મરાઠી ભાષા અને સાહિત્ય
મહારાષ્ટ્ર પ્રદેશના લોકોની ભાષા તથા તેમનું સાહિત્ય. મરાઠી ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ભારતીય આર્ય શાખાની એક ભાષા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ તે મહારાષ્ટ્રી પ્રાકૃતમાંથી ઉદભવી છે. ઈ. સ. 778માં ઉદ્યોતનસૂરિ નામના જૈન સાધુના ‘કુવલયમાલા’ ગ્રંથમાં મરાઠીનો ઉલ્લેખ છે. તેવી જ રીતે ઈ. સ. 1129માં સોમેશ્વર નામના વિદ્વાને લખેલ ‘માનસોલ્લાસ’ ગ્રંથમાં મરાઠીના કેટલાક શબ્દો અને રૂપોનો ઉલ્લેખ સાંપડે છે. કર્ણાટકના શ્રવણબેલગોડા ખાતેના ગોમટેશ્વરની તળેટીના ઈ. સ. 983ના એક શિલાલેખ પર એક મરાઠી વાક્ય કંડારેલું છે. 1208ના એક શિલાલેખની કુલ 26માંની છેલ્લી પાંચ લીટીઓ મરાઠીમાં છે. આ ઉપરથી કહી શકાય કે મરાઠી ભારતની એક પ્રાચીન ભાષા છે.
1188માં મુકુંદરાજે લખેલો ‘વિવેકસિંધુ’ ગ્રંથ મરાઠીનો આદ્ય ગ્રંથ ગણાય છે, જોકે ઇતિહાસકાર વિ. કા. રાજવાડેના મત મુજબ અગિયારમી સદીનો ‘જ્યોતિષરત્નમાલા’ ગ્રંથ તેનો પ્રથમ ગ્રંથ ગણાય. મરાઠીમાં પ્રથમ ગદ્યાત્મક ગ્રંથ લખવાનો જશ મહાનુભાવ પંથના મહીન્દ્ર વ્યાસને ફાળે જાય છે (‘લીળાચરિત્ર’, 1278). તે જ પંથના એક વિદ્વાને મરાઠી ભાષાનું પ્રથમ વ્યાકરણ તૈયાર કર્યું હતું એવા પુરાવા છે. આ પંથના સંસ્થાપક ચક્રધરે પણ મરાઠીમાં ગ્રંથરચના કરી છે.
સંત જ્ઞાનેશ્વરે (1275–96) શ્રીમદભગવદગીતાનું તત્વજ્ઞાન સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે 9,000 ઓવીઓ ધરાવતો ‘ભાવાર્થદીપિકા’ નામનો ગ્રંથ લખ્યો, જે ‘જ્ઞાનેશ્વરી’ના નામે ઓળખાય છે. ત્યારબાદ સંત નામદેવ (‘નામદેવની ગાથા’) ઉપરાંત નિવૃત્તિનાથ, સોપાનદેવ, મુક્તાબાઈ, ચાંગદેવ, સાવતા માળી, ચોખામેળા, ગોરા કુંભાર, નરહરિ સોનાર, વિસોબા ખેચર, જોગા પરમાનંદ, પરિસા ભાગવત અને જગમિત્ર નાગા જેવા સંતોએ ‘ઓવી’ અને ‘અભંગ’ છંદમાં મરાઠીમાં કાવ્યરચનાઓ કરી છે.
ઈ. સ. 1350 પછીનાં બસો વર્ષ દરમિયાન વારંવાર પડતા દુકાળો, મુસલમાનોનાં આક્રમણો અને વિજયનગર તથા બહમની રાજ્યોના પરસ્પર સંઘર્ષોને લીધે મરાઠીમાં સાહિત્યસર્જનમાં ઓટ આવી, જોકે તે ગાળામાં પણ સત્યામલનાથનો 12,000 ઓવીઓ ધરાવતો ‘સિદ્ધાંતરહસ્ય’ ગ્રંથ, બહિરા પિસા જાતદેવનો ભાગવતના દશમસ્કંધ પરનો 36,000 ઓવીઓ ધરાવતો ભાષ્યગ્રંથ અને ચોંમા કવિનો ‘ઉખાહરણ’ ગ્રંથ રચાયા છે. પંદરમી સદીમાં મરાઠીમાં રચના કરનારા સંતોમાં અજ્ઞાનકવિ, સેના નાવી, સંત દામાજી, સંત ભાનુદાસ, સંત કાન્હોપાત્રા, દત્ત સંપ્રદાયના સંસ્થાપક શ્રીપાદશ્રીવલ્લભ અને ‘ગુરુચરિત્ર’ના રચયિતા નૃસિંહ સરસ્વતી ઉલ્લેખનીય હતા. સોળમી સદીમાં દાસો પંતે ‘ગીતાર્ણવ’ નામથી ગીતા પર મરાઠીમાં ભાષ્ય લખ્યું.
સોળમી અને સત્તરમી સદીમાં મહારાષ્ટ્રમાં લોકજાગૃતિનું જે મોજું આવ્યું તેના ભેખધારી હતા મરાઠી સંત એકનાથ; જેમણે મુસ્લિમ શાસકોની કનડગતનો સામનો કરી હિંદુ ધર્મ અને મરાઠી ભાષાનું જતન કર્યું. તેમના વિપુલ સાહિત્યસર્જનમાં ‘એકનાથી ભાગવત’ અને ‘ભાવાર્થરામાયણ’ તથા ‘રુક્મિણીસ્વયંવર’ કાવ્યનો સમાવેશ થાય છે. ‘ભારુડ’ નામનો લોકસાહિત્ય-પ્રકાર મરાઠીમાં તેમણે જ શરૂ કર્યો હતો. તે ઉપરાંત મરાઠી ભાષામાં તે જમાનામાં રચના કરનારાઓમાં રામ જનાર્દન, જની જનાર્દન, વિઠા રેણુકાનંદન, વિષ્ણુદાસ, શિવકલ્યાણ ઉપરાંત કૃષ્ણ યાજ્ઞવલ્કી અને મધુકર – આ બે કવિઓનો પણ સમાવેશ થાય છે.
સોળમી સદીના ઉત્તરાર્ધમાં ગોવાના પાદરી ફાધર સ્ટીકન્સે ગોમંતક બોલીનું મરાઠી વ્યાકરણ તૈયાર કર્યું. તે જ શતાબ્દીમાં મુક્તેશ્વરે 17,000 જેટલી કાવ્યરચનાઓ કરી હતી જે આજે પણ ઉપલબ્ધ છે.
મરાઠીમાં અભંગ રચનારાઓમાં સંત તુકારામ શ્રેષ્ઠ ગણાય છે. સહજ અને ઉત્સ્ફૂર્ત વાણી ધરાવતા આ સંતે જનમાનસમાં કાયમી સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની વિદાય સાથે મરાઠી સાહિત્યનો બીજો કાલખંડ (1350–1650) સમાપ્ત થયો અને ત્રીજો કાલખંડ(1650–1818) શરૂ થયો. તેના પ્રથમ રચનાકાર હતા સ્વામી રામદાસ, તેમણે 7,731 ઓવીઓ ધરાવતો ‘દાસબોધ’ નામનો શકવર્તી ગ્રંથ અને ‘કરુણાષ્ટક’ નામની કાવ્યરચનાઓ મરાઠી ભાષાને બક્ષી છે. તેમની જ હરોળના ગીતાના ભાષ્યકાર વામન પંડિતે 22,000 ઓવીઓ ધરાવતા ‘યથાર્થદીપિકા’ ગ્રંથની રચના કરી.
પંદરમી સદીથી અઢારમી સદી દરમિયાન કેટલાક મુસલમાન સંતોએ મરાઠી ભાષામાં સાહિત્યસર્જન કર્યું છે, જેમાં નવ ગ્રંથોના રચયિતા શહા મુંતોજી બ્રાહ્મણી (મૃત્યુંજય), અંબરહુસેન, શેખ સુલતાન, શેખ મહંમદ અને શહામુનિનો સમાવેશ થાય છે. મુંતોજી નામનો બીજો પણ એક કવિ પણ થઈ ગયો છે, જેણે સંગીત અને જ્યોતિષ પર ગ્રંથો લખ્યા છે.
સત્તરમી સદીના મરાઠી રચનાકારોમાં ‘દમયંતીસ્વયંવર’ના રચયિતા રઘુનાથ પંડિત; ‘રુકિમણીહરણ’ના રચિયતા સામરાજ; ‘હરિવરદા’(ઓવીઓ : 42,000)ના રચયિતા કૃષ્ણ દયાર્ણવ; મહાકાવ્યો અને પુરાણોનો અનુવાદ કરનાર શ્રીધર (‘હરિવિજય’, ‘રામવિજય’, ‘જ્ઞાનેશ્વરચરિત્ર’); મહાભારત, રામાયણ, ભાગવત ઇત્યાદિનો મરાઠીમાં અનુવાદ કરનાર તથા ‘કૃષ્ણવિજય’ અને ‘શિવચરિત્ર’ – આ બે મૌલિક ગ્રંથો રચનાર મોરોપંત પંડિત; ઉદ્ધવ- ચિદઘન, દાસો દિગંબર અને નાભાજી જેવા ચરિત્રકારો; ગ્રંથકાર મહીપતિ (‘ભક્તિવિજય’, ‘સંતલીલામૃત’, ‘ભક્તિલીલામૃત’, ‘સંતવિજય’) નોંધપાત્ર છે.
અઢારમી સદીમાં પોવાડા અને લાવણીના યુગનો પ્રારંભ થયો. પોવાડામાં શૂરવીરોની શૌર્યગાથાને તો લાવણીમાં મહ્દઅંશે શૃંગારને પ્રાધાન્ય મળ્યું. લાવણીના રચયિતાઓમાં રામ જોશી, અનંત ફંદી, પઠ્ઠે બાપુરાવ અને હોનાજીબાળા મોખરે રહ્યા. આ જ સદીમાં બખર નામનો નવો સાહિત્યપ્રકાર દાખલ થયો. ઇતિહાસકાર વિ. કા. રાજવાડેની ગણતરી મુજબ આ અરસામાં 200–250 બખરો લખાઈ છે.
મરાઠીમાં સાહિત્યસર્જન કરનારા જૈન ધર્મીઓમાં ગુણદાસ (300 ઓવીઓ), ગુણકીર્તિ (‘ધર્મામૃત’), જિનદાસ (‘હરિવંશપુરાણ’), પંડિત મેઘરાજ (‘જસોધરરાસ’), નાગોઆયા (‘યશોધરચરિત્ર’), ગુણનંદી (‘યશોધરપુરાણ’), વીરદાસ (‘સુદર્શનચરિત્ર’), દામા પંડિત (‘જંબુસ્વામિચરિત્ર’ અને ‘દાનશીલતપભાવના’), દયાસાગર (‘સમ્યકત્વકૌમુદી’, ‘ભવિષ્યદત્ત બંધુદત્ત પુરાણ’ તથા ‘ધર્મામૃતપુરાણ’), મહીચંદ્ર (‘આદિનાથપુરાણ’), દેવેન્દ્રકીર્તિ (‘કાલિકાપુરાણ’), જિનસાગર, જનાર્દન (‘શ્રેણિકચરિત્ર’), જિનસેના (‘જંબુસ્વામીપુરાણ’, ‘ઉપદેશરત્નમાલા’) વગેરે ઉલ્લેખનીય છે.
અર્વાચીન મરાઠી સાહિત્ય : મરાઠી પદ્ય-રચનાકારો : કવિ કેશવસુત(1866–1905)ના આગમન સાથે મરાઠીમાં અર્વાચીન કવિતાની શરૂઆત થઈ. અંગ્રેજી શિક્ષણ અને સંસ્કારોમાં ઊછરેલ પેઢીએ મરાઠીમાં અંગ્રેજી શૈલીની કવિતાનો પ્રારંભ કર્યો. હરિ કેશવજીએ મિલ્ટનનું ‘પૅરેડાઇઝ લૉસ્ટ’; મહાદેવશાસ્ત્રી કોલ્હટકરે સ્કૉટ, લૉંગફેલો અને વર્ડ્ઝવર્થનાં કાવ્યોનો મરાઠીમાં અનુવાદ કર્યો. પોતાની કાવ્યરચનાઓને ‘રોમૅન્ટિક સ્ટાઇલ’ની કવિતા તરીકે ઓળખવનારા મહાદેવ મોરેશ્વર કુંટેએ મરાઠીમાં નવા યુગની કવિતાની વૈચારિક ભૂમિકા બાંધી આપી. તેમની કલમે ઉદાત્ત વિચારસરણીની સાથોસાથ વિવિધ પ્રકારના વૃત્તમાં ઢાળેલી કવિતા આપી. સમાજ પ્રત્યે અભિમુખતા ધરાવતા કવિ કેશવસુતે મરાઠીમાં સુનીત (સૉનેટ) કાવ્યપ્રકાર દાખલ કર્યો. ત્યારબાદ બાળકો અને પુષ્પોના રસિયા ના. વા. ટિળક, મરાઠીમાં રાષ્ટ્રીય કવિતાના જનક કવિ વિનાયક, ‘પ્રેમના શાયર’ નામથી ઓળખાતા ગોવિંદાગ્રજ, નિસર્ગના કવિ ત્ર્યંબક બાપુજી ઠોમરે (બાલકવિ), ‘કમળા’ કાવ્યના સર્જક કવિ ‘બી’ (નારાયણ મુરલીધર ગુપ્તે), ‘ગોદાગૌરવ’ના રચયિતા ચંદ્રશેખર, અસામાન્ય કવિત્વશક્તિ ધરાવતા સ્વાતંત્ર્યવીર સાવરકર, કવિ ગોવિંદ, કવિ માધવ તથા માતૃહૃદય ધરાવતા સાને ગુરુજીએ મરાઠી કવિતાને સમૃદ્ધ કરી.
1920 પછી મરાઠીમાં નવા યુગની શરૂઆત થઈ, જેમાં યોગદાન આપનારા કવિઓમાં ‘રવિકિરણ મંડળ’ના સભ્યોમાં માધવ જ્યુલિયન, કવિ ગિરીશ અને કવિ યશવંત મુખ્ય હતા.
મરાઠીમાં શિશુગીતો રચનારા કવિઓમાં વા. ગો. માયદેવ, તારાબાઈ મોડક, સુમતિ પાયગાંવકર, સંજીવની મરાઠે મોખરે રહ્યાં. ઉપરાંત સારી મરાઠી કવિતા લઈને આવનારાઓમાં અનંત કાણેકર, સોપાનદેવ ચૌધરી અને સંત તુકડોજી નોંધપાત્ર છે.
