મહાભારત (નાટક) : વીસમી સદીની રંગભૂમિઘટનાસમું ભારતીય મહાકાવ્યનું મહાનાટક. ફ્રેન્ચ લેખક ઝ્યાં ક્લોદ કાર્યેરને ‘મહાભારત’ની સ્ક્રિપ્ટ તૈયાર કરતાં 9 વર્ષ લાગ્યાં. એમણે અને દિગ્દર્શક પીટર બ્રૂકે સાથે બેસીને એક વિદ્વાન પાસે પૅરિસમાં ‘મહાભારત’ની કથા પહેલી વખત સાંભળી ત્યારે એમને એટલો રસ પડ્યો કે એમની એ બેઠક રાત્રે 3.00 વાગ્યે પૂરી થઈ. આ પછી લેખક અને દિગ્દર્શક બંનેએ ‘મહાભારત’ના સંશોધન માટે ભારત આવીને વિવિધ પ્રાંતોમાં લોકનાટ્યમાં ભજવાતા ‘મહાભારત’ના પ્રસંગો અને વિવિધ ભાષાઓમાં લખાયેલા એ અંગેના સાહિત્યનો પ્રથમદર્શી પરિચય મેળવ્યો. 1975થી 1984 સુધી આ બંને ‘મહાભારત’નો વૈવિધ્યપૂર્ણ અનુભવ મેળવતા રહ્યા. મૂળ ફ્રેન્ચમાં તૈયાર થયેલી કાર્યેરની સ્ક્રિપ્ટ, રિહર્સલ પછી જ અંતિમ સ્વરૂપ પામી. 1985માં ‘ફેસ્ટિવલ ઑવ્ ઇન્ડિયા’ના એક કાર્યક્રમ તરીકે પૅરિસની નજીક એ પ્રથમ વાર ભજવાયું ત્યારે એ સ્થળ (તજી દેવાયેલી એક ખાણ) જેમ અસામાન્ય હતું એમ ન્યૂયૉર્ક, લૉસ ઍન્જલસ, પર્થ, ઍડલેડ, કૉપનહેગન અને ગ્લાસગોમાં એ ફ્રેન્ચ કે અંગ્રેજી(અંગ્રેજી અનુવાદ પીટર બ્રૂકે કરેલો છે)માં ભજવાયું તે ઘટના પણ અસામાન્ય હતી. ત્યારે પરંપરાગત રંગમંચ નહોતો. આમ ‘મહાભારત’થી નવું નાટક જ નહિ, વિશ્વમાં નવી નવી રંગભૂમિઓનું પણ સર્જન થયું છે.
જેનો કોઈ પરિચય નથી એવા બારેક વર્ષના એક કિશોરને વ્યાસ જાણે વાર્તા કહેતા હોય એ રીતે આખું ‘મહાભારત’ ભજવાય છે. સાથોસાથ ગણેશ એમની નોંધ કરતા રહે છે, કિશોર અને વ્યાસનો અવારનવાર થતો સંવાદ ‘ઇલૂઝન’ તો તોડે જ છે પણ ભજવણીનું સ્તર માનવીય છે એની પણ યાદ અપાવ્યા કરે છે. કિશોર વચ્ચે વચ્ચે, પ્રેક્ષકોને થાય એવા પ્રશ્ર્નો પણ પૂછે છે, ગમા-અણગમા પણ વ્યક્ત કરે છે. શ્ય-બદલીની સરળતા ખાતર કિશોર, વ્યાસ અને ગણેશની ત્રિપુટીને રજૂ કરવાની આ પ્રયુક્તિ અજમાવાઈ છે.
મહાકાવ્યની શરૂઆત કરતાં પહેલાં, નાટકના પ્રારંભે ત્રીજા-ચોથા સંવાદમાં જ કિશોર વ્યાસને જિજ્ઞાસાથી પૂછે છે કે આ કોનું મહાકાવ્ય છે ? વ્યાસનો ઉત્તર છે, એ તારા વિશે છે. કિશોરને આશ્ચર્ય થાય છે. વ્યાસ આગળ કહે છે કે હા, આ મહાકાવ્ય તારી જાતિનું છે; કઈ રીતે તારા પૂર્વજો જન્મ્યા, કઈ રીતે મોટા થયા, કઈ રીતે મહાયુદ્ધ છેડાયું એ ઘટનાચક્રમાં માનવજાતિનો કાવ્યમય ઇતિહાસ છે.
આ પ્રારંભ પછી ‘મહાભારત’નાં સોળ મુખ્ય પાત્રોની, દરેકની પોતાની આગવી લાક્ષણિકતા અને દરેકની પોતાની આગવી કથની એવી રીતે રજૂ કરવામાં આવે છે કે એની સાથોસાથ કથાનક પણ આગળ વધતું રહે. વિદુરનો અપવાદ બાદ કરતાં અહીં બધાં જ મુખ્ય પાત્રો આવરી લેવાયાં છે. વિદુરનું કાર્ય અહીં ભીષ્મ, યુધિષ્ઠિર અને વ્યાસની વચ્ચે વહેંચાય છે. મૂળ કૃતિમાં કરાયેલા ફેરફારો કેવળ રંગભૂમિને ધ્યાનમાં રાખીને જ કરાયા છે, કાર્યેરને સૌથી મુશ્કેલ પાત્રાલેખન કૃષ્ણનું લાગ્યું છે. એમને માનવ તરીકે રજૂ કરવા કે દેવ તરીકે ? અહીં કૃષ્ણનાં બંને સ્વરૂપો યથાતથ રખાયાં છે.
ભાષાનો પ્રશ્ર્ન પણ અહીં વિકટ બને છે. પ્રશિષ્ટ ભાષાની પસંદગી કે ભારતીયતાની છાંટથી ભજવણીની અખિલાઈના હેતુને હાનિ થાય એમ હતી. કાર્યેરના જ શબ્દોમાં કહીએ તો અહીં સાદી, ચોક્કસ અને સંયત ભાષાની પસંદગી થઈ છે. કાર્યેરે માર્મિક ટકોર કરી છે કે ફ્રેન્ચ નાટક લખ્યા વગર મારે તો ફ્રેન્ચમાં લખવાનું હતું. લગભગ બધા જ સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો અહીં મુકાયા છે. ધર્મ અને ક્ષત્રિય એ બે શબ્દોના અપવાદમાં કોઈ યોગ્ય શબ્દ ન જડતાં, ફ્રેન્ચ અને અંગ્રેજી બંને રૂપાંતરોમાં મૂળ શબ્દો જ વપરાયા છે. ‘વિદેશી’ સર્જકોએ ‘મહાભારત’ના મૂળ ગ્રંથને કેવો પચાવ્યો છે એનો આ એક નિર્દેશ છે.
નવ કલાકનું આ સમગ્ર નાટક, ખરેખર તો નાટ્યત્રયી છે. ત્રણેક કલાકનાં, અહીં ત્રણ નાટકો તૈયાર થયાં છે : દ્યૂત (‘ધ ગેમ ઑવ્ ડાઇસ’), વનવાસ (‘એક્સાઈલ ઇન ફૉરેસ્ટ’) અને યુદ્ધ (‘ધ વૉર’). ભજવણી બે રીતે થાય છે – બે મધ્યાન્તર સાથે સળંગ ત્રણ નાટકોની ભજવણી અથવા તો રોજ એક નાટક એમ ત્રણ દિવસની ભજવણી.
પ્રકાશિત થયેલી સ્ક્રિપ્ટમાં દરેક નાટકના શીર્ષક સાથે, તેમાંના દરેક શ્યને પણ, તેના આંતરમર્મને સ્ફુટ કરે એવું પેટા-શીર્ષક પણ અપાયેલ છે. પ્રથમ નાટક ‘દ્યૂત’ કાળ અને પાત્રોની ષ્ટિએ બહુ મોટા ફલક પર કામ કરે છે. વ્યાસથી શરૂ કરીને પાંડવો–કૌરવોના જન્મ સુધીની અસંખ્ય ઘટનાઓ, અજાણ્યાને પૂરેપૂરી સમજતાં તકલીફ પડે એટલી ઝડપથી ભજવાઈ જાય છે. ત્યારપછી 20 વર્ષના ગાળા પછી દ્રોણના પ્રવેશ સાથે, સ્પર્ધા અને પછી દુશ્મનાવટનું વાતાવરણ ઊભું થાય છે. એકલવ્યનો પ્રસંગ પણ છે; પણ બહુ ઓછી આડકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પેલા કિશોરની કુતૂહલભરી ટિપ્પણી સાથે, વાંસળીના સૂરો સાથે કૃષ્ણનું આગમન થાય છે. લહિયાનું કામ કરતાં ગણેશ જ મહોરું ઉતારી કૃષ્ણ બની જાય છે. પ્રભાવિત કરી નાખે એવી આ લેખક-દિગ્દર્શકની પ્રયુક્તિ છે. પ્રથમ નાટકનું છેલ્લું શ્ય ખાસ્સું લાંબું છે, પણ એમાં એક જ ઘટના બને છે – દ્યૂત. દ્રૌપદીનાં ચીર પૂરવાનું શ્ય પણ કલાત્મક રીતે રજૂ થાય છે. પાંડવોના વનમાં જવા સાથે પ્રથમ નાટક કે અંક પૂરો થાય છે.
બીજું નાટક કે અંક, ‘વનવાસ’, પહેલા અને છેલ્લાની તુલનામાં પ્રમાણમાં શિથિલ લાગે એવો છે. વનવાસનું તેરમું વર્ષ, ગુપ્તવાસમાં વિરાટ રાજાને ત્યાં અવનવા વેશ બદલીને ભીમ અને અર્જુન મોજ કરાવે છે. આ જ નાટકમાં વનવાસને થોડો વિસ્તારી, મહાનુભાવો અને કૃષ્ણના યુદ્ધ નિવારવાના પ્રયાસો આવરી લેવામાં આવ્યા છે. વનવાસ દરમિયાન અંબા, હિડિમ્બાના પ્રસંગો અને શસ્ત્રોની શોધના પ્રસંગો પણ રજૂ થાય છે. અર્જુનનો શિવ સાથેનો તો કર્ણનો પરશુરામ સાથેનો સંપર્ક ધ્યાનપાત્ર છે. યુદ્ધનું કારણ અને યુદ્ધની તૈયારી આ બીજું નાટક પૂરાં પાડે છે.
રંગભૂમિની દૃષ્ટિએ સૌથી મુશ્કેલ ત્રીજું નાટક ‘યુદ્ધ’ છે. સ્ક્રિપ્ટથી માંડીને સાધનસરંજામ સુધીનું દરેક પાસું અહીં ઘણીબધી તૈયારી માગી લે એવું છે. એ તો સહજ છે કે એની પ્રતીકાત્મક રજૂઆત જ હોય. પણ આ પ્રતીકોની પસંદગીમાં જ દિગ્દર્શનની કલાસૂઝનો સુંદર પરિચય મળે છે.
ત્રીજા નાટકના પ્રથમ દૃશ્યનું પેટા-શીર્ષક છે ભગવદગીતા. બધાં જ કલાકારો અહીં પોતાનો સરંજામ મોટેભાગે પોતાની સાથે જ લાવે – લઈ જાય છે. એ મુજબ આ દૃશ્યમાં હંગામી વાડો ઊભી કરી, રંગમંચ બે ભાગમાં વહેંચાઈ જાય છે. રથના પ્રતીક તરીકે મોટું પૈડું ચલાવતા કૃષ્ણ અને પાછળ અર્જુન બંને પક્ષોએ છોડેલી વચ્ચેની ખાલી જગ્યામાં આવે છે. બંને પક્ષો યંત્રવત્ ઊભા છે અને અર્જુનના વિષાદના પ્રત્યુત્તરમાં કૃષ્ણ અવાજ બદલીને, ગીતાના ઉપદેશ દ્વારા અર્જુનને કેવી રીતે નિર્ભ્રાન્ત કર્યો એનું વર્ણન કરે છે અને અર્જુનના પ્રતિભાવ મળ્યા કરે છે એટલે કે ‘ભગવદ્ગીતા’ અહીં શબ્દો દ્વારા વ્યક્ત થતી નથી. એ માત્ર અર્જુન જ સાંભળી શકે એ રીતે રજૂ થાય છે.
એક એક મુખ્ય પાત્ર વિરુદ્ધ દુશ્મનો લડે એ રીતે અહીં યુદ્ધનાં શ્યો સર્જાયાં છે. દરેક દૃશ્યમાં એક મુખ્ય પાત્ર મોતને ભેટે છે અને એ રીતે 18 દિવસનું યુદ્ધ આગળ ચાલે છે. આ બહુ અર્થસાધક યોજના છે, જેમાં દરેક પાત્રની મહત્તા પણ સચવાઈ રહે છે અને મહાવિનાશની છાયા પણ ઘેરી બનતી જાય છે. અભિમન્યુ, ઘટોત્કચ, દ્રોણ, દુ;શાસન, કર્ણ અને છેવટે દુર્યોધનના મૃત્યુને કેન્દ્રિત બનાવતાં શ્યોમાં યુદ્ધ પૂરું થાય છે.
વળી અહીં યુદ્ધ દરમિયાન સૂર્ય આથમ્યા પછીની કેટલીક ક્ષણો પણ આબાદ ઝડપાઈ છે; જેમાં કુંતી અને કર્ણ વચ્ચેનું દૃશ્ય શ્રેષ્ઠ રહે છે. બ્રૂકે જરૂર પડે ત્યાં મેલોડ્રામાનો ભયાનક કહી શકાય એવો પણ ઉપયોગ કર્યો છે. યુદ્ધના અંત સાથે ‘મહાભારત’નો અંત આવતો નથી. કૃષ્ણનું મૃત્યુ; કુંતી, ગાંધારી અને ધૃતરાષ્ટ્રની યાત્રા અને યુધિષ્ઠિરના સ્વર્ગારોહણ સુધી નાટક લંબાય છે. છેલ્લા દૃશ્યનું શીર્ષક અત્યંત સૂચક છે – ‘ધ લાસ્ટ ઇલૂઝન.’
બ્રૂકે અંતમાં એક સુંદર પ્રયુક્તિ મૂકી છે. રંગમંચના પાછલા ભાગમાં વહેતા પ્રવાહમાં, હરદ્વારની આરતીને યાદ અપાવે એવી રીતે દીવડાઓ તરતા મુકાય છે અને એ સાથે જ પાત્રો વિલીન થતાં જાય છે, જાણે કે કાળના પ્રવાહમાં સરી જતાં ન હોય !
દિગ્દર્શક તરીકે બ્રૂકે ભજવણીમાં અપનાવેલા અભિગમ બદલ તે સૌથી વધુ આદરપાત્ર બને છે. એમની પ્રથમ નિસબત રંગભૂમિના સત્ય પૂરતી રહી છે. સાથોસાથ ચમત્કારોથી ભર્યાભર્યા અદભુત રસમાં સમગ્ર ભજવણી સરી ન પડે એની એમણે પૂરતી તકેદારી રાખી છે.
નાટકમાં સતત રહેતો હોય એવો કોઈ સંનિવેશ એમણે રાખ્યો નથી. દૂર ઊંચી દીવાલો, પાણીનો પ્રવાહ દર્શાવે એવો એક વહેળો અને એક નાના જળકુંડ સિવાય અહીં કશું નથી હોતું. પાણી અને અગ્નિનો અહીં માની ન શકાય એવો ઉપયોગ થયો છે. વિવિધ દેશોનાં ચર્મ અને સુષિરવાદ્યોમાં શંખ પણ છે. જોકે પાર્શ્ર્વસંગીતને બદલે કલાકારોના અવાજોનો અહીં ઘણી વાર ખૂબ અસરકારક ઉપયોગ થયો છે. પ્રકાશ-આયોજન એક એવું ક્ષેત્ર છે જેમાં સુવિકસિત સાધનોનો પ્રભાવ જોવા મળે છે. રંગોનું અહીં ઘણું મહત્ત્વ રહે છે.
કલાકારોની પસંદગી આ ભજવણીનું સ્ક્રિપ્ટ અને દિગ્દર્શન જેટલું જ અપૂર્વ કહી શકાય એવું પાસું છે. વીસેક દેશોની રાષ્ટ્રીયતા ધરાવતાં છવ્વીસેક કલાકારો, નાનીમોટી થઈને અડતાલીસ ભૂમિકાઓ ભજવે છે. એક કરતાં વધુ પાત્રો ભજવવામાં અવનવું વૈવિધ્ય જોવા મળે છે, જે ઘણી વાર આકસ્મિક રીતે જ પ્રતીકની ગરજ સારે છે. ગુજરાતી નૃત્યાંગના, અભિનેત્રી – મલ્લિકા સારાભાઈ – એ દ્રૌપદીની મહત્ત્વની ભૂમિકામાં નોંધપાત્ર કામગીરી બજાવી છે.
મહાભારતની મહત્તા અને એના મર્યાદિત પ્રયોગો વચ્ચેના સમાધાનરૂપે, પીટર બ્રૂકે અને ઝ્યાં ક્લોદ કાર્યેરે આ જ નાટકની છ કલાકની ટેલિવિઝન અને ફીચરફિલ્મ પણ આ જ નામે બનાવી છે જેથી રંગભૂમિના આ ભગીરથ કાર્યને વિશાળ પ્રેક્ષકગણ નિહાળી શકે.
પોતાના નિવેદનને અંતે બ્રૂકે સ્પષ્ટ કર્યું છે કે ‘અહીં ભેગી મળેલી વિવિધ રાષ્ટ્રીયતાઓ તો પોતાનું કંઈક સાથે લાવીને ‘મહાભારત’ને પ્રતિબિંબિત કરવાનો પ્રયત્ન કરે છે. આ રીતે અમે એવી કૃતિની ભજવણી કરીએ છીએ, જે માત્ર ભારતમાં જ સરજાઈ શકે; પણ જેમાં સમગ્ર માનવજાતના પડઘાઓ ઝિલાતા હોય.’
‘મહાભારત’ના આર્ષ દ્રષ્ટા વેદવ્યાસે કલ્પ્યું ન હોય એ રીતે, વિશ્વ-સમાજના કલાકાર-કસબીઓએ બહુઆયામી સર્જક-કર્મ વડે ભારતીય મહાકાવ્યને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી ‘મહાભારત’ની, કહો કે ભારતીય સંસ્કૃતિની, વૈશ્ર્વિકતા–સાર્થકતા સિદ્ધ કરી છે.
ઉત્પલ ભાયાણી