મરચન્ટ, વિજય (જ. 12 ઑગસ્ટ 1911, મુંબઈ; અ. 27 ઑક્ટોબર 1987, મુંબઈ) : ભારતના શક્તિશાળી અને ઉત્કૃષ્ટ ટૅકનિક ધરાવતા ઓપનિંગ ટેસ્ટખેલાડી, સફળ ક્રિકેટ-સમીક્ષક અને ઉદ્યોગપતિ. નેત્ર-આહલાદક ડ્રાઇવ્ઝ, વૈશિષ્ટ્યપૂર્ણ સ્ક્વેર કટ્સ અને લેગ કટ્સ માટે સુવિખ્યાત એવા માનવતાવાદી ટેસ્ટ-ક્રિકેટર વિજય માધવજી મરચન્ટનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. એમની અટક ઠાકરસી હતી, પણ નિશાળમાં લખાયેલી મરચન્ટ અટકથી તેઓ જાણીતા થયા.
જમોડી બૅટ્સમૅન વિજય મરચન્ટે 1929થી 1946 દરમિયાન મુંબઈમાં રમાતી ચતુરંગી અને પચરંગી ક્રિકેટ-સ્પર્ધાઓમાં હિન્દુ ટીમ તરફથી ભાગ લીધો હતો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1929થી 1951 સુધી રમીને તેમણે 43 સદીઓ સાથે 72.74ની બૅટિંગ સરેરાશથી કુલ 12,876 રન નોંધાવ્યા હતા.
વિજય મરચન્ટે 1933થી 1952 દરમિયાન મુંબઈ તરફથી રણજી ટ્રૉફીમાં રમીને માત્ર 47 દાવમાં 98.35ની બૅટિંગ સરેરાશથી 16 સદીઓ સાથે કુલ 3,639 રન નોંધાવ્યા હતા. 1943માં મહારાષ્ટ્ર સામે તેમણે અણનમ 359 રનનો પોતાની ક્રિકેટ-કારકિર્દીનો સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો હતો. 1944–45માં હોલકર સામે તેમણે 278 રન અને 1945–46માં સિંધ સામે અણનમ 234 રન તથા 1944માં વેસ્ટર્ન ઇન્ડિયાની ટીમ સામે 217 રન નોંધાવ્યા હતા.
રણજી ટ્રૉફી સ્પર્ધામાં તેમણે લાગલગાટ ચાર સદીઓ નોંધાવી હતી : 1938માં વડોદરા સામે અણનમ 143, સિંધ સામે 120, 1939માં નવાનગર સામે 140 અને 1940માં મહારાષ્ટ્ર સામે 109.
1933–34માં પહેલી વાર વિજય મરચન્ટે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે મુંબઈ ખાતેની ટેસ્ટમાં ટેસ્ટપ્રવેશ મેળવ્યો હતો. 1936 અને 1946ના ઇંગ્લૅન્ડ પ્રવાસમાં તેઓ સૌથી વધુ સફળ ભારતીય બૅટ્સમેન રહ્યા હતા. 1936ના ઇંગ્લૅન્ડ પ્રવાસમાં 55.32ની બૅટિંગ સરેરાશથી તેમણે કુલ 1,745 રન અને ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટશ્રેણીમાં 47.00ની સરેરાશથી 282 રન નોંધાવ્યા હતા. માંચેસ્ટરમાં ઓલ્ડ ટ્રૅફર્ડના મેદાન પર ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટમાં 114 રન નોંધાવ્યા હતા. 1946માં ભારતના ઉપકપ્તાન તરીકે વિજય મરચન્ટે 74.53ની સરેરાશથી 7 સદીઓ સાથે કુલ 2,385 (જેમાં બે બેવડી સદીઓ – લૅન્કેશાયર સામે અણનમ 245 અને સસેક્સ સામે 205 – નો સમાવેશ થાય છે) નોંધાવ્યા હતા. ટેસ્ટશ્રેણીમાં વિજય મરચન્ટે 49.00ની સરેરાશથી કુલ 245 રન નોંધાવ્યા હતા. વરસાદના વિઘ્ન વચ્ચે ઓવલ ખાતે ત્રીજી ટેસ્ટમાં તેમણે ર્દઢ સંકલ્પભરી રમતથી 128 રન નોંધાવ્યા હતા. 1951–52માં દિલ્હી ખાતે ઇંગ્લૅન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં તેમણે 154 રન નોંધાવીને વિજય હજારે સાથે ત્રીજી વિકેટની 211 રનની ભાગીદારી નોંધાવી હતી.
1933થી 1952 સુધીમાં 10 ટેસ્ટમૅચોમાં વિજય મરચન્ટે 3 સદી સાથે 47.72ની સરેરાશથી કુલ 859 રન નોંધાવ્યા હતા અને 7 કૅચ ઝડપ્યા હતા. 1947–48માં ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું, પણ અસ્વસ્થ તબિયતને કારણે તેમણે અસ્વીકાર કર્યો હતો.
1937–38માં લૉર્ડ ટેનિસનની ટીમ સામે, 1945માં ઑસ્ટ્રેલિયન સર્વિસિઝ ટીમ સામે અને કૉમનવેલ્થ ટીમ સામે રમાયેલી બિનસત્તાવાર ટેસ્ટમૅચોમાં વિજય મરચન્ટે ભારતીય ટીમનું સુકાનીપદ સંભાળ્યું હતું. કોલકાતામાં ઑસ્ટ્રેલિયન સર્વિસિઝ ટીમ સામે 155 રન અને ચેન્નઈમાં કૉમનવેલ્થ ટીમ (દ્વિતીય) સામે 107 રનની ભવ્ય રમત બતાવી હતી.
તેઓ એક કુશળ વહીવટકર્તા અને પ્રખર લેખક, વિવેચક તથા રેડિયો-કૉમેન્ટેટર હતા. જિંદગીનાં 38 વર્ષ સુધી ક્રિકેટરૂપ પત્ની સાથે સંસાર માંડનારા વિજય મરચન્ટે મોટી ઉંમરે લગ્ન કર્યાં હતાં. જીવનમાં અને ક્રિકેટમાં કડક શિસ્ત પાળી હતી. તેમણે કદી પણ ફિલ્મ જોઈ નહોતી. 1946માં ‘શ્રેષ્ઠ ક્રિકેટર’ તરીકે ‘વિઝડન’માં તેઓ સ્થાન પામ્યા હતા. ઑલ-ઇન્ડિયા સ્પૉર્ટ્સ કાઉન્સિલના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સફળ કામગીરી બજાવી હતી.
જગદીશ બિનીવાલે