મહેતા, રમેશ સુમંત (જ. 1906, અમદાવાદ; અ. 1998) : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પર્યાવરણવિદ્. ગુજરાતના જાણીતા સમાજસુધારક, દેશસેવક તથા શિક્ષણકાર.
ડૉ. સુમંત મહેતા તથા શારદાબહેનના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો અભ્યાસ અમદાવાદ, વડોદરા અને કરાંચીમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગની ઉપાધિ 1931માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી અને માસ્ટર્સ ડિગ્રી 1933માં સૅનિટરી એન્જિનિયરિંગમાં કૉર્નેવ યુનિવર્સિટી, અમેરિકાથી પ્રાપ્ત કરી હતી. તેમના જીવનમાં પણ માતા-પિતાનો અમૂલ્ય વારસો ગૂંથાયેલો હતો. તેઓ વિદેશમાં અભ્યાસ કરી 1933માં ભારત પાછા ફર્યા. તે પછી તુરત જ ડન્કન સ્ટ્રૅટન નામની કંપનીમાં સૅનિટરી એન્જિનિયર તરીકે કામ હાથ ધર્યું. થોડા સમય પછી 1936માં તેમની નિમણૂક ભાવનગર રાજ્યમાં વૉટર વકર્સના ઇજનેર તરીકે થઈ. તેમણે તે સમયે દેશની પ્રથમ જલસંગ્રહ અને જલશુદ્ધીકરણ માટેની યોજના કાર્યાન્વિત કરી હતી. 1940માં તદ્દન સાદી રીતે પુષ્પાબહેન ભટ્ટ સાથે લગ્ન કર્યું. 1945માં એમની નિમણૂક નાગપુરમાં ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટમાં મુખ્ય સૅનિટરી એન્જિનિયર તરીકે થઈ. આ સમય દરમિયાન તેમણે શહેરના વિસ્તારો માટેનો જલવિતરક અને મેલા જળના નિકાલ માટેનો પ્રકલ્પ તૈયાર કરી તેના અમલ માટેની સુંદર વ્યવસ્થા કરી. 1947માં દેશ સ્વતંત્ર થતાં તેનો વહીવટ જનતાએ સ્વીકારવાનો હતો અને ત્યારે પાણી-પુરવઠા જેવી મહત્વની સેવાઓ પણ અંગ્રેજોના હસ્તક હતી. દેશના પ્રથમ ગૃહપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલે પાણી માટેની અત્યંત મહત્વની સેવા સારી રીતે હાથ ધરાય તે માટેની જવાબદારી રમેશભાઈને સોંપી. તે અરસામાં દિલ્હીમાં હુલ્લડખોરીનું વાતાવરણ હોવાથી ત્યાંનું કાર્ય ન સ્વીકારવાની આપ્તજનોની સલાહ છતાં રમેશભાઈએ કર્તવ્યબુદ્ધિથી સરદારચીંધ્યું કામ સ્વીકાર્યું. 1947માં વૉટર સ્યુએજ બોર્ડ(નવી દિલ્હી)ના એન્જિનિયર, સેક્રેટરી અને સલાહકાર થયા. વળી પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ યોજનાઓમાં પણ તેમણે સરકારનિયુક્ત સલાહકાર તરીકે સેવાઓ આપેલી.
રમેશભાઈ 1958માં દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મુખ્ય ઇજનેર તરીકે જોડાયા અને તેમણે ભારતની સૌથી વિશાળ મ્યુનિસિપલ ગટર યોજના પૂરી કરવામાં મહત્વનો ફાળો આપ્યો. ભારત સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રચાયેલી નિષ્ણાત સમિતિમાં સભ્યપદે રહી તેમણે જળપ્રદૂષણ-નિયંત્રણ અને જળપ્રમાણીકરણ અંગેનાં કાર્યોમાં સેવાઓ આપી. વિશ્વમાં પર્યાવરણ અંગે સંશોધન કરતી મહત્વની તમામ અગ્રગણ્ય સંસ્થાઓની મુલાકાત તથા તેને લગતાં સંશોધનોનો તેમણે બહોળો અનુભવ લીધો.
1961માં રમેશભાઈએ સી. એસ. આઇ. આર.ની નાગપુરની નીરી(નૅશનલ એન્જિનિયરિંગ અને એન્વાયરન્મેન્ટ સંસ્થા)ના સૌપ્રથમ નિયામકનો હોદ્દો સંભાળ્યો. આ સંસ્થામાં પર્યાવરણ ઇજનેરીની શાખામાં રોજિંદા જીવનની પાયાની બાબતોના સંદર્ભમાં પર્યાવરણનું સંશોધનાત્મક અભિગમે અધ્યયન કરવાની પ્રવૃત્તિનાં મૂળ રોપ્યાં. તેમણે ભારતનાં વિવિધ શહેરોમાં આ સંસ્થાનાં કેન્દ્રોની સ્થાપના કરી અને પર્યાવરણને લગતું સંશોધન આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂક્યું. તેમણે બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પડોશી દેશોને પણ આ ક્ષેત્રે સહાય પૂરી પાડી.
સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.) દ્વારા તેમને નૈરોબીમાં એન્વાયરન્મેન્ટલ એન્જિનિયરિંગના પ્રાધ્યાપક તરીકે નિમંત્રણ મળ્યું. ત્યાં પ્રાધ્યાપક તરીકેની તેમની કારકિર્દી યશસ્વી રહી. આફ્રિકા જેવા વિકસતા દેશોમાં જળપ્રદૂષણના ક્ષેત્રમાં મહત્વનો ફાળો આપવાની સુંદર તક તેમને મળી. આ કાર્યની સમાપ્તિ થતા પહેલાં જ ત્રણ મહિના અગાઉ તેમની નિમણૂક સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે થઈ. તેમણે પોતાના આર્થિક લાભનો વિચાર છોડીને શિક્ષણક્ષેત્રમાં જરૂરી એવો મહત્વનો ફાળો આપી શકાય તે વિચારથી એ પદ સ્વીકાર્યું. તેમણે વલ્લભવિદ્યાનગરના બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના પર્યાવરણ ઇજનેરી વિભાગને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર મૂકવા માટે એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન પણ કર્યું. તેમના બહોળા અનુભવનો લાભ આ યુનિવર્સિટીને મળ્યો. આ સમય દરમિયાન તેમણે બાંગ્લાદેશના પર્યાવરણ સલાહકાર તરીકે પણ સેવાઓ આપી હતી.
1975માં તેઓ ગુજરાત પ્રદૂષણ બૉર્ડના પ્રથમ અધ્યક્ષ થયા. તે દરમિયાન ગુજરાતમાં વડોદરા, રાજકોટ, ભરૂચ, વાપી જેવાં શહેરોમાં સંશોધનકેન્દ્રો અને અદ્યતન કક્ષાની પ્રયોગશાળાઓની સ્થાપના કરી. સમગ્ર એશિયામાં ગંદું પાણી, મળ વગેરેના નિકાલનું તંત્ર (solid waste management) અને તે ગંદું પાણી, મળ વગેરેને પુનર્નિર્માણમાં લઈ શકાય તેવી પદ્ધતિઓ (recycling systems) તેમણે વિકસાવી. આ સમય દરમિયાન રમેશભાઈએ ESC AP/DNEમાં જળનિયમન, કચરાનો પુનરુપયોગ, મળનિકાલ તેમજ વાયુપ્રદૂષણ જેવા વિષયો ઉપરની અનેક પરિષદોમાં હાજરી આપી. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણવિજ્ઞાન અને એન્જિનિયરિંગને લગતાં ઘણાં સંશોધનપત્રો લખ્યાં અને આ વિષયમાં અનેક ઇજનેરો અને વૈજ્ઞાનિકોને તૈયાર કર્યા. ડૉ. રમેશભાઈની વૉટર વકર્સ એસોસિયેશનમાં પ્રમુખ તરીકે વરણી કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું.
નિવૃત્તિ પછી પણ તેમનાં પ્રિય ક્ષેત્રો–પર્યાવરણ અને શિક્ષણ–થી ક્યારેય વિખૂટા ન પડ્યા. તેમણે ન્યૂનતમ કિંમતે ગટરવ્યવસ્થા જેવા વિષયોમાં કાર્ય કરતી અમદાવાદની સાબરમતી આશ્રમની સફાઈ વિદ્યાલય જેવી સંસ્થામાં સેવાઓ આપી. તેમણે અમદાવાદની સી. એન. વિદ્યાવિહાર સંસ્થાના ટ્રસ્ટમાં અધ્યક્ષપદની જવાબદારી પણ સંભાળી હતી. કમ્પ્યૂટરવિજ્ઞાન અને પર્યાવરણ જેવા આધુનિક વિષયોની સ્કૂલમાં શરૂઆત કરાવી આ સંસ્થામાં અદ્યતન શિક્ષણની ભૂમિકા તૈયાર કરી. આમ રમેશભાઈએ એક પ્રતિભાશાળી-ર્દષ્ટિમંત શિક્ષણકાર તરીકે યુનિવર્સિટીથી માંડી છેક બાળમંદિર સુધીના કેળવણીક્ષેત્રમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું. એમના વ્યક્તિત્વમાં બળ અને મૃદુતાનો અજબ સમન્વય હતો.
દિનેશ પરીખ