1935 પછી મરાઠી કવિતામાં આવેલ ઓટને અટકાવવાનું કાર્ય કવિ ‘અનિલે’ (આત્મારામ રાવજી દેશપાંડેએ) કર્યું (‘ફુલવાત’, ‘ભગ્નમૂર્તિ’, ‘પરતે વ્હા’, ‘નિર્વાસિત ચિની મુલાસ’ કાવ્યસંગ્રહો). કવિ કુસુમાગ્રજ (વિ. વા. શિરવાડકર : કાવ્યસંગ્રહો ‘જીવનલહરી’, ‘વિશાખા’, ‘કિનારા’; બાળકો માટે ‘અક્ષરબાગ’), ક્રાંતિના ઉદગાતા વા. રા. કાંત (કાવ્યસંગ્રહો : ‘રુદ્રવીણા’. મહાકાવ્યો ‘અગ્નિપથ’ અને ‘આશિયા’), સૌંદર્યના ઉપાસક બા. ભ. બોરકર, ગ્રામજીવન પર વાસ્તવવાદી કવિતા રચનાર વિ. મ. કુલકર્ણી (સંગ્રહો : ‘વિસર્જન’, ‘પહાટવારા’, ‘કમળવેલ’.), પ્રકાશપૂજક રા. અ. કાળેલે (સંગ્રહો : ‘વાગવસંત’, ‘હિમઅંગાર’, ‘ગીતનિર્વાણ’), તત્વચિંતક પુ. શિ. રેગે (સંગ્રહો : ‘સાધના અને ઇતર કવિતા’, ‘ફુલોરા’, ‘હિમસેક’, ‘દોલા’), મૌલિક અભિવ્યક્તિ માટે વિખ્યાત બનેલા વિંદા કરંદીકર (સંગ્રહો : ‘ધ્રુપદ’, ‘મૃદગંધ’, ‘જાતક’, ‘સ્વેદગંગા’), પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા વસંત બાપટ (‘ઝેલમચે અશ્રૂ’) દલિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા સંવેદનશીલ કવિ મંગેશ પાડગાંવકર, મરાઠીમાં ‘ગીતરામાયણ’ના રચયિતા ગ. દિ. માડગૂળકર, ‘ગીતદત્તાત્રય’ના રચયિતા કવિ સુધાંશુ. ‘ગીતશિવાયન’ના રચયિતા મધુકર જોશી, શાહીર અણ્ણાભાઉ સાઠે, શાહીર અમરશેખ, ના. ધો. મહાનોર, બહિણાબાઈ ચૌધરી, લક્ષ્મીબાઈ ટિળક, ઇંદિરા સંત, શાંતા શેળકે, કેશવ કુમાર (આચાર્ય અત્રે), આરતી પ્રભુ, બા. સી. મર્ઢેકર, શરચ્ચંદ્ર મુક્તિબોધ, દિલીપ ચિત્રે, નારાયણ સુર્વે, યોગેશ્વર અભ્યંકર, સૂર્યકાંત ખાંડેકર અને યોગિની જોગળેકરનાં નામ કાવ્યક્ષેત્રે ઉલ્લેખનીય છે. આ બધાં કવિઓએ બીજા વિશ્વયુદ્ધની વિનાશકતા, હિન્દુસ્તાનના વિભાજનની ભયંકરતા, સ્વતંત્રતા બાદ ભારત પર લાદવામાં આવેલાં યુદ્ધો, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત, વધતી મોંઘવારી, ચિરંતન મૂલ્યોનો હ્રાસ, વગેરેનો જાત-અનુભવ કરેલો; જેના પડઘા તેમની રચનાઓ પર પડ્યા છે.
1965 પછી મરાઠી કાવ્યસૃષ્ટિમાં દલિત સાહિત્યનો પ્રવાહ શરૂ થયો, જેના કવિઓમાં નામદેવ ઢસાળ (સંગ્રહો : ‘ગોલપીઠા’, ‘તુઝી ઇયત્તા કંચી’), કેશવ મેશ્રામ, દયા પવાર, મીના ગન્નાભિયે, અર્જુન ડાંગળે, અનુરાધા પોતદાર, તુલશી પરબ અને અરુણા ઢેરે નોંધપાત્ર ગણાય.
નાટક : ઓગણીસમી સદીના વિષ્ણુદાસ ભાવે થકી મરાઠીમાં આધુનિક ઢબે નાટ્યલેખન અને રંગભૂમિની શરૂઆત થઈ. તે પૂર્વે લોકનાટ્ય દ્વારા તેનું અસ્તિત્વ હતું જ (દશાવતાર, લળિત, તમાશા). આ ઉપરાંત, તંજવુર રિયાસતના સમયના રાજાઓએ લખેલાં નાટકો પણ હતાં જ. વિષ્ણુદાસ ભાવેએ લખેલ ‘સીતાસ્વયંવર’ 1843માં ભજવાયા બાદ સંસ્કૃત અને અંગ્રેજી નાટકોના અનુવાદો મરાઠીમાં થવા લાગ્યા, જોકે તેમાંથી ભાગ્યે જ કોઈ નાટક તખ્તા પર રજૂ થયું હશે. તેથી તેમને ‘સાહિત્યિક(bookish) નાટકો’ની સંજ્ઞા આપવામાં આવી.
મરાઠીમાં સ્વતંત્ર નાટક લખવાની પરંપરા વિનાયક જનાર્દન કીર્તનેએ શરૂ કરી (1861 : ‘થોરલે માધવરાવ પેશવે’). 1865 પછી ‘ફાર્સ’(વિનોદી નાટકો)નો જમાનો આવ્યો (પ્રથમ પ્રયોગ : બાળા કોટીભાસ્કરનું ‘સીતાહરણ’). ત્યારબાદ મરાઠી તખ્તા પર દિગ્ગજો ગણાય તેવા નાટ્યકારોનાં નાટકો ભજવાવાની શરૂઆત થઈ, જેમાં સંગીતપ્રધાન નાટકોનો પણ સમાવેશ થયો. અણ્ણાસાહેબ કિર્લોસ્કર (‘સંગીતશાકુંતલ’, ‘સૌભદ્ર’, ‘રામરાજ્યવિયોગ’), શિવરામ મહાદેવ પરાંજપે (‘પહિલા પાંડવ’, ‘માનાજીરાવ’), ગોવિંદ બલ્લાળ દેવલ (‘દુર્ગા’, ‘વિક્રમોર્વશીય’, ‘મૃચ્છકટિક’, ‘ઝુંઝારરાવ’, ‘સંગીત શારદા’, શાપસંભ્રમ’, ‘સંશોય કલ્લોળ’), શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકર (12 નાટકોમાં ‘વીરતનય’ અને ‘મૂકનાયક’), કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકર (15 નાટકોમાં ‘કીચકવધ’, ‘ભાઊબંદકી’, ‘સંગીતમાનાપમાન’, ‘સંગીતસ્વયંવર’), રામ ગણેશ ગડકરી (‘પ્રેમસંન્યાસ’; ‘એકચ પ્યાલા’, ‘ભાવબંધન’), મામા વરેરકર (‘હાચ મુલાચાબાપ’, ‘સત્તેચે ગુલામ’, ‘સોન્યાચા કળસ’), આચાર્ય અત્રે (‘સાષ્ટાંગ નમસ્કાર’, ‘ઘરાબાહેર’, ‘લગ્નાચી બેડી’, ‘ઉદ્યાચા સંસાર’, ‘તો મી નવ્હેચ’), મો. ગ. રાંગણેકર (‘કુલવધૂ’, ‘ભટાલા દિલી ઓસરી’), 1920–50ના કાલખંડમાં નાગેશ જોશી (‘દેવમાણુસ’), વિ. વા. શિરવાડકર (‘દૂરચે દિવે’, ‘યયાતિ આણિ દેવયાની’, ‘નટસમ્રાટ’, ‘કૌંતેય’), સ્વાતંત્ર્યોત્તર કાળમાં પુ. લ. દેશપાંડે (‘તુઝે આહે તુજપાશી’, ‘અમલદાર’, ‘તી ફુલરાણી’, ‘સુંદર મી હોણાર’, એકપાત્રી ‘બટાટ્યાચી ચાળ’ અને ‘વારયાવરચી વરાત’), વસંત કાનેટકર (‘રાયગડાલા જેવ્હાં જાગ યેતે’, ‘મત્સ્યગંધા’, ‘હિમાલયાચી સાવલી’, ‘પ્રેમા તુઝા રંગ કસા’). બાળ કોલ્હટકર (‘સીમેવરુન પરત જા’), રત્નાકર મતકરી (‘આરણ્યક’), વિદ્યાધર ગોખલે (‘પંડિતરાજ જગન્નાથ’, ‘મંદારમાલા’, ‘સ્વરસમ્રાજ્ઞી’), રણજિત દેસાઈ (‘હે બંધ રેશમાચે’). પુરુષોત્તમ દારવ્હેકર (‘કટયાર કાળજાત ઘુસલી’). વિજય તેંડુલકર (‘ઘાશીરામ કોતવાલ’, ‘સખારામ બાઇન્ડર’, ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’, ‘કન્યાદાન’, ‘ગિધાડે’), વસંત સબનીસ (‘વિચ્છા માઝી પૂરી કરા’), જયવંત દળવી (‘સંધ્યાછાયા’, ‘બૅરિસ્ટર’, ‘સાવિત્રી’, ‘પુરુષ’), શ્રી. ના. પેંડસે (‘ગારંબીચા બાપુ’, ‘રથચક્ર’). અનિલ બર્વે (‘હમીદાબાઈચી કોઠી’, ‘થૅંક્યૂ મિસ્ટર ગ્લાડ’). ચિં. ત્રં. ખાનોલકર’ (‘કાલાય તસ્મૈ નમ:’, ‘અજબ ન્યાય વર્તુળાચા’), વ્યંકટેશ માડગૂળકર (તું વેડા કુંભાર’), ગો. પુ. દેશપાંડે (‘ઉદ્ધ્વવસ્ત ધર્મશાળા’). બાળ કોલ્હટકર (‘વાહતો હી દૂર્વાંચી જુડી’). મધુસૂદન કાલેલકર (દિવા જળુ દે સારી રાત’, ‘નાથ હા માઞ્ડા’), વિશ્રામ બેડેકર (‘વાજે પાઊલ આપુલે’). અશોક પટોળે (‘આઈ રિટાયર હોતે’), ઉપરાંત એકાંકી નાટકોમાં અનંત કાણેકર, મો. ગ. રાંગણેકર, પુ. લ. દેશપાંડે, વસંત સબનીસ, પદ્માકર ડાવરે, વસંત કાનેટકર, ગંગાધર ગાડગીળ, રત્નાકર મતકરી આ બધા મોખરે રહ્યા છે.
નવલકથા : ભારતમાં અંગ્રેજોના આગમન પછી મરાઠીમાં આ સાહિત્યપ્રકાર દાખલ થયો, જેની શરૂઆત હરિ નારાયણ આપટેની નવલકથા ‘મધલી સ્થિતિ’(1885)થી થઈ. (‘પણ લક્ષાત કોણ ઘેતો’, ‘જગ હે અસે આહે’, ‘ભયંકર દિવ્ય’, ‘વજ્રાઘાત’, ‘માયેચા બાજાર’, ‘કર્મયોગ’). ત્યારબાદ લોકશિક્ષણના ધ્યેય સાથે નવલકથા લખનારા નારાયણ હરિ આપટે (‘અજિંક્ય તારા’, ‘પહાટેપૂર્વીચા કાળોખ’), સામાજિક અને ઐતિહાસિક નવલકથા લખનારા નાથ માધવ (‘ગ્રહ-દશેચા ફેરા’, ‘સાવળ્યા તાંડેલ’, ‘સ્વરાજ્યાચા શ્રીગણેશા’), ચિંતન પર નવલકથા લખનાર વામન મલ્હાર જોશી (‘રાગિણી’, ‘સુશીલેચા દેવ’, ‘ઇંદુ કાળે સરલા ભોળે’), વિચારપ્રધાન નવલકથાઓ લખનાર અને સમાજની રૂઢ માન્યતાઓ સામે બંડ પોકારનાર શ્રીધર વ્યંકટેશ કેતકર (‘ગોંડવનાતીલ પ્રિયંવદા’, ‘પરાગંદા’), મામા વરરેકર : યુવાન વિધવાઓની સમસ્યાઓનું નિરાકરણ સૂચવતી નવલકથા ‘વિધવાકુમારી’, પુ. લ. દેશપાંડે (‘બંધનાચ્યા પલીકડે’, ‘સદાફુલી’), પ્રયોગાત્મક નવલકથાઓના સર્જક બા. સી. મર્ઢેકર (‘રાત્રીચા દિવસ’), વસંત કાનેટકર (‘ઘર’), મહાયુદ્ધની ભીષણતા દર્શાવનાર વિશ્રામ બેડેકર (‘રણાંગણ’), ‘સ્વપ્નરંજક નવલકથાઓના સર્જક ના. સી. ફડકે
(‘જાદુગાર’, ‘દૌલત’, ‘અટકેપાર’, ‘કલંકશોભા’), ધ્યેયવાદી નવલકથાઓના સર્જક વિ. સ. ખાંડેકર (‘કાંચનમૃગ’, ‘દોન ધ્રુવ’, ‘ઉલ્કા’, ‘સુખાચા શોધ’, ‘કૌંચવધ’, ‘યયાતિ’). મરાઠીના પ્રથમ ‘રાજકીય નવલકથાકાર, ગ. ત્રં. માડખોલકર (‘મુક્તાત્મા’, ‘ભંગલેલે દેઊળ’). માતૃહૃદયી અને ધ્યેયવાદી સાને ગુરુજી (‘શ્યામચી આઈ’, ‘જન્માચા બંદીવાસ’, ‘ધડપડણારી મુલે’, ‘પરાધીન’), ‘વિભાવરી શિરૂરકર’ તખલ્લુસ સાથે નવલકથા લખનાર માલતી બેડેકર (‘હિંદોળ્યાવર’, ‘વિરલેલે સ્વપ્ન’), માનસિક કોલાહલનો પડઘો પાડનાર ગીતા સાને (‘હિરકણી’, ‘વઠલેલા વૃક્ષ’), સુમતિ ક્ષેત્રમાડે (‘આધાર’, ‘મૈથિલી’), મધ્યમવર્ગની સમસ્યાઓ પર પ્રકાશ પાડનાર માલતી દાંડેકર (‘માતૃમંદિર’, ‘તેજસ્વિની’), રસાળ શૈલીમાં લખનાર શાંતા શેળકે (‘વિઝતી જોત’, ‘સ્વપ્નતરંગ’), વિશાળ ફલક પર લખનાર ગો. નિ. દાંડેકર (‘શિતુ’, ‘પડઘવલી’, ‘પવનકાંઠચા ધોંડી’ ‘કુણા એકાચી ભ્રમણગાથા’), પ્રાદેશિક નવલકથાના સર્જક શ્રી. ના. પેંડસે (‘ગારંબીચા બાપુ’, ‘રથચક્ર’), ‘પુ. શી. રેગે (‘સાવિત્રી’), બા. સી. મર્ઢેકર (‘તાંબડી માતી’, ‘પાણી’), ગોપીનાથ તળવલકર (‘આકાશમંદિર’, ‘માલકંસ’), નવલકથા દ્વારા જીવનનો પરિચય કરાવતા લેખક ન. ચિં. કેળકર (‘કોકણચા પોર’), આતંકવાદી પાર્શ્વભૂમિ સાથે લખનાર ગો. લ. ઠોકળ (‘ગાવ ગુંડ’), જંગલવાસીઓના થતા શોષણ પર પ્રકાશ પાડનાર શં. રા. ભિસે (‘જંગલાતીલ છાયા’), જયવંત દળવી (‘ચક્ર’), ઝૂંપડપટ્ટીના લોકોની જીવનસમસ્યાઓ પર લખનાર મધુ મંગેશ કર્ણિક (‘માહિમચી ખાડી’), દેવદાસીઓના જીવન પર નવલકથા લખનાર બા. ભ. બોરકર (‘ભાવીણ’). ચરિત્રાત્મક નવલકથાઓના લેખકો રણજિત દેસાઈ (‘સ્વામી’, ‘શ્રીમાન યોગી’), શ્રી. જ. જોશી (‘આનંદી ગોપાળ’), સ્વાતંત્ર્યવીર સાવરકરના જીવન પર સંયુક્ત રીતે લખનાર ભા. દ. ખેર અને શૈલજા રાજે (‘યજ્ઞ’), લાલબહાદુર શાસ્ત્રીના જીવન પર લખનાર ભા. દ. ખેર (‘અમૃતપુત્ર’), મહાત્મા ગાંધીના જીવન પરની ‘પુત્ર માનવાચા’ નવલકથાનાં લેખિકા મૃણાલિની દેસાઈ, લોકમાન્ય ટિળકના જીવન પર ‘દુર્દમ્ય’ નવલકથા લખનાર ગંગાધર ગાડગીળ, સંત જ્ઞાનેશ્વરના જીવનચરિત્ર પર ‘મુંગી ઉડાલી આકાશી’ નવલકથા લખનાર પદ્માકર ગોવઇકર – આ નવલકથાકારોએ મરાઠી સાહિત્યની સમૃદ્ધિમાં ઉમેરો કર્યો છે.
વાર્તા અથવા નવલિકા સાહિત્ય : હરિ નારાયણ આપટે દ્વારા લિખિત (1890) ‘સ્ફુટ ગોષ્ટી’થી મરાઠીમાં આધુનિક ઢબના નવલિકા સાહિત્યપ્રકારની શરૂઆત થઈ છે. તે પૂર્વેની લોકવાર્તાઓ બાદ કરતાં બાકીની વાર્તાઓ અનૂદિત હતી, મૌલિક નહિ. હરિ નારાયણ આપટેએ મરાઠી નવલિકાને નવો આકાર આપ્યો. તે પછીના બે દાયકા (1890 –1910) દરમિયાન જેમણે નવલિકા પર હાથ અજમાવ્યો તેમના પર પણ આપટેની છાપ હતી. 1910માં ‘મનોરંજન’ સામયિકમાં સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે લખેલી વાર્તાઓને પ્રથમ વાર સ્થાન મળ્યું અને ત્યારથી આ સાહિત્યપ્રકાર લોકપ્રિય બનાવવામાં વિઠ્ઠલ સીતારામ ગુર્જરનો ફાળો મહત્વનો છે. તેમણે લખેલી 700 જેટલી વાર્તાઓમાં બોધપ્રધાનને બદલે મુખ્યત્વે રંજનાત્મક સ્વરૂપ છતું થયું છે.
નારાયણ હરિ આપટેએ હરિનારાયણ આપટેનો બોધપ્રધાન ર્દષ્ટિકોણ અને વી. સી. ગુર્જરની મનોરંજકતા આ બંનેનો સમન્વય કરી વાર્તાઓ લખી. શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકરે કલ્પનારમ્યતાને, શિવરામ મહાદેવ પરાંજપેએ ઉપહાસ અને કલ્પનાવિલાસને, ન. ચિ. કેળકરે માર્મિક પાત્રાલેખન અને વિનોદને, વામન મલ્હાર જોશીએ ચમત્કૃતિને તથા રામ ગણેશ ગડકરીએ અતિરેકી વિનોદને પોતાની વાર્તાઓમાં સ્થાન આપ્યું. 1926ના અરસામાં મરાઠીમાં સર્વાંગલક્ષી નવલિકાના કાલખંડની શરૂઆત થઈ, જેમાં 1926–40ના ગાળામાં કેટલાંક સામયિકોએ મહત્વનો ભાગ ભજવ્યો છે; દા.ત., ‘યશવંત’, ‘રત્નાકર’, ‘કિર્લોસ્કર’, ‘જ્યોત્સ્ના’, ‘પ્રતિમા’, ‘સમીક્ષક’ વગેરે. આ ગાળામાં જ મરાઠી વાર્તાને ‘લઘુકથા’ સંજ્ઞા મળી. ના. સી. ફડકેની વાર્તાઓમાં રચનાકૌશલ્ય અને લાલિત્યપૂર્ણ ભાષા; વિ. સ. ખાંડેકરની વાર્તાઓમાં સામાજિક આશય અને વાસ્તવિકતા; ય. ગો. જોશીની વાર્તાઓમાં સંવેદનશીલતા; અનંત કાણેકરની વાર્તાઓમાં જીવનની વિદારકતા મુખ્યત્વે જોવા મળે છે. આ વાર્તાકારો ઉપરાંત અ. વા. વર્ટી, રામ શિર્કે, વ્યંકટેશ પૈ, ર. વા. દિઘે, ગ. લ. ઠોકળ, વિ. સ. બર્વે, માધવરાવ બાગલ, મામા વરેરકર, વિ. દ. ઘાટે અને કમલાબાઈ દેશપાંડેએ પોતપોતાની વાર્તાઓમાં દલિતો અને ઉપેક્ષિતોની સમસ્યાઓને કેન્દ્રસ્થાન આપ્યું છે.
મરાઠીમાં વિનોદસભર વાર્તાઓના લેખકોમાં ચિં. વિ. જોશી, ય. ગો. જોશી, વિ. વિ. બોકિલ, વિ. આ. બુવા, આચાર્ય અત્રે, ના. ધોં. તામ્હણકર, વિ. મા. દિ. પટવર્ધન, પુ. લ. દેશપાંડે, રમેશ મંત્રી, જયવંત દળવી, બાળ સામંત, બાળ ગાડગીળ, પદ્માકર ડાવરે વગેરેનાં તથા સ્ત્રીજીવનની સમસ્યાઓનું વિશ્લેષણ કરતી વાર્તાઓનાં લેખકોમાં વિભાવરી શિરૂરકર (માલતી બેડેકર), કમલાબાઈ ટિળક, પિરોજ આનંદકર, કુમુદિની રાંગણેકર, માલતીબાઈ દાંડેકર, આનંદીબાઈ કિર્લોસ્કર, કમલા ફડકે, યોગિની જોગળેકર, શાંતા શેળકે, સુમતિ ક્ષેત્રમાડે, વસુંધરા પટવર્ધન, સ્નેહલતા દસનૂરકર વગેરે મોખરે રહ્યાં છે.
બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન મરાઠી નવલકથાના સ્વરૂપમાં પલટો આવ્યો અને તેમાં તત્કાલીન જીવનની વિશિષ્ટ સમસ્યાઓ અને અનુભવજન્ય ર્દષ્ટિકોણને વધુ મહત્ત્વનું સ્થાન મળ્યું. તેમાં. ગો. કે. ભટ, ઉમાકાંત ઠોમરે, શશિકાંત પુનર્વસુ, રા. ભિ. જોશી, પ્રભાકર પાધ્યે, વામનરાવ ચોરઘડે, કુસુમાવતી દેશપાંડે વગેરે ઉલ્લેખનીય રહ્યાં. 1945 પછીના ગાળામાં યંત્રયુગની સમસ્યાઓનો પડઘો પાડનાર વાર્તાકારોમાં અરવિંદ ગોખલે, ગંગાધર ગાડગીળ, પુ. ભા. ભાવે અને વ્યંકટેશ માડગૂળકર તથા તેમની કેડી પર ચાલીને વાર્તા લખનારાઓમાં દિ. બા. મોકાશી, સદાનંદ રેગે અને શ્રી. જ. જોશી અગ્રણી ગણાય. મધ્યમવર્ગની જીવનસમસ્યાઓ પર અચ્યુત બર્વે, રા. ભિ. જોશી, શં. ના. નવરે, ર. ગં. વિદ્વાંસ અને સ. આ. જોગળેકરે ધ્યાન ખેંચે તેવી વાર્તાઓ લખી છે. ગ્રામજીવન પ્રત્યેના વ્યંકટેશ માડગૂળકરના અભિગમનું અનુસરણ કરી વાર્તાઓ લખનારા લેખકોમાં દ. મા. મિરાસદાર, ઉદ્ધવ શેળકે, ગ. દિ. માડગૂળકર, શંકર ખરાત, અણ્ણાભાઊ સાઠે, ગો. નિ. દાંડેકર, મધુ મંગેશ કર્ણિક ઉલ્લેખનીય છે.
1960 અને ત્યારપછીના ગાળામાં મરાઠી નવલિકાક્ષેત્ર પર છવાઈ ગયેલાં વાર્તાકારોમાં જી. એ. કુલકર્ણી, ચિં. ત્ર્યં. ખાનોલકર, દિલીપ ચિત્રે, કમલ દેસાઈ અને વિજયા રાજ્યાધ્યક્ષ નોંધપાત્ર છે. એક જ પાત્રની આસપાસ કથાને ફેરવવાને બદલે સમૂહના મનોવ્યાપારના વિશ્લેષણ પર ઉપર્યુક્ત વાર્તાકારોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્ઞાનેશ્વર નાડકર્ણી, જયવંત દળવી, સરિતા પદકી, વ. પુ. કાળે જેવાં વાર્તાકારોએ પણ છેલ્લા છ દાયકા દરમિયાન મરાઠી વાર્તાક્ષેત્રે મહત્વનું યોગદાન કર્યું છે.
મરાઠી નવલકથાની જેમ મરાઠી નવલિકાના ક્ષેત્રમાં પણ દલિત સાહિત્યનું સર્જન થયું છે; જેમાં શંકર ખરાત, અણ્ણાભાઊ સાઠે, બાબુરાવ બાગલ, કેશવ મેશ્રામ, અર્જુન ડાંગળે, યોગીરાજ વાઘમારે, વામન હોબાળનો ફાળો મહત્વનો રહ્યો છે. આ બધાએ સાહિત્યના માધ્યમથી સ્થાપિત સમાજવ્યવસ્થા સામે વિદ્રોહ જગાડવાનો પ્રયાસ કર્યો છે.
નિબંધ : ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના અને અંગ્રેજી શિક્ષણ સાથે આવેલ અંગ્રેજી ભાષાના પ્રવાહને કારણે મહારાષ્ટ્રના લોકજીવન પર અને તેની વિચારસરણી પર જે અસર થઈ તેનું ચિત્ર ખડું કરવા માટે ઈ. સ. 1818ના અરસામાં નિબંધ સાહિત્યપ્રકાર મરાઠીમાં દાખલ થયો. તેના 1818–74ના પ્રથમ કાલખંડમાં સમાજસુધારણાને કેન્દ્રસ્થાને મૂકી નિબંધ લખનારાઓમાં બાળશાસ્ત્રી જાંભેકર, ભાઊ મહાજન, મહાત્મા ફુલે, લોકહિતવાદી, બાબા પદમજી, વિષ્ણુબુવા બ્રહ્મચારી, કૃષ્ણાશાસ્ત્રી ચિપળૂણકર અને રા. ભિ. ગુંજીકરના નિબંધો વખણાયા. 1874–1920ના બીજા કાલખંડમાં વિષ્ણુશાસ્ત્રી ચિપળૂણકર, ‘કેસરી’ના માધ્યમ દ્વારા લોકમાન્ય ટિળક, ‘સુધારક’ સામયિકના માધ્યમ દ્વારા ગોપાળ ગણેશ આગરકર, વાસુદેવશાસ્ત્રી ખરે, વિ. કા. રાજવાડે, શિવરામ મહાદેવ પરાંજપે, અચ્યુત બળવંત કોલ્હટકર, શ્રીધર વ્યંકટેશ કેતકર, ન. ચિં. કેળકર, સાને ગુરુજી, પંડિત સાતવળેકર, ગ. વિ. કેતકર, વીર સાવરકર, મહામહોપાધ્યાય કાણે, આચાર્ય જાવડેકર, તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી, વામન મલ્હાર જોશી, દત્તો વામન પોતદાર, ગ. ત્ર્યં. માડખોલકર, કાકાસાહેબ કાલેલકર, વિનોબા ભાવે, શ્રી. મ. માટે, પુ. ગ. સહસ્રબુદ્ધે, ઇરાવતી કર્વે, દુર્ગા ભાગવત, બાળશાસ્ત્રી હરદાસ, નરહર કુરુંદકર અને રા. ચિ. ઢેરે અગ્રણી ગણાય.
મરાઠીમાં વિવેચનાત્મક નિબંધ લખનારાઓમાં રા. શ્રી. જોગ, દ. કે. કેળકર, શ્રી. કે. ક્ષીરસાગર, પુ. લ. દેશપાંડે અને 1945 પછીના અરસાના બા. સી. મર્ઢેકર, પ્રભાકર પાધ્યે, ગંગાધર ગાડગીળ, શરચ્ચંદ્ર મુક્તિબોધ વગેરે નોંધપાત્ર રહ્યા.
સાચા અર્થમાં વિનોદી નિબંધ-લેખકોમાં શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકર, રામ ગણેશ ગડકરી, ના. ધોં. તામ્હણકર, આચાર્ય અત્રે, પુ. લ. દેશપાંડે, વિ. આ. બુવા, પુ. ભા. ભાવે અને રમેશ મંત્રી વિશેષ ઉલ્લેખનીય ગણાય.
લઘુનિબંધ : 1931ના અરસામાં અંગ્રેજી ‘પર્સનલ એસે’ના આધારે મરાઠીમાં લઘુનિબંધનો સાહિત્ય-પ્રકાર દાખલ કરવાનો જશ ના. સી. ફડકે અને વિ. સ. ખાંડેકરના ફાળે જાય છે. આગળ જતાં તેમાં પ્રયોગશીલ લઘુનિબંધકારનું બિરુદ પામેલા ગં. ભા. નિરંતર ઉપરાંત કુસુમાવતી દેશપાંડે, ર. ગો. દેસાઈ, વિ. પાં. દાંડેકર, રઘુવીર સામંત, ઇરાવતી કર્વે, દુર્ગા ભાગવત, વસુંધરા પટવર્ધન, વિંદા કરંદીકર, મ. ના. અદવંત, સરોજિની બાબર, શ્રીપાદ જોશી અને શિરીષ પૈ નોંધપાત્ર રહ્યાં છે.
પ્રવાસવર્ણન : અર્વાચીન મરાઠીનું પ્રથમ પ્રવાસવર્ણન તે ‘કાશીપ્રકાશ’ અથવા ‘મહાયાત્રાવર્ણન’ (લે. શામરાવ મોરોજી, 1852). શરૂઆતનાં પ્રવાસવર્ણનોમાં માત્ર સ્થળની માહિતી અને પ્રવાસવૃત્તાન્ત હતાં, પણ ત્યારબાદ રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાંઓ તેમાં દાખલ થયાં. 1852–2000 દરમિયાન આશરે 75–80 પ્રવાસવર્ણનો પ્રકાશિત થયાં છે; જેમાં વિષ્ણુભટ ગોડસેનું ‘માઝા પ્રવાસ અથવા સન 1857 સાલચ્યા બંડાચી હકીગત’ (1907); પંડિતા રમાબાઈનાં ‘ઇંગ્લૅંડચા પ્રવાસ’ (1883) અને ‘યુનાયટેડ સ્ટેટ્સચી લોકસ્થિતિ આણિ પ્રવાસવૃત્ત’ (1889); ન. ચિં. કેળકરનાં ચાર પ્રવાસવર્ણનો; હંસ સ્વામીનું ‘કૈલાસમાનસરોવરદર્શન’ (1910); મહામહોપાધ્યાય પાં. વા. કાણેનું ‘યુરોપચા પ્રવાસ’ (1938); કાકાસાહેબ કાલેલકરનું ‘લોકમાતા’ (1938); અનંત કાણેકરનું ‘ધુક્યાતૂન લાલ તારયાકડે’ (1940); ગો. ની. દાંડેકરનું ‘નર્મદેચ્યા તટાકી’ (1949); ગંગાધર ગાળગીળનું ‘ગોપુરાંચ્યા પ્રદેશાંત’ (1952); ‘જ્ઞાનેશ્વર નાડકર્ણીનું ‘વિલાયતી વારી’ (1959); અરવિંદ ગોખલેનું ‘અમેરિકેસ પાહાવે જાઉન’ (1959); પ્રભાકર પાધ્યેનાં ચાર પ્રવાસવર્ણનો; આચાર્ય અત્રેનું ‘સાહિત્યયાત્રા’, ‘ભ્રમંતી’ અને ‘કેલ્યાને દેશાટન’ (1961); રમેશ મંત્રીનું ‘થંડીચે દિવસ’ (1963); વસંત બાપટનું ‘બારા ગાવચં પાણી’ (1967); માધવ ગડકરીનું ‘મુંબઈ તે મૉસ્કો’ (1969); દિલીપ ચિત્રેનું ‘શીલા રાણીચ્યા શોધાંત’ (1970); પુ. લ. દેશપાંડેનું ‘અપૂર્વાઇ’ અને ‘જાવે ત્યાંચ્યા દેશા’ (1974) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.
બાલસાહિત્ય : તંજાવુર રાજ્યના રાજા સરફોજીએ સખ્ખન (સારસ્વત) પંડિત દ્વારા 1806માં ઈસપની વાર્તાઓનું મરાઠીમાં ભાષાંતર કરાવેલું તે મરાઠીના બાલસાહિત્યનું પ્રથમ સોપાન ગણાય. ત્યારબાદ અન્ય ભાષાઓમાંથી બાલસાહિત્યનાં પુસ્તકોનો અનુવાદ; બાલસાહિત્યના મૌલિક ગ્રંથોનું પ્રકાશન; ખાસ બાલવાચકો માટે સામયિકોનું પ્રકાશન; બાળકો માટે પાઠ્યપુસ્તકો તૈયાર કરવાં; આદર્શ મહાપુરુષોનાં બોધપ્રદ ચરિત્રોનું પ્રકાશન; નવલકથા ઇત્યાદિની સંક્ષિપ્ત આવૃત્તિઓનું પ્રકાશન; બાલવાર્તાઓ, શિશુકાવ્યો, નાટકો, નિબંધો ઇત્યાદિનું પ્રકાશન; બાલનાટકોની રંગભૂમિની સ્થાપના અને તેના દ્વારા બાલનાટકોની તખ્તા પર રજૂઆત વગેરે પ્રવૃત્તિઓ છેલ્લી બે સદીઓ (1806–2000) દરમિયાન સતત ચાલતી રહી છે. બાલસામયિકોમાં ‘બાલબોધ’ (1861–1915), ‘આનંદ’ (1906–52), ‘ખેળગડી’, ‘શાળાપત્રક’, ‘બાલમિત્ર’, ‘કુમાર’, ‘કિશોર’, ‘ટારઝન’, ‘ક્રીડાંગણ’, ‘બાલવિકાસ’, ‘ઉપમન્યુ’, ‘બીરબલ’, ‘ગોકુળ’, ‘બાલશક્તિ’ અને ‘ચાંદોબા’ ઉલ્લેખનીય છે. મરાઠી બાલસાહિત્યમાં જેમનો ફાળો મહત્વનો છે તેમાં વા. ગો. આપટે, વિનાયક ધોંડો કર્વે,
ના. વા. ટિળક, બાલકવિ ઠોમરે, મહાદેવશાસ્ત્રી જોશી, હરિનારાયણ આપટે, ગોપીનાથ તળવલકર, ચિં. વિ. જોશી, સાને ગુરુજી, તારાબાઈ મોડક, વા. ગો. માયદેવ, ભવાનીશંકર પંડિત, વામન ચોરધડે, આનંદરાવ ટેકાડે, ભા. રા. તાંબે, વિ. દ. ઘાટે, માલતીબાઈ દાંડેકર, સંજીવની મરાઠે, પિરોજ આનંદકર, યદુનાથ થત્તે, ચારુશીલા ગુપ્તે, સરોજિની બાબર, શૈલજા રાજે, સરિતા પદકી, શાંતા શેળકે, ભાલબા કેળકર, અમરેન્દ્ર ગાડગીળ, બ. મો. પુરંદરે, કુમુદિની રાંગણેકર, સુમતિ પાયગાંવકર, રત્નાકર મતકરી, શિરીષ પૈ, પુ. લ. દેશપાંડે, વિંદા કરંદીકર, મંગેશ પાડગાંવકર, કવિ કુસુમાગ્રજ, શેષ દામલે, ગ. દિ. માડગૂળકર વગેરે ઉલ્લેખનીય છે. તદ્દન નાની ઉંમરનાં બાળકો માટે કવિ કુસુમાગ્રજે મરાઠીના દરેક મૂળાક્ષર પર એક એવી કાવ્યરચનાઓનો સંગ્રહ ‘અક્ષરબાગ’ તૈયાર કર્યો છે (પ્રકાશન : માર્ચ 1999).
બાલનાટ્યક્ષેત્રે કામગીરી કરનારાંઓમાં રામ ગણેશ ગડકરી, આચાર્ય અત્રે, ભાલબા કેળકર, સુધા કરમરકર (‘લિટલ થિયેટર’નાં સ્થાપક, 1959), રત્નાકર મતકરી (મુંબઈની બાલનાટ્ય સંસ્થાના સ્થાપક, 1961), શ્રીધર રાજગુરુ (શિશુરંજન સંસ્થાના કર્ણધાર), માધવ વઝે અને પુરુષોત્તમ દારવ્હેકર ઉપરાંત બાલમોહન નાટક કંપની, મુંબઈ નોંધપાત્ર છે.
ચરિત્ર–આત્મચરિત્ર : મરાઠીમાં મહાનુભાવ પંથના સંસ્થાપક ચક્રધરના જીવન પર લખાયેલું ‘લીળાચરિત્ર’ પ્રથમ ચરિત્ર છે. ત્યારબાદ અત્યાર સુધીનાં ઘણાં મહાપુરુષો, સંતો, સાહિત્યકારો, દરિયાખેડુઓ, રાજકીય નેતાઓ, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઇતિહાસકારો, વીરપુરુષો, વીરાંગનાઓ, સંશોધકો વગેરેનાં ચરિત્રો લખાયાં છે.
આત્મચરિત્રોમાં દાદોબા પાંડુરંગ તર્ખડકર, રમાબાઈ રાનડે, વિષ્ણુબુવા બ્રહ્મચારી, લક્ષ્મીબાઈ ટિળક, મહર્ષિ કર્વે, ધર્માનંદ કોસાંબી, ન. વિ. ગાડગીળ, રૅંગ્લર ર. પુ. પરાંજપે, વિઠ્ઠલ રામજી શિંદે, શાંતા આપટે અને વ્હી. શાંતારામનાં આત્મકથનો નોંધપાત્ર છે.
વિવેચન : મરાઠીમાં વિવેચન-સાહિત્યની શરૂઆત અંગ્રેજી શાસનકાળ દરમિયાન થયેલી. ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ પ્રકારની વિવેચનપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે : (1) ગ્રંથ રૂપે વિવેચન, (2) નિબંધ રૂપે વિવેચન, (3) પાશ્ચાત્ય વિવેચનગ્રંથોનો મરાઠીમાં અનુવાદ.
ગ્રંથ રૂપે થયેલા વિવેચનમાં ‘રસમાધવ’ (લે. દાજી પ્રધાન, 1868); ‘સાહિત્યશાસ્ત્ર’ (લે. ગણેશશાસ્ત્રી લેલે, 1872); ‘સુભાષિત આણિ વિનોદ’ (1908) અને ‘હાસ્યવિનોદમીમાંસા’ (1937) (બંનેના લે. ન. ચિં. કેળકર); ‘મહારાષ્ટ્રીયાંચે કાવ્યપરીક્ષણ’ (1928) (લે. શ્રીધર વ્યંકટેશ કેતકર); ‘સાહિત્ય આણિ સમાજજીવન’ (1935) (લે. લાલજી પેંડસે); ‘અભિનવ કાવ્યપ્રકાશ’ (1930); ‘સૌંદર્યશોધ આણિ આનંદબોધ’ (1943) અને ‘કાવ્યવિભ્રમ’ (1951) (ત્રણેના લે રા. શ્રી. જોગ); ‘કાવ્યાલોચન’ (1931) (લે. દ. કે. કેળકર); ‘રસવિમર્શ’ (લે. કે. ના વાટવે, 1942); ‘વાઙ્મયીન મહાત્મતા’ (1941) અને ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (1955) (બંનેના લે. બા. સી. મર્ઢેકર); ‘નવી મૂલ્યે’ (1946) (લે. પુ. ય. દેશપાંડે); ‘ખડક આણિ પાણી’ (1960), ‘સાહિત્યાચે માનદંડ’ (1962), ‘પાણ્યાવરચી અક્ષરે’ (1979) અને ‘આજકાલચે સાહિત્યિક’ (1980) (ચારેયના લે. ગંગાધર ગાડગીળ); રૂપવાદી સૌંદર્યમીમાંસા કરતો ‘છાંદસી’ (લે. પુ. શિ. રેગે); ‘સાહિત્ય : નિર્મિતિ આણિ સમીક્ષા’ (1954) (લે. દિ. કે. બેડેકર); ‘સાહિત્યવિચાર’ (1964) (કુસુમાવતી દેશપાંડે); ‘રસાસ્વાદ’ (1972) અને ‘જાસ્વંદ’ (1974) (બંનેના લે. માધવ અચવલ); ‘પોત’ (1963) અને ‘શક્તિસૌષ્ઠવ’ (1972) (બંનેના લે. દ. મ. ગોડસે); ‘કલેચી ક્ષિતિજે’ (1977) અને ‘સૌંદર્યાનુભવ’ (1979) (બંનેના લે. પ્રભાકર પાધ્યે); ‘સૃષ્ટિ, સૌંદર્ય આણિ સાહિત્ય’ (લે. શરચ્ચંદ્ર મુક્તિબોધ); ‘આધુનિક મરાઠી સાહિત્યાચી સમીક્ષા વ રસસિદ્ધાંત’ (1972) (લે. તર્કતીર્થ લક્ષ્મણશાસ્ત્રી જોશી); ‘રસગ્રહણ – કલા અને સ્વરૂપ’ (1973) (લે. ગો. મ. કુલકર્ણી); ‘અંધારયાત્રા’ (1968) (લે. ત્ર્યં. વ. સરદેશમુખ); ‘દીપસ્તંભ’ (1791) (લે. લ. ગ. જોગ); ‘મરણ આણિ વેલબુટ્ટી’ (લે. મ. દ. હાતકળંગલેકર); ‘નિળે પાણી’ (1982) (લે. રા. ગ. જાધવ); ‘ધાર આણિ કાઠ’ (1971) (લે. નરહર કુરુંદકર) – આ બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવેચનનિબંધોમાં વિષ્ણુશાસ્ત્રી ચિપળૂણકર, હરિનારાયણ આપટે, શ્રીપાદ કૃષ્ણ કોલ્હટકર, વિ. સ. ખાંડેકર, ના. સી. ફડકે, ન. ચિં. કેળકર, વામન મલ્હાર જોશી, વા. લ. કુળકર્ણી, દિલીપ ચિત્રે, અશોક શહાણે; દલિત સાહિત્યની સમીક્ષા કરનાર લેખકોમાં ગો. મા. પવાર, મ. ના. વાનખડે, મ. ભિ. ચિટણીસ અને બાબુરાવ બાગુલ જેવાનો સમાવેશ થાય છે.
પાશ્ચાત્ય વિવેચનગ્રંથોના મરાઠી અનુવાદોમાં ‘ઍરિસ્ટૉટલચે કાવ્યશાસ્ત્ર’ (અનુ. ગો. વિ. કરંદીકર, 1978), ‘ક્રોચેચે સૌંદર્યશાસ્ત્ર : એક ભાષ્ય’ (અનુ. શ. ભા. પટવર્ધન, 1974), ‘કાંટચી સૌંદર્યમીમાંસા’ (અનુ. રા. ભા. પટવર્ધન, 1977), ‘સાહિત્યસિદ્ધાંત’ (રેને વેલેક અને ઑસ્ટિન વૉરન લિખિત ‘થિયરી ઑવ્ લિટરેચર’ ગ્રંથનો અનુ. સ. ગ. માલશે દ્વારા, 1982)નો સમાવેશ થાય છે.
વૃત્તપત્રો અને સામયિકો : ‘દર્પણ’ મરાઠીનું પ્રથમ વૃત્તપત્ર (1832). ત્યારથી અત્યાર સુધીમાં જે દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોએ મરાઠી સાહિત્યના વિકાસમાં ફાળો આપ્યો છે તેમાં ‘દર્પણ’ ઉપરાંત ‘દિગ્દર્શન’ (1837), ‘પ્રભાકર’ (1841), ‘જ્ઞાનોદય’ (1842), ‘જ્ઞાનસિંધુ’ (1842), ‘મિત્રોદય’ (1844), ‘જ્ઞાનપ્રકાશ’ (1849), ‘જ્ઞાનપ્રસારક’ (1850), ‘વિચારલહરી’ (1852), ‘ધૂમકેતુ’ (1853), ‘જ્ઞાનદર્શન’ (1854), ‘શાલાપત્રક’ (1861), ‘વૃત્તપ્રકાશ’ (1862), ‘ઇંદુપ્રકાશ’ (1862), મરાઠી-અંગ્રેજી ‘નેટિવ ઓપિનિયન’ (1863), ‘અરુણોદય’ (1866), ‘વિવિધજ્ઞાનવિસ્તાર’ (1867), પ્રાર્થનાસમાજનું મુખપત્ર ‘સુબોધપત્રિકા’ (1873), ‘કિરણ’ (1877), ‘નિબંધમાલા’ (1874), ‘કેસરી’ (1881), ‘સુધારક’ (1887), ‘વાર્તાહર’ (1889), ‘કરમણૂક’ (1896), ‘કાળ’ (1898), ‘જ્ઞાનપ્રકાશ’ (1904), ‘મુમુક્ષુ’ (1905), ‘હિતવાદ’ (1910), ‘મૌજ’, ‘ધનુર્ધારી’, ‘કાદંબરી’, ‘કલ્પદ્રુમ’, ‘આનંદ’, ‘વિદ્યાર્થી’, ‘રાષ્ટ્રોદય’, ‘ચિત્રમય જગત’; દૈનિકોમાં ‘લોકમાન્ય’ (1921 સહિયારી મૂડી દ્વારા શરૂ થયેલ પ્રથમ દૈનિક), ‘નવાકાળ’ (1923), ‘લોકશક્તિ’ (1939), ‘નવશક્તિ’ (1934), ‘પ્રભાત’ (1935), ‘તરુણ ભારત’ (1944) વિશેષ ઉલ્લેખનીય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે