મહિચા, તનસુખ (જ. 1945, રાજકોટ) : ગુજરાતના ચિત્રકાર અને ટેક્સ્ટાઇલ ડિઝાઇનર. વનસ્પતિ-આકૃતિઓની વસ્ત્ર-છપાઈ માટે મહિચા જાણીતા છે.

તનસુખ મહિચા

‘ઑલ ઇન્ડિયા વીવર્સ સેન્ટર’માં તેમણે વનસ્પતિની પરંપરાગત આકૃતિઓ સાથે આધુનિકતાનો સમન્વય કરવાનો સફળ પ્રયત્ન કરેલો છે. ત્યાંથી નિવૃત્ત થઈ અમદાવાદમાં ટેક્સ્ટાઇલ ડિઝાઇન અને કાગળ પરની ચિત્રકલા અપનાવીને તેમણે મુઘલ શૈલીની આકૃતિઓ, ઈરાની ગાલીચાની ડિઝાઇનમાંથી મળતી આકૃતિઓ અને આધુનિક આકૃતિઓને સૂફીવાદની રહસ્યમયતા સાથે સાંકળી લઈને આલેખી છે.

કાગળ પરનાં ચિત્રોમાં પ્રાકૃતિક રંગો(ખનિજો અને વનસ્પતિમાંથી જાતે બનાવેલા રંગો)ના ઉપયોગ માટે તેમની ચિત્રશૈલી નોંધપાત્ર નીવડી છે.

અમિતાભ મડિયા