જેન્ટલ, આર. એસ. (જ. 22 સપ્ટેમ્બર 1922, દિલ્હી; અ. 25 સપ્ટેમ્બર 1981) : હૉકીના ભારતીય ખેલાડી. પૂરું નામ રણધીરસિંહ જેન્ટલ. શરૂઆતમાં દિલ્હીની ઇન્ડિપેન્ડન્ટ સ્પૉર્ટ્સ ક્લબ તરફથી રમતા હતા. 1942માં દિલ્હી તરફથી રાષ્ટ્રીય હૉકી પ્રતિયોગિતામાં ભાગ લીધો અને દિલ્હીને રાષ્ટ્રીય વિજેતા બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો. 1944થી 1947 સુધી દિલ્હીનું પ્રતિનિધિત્વ અને 1946માં ટીમનું નેતૃત્વ પણ કર્યું. 1947માં મુંબઈની ટાટા સ્પૉર્ટ્સ ક્લબમાં જોડાયા. દુનિયાના શ્રેષ્ઠ ફૂલબૅક ખેલાડી તરીકે ભારત તરફથી 3 ઑલિમ્પિક રમતોત્સવો – 1948માં (લંડન), 1952માં (હેલસિંકી) અને 1956માં (મેલબર્ન)–માં ભાગ લીધો અને ભારતને સુવર્ણચંદ્રક અપાવવામાં મદદ કરી. સતત 3 ઑલિમ્પિક રમતોત્સવોમાં ભાગ લઈ સુવર્ણચંદ્રકવિજેતા ટીમના સભ્ય હોવું તે ગણનાપાત્ર સિદ્ધિ લેખાય. તે પેનલ્ટી કૉર્નર લેવામાં કુશળતા ધરાવતા હતા. 1956ના
ઑલિમ્પિક રમતોત્સવમાં તેમણે કુલ 6 ગોલ કર્યા. તેમાં પાકિસ્તાન સામે અંતિમ મૅચમાં નિર્ણાયક ગોલ પણ તેમણે જ કર્યો. આ ઉપરાંત, તેમણે ભારતની ટીમ સાથે પૂર્વ આફ્રિકા, સિંગાપોર, ન્યૂઝીલૅન્ડ, મલાયા વગેરે દેશોની પણ મુલાકાત લીધી. આશરે 20 જેટલી રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લીધો. ફૂટબૉલના પણ તેઓ ખૂબ સારા ખેલાડી હતા. ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા પછી 1966ના બૅંગકૉક એશિયન રમતોત્સવમાં ભારતીય ટીમના રાહબર (coach) બન્યા અને 1973માં ઍમ્સ્ટર્ડૅમ ખાતેના બીજા હૉકી વિશ્વકપ માટે ભારતીય ટીમના સંચાલક રહ્યા. મલાયા અને સ્પેનની હૉકી ટુકડીના પણ તેઓ રાહબર બન્યા. રણધીરસિંહ જેન્ટલ આંતરરાષ્ટ્રીય સ્તરે હૉકીના અમ્પાયર પણ હતા.
પ્રભુદયાલ શર્મા