મહેતા, જગન વિ. (જ. 21 મે 1909, વિરમગામ; અ. 10 ફેબ્રુઆરી 2003) : ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગૌરવ અપાવનાર છબીકાર. તેમના પિતા વાસુદેવભાઈ સ્વાતંત્ર્યસેનાની હતા અને સાણંદમાં વૈદ તરીકે જાણીતા હતા.
પિતાની ઇચ્છા તેમને ઉચ્ચ શિક્ષણ આપી સારા હોદ્દાની નોકરી અપાવવાની હતી, પણ જગનભાઈમાં સુષુપ્તાવસ્થામાં રહેલી કળાકાર બનવાની વૃત્તિ જોર કરતી હતી. તેઓ મેટ્રિકમાં નાપાસ થતાં તેમના પિતાએ તેમને કળાના અભ્યાસ માટે રવિશંકર રાવળને સોંપ્યા; ત્યાં 1929થી 1934 સુધી કલાશિક્ષણ મેળવ્યું.
1934ના ઑગસ્ટમાં ભાવનગર રાજ્યની સ્કૉલરશિપ લઈ ફોટોગ્રાફી અને રીપ્રોડક્શન પ્રોસેસની તાલીમ માટે વિયેના (ઑસ્ટ્રિયા) ગયા, પણ તબિયત લથડતાં અભ્યાસ છોડી 1936માં ભારત આવવું પડ્યું. વિયેનામાં તેઓ સુભાષબાબુ, કમલા નહેરુ વગેરેના પરિચયમાં આવ્યા. સુભાષબાબુએ તો તેમને હિંદુસ્તાન એકૅડેમિકલ ઍસોસિયેશનના મંત્રી તરીકે સેવા સોંપી હતી.
1938માં અમદાવાદમાં રિલીફ રોડ ઉપર ‘પ્રતિમા’ સ્ટુડિયો શરૂ કર્યો અને છબીકલાને વ્યવસાયલક્ષી બનાવ્યો. તેમની તસવીરો કાવ્યકૃતિઓ જેવી લાગે છે. તેમનામાં વ્યાપારી તત્ત્વ નહિ એટલે ફોટોગ્રાફીના વ્યવસાયમાં તેઓ નિષ્ફળ ગયા, પણ છબીકલાના નિષ્ણાત તરીકે ખૂબ સફળતા મેળવી.
1930–32થી શરૂ થયેલી તેમની ફોટોગ્રાફી-યાત્રા અવિરતપણે ચાલુ રહી હતી.
તેમનું જીવન સંઘર્ષભર્યું રહ્યું હતું, પણ તેમના મક્કમ મનોબળથી એ ટકી રહ્યા હતી. અન્ય તસવીરકારોથી એ કંઈક જુદા તરી આવતા હતા. પરિણામે તેમણે નિર્ધારેલાં યોજનાપૂર્વકનાં કામ છબીકલાના માધ્યમ દ્વારા કરતા રહ્યા..
1947માં ભારતના ભાગલા પડ્યા. ગાંધીજીની છેલ્લી બિહારયાત્રામાં ફોટોગ્રાફર તરીકે જોડાવાનું સદ્ભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. આ કોમી આગ બુઝાવવા ગાંધીજીએ કેવી કષ્ટભરી પદયાત્રા કરી, અને એ તારાજી–ભાંગફોડ નિહાળતાં કેવી મનોવ્યથા અનુભવી અને તે દરમિયાન ચહેરા પરના પલટાતા ભાવો વગેરે કૅમેરા દ્વારા તેમણે ખૂબ સૂક્ષ્મતાથી ઝડપ્યા હતા.
બિહાર શાંતિયાત્રા દરમિયાન જગનભાઈએ પાડેલ તસવીરો તો એક મહામોલું નજરાણું બન્યું છે. તેમાં ‘પ્રકાશનો પડછાયો’ શીર્ષકવાળી તસવીરમાં ગાંધીજી મનુ ગાંધીના ખભે હાથ મૂકી વહેલી સવારે પદયાત્રા કરી રહ્યા છે અને તેમની સાથે જ સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન પણ જોડાયા છે, એ તસવીરે તો સમસ્ત જગતનું ધ્યાન ખેંચ્યું હતુ. એ તસવીરોનું પ્રદર્શન અમદાવાદમાં સૌપ્રથમ 15 ઑગસ્ટ, 1947ના સ્વાતંત્ર્યદિને યોજાયું હતું. બીજે વર્ષે 1948માં મુંબઈમાં અને પછી ગુજરાતની ખ્યાતનામ ‘નિહારિકા ક્લબ ઑવ્ ગુજરાત પિક્ટૉરિયલ’ના સહયોગથી સમસ્ત અમેરિકા–કૅનેડાની અનેક ફોટોક્લબો દ્વારા દોઢેક વર્ષ સુધી સતત આ શાંતિયાત્રાના ફોટોગ્રાફ પ્રદર્શિત થતા રહ્યા. ગાંધીજી અંગેની આ ફોટોગ્રાફીએ જગનભાઈને ખૂબ જ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા અપાવ્યાં હતા.
તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન તે ગુજરાતના સારસ્વતોની 250થી 300 જેટલી તસવીરો. ત્રીજું મહત્ત્વનું પ્રદાન તે ભારતભરનાં શિલ્પસમૃદ્ધ મંદિરો, તીર્થસ્થાનો, ગુફાઓમાં જળવાયેલાં શિલ્પો ઉપરાંત ગુજરાતના આદિવાસીઓનું જનજીવન જેવા ઉપેક્ષિત વિષયોને કૅમેરા દ્વારા સુરક્ષિત દસ્તાવેજી સ્વરૂપ આપ્યું.
તેમની એક યાદગાર તસવીરનો ઉલ્લેખ જરૂરી છે. મુંબઈના જુહુના દરિયાકિનારે આથમતા સૂર્યની પુરબહારમાં ખીલેલી સંધ્યાના સમયે કવિ ન્હાનાલાલ તેમનાં પત્ની માણેકબાને આંગળી ચીંધી સંધ્યાના રંગો બતાવી રહ્યા છે તે છબી પણ જીવંત બની રહી છે.
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી, મંગલમ્ સંસ્થા, વિશ્વગુર્જરી, મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તેમનું સન્માન થયું હતું. ગુજરાત સરકાર તરફથી 1995નો ‘કલાગુરુ રવિશંકર રાવળ ઍવૉર્ડ’ પણ તેમને અપાયો હતો.
મુકુન્દ પ્રા. શાહ