમાચારપત્રોમાં ખબરપત્રી તરીકે કામ કર્યું. ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો, 3 માસનો જેલવાસ  ભોગવ્યો. 1927માં આજીવિકા સારુ કલકતા (કૉલકાતા) ગયા. ત્યાં ચતુરસેન શાસ્ત્રીની પ્રેરણાથી ગદ્યકાવ્યો રચ્યાં. દરમિયાન તેઓ મામા મહાત્મા ભગવાનદીન તથા બે મિત્રો સાથે પુંજસાહિબ, તક્ષશિલા અને સબોટાબાદના માર્ગે પગપાળા કાશ્મીર ગયા.

જૈનેન્દ્રકુમાર

1929માં તેમની પ્રથમ વાર્તા ‘ખેલ’, ‘વિશાલ ભારત’માં પ્રસિદ્ધ થઈ. એ જ વર્ષે લગ્ન થયાં, પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફાંસી’ અને પ્રથમ નવલકથા ‘પરખ’ પ્રસિદ્ધ થયાં. ‘પરખ’ને હિંદુસ્તાની અકાદમી ઍવૉર્ડ મળ્યો. 1930માં પ્રેમચંદના સંપર્કમાં આવ્યા, જે સંબંધ પાછળથી ઘનિષ્ઠ બન્યો. એ જ વર્ષે દિલ્હીમાં સત્યાગ્રહમાં જોડાયા અને જેલ થઈ. 1932માં ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા અને ચળવળના નેતા તરીકે માન્ય થયા અને ત્રીજી વખત જેલ થઈ.

તેમને 1929-30માં નવલકથાકાર, વાર્તાકાર અને નિબંધકાર તરીકે પ્રસિદ્ધિ મળી. 1935માં તેમની બીજી નવલકથા ‘સુનીતા’ પ્રસિદ્ધ થતાં હિંદી સાહિત્ય જગતમાં ઊહાપોહ મચી ગયો. તેને પ્રેમચંદ અને મૈથિલીશરણે વખાણી પણ નીતિવાદીઓએ અશ્લીલતાનો આક્ષેપ કર્યો. 1937માં ‘ત્યાગપત્ર’ પ્રસિદ્ધ થઈ. તેમાં યુવાન સ્ત્રીની દુર્ભાગ્યકથા આલેખી છે. અજ્ઞેયે તેનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. ત્યારબાદ ‘કલ્યાણી’ (1938), ‘સુખદા’ (1952), ‘વિવર્ત’ (1953), ‘જયવર્ધન’ (1955), ‘મુક્તિબોધ’ (1965), ‘અનંતર’ (1968) અને ‘અનામસ્વામી’ (1985) તેમની બીજી ઉલ્લેખનીય નવલકથાઓ છે. તેમાં ‘મુક્તિબોધ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવેલો.

‘જૈનેન્દ્ર કી કહાનિયૉ’ શીર્ષક હેઠળ તેમની વાર્તાઓના 10 ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. તેમાં ‘તત્સમ્’, ‘પત્ની’, ‘ભાભી’, ‘અપના અપના  ભાગ્ય’, ‘ખેલ’ અને ‘ચોર’ વિશ્વસાહિત્યમાં મૂકી શકાય તેવી વાર્તાઓ છે. આમ ટૂંકી વાર્તાના ક્ષેત્રે પ્રેમચંદ પછી જૈનેન્દ્રનું મોટું પ્રદાન ગણાયું છે. તેમના અન્ય લોકપ્રિય વાર્તાસંગ્રહો છે : ‘ફાંસી’ (1929), ‘વાતાયન’ (1930), ‘નીલમ દેશ કી રાજકુમારી’ (1933), ‘એક રાત’ (1934), ‘દો ચીડિયૉ’ (1935), ‘પાજેબ’ (1942) અને ‘જયસંધિ’ (1949).

તેમણે જૈન તત્વજ્ઞાન અને ગાંધીદર્શન ઉપર મૌલિક ચિંતન કર્યું છે. સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મ, રાજકારણ અને કામવૃત્તિ પરના તેમના વિચારોમાં ઊંડાણ અને મૌલિકતા છે. તેમના મુખ્ય નિબંધસંગ્રહોમાં ‘જૈનેન્દ્ર કે વિચાર’ (1934), ‘કામ, પ્રેમ ઔર પરિવાર’ (1936), ‘જડ કી બાત’ (1945), ‘પૂર્વોદય’ (1951), ‘સાહિત્ય કા શ્રેય પ્રેય’ (1953), ‘મંથન’ (1953), ‘અકલપુરુષ ગાંધી’ (1966), ‘કહાની, અનુભવ ઔર શિલ્પ’ (1967), ‘સમય સમસ્યા ઔર સિદ્ધાન્ત’ (1971), ‘સાહિત્ય વ સંસ્કૃતિ’ (1981) તેમજ ‘પ્રેમ ઔર વિવાહ’ (1983)નો સમાવેશ થાય છે.

‘પ્રેમચંદ : કૃતિ ઔર વ્યક્તિત્વ’ (1967), ‘યે ઔર વે’ સંસ્મરણનાં પુસ્તકો’, ‘કાશ્મીર કી વો યાત્રા’ (1968) અને ‘મેરા ભટકાવ’ (1981) પ્રવાસગ્રંથો છે. ‘પાપ ઔર પ્રકાશ’ (1955) અને મગ્દાલિની (1952) અનુક્રમે ટૉલ્સ્ટૉય અને મૅટરલિકનાં નાટકોનાં અનુવાદ છે. ‘પ્રેમ મેં ભગવાન’ (1956), ટૉલ્સ્ટૉયની વાર્તાઓ તેમજ ‘યમ’ (1958, ઍલેક્ઝાન્ડર કુપરીનની નવલકથા) અન્ય અનુવાદો છે.

હિંદી સાહિત્યમાં જૈનેન્દ્રકુમાર વ્યક્તિપ્રધાન મનોવૈજ્ઞાનિક નવલકથાઓમાં પ્રથમ પંક્તિના લેખક તરીકે ખ્યાતિ પામ્યા છે. 1936માં તેઓ ભારતીય સાહિત્ય પરિષદના સભ્ય તરીકે પસંદગી પામ્યા. 1968માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, આગ્રા (1972) અને દિલ્હી યુનિવર્સિટી (1973) તરફથી ઑનરરી ડી. લિટ. યુનોમાં ભારતીય પ્રતિનિધિ (1979), 1982માં સાહિત્ય અકાદમીના સિનિયર ફેલો અને અણુવ્રત પુરસ્કાર (1982) તેમને આપવામાં આવ્યા છે. 1970માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી વિભૂષિત કરેલા. વળી 1979માં તેમની યુનોમાં ભારતીય પ્રતિનિધિ તરીકે અને 1982માં સાહિત્ય અકાદમીના સિનિયર ફેલો તરીકે વરણી થયેલી.

રામકુમાર ગુપ્તા