આંધળાં જીવડાં (lesser grain borer, Rhizopertha dominica) : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના Bostrychidae કુળમાં સમાવિષ્ટ થતા કીટકો. આ કીટક નાના લંબગોળાકાર અને ઘેરા ભૂખરા રંગના હોય છે. તેમનું માથું વક્ષની નીચેની બાજુએ વળેલું હોવાથી ઉપરથી જોતાં માથું દેખાતું નથી. આ કીટક સંગ્રહેલ ઘઉં, બાજરી, ચોખા, જુવાર, મકાઈ, ડાંગર વગેરેમાં પડે છે. તેની ઇયળ અને પુખ્ત કીટક ખાઉધરાં હોઈ દાણામાં વાંકાંચૂકાં કાણાં પાડી અનાજ ખાઈ જાય છે અને લોટ જેવી હગાર બહાર કાઢે છે. માદા કીટક દાણા તેમજ તિરાડોમાં આશરે 300થી 500 જેટલાં છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. ઈંડાં તેમજ કોશેટાની અવસ્થા એક અઠવાડિયાની હોય છે. ઈંડાંમાંથી નીકળેલી ઇયળ દાણાનો લોટ, દાણાના કટકા અથવા નુકસાન પામેલા દાણા ખાય છે. પુખ્ત ઇયળ ઝાંખા સફેદ રંગની અને તેનું માથું બદામી રંગનું હોય છે. તેનું શરીર નીચેની બાજુએ સહેજ વળેલું હોય છે. ઇયળ દાણાની બહાર રહી લગભગ એક મહિના પછી કોશેટામાં ફેરવાય છે. પુખ્ત કીટક 8થી 10 દિવસ સુધી જીવે છે. અનાજનો સંગ્રહ કરતાં પહેલાં સૂર્યના તાપમાં સૂકવ્યા બાદ બરાબર સાફ કરી દિવેલથી મોઈને ભરવાથી આ જીવાત નુકસાન કરી શકતી નથી. જીવાતનો ઉપદ્રવ લાગે નહિ તે માટે અનાજ ભરવાના કોઠારો, લોખંડનાં પીપ, કોથળા વગેરેમાં જૂના દાણા, બાવાં, જીવાતની વિકસતી અવસ્થાઓ વગેરે રહી જાય નહિ તે માટે તેમને બરાબર સાફ કરી સૂર્યના તાપમાં સારી રીતે તપાવવાં જોઈએ. અનાજ ભરવાના કોઠારોની દીવાલો, ભોંયતળિયું, છત વગેરેની તિરાડો તથા ખૂણાખાંચરા સારી રીતે સાફ કરી ચૂનાથી ધોળ્યા પછી તેમાં નવા અનાજનો સંગ્રહ કરવો જરૂરી છે. રાસાયણિક રીતે આ જીવાતોનું નિયંત્રણ કરવા માટે બજારમાં મળતી ઈ. ડી. બી. એમ્પ્યુલ્સ અથવા ઍલ્યુમિનિયમ ફૉસ્ફાઇડની ટીકડીઓનો ઉપયોગ થાય છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