આંદામાની ભાષાસમૂહ : આ ભાષા બોલનાર આંદામાનના મૂળ રહેવાસી નેગ્રિટો વંશના હોવાથી તેમનું મલયેશિયાની સમાંગ જાતિ જોડે સામ્ય જોવા મળે છે. એમની ‘બો’ નામની ભાષા હતી. આ ભાષા બોલનારાની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. 1858માં તેમની સંખ્યા 4,800 હતી, 1909માં 1882, 1931માં 460 અને 1961ની વસ્તીગણતરીમાં ફક્ત પાંચ જ હતી. 26 જાન્યુઆરી, 2010ના રોજ ‘બો’ ભાષા બોલનાર છેલ્લી વ્યક્તિ મૃત્યુ પામી.
સંસ્કૃતિ અને ભાષાની ર્દષ્ટિએ આ લોકો ત્રણ ભાગમાં વહેંચાયેલા છે : ઉત્તર, મધ્ય (દક્ષિણ આંદામાન) અને દક્ષિણ. એમાં દક્ષિણનો ભાગ અત્યંત પ્રાચીન અને બીજાથી અલગ પડી જાય છે.
વર્ણપદ્ધતિ :
સ્વર : અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, એઙ, ઍ, ઓ, ઓઙ
રૂપપદ્ધતિ : શબ્દમાં કોઈ પણ જાતનો વિકાર થતો નથી. તેમનું વાક્યમાં જે કાર્ય હોય છે તે ઉપસર્ગ અને પ્રત્યયની સહાયથી સિદ્ધ થાય છે. કેટલાક પ્રત્યયથી ક્રિયા અને તેનો સંદર્ભ સ્પષ્ટ થાય છે. પછીથી પ્રત્યય વિશેષ વપરાય છે; કર્તા અથવા ક્રિયા બતાવનારા-ઙ, વર્તમાન-ભવિષ્યદર્શક-કે, ભૂતકાળદર્શક-રે, ભવિષ્યદર્શક-બો. ર્દષ્ટાંત તરીકે, મેદ તિદન્-ઙ બ = અમે જાણ્યું નહિ; મામિ = ઊંઘ; મામિ-ઙ બેઽદિગ્ = ઊંઘમાં; દોઽલ્ મામિ-રે = હું ઊંઘ્યો; મેદ બોઽદો દોઽગા મામિ-રે = અમે આખો દિવસ ઊંઘ્યા; દોઽલ મામિઙ બો = હું ઊંઘીશ.
બીજા પ્રત્યયો ગુજરાતીના શબ્દયોગી અવ્યયની જેમ જ વપરાય છે – ઈઆ-વીઆ = નો, ની, નું ના; લેન = તો; લત = પાસે; લ = વા; ઊલ-લેવ = માટે; તે = થી વગેરે. વીર એઽરેમ લેન કારઈજઙ લેબ્ કાતિકરે = વીર જંગલમાં મધ એકઠું કરવા માટે ગયો; વોઽ લોગ તેક વીર અબ્-કેડ લિઅ = એ લોકો કરતાં વીર નાનો છે.
ઉપસર્ગ વર્ગ નિશ્ચિત કરવાનું કામ કરે છે. વસ્તુનું વર્ગીકરણ પ્રથમ સચેતન અને અચેતન એવું હોવાથી સચેતનમાં માનવ અને માનવેતર પ્રાણી એવો ભેદ કરવામાં આવે છે.
કેટલાક શબ્દો ઉપસર્ગ સિવાય વપરાતા નથી; ઉદા., શરીરના અવયવો = ઓઽત-ચેઽત્ = ડોક. ફક્ત ચેઽત્ નહિ.
પ્રતિષેધવાચક દા કે હા છે. ‘ણે તાપ્કે દાકે’ = તું ચોરીશ નહિ. નકારવાચક ‘બ’ છે. પ્રશ્નવાચક વિધાન ‘અન્’ શબ્દથી શરૂ થતું હોય છે.
વાચકપદ્ધતિ : વાક્યો સાધારણ રીતે નાનાં અને સ્વતંત્ર હોય છે. પણ ક્યારેક બે વાક્યોને જોડનારો શબ્દ વાપરીને વાક્યો જોડાય છે ખરાં; ઉદા., ‘બેદરે’ એ જોડનારો શબ્દ બે વાક્યો વચ્ચે આવી શકે. એનો અર્થ ‘કારણ, એટલે’ એવો થાય છે.
આ ભાષામાં સ્વતંત્ર સંખ્યાવાચક શબ્દો નથી. ‘ઊબ’ = એકનો મૂળ અર્થ તો ‘ખરો’ થાય છે. તો બેનો અર્થ દર્શાવતા ‘ઈક્યોઽર’ શબ્દનો અર્થ ‘પુષ્કળ’ એવો પણ થાય. ઘણી સંખ્યા હાવભાવની મદદથી વ્યક્ત થતી હોય છે.
ચન્દ્રકાન્ત મહેતા