મહાસાગર-સ્થિત ટાપુઓ (Oceanic Islands) : ઊંડા સાગરતળમાંથી ઉદભવેલા અને સમુદ્રસપાટી પર બહાર દેખાતા ટાપુઓ. વિશાળ મહાસાગરથાળાની ધાર પર આવેલા સમુદ્રો અને અખાતોમાં જોવા મળતા મોટાભાગના ટાપુઓ તેમજ છીછરી ખંડીય છાજલીઓ પરના ટાપુઓ નજીક આવેલા ખંડોનાં ભૂસ્તરીય લક્ષણોવાળા હોય છે, તેથી તેમનો અહીં સમાવેશ થતો નથી.

મહાસાગર-થાળાંઓમાંથી ઉદભવેલા, પરવાળાંના ખરાબાઓ સહિત કે રહિતના લગભગ બધા જ ટાપુઓ મૂળભૂત રીતે તો જ્વાળામુખીઓ જ છે. તે ખંડીય લક્ષણો ધરાવતા નથી. સમુદ્રસપાટીની ઉપર તરફ જે નાના-મોટા ટાપુઓ દેખાય છે તે વાસ્તવમાં તો પાણી નીચે પથરાયેલા મોટા વિસ્તારવાળા જ્વાળામુખીઓનાં મથાળાં (શિરોભાગ) જ છે. તે પૈકીના મોટાભાગના ટાપુઓ વિશિષ્ટ રચનાઓ ધરાવતી જળનિમ્ન ડુંગરધારો છે.

જળનિમ્ન જ્વાળામુખીઓ : ઊંડા મહાસાગરતળ પર જ્યારે જ્વાળામુખી-પ્રસ્ફુટનો થાય છે ત્યારે ત્યાંની ફાટોમાંથી લાવાના પ્રવાહો વહે છે. આ પ્રવાહો ફાટોની આજુબાજુ 3થી 5 કિમી. સુધી પથરાય છે. આવી 10 રચનાઓ પૈકીની 9 રચનાઓના શિરોભાગ સમુદ્રસપાટીની બહાર પહોંચે તે પહેલાં જ તે નિષ્ક્રિય બની જાય છે, તેથી તેમનો વિકાસ અટકી જાય છે. માત્ર અમુક જ સમુદ્રસપાટીથી બહાર સુધી પહોંચે છે. શરૂઆતમાં તો તેમાંથી રાખ નીકળે છે, પરંતુ તે તો સરળતાથી અને ઝડપથી ઘસાઈ જાય છે; દા.ત., ટોંગા સમૂહમાંનો ફાલ્કન ટાપુ તરીકે ઓળખાતો સક્રિય જ્વાળામુખી ઘણી વાર રચાતો જઈને ઘસાઈ ગયો છે. ઘસાયેલું દ્રવ્ય આજુબાજુ પથરાતું જઈને પહોળાઈ વધતી જાય છે, તેના પર લાવાના બીજા નવા થર જામતા જઈને છેવટે સમુદ્રસપાટીની બહાર ટાપુના નક્કર સ્વરૂપે દેખાય છે. નજીક-નજીકના આવા નાના ટાપુઓ જોડાઈ જવાથી મોટા ટાપુઓ અસ્તિત્વમાં આવે છે; દા.ત., હવાઈ ટાપુઓ.

આ પ્રકારની જ્વાળામુખી-પ્રસ્ફુટનની પ્રક્રિયા છેલ્લાં કેટલાંક લાખો-કરોડો વર્ષથી ચાલતી આવી છે. તે પૈકીના ઘણા ટાપુઓ ઘસાતા જઈને ગુયોટનાં સ્વરૂપો પામ્યાં છે. ગુયોટ લગભગ બધા જ મહાસાગરોમાં આવેલા છે. તેમનાં મથાળાં સમુદ્રસપાટીથી નીચે તરફ 300થી 2,100 મીટરની ઊંડાઈએ રહેલાં હોય છે. તેમના પહોળા મથાળા પર કણજમાવટ પણ થાય છે. છીછરી ઊંડાઈ હોય તો તેમના પર પરવાળાં પણ વિકસે છે.

રચનાગત લક્ષણો : મોટાભાગના જળનિમ્ન જ્વાળામુખીઓ વિશિષ્ટ પ્રકારનાં લક્ષણો દર્શાવે છે : 1. લાંબી, સીધી, સાંકડી રેખીય રચનાઓ; દા.ત., હવાઇયન ડુંગરધાર અને મરે ફાટ વિભાગ. 2. લાંબી, પહોળી વળાંકવાળી મધ્યમહાસાગરીય ડુંગરધારો; દા.ત., મધ્ય આટલાન્ટિક ડુંગરધાર. 3. કમાન આકારની ટાપુશૃંખલાઓ; દા.ત., ઍલ્યુશિયન ટાપુસમૂહ, અન્ય દ્વીપચાપો, ખાઈઓ વગેરે.

આકૃતિ 1 : પૅસિફિક મહાસાગરથાળામાંના જ્વાળામુખીજન્ય ટાપુઓ, કિનારા અને કંકણાકાર પ્રવાળદ્વીપોનું વિતરણ

1 લાંબી, સીધી ટાપુરચનાઓ : આટલાન્ટિક અને હિંદી મહાસાગરમાં જ્વાળામુખી-ટાપુઓની કેટલીક રેખીય રચનાઓ જોવા મળે છે ખરી; પરંતુ તેમનું પ્રમાણ ઓછું છે. ગુયોટનો એક રેખીય સમૂહ કૉડની ભૂશિર(મૅસેચુસેટ્સ, યુ.એસ.)થી અગ્નિ દિશામાં ચાલ્યો જાય છે. આ પ્રકારની લાક્ષણિક રેખીય રચનાઓ–રેખીય દ્વીપસમૂહો (linear archipelagoes) માટે પૅસિફિક મહાસાગર ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. નૈર્ઋત્ય અને મધ્ય પૅસિફિકમાં આવાં રેખીય ટાપુજૂથો આવેલાં છે (જુઓ નકશો, આકૃતિ 1). ભૂતકાળમાં તો આ મહાસાગર-થાળાના ઉત્તર ભાગમાં ઘણા જ્વાળામુખી-ટાપુઓ હતા. તે ઘસારો પામીને આજે જળનિમ્ન ગુયોટરૂપે જળવાયેલા છે (જુઓ નકશો, આકૃતિ 2). અન્ય દ્વીપસમૂહોમાં હવાઇયન, સમોઅન અને માર્ક્વિસસ ટાપુઓનો સમાવેશ થાય છે. જળનિમ્ન ડુંગરધારોમાંથી તૈયાર થયેલા જ્વાળામુખીઓનાં જ આ ઉદાહરણો છે. સીધી રેખામાં જોવા મળતા આ ટાપુઓ સમુદ્રીય પોપડામાં ઉદભવેલી રેખીય ફાટનો નિર્દેશ કરે છે. પૂર્વીય-મધ્ય પૅસિફિકમાં ક્લેરિયન ફાટ વિભાગ (Clarion Fracture Zone) નામનું જળનિમ્ન રચનાત્મક લક્ષણ આવેલું છે. આ ફાટ વિભાગના પશ્ચિમ ભાગમાં લાંબું સીધું ગર્ત આવેલું છે, જ્યારે પૂર્વ તરફ તે ગુયોટથી અવરોધાયેલું છે. વધુ પૂર્વ તરફ જ્વાળામુખી-ટાપુઓ છે.

આકૃતિ 2 : પૅસિફિક મહાસાગરથાળામાંના ગિયોટ(જૂના ટાપુઓ)નું વિતરણ

સમુદ્રીય પોપડા પર કોઈ એક જગાએ જો ફાટ ઉદભવે અને જ્વાળામુખી કે જ્વાળામુખી-ડુંગરધાર તૈયાર થાય તો આવા પ્રથમ તબક્કા વખતે તો તે સમુદ્રીય પોપડો એટલો બોજ તો સહન કરી શકે (આકૃતિ 3 અ); પરંતુ પ્રસ્ફુટનની ક્રિયા ચાલુ રહે અને જ્વાળામુખી-વિસ્તાર વધતો જાય તો બોજવૃદ્ધિને કારણે વચ્ચેનો ભાગ ધનુષ્યઆકારે દબતો જાય (આકૃતિ 3 આ). બીજા તબક્કા વખતે મધ્યભાગની આજુબાજુ ગર્ત કે ખાઈ બનતી જાય. આ રીતે એક કમાનાકાર સ્વરૂપ રચાય. દબવાની ક્રિયા ચાલુ રહેતાં તણાવ થવાથી વધુ ફાટો ઉત્પન્ન થતી જાય (આકૃતિ 3 ઇ). પ્રસ્ફુટનો થતાં રહે, ઘસારાજન્ય દ્રવ્ય ગર્તમાં ભરાતું જાય અને સ્તરભંગની ક્રિયા પણ થઈ શકે. જ્વાળામુખી-દ્રવ્ય તેમજ ઘસારાજન્ય નિક્ષેપથી મૂળ જ્વાળામુખીની ચારેય બાજુ બહાર તરફના ઢોળાવોવાળા ટાપુસમૂહોનું એક આવરણ બની રહે. માર્ક્વિસસના ટાપુઓ આ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડે છે (આકૃતિ 3 ઈ). સમય જતાં કિનારીઓના ભાગો ઘસાતા જઈ તે જળનિમ્ન સ્થિતિમાં ફેરવાય, અર્થાત્ બહાર દેખાતા ટાપુઓ જળનિમ્ન પર્વતોમાં અને જળનિમ્ન પર્વતો ગુયોટમાં ફેરવાય (આકૃતિ 3 ઉ). આવા ટાપુઓની આજુબાજુ જો અગાઉથી પરવાળાંની રચના થયેલી હોય તો તેમના ઘસાતા જવાની સાથે સાથે પરવાળાં પણ ઉપર તરફ વૃદ્ધિ પામતાં જઈ શકે ને તેમાંથી ત્યાં કંકણાકાર પ્રવાળદ્વીપ પણ રચાઈ શકે.

આકૃતિ 3 : અર્ધ-સમુદ્રીય જ્વાળામુખી અથવા ડુંગરધારની વિકાસ-કક્ષાઓ. મધ્યવિસ્તાર મૂળભૂત (પ્રારંભિક) જ્વાળામુખી-પ્રસ્ફુટનનો ભાગ દર્શાવે છે. કાળા વિસ્તારો પછીથી જામેલા જ્વાળામુખી-નિક્ષેપો અને ઘસાતાં દ્રવ્ય દર્શાવે છે. (અ) થી (ઉ)નું વર્ણન વિગતમાં છે.

2. પહોળી મધ્ય મહાસાગરીય ડુંગરધારો કે ઉપસાવો (Rroad mid-oceanic ridges or rises) : મહાસાગરના તળ પર આવેલી ડુંગરધારો જ્વાળામુખી-ટાપુઓ અને ગુયોટ બનવા માટેનાં મધ્યવર્તી સ્થાનો છે. એસ્કેન્શન, રિયુનિયન અને ઈસ્ટર ટાપુઓ તેનાં ઉદાહરણો છે. જ્વાળામુખી પર્વતો તેમની ઉપર રચાતા હોતા નથી, પરંતુ તેમની નજીકનાં સ્થાનોમાં રચાય છે. વળી આવા ટાપુઓ જૂથમાં મળે છે. એઝૉર્સ અને ગાલાપાગોસના ટાપુઓ જૂથમાં મળતા ટાપુઓનાં ઉદાહરણો છે. આવાં ટાપુજૂથો આજુબાજુ દ્વીપસમૂહોના આવરણવાળાં હોય છે, પરંતુ તેમની આજુબાજુ ખાઈઓ હોતી નથી.

3. દ્વીપચાપો : કમાનાકારે ગોઠવાયેલા ટાપુસમૂહને દ્વીપચાપ કહે છે. તેમની સાથે ઊંડી ખાઈઓ, ગુરુત્વ-અસાધારણતાઓ (gravity anomalies) અને ભૂકંપો સંકળાયેલાં હોય છે. એનો અર્થ એવો થાય કે દ્વીપચાપો પોપડાના અસ્થાયી વિસ્તારમાં આવેલાં છે. દ્વીપચાપોની અંદર તરફની કમાન સક્રિય જ્વાળામુખી-ટાપુઓવાળી હોય છે, જ્યારે બહાર તરફની કમાન જ્વાળામુખીજન્ય હોતી નથી, પરંતુ તે ઊંડા સમુદ્રતળ પર જોવા મળતા નિક્ષેપો જેવા દ્રવ્યથી બનેલા ટાપુઓની હોય છે, અર્થાત્ તે નિક્ષેપોના ઉત્થાનથી રચાયેલી હોય છે અથવા સમુદ્રભેખડોના ઉત્થાનથી બનેલી હોય છે. અગાઉ અવતલન પામેલા ટાપુઓ આવી દ્વીપચાપોની ધારો પર મળતા હોતા નથી.

ગિરીશભાઈ પંડ્યા